1.34 - અનુષંગ (વસંતતિલકા) / હર્ષદ ત્રિવેદી
આ હાથમાં વિફળ જંગ લઈ ફરું છું,
ને ચુસ્ત, શસ્ત્ર નિત તંગ લઈ ફરું છું.
કેવી રીતે નિરસતા રસપૂર્ણ ભાસે ?
એ દ્વંદ્વમાં રસ સળંગ લઈ ફરું છું.
આશ્લિષ્ટ છું સતત તોય અચિંત્ય ભાવે,
હું તો સદા અચલ રંગ લઈ ફરું છું.
ના સ્વેદ કે ન મળતું નિજ સ્પર્શ જેવું,
સાદ્યંત હું બરડ અંગ લઈ ફરું છું.
શું ફક્ત હું ઘરઘરાઉ પ્રતીપતાથી,
વૈષમ્યને અથ અઠંગ લઈ ફરું છું ?
લાગું અપર્ણ તરુ માફક આજ, તોયે
હું તો અનેક અનુષંગ લઈ ફરું છું !
0 comments
Leave comment