1.38 - આ હથેળીમાં / હર્ષદ ત્રિવેદી
કાચને ચોળ્યા કરું છું આ હથેળીમાં સતત,
રક્તને જોયા કરું છું આ હથેળીમાં સતત
રાતની હું કલ્પના કરતો નથી, કારણ કહું ?
ચાંદને જોયા કરું છું આ હથેળીમાં સતત.
પથ્થરો પીધા કરું છું લાગણીના વ્હેમમાં,
ઝાંઝવાં ટપક્યાં કરે છે આ હથેળીમાં સતત.
કોઈ મારા હાથમાં રેખા નવી પાડો હવે,
એમને ઝંખ્યા કરું છું આ હથેળીમાં સતત.
બંધ થઈ શકતી નથી મુઠ્ઠી હવે આ કેમ કે –
કંઈ નવું ફૂટ્યા કરે છે આ હથેળીમાં સતત.
0 comments
Leave comment