1.32 - ભાથામહીં / હર્ષદ ત્રિવેદી
લક્ષ્યવેધી બાણ છે ભાથામહીં,
સાવ કચ્ચરઘાણ છે ભાથામહીં.
કોણ ક્યારે, કોણને વીંધી જશે ?
છિન્ન સહુ સંધાણ ભાથામહીં.
તીરમાંથી તીર તગતગતાં મળે,
કંઈ ગજબ ઘમસાણ છે ભાથામહીં.
ધ્યેય તો અકબંધ છે ને ધ્વંસ આ,
અંત લોહીઝાણ છે ભાથામહીં.
દાનમાં દીધેલ અંગૂઠો કહે –
આંગળીની આણ છે ભાથામહીં.
કઈ રીતે જાવું હિમાળો ગાળવા ?
એક સળગતો ભાણ છે ભાથામહીં.
0 comments
Leave comment