1.36 - યુવાન વિધવાના વિવાહની ગઝલ-૧ / હર્ષદ ત્રિવેદી


ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે,
ફરીને બાંધતાં તોરણ ઘણી તકલીફ લાગે છે.

પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો'તો,
હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.

સદા કરતા હતા જે મોરલા ગહેકાટ વણથંભ્યા,
હવે બોલી શકે છે પણ ઘણી તકલીફ લાગે છે.

નથી ઉલ્લાસ આંખોનો નથી આધાર હૈયાનો,
હવે કરતાં નવું કામણ ઘણી તકલીફ લાગે છે.

હજુ ખનખન અવાજ ઓરડે પોઢ્યા નથી ત્યાં તો –
ફરીથી પ્હેરતાં કંકણ ઘણી તકલીફ લાગે છે.

સ્મરણના મ્હેલના જલતા બધા દીપક બુઝાવીને,
શરમથી ઢાળતાં પાંપણ ઘણી તકલીફ લાગે છે.


0 comments


Leave comment