1.41 - છેવટે / હર્ષદ ત્રિવેદી


ક્યાંય સંકોચન નથી પ્રસરણ નથી,
હું સ્થગિત છું એટલે અડચણ નથી.

સ્વપ્નનો ભંગાર ટાંગ્યો ટોડલે,
એટલે તો બારણે તોરણ નથી.

રોજ ભીનું થાય છે નિશ્વાસથી,
સાવ સુક્કુંભઠ્ઠ કૈં આંગણ નથી.

છેવટે બે-ચાર આંસુ દો મને,
કેમ કે આ આંખમાં કૈં પણ નથી.

રાત આખી જાગવાની ટેવ છે,
વેદનાનું એકલું કારણ નથી.


0 comments


Leave comment