1.37 - યુવાન વિધવાના વિવાહની ગઝલ-૨ / હર્ષદ ત્રિવેદી
આંખ્યુંના ઉલ્લાળે સહિયર ઢોલ ઢબૂકે,
હૈયાના હિમાળે સહિયર ઢોલ ઢબૂકે.
બંધ હતી તે વાગી બંસી વર્ષો કેડે,
ખાલી મનના માળે સહિયર ઢોલ ઢબૂકે.
મહેલ હતો યાદોનો ઠંડોગાર રહેતો,
અણજાણ્યા હૂંફાળે સહિયર ઢોલ ઢબૂકે.
ખનખન કરતાં કંકણ છે પણ લાગે છે કે –
એના અંતરિયાળે સહિયર ઢોલ ઢબૂકે.
ઢોલ ઢબૂકે, ઢોલ ઢબૂકે, ઢોલ ઢબૂકે,
ડુંગરના હેઠળે સહિયર ઢોલ ઢબૂકે.
આંગણ મારું મલકી ઊઠી પૂછે છે કે –
ક્યાંથી ભર ઉનાળે સહિયર ઢોલ ઢબૂકે ?
0 comments
Leave comment