1.31 - હવામાં – પથ્થરમાં / હર્ષદ ત્રિવેદી
હવામાં એ જ શ્રદ્ધાથી ફરકવા મૂકું છું,
ભલે પથ્થરમાં કોરાયું, પીછું એ પીછું છે.
કોઈએ રણ ઉછેરીને હાથમાં દીધું છે,
બધીયે હસ્તરેખાઓ વિહરવા મૂકું છું.
ખબર ક્યાં છે ક્યું પગલું અટકવા મૂકું છું,
છે રસ્તો સાવ સીધો, પણ ગણિત ક્યાં સીધું છે?
શરત ‘મ્હોરી જવું' એ છે, ચોકમાં બીડું છે,
કોઈ ગુલમ્હોરી મન માટે, ઝડપવા મૂકું છું.
હું જાણી જોઈને આંખે ખટકવા મૂકું છું,
છે અફવા એવી કે સપનું રંગનું લીલું છે.
હવે વરસાદ ક્યાં વરસાદ છે? ફક્ત ટીપું છે,
અને હું દેહ આખાને પલળવા મૂકું છું.
0 comments
Leave comment