2.1 - વિજનપથે નિજલડત...૧ / હર્ષદ ત્રિવેદી
(શિખરિણી)
(એક)
તમારાં છોડીને ઘર, નગર ને સૌ વળગણો,
બધાં સંદર્ભોથી અલગ, બસ હું સાવ અળગો;
ફરીથી ના કોઈ પરિચિત મળે એ જ રટણા
લઈને મુઠ્ઠીમાં, વિજન વગડે જાઉં ધસતો !
ઘણીયે યાદોનાં સતત વરસ્યાં વાદળ ભલે,
છતાં હું તો કોરો નખશિખ રહ્યો સર્વ સમયે;
ઝબોળી લીધો ના સમથલ ભરેલા સરવરે
જરી અંગૂઠોયે, ધખધખ ભલે ધૂળ ધધખે !
હશે બીજું કૈં ના નિજલડતનો થાક જ હશે,
થતાં થોડાં ભારે ચરણ પણ ધીમે જ ઊપડે;
બધું ભૂલ્યો તોયે સળવળ કશી ભીતર મહીં
હવે હું ક્યાં ચાલું ? અવિરતપણે મારગ ધરે !
થતું: ‘મારા પ્હેલાં દડમજલ આ કોણ કરતું?'
જરા જોયું ત્યાં તો – તગતગ તમારાં જ પગલાં !
0 comments
Leave comment