1.40 - હતાં / હર્ષદ ત્રિવેદી
ઈખના કૂચાની માફક આપણે નીરસ હતાં,
સાવ ખાલી ફ્રેમ જેવાં આપણે માણસ હતાં.
ભીંતમાં લાગી ગયો લૂણો અને ઉધઈ થઈ,
તું કહે નહિતર કદી ક્યાં આપણે બોગસ હતાં?
સ્હેજ આવી ગંધ માણસની અને પાગલ બન્યાં,
આ સમયના મ્હેલમાં શું આપણે રાક્ષસ હતાં?
એ જ કારણથી પવન થંભ્યો હશે, થોભ્યો હશે,
કાચના પોટા વિનાનું આપણે ફાનસ હતાં.
શાહમૃગ થઈ રેતમાં મોઢું ન છૂપાવ્યું તમે,
કોઈ રણ મોઝાર હર્ષદ આપણે સારસ હતાં.
ઈખના કૂચાની માફક આપણે નીરસ હતાં,
સાવ ખાલી ફ્રેમ જેવાં આપણે માણસ હતાં.
0 comments
Leave comment