3.2 - મળશું ! / હર્ષદ ત્રિવેદી
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા !
પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું !
ઓણ મળશું..
અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંધ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં !
સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું !
ઓણ મળશું...
એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંડ્યા !
ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
ઓણ મળશું....
0 comments
Leave comment