2.2 - વિજનપથે નિજલડત...૨ / હર્ષદ ત્રિવેદી


(શિખરિણી)
(બે)

મને યાદા'વે છે અનુક્ષણ હવે એ જ પગલાં,
નિહાળ્યાં'તાં જેને વળી વળી કદી જે નજરથી
હવે એ આંખોમાં અઢળક તિરાડો ઊછરતી !

નથી કૈં એવું કે – રગ રગ મહી વ્હેંત ઊછળું,
તમારી સાથેના સહુ દિવસ ને રાત સઘળું
અહીં થંભી રહેતું, તનબદનથી હું જ તનહા !

સિતારી મૂંગી છે ઝણણ કરતી ના જરીય તે,
બધું અષ્ટંપષ્ટં સમજ પડતી ના કશીય તે;
ઘરોબાને સ્થાને અવઢવભર્યો આ અવળકો ?

અકસ્માતે ભેગાં ફરીફરી થવું એ જ ઘટના,
બને વારે વારે, ખળભળ મચે એ જ ધખના;
અને જાગે પાછાં વિફળ સપનાં, કિન્તુ અહીં તો –

બધા મારા શ્વાસો, ત્વરિતગતિએ દોટ મૂકતા,
છતાં હું જીવું છું, ગતસમયના કો’ વમળમાં !


0 comments


Leave comment