2.3 - વિજનપથે નિજલડત...૩ / હર્ષદ ત્રિવેદી


(શિખરિણી)
(ત્રણ)

હજી હું જીવું છું ગતસમયના એ વમળમાં,
મળ્યાં પ્હેલુંવ્હેલું ‘ઘર-ઘર' રમ્યાં એ જ ઘરમાં;
અજાણ્યું ને જાણ્યું બધું ય વળગ્યું એક ક્ષણમાં.
વિતેલી વેળાને સ્થિતિવશ ગણો કૈં પણ ગણો,
મને ફાવી ગ્યું છે સહજ શ્વસવું મ્હેક રણમાં;
હવે મારી હસ્તી સતત ઊડતી રેત જ ગણો !

મને લૈ લેતી આ ઘરસહિત ભીંતોય ભરડો,
ગળે બાઝે ડૂમો : અવ ન કિકિયારી કરી શકું;
કદી જૂના પત્રો અરુપરુ કરી લે ઉઝરડો,
વિચારું કે ધારું, પણ ન ચિનગારી કરી શકું !

કિનારાની સામે સજલદૃગ ઊભો થઈ રહ્યો,
હશે થંભ્યું ક્યાં એ ખળખળ વહી જે જળ ગયું ?
ગઈ... શ્વાસો વાટે, ધરપત ગઈ ને બળ ગયું –
હવે હું મારાથી અકળ રીત આઘો જઈ રહ્યો !


0 comments


Leave comment