1.46 - મારા હાથમાં / હર્ષદ ત્રિવેદી
લાલચટ્ટક રંગ મેંદીનો છે મારા હાથમાં
કે પછી કોઈએ મૂક્યો છે હાથ મારા હાથમાં ?
ભાગ્ય મારું કોઈ જોવાનું ન સાહસ ખેડશો,
ખીણ જેવી હસ્તરેખાઓ છે મારા હાથમાં,
એ હકીકત છે મળી'તી એક ક્ષણ મુજનેય પણ,
પણ, સમય ચાલ્યો ગયો ને મ્હેક મારા હાથમાં.
કોઈ મારી ઝંખના પૂરી થવા દેતું નથી,
હાથ દેખાડીને મૂકે થોર મારા હાથમાં.
રોજ ઢગલાબંધ ઘટનાઓ બને છે તે છતાં,
એક પણ એવી નથી જે હોય મારા હાથમાં.
એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું,
શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં ?
0 comments
Leave comment