9 - થાગડથીગડ / જનક ત્રિવેદી


   કણબિયાત ગામ પાંચવડું, આમ નાનું પણ રધ્ધિવાળું. ગામલોક કણબી ખેડુ ખાતાપીતા ને ધરમધ્યાનમાં જીવવાવાળા.
   સરાવણ મૈનો બેહતાં આઘેના કોક ગામડેથી એક ભ્રામણ આવીને પાંચવડામાં ધામા નાખે. ગામમાં બાવા-ભ્રામણને સરાપ, કોઈ ઠરીઠામ થાય જ નૈ. પાદરમાં એક અપૂજ શિવાલય. મંદિર પડખેની બાવાની ખાલી મઢુલીમાં ભૂદેવના ડેરાતંબૂ લાગે. ભળકડે ઊઠી જાય ને કૂવાને થાળે – હૂહૂહૂ ઓમનમોશિવાય હૂહૂહૂ ૐ નમો શિવાય જપતા જપતા ટાઢાબોળ પાણીએ ખંખોળિયું ખાઈ લ્યે. અમારા શિયાળની વાડીએથી પીળી ને ગુલાબી કરેણ્યનાં ફૂલડાં અને બીલીનાં પાંદડાં લયાવે. પછે ઓરશિયે વાટકો ભરીન ચંદન ઘંહે. શિવલિંગને આડ્યને ઓમકાર ચીતરે. માથે દોથો ભરીન ફૂલડાં ને બીલી ચડાવે. પંડ્યેય કપાળે વેંત્ય એકનું ત્રિપુંડ તાણે. સીધાંનાં ઘીના દીવાની આરતી ઉતારે. પછે - ૐ નમો શિવાય - ના જાપ જપતાં દી ઊગી જાય. સૂરગનાંણ્યનું પેલું કણ્ય મંદિરની થાંભલીએ અડે તંયે નંદલાલ તરવાડી ખંભે ગમછાનો લીરો નાખી, ડાબા હાથે નમન અને ચંદનની વાટકીની થાળી ટેકવી ડગુમગુ કરતા નીહરી પડે.

   ગામનું ખોરડે ખોરડું, દુકાને દુકાન ફરી વળે જજમાનની આંખ્યે નમન અડાડતા જાય, ઓમ મૃત્યુંજય માદેવ પાયમામ શૈણાગતમવાળો મંતર જપતા જાય ને ઝબ્બ લૈન વાટકીમાં આંગળી ઝબોળીન કપાળે કેસરિયું ટબકું કરતા જાય. બોખલા મોઢામાંથી આશરવાદ તો અનરાધાર વરહતા જ હોય. સાંયો પગ હેઠ્ય આવે તંયે થાળીમાં દોથોક કાવડિયાં લૈન મઢીએ પાછા ફરે.

   સરાવણ પૂરો થાય ને આવે ભાદરવી અમાહ. એનું માત્યમ એન. હંધુય લોકવરણ વેલું ઊઠીન નદીમાં ડૂબકાં ખાય, ને પછે હાંડો ગાગર્ય ભરીને પીંપળે પાણી રેડે. પિતરુ તર્સ્યા નો રૈ જાય. તરભોવન તરવાડી ચંદનની વાટકી લઈન નદીકાંઠે ઊભા રે. જજમાન પાણીબારો નીકળ્યો નથી ને ચાંદલો કર્યો નથી. એકોએકનાં કપાળ કેસરિયાં કરી વાળે.

   પેલપરથમ આવતા થ્યા તંયે તો મજાના ભડ દેખાતાતા. પણ સરાવણે સરાવણે - થાગડથીગડ ઝાળાંવાળા ધોતિયાની જેમ એનું ડિલેય જરજરિયું થાતું ગ્યું. પછે તો કંતાતા કંતાતા હાવ ડોહા રોખા થૈ ગ્યા. પછે ડોહા જેવા જ રિયા. ઝાઝી વાતનાં ગાડાં ભરાય, પણ તરભોવન તરવાડી અટલે હરતી ફરતી કાંગલાય જોઈ લ્યો. જોતાંવેંત રદિયો કકળી ઊઠે. ધરમ હાર્યે સનાનસૂત્યકનો નાતો નો હોય એવાય તરવાડીની દાળદરાઈ દેખી કાવડિયાં દેવા ટીલું કરાવે.

   એમ તરવાડી વરહ ટૂંકા કરે.
   સરાવણને હજી મૈના દીની વાર હતી તંયે એકવાર અહાડ બેહતાં જ તરભોવન તરવાડી આવી પૂગ્યા. ડેલીએ ડેલીએ માંડ્યા ધોડા કરવા. ગામલોકને થ્યુંક મારા જ ભૂલ્ય ખાઈ ગયા. સરપંચ દાદભાયે પૂછ્યું - કાં અદા, સરાવણને તો એન વાર સે ન આમ વેલાહર્ય કાં - તરવાડીએ હાથ જોડ્યા ને આંખ્યું ઠામુકિયું રાંક કરીન બોલ્યા - હરિ, વખાનો માર્યો આવ્યો છઉં. મોટો ગગો સાતમી ચોપડી ભણી ઉર્ત્યોતે મેં કીધું - હાલ્ય મારી ભેળો, જજમાન વરતીએ વળગી જા, મારો ભાર હળવો થાય. પણ ઈ તો માળો ક્યેક – ના બાપા, મારે તો ભણવું છ, તમની જ્યમ ભીખ નથ માગવી. લ્યો કરો વાત. હું તો હરિ, વચારમાં પડી ગયો. વાત તો માળી વિચારવા જેવી. આપડું આયખું તો જજમાનવરતીમાં ગ્યું. હાથજોડ્ય, દાડાદાપાં, સવસ્તી ને બૌ બૌ તો લગન કે સતનાંણ્યની કથાઉં - હાઉં... થ્યું. ધરમનાં કામ હાચાં, પણ તોય ભીખ ઈ ભીખ, મારા ભાય. લોકનાં ભૂંડાં-કૂંડા કરમ માથે ઓઢીને પેટ પાળવાનાંને... મનેય થ્યું, છોકરો ભણશે તો વાંહલી પરજાય ભણશે, ને ઈ હંધાયને મારી જ્યમ તાંબડી નૈં ફેરવવી પડે. મોટો છેય માળો હુંશિયાર, તે ભણીન અમલદાર થાહે તો મારાં લમણેથી ઘરઘરના ઉંબરા ટોચવાનું ને દયા પરભુની કરવાનું ટળશે - સખના બે દી ભળાહે. તેમની દયાથી મારો ગલઢાપો સુધરી જાહે. ઈથી વધારે કાંય જોતું નથી, હરિ. –

   તરભોવન તરવાડીને જાતે દીએ સખ ભાળવાની ધખના જાગી તે ભડકો થઈને રઈ.
   વાત એકોએકને ગળે પાકી ઊતરી ગૈ. હશ્યાબેય સીધોને સટ હતો - આપડે રૂપિયેરોડે ભ્રામણનું ટાયું ને એની જંદગાની હધરતી હોય તો એનાથી રૂડું શું ?

   તેદુનું તરભોવન તરવાડીનું જરવાળિયું ધોતિયું નિમાણું થઈને ઈંગ્રેજી મૈનાની હર પેલી તારીખે પાંચવડાની ડેલીએ ને પંચાત ઑફિસનાં પગથિયાં ચડતું કળાવા મંડ્યું.
   પછે ભાય, ઓલી વારતાવાળું થ્યું - રાજાના કુંવર દીએ નો વધે એટલો રાતે વધે, ને રાતે નો વધે એટલો દીએ વધે - એમ. તરભોવન તરવાડીનો ગગો આજ ફુલ્લી પાસ, તો કાલ્ય ક્લાસમાં પેલો નમ્મર, એમ કરતાં કરતાં સાત સાત કોઠા વીંધીન અભેમન્યુ આઠમે કોઠે આવીને ઊભો રે એમ તરભોવન તરવાડીનો છોકરો મૅટ્રિકને દરવાજે પૂગી ગ્યો. તરવાડી ગગાના રિપોર્ટ આપે - તમ સૌની કૃપાએ કડેડાટ ઈંગ્રેજી વાંચતો થૈ ગ્યો - ગણિતમાં એને કોઈ નો પુગે. બસ, મારો બાપ, મૅટ્રિક થૈ જાય એટલે ગંગ નાયા –
   તરભોવન તરવાડીની ઝાંખી આંખ્યુંમાં સખનાં સોણાં આળેખાવા મંડ્યાં.

   એક વાર લાલજી મોણપરિયાએ નવું નકોર ધોતિયું દીધું - લ્યો, અદા, પેરજો, ને હવે આ જરવાળિયું કાઢી નાખજો, ભલા થૈન. પણ બીજે દી તરવાડી ઈના ઈ ધોતિયામાં દેખાણા, લાલજીએ પૂછ્યું કે કાં અદા, આ થાગડથીગડ કેમ નો બદલાવ્યું ? જવાબમાં તરવાડી કાંઈ બોલ્યા વગર દાંત કાઢીન હાલતા થ્યા, ને આઘેરેક જઈન બબડ્યા - લૂગડું તો થાગડથીગડ, હરિ, બદલાવાશે, પણ ઓલ્યું... બદલવા ક્યાં જાવું - પણ તરવાડીનો બબડાટ કોઈને સંભળાણો નૈં.

   છોકરો મૅટ્રિકમાં ફસ્ટક્લાસ પાસ થૈ ગ્યો, ઈ હમાચાર તરવાડીએ આવીને દીધા તંયે જાદવા બાબરે કીધું - ગોર અદા, છોકરો મેટ્રિક થૈ ગ્યો ને... પાછો ફસ્ટક્લાસ. હવે પેંડા ખવરાવો તરભોવન તરવાડી બોલ્યા - તમારે કાવડિયે, હરિ, તમુંને પેંડા ખવરાવું એમાં શી વશેકાઈ. છોકરો રળે ને એના પેંડા ખવરાવું તંયે હાચું - જાદવા બોલ્યો - ફસ્ટક્લાસ પાસ થ્યો છ, તી નોકરી મળી જ જાણો ને - તરવાડીએ કીધું – એની ના નૈ, હરિ, પણ છોકરાને કૉલેજ કરવી છે. ક્યે છ, બીયેસ્સી થાવું છ.

   દાનપુન્ય, દયાધરમમાં આપડું લોક ભારે હરખૂડું. કીધું - તે અમારી ક્યાં ના છ, કરવો ન તમતમારે બ્યેસ્સી.
   પેલી તારીખુંએ તરભોવન તરવાડીના ઉઘાડા પગ પાછા પાંચવડાને ખોરડે ખોરડે રખડતા ચ્યા. એમ ખેપું કરતાં કરતાં તરભોવન મારાજનો છોકરો બ્યેસ્સીમાં ફસ્ટક્લાસ ફસ્ટ પાસ થૈ ગ્યો.

   તોય તરભોવન તરવાડીએ વળતી પેલી તારીખે દેખા દીધાં, દાદભા સરપંચે પૂછ્યું - કાં તરવાડીદા, હવે સું દખ છે ? તો ક્યે - દખ તો, હરિ, કાંઈ નથી, છોકરાની દાધારગાઈને પુગાતું નથી, ક્યે છે - એમેસ્સી થૈ જાઉ અટલે ભયો ભયો.

   વળી બીજાં બે વરહ તરભોવન તરવાડીનાં વલખાં લબડધક્કે ચડ્યાં. દીને જાતાં કાંઈ વાર લાગે છે. પચાપંચાવનના તરભોવન તરવાડી પંચોતેરના કળાવા મંડ્યા. ખંભેથી ઝૂલવા મંડ્યા. ધોળી દાઢી ધોતિયાની પાટલીએ અડી ગૈ. બબ્બે વરહનાં વાણાં વાઈ ગ્યાં, ને છોકરો એમેસ્સીય થૈ ગ્યો.

   રૂડા દી આવ્યા. પરદેશી ખાતરની કુંપનીમાં ગોરના છોકરાને તૈણ હજારની અમલદારી નોકરી વડોદરે મળી ગૈ. તરભોવન તરવાડી ગાંડા જેવા થૈ ગ્યા ને ધ્રહકે ધ્રહકે રોઈ પડ્યા - વાહ, મારા ભોળીનાથ, વાહ, તારા રાંક ભગતને તેં તારી દીધો... મારા નાથ, વાહ તારી કૃપા. - તરભોવન તરવાડીએ તે દી રોઈ રોઈને શંકરનું થાળું ભરી દીધું.

   છોકરાના પેલા પગારમાંથી તરભોવન તરવાડી હાચોહાચ્ય પેંડા લૈન ઘેલા થૈ ધોડ્યા આવ્યા. એકુકના મોઢામાં પેંડો મૂકતા જાય ને લવારી કરતા જાય - બૌ કરી, મારા હરિ, બૌ કરી, તમે સૌ એ બાળોતિયાંના બળેલને સખના બે દી દેખાડ્યા, મારા વાલા. તમ હાટું તો મારી ચામડીનાં પગરખાં કરાવું તોય ઓછું, મારા હરિ –

   વળતે સરાવણે તરભોવન તરવાડી નો આવ્યા. પાંચવડા ગામના ધરમપરેમિયુંનાં કપાળ સરાવણ મૈનામાં કોરાં રૈ ગ્યાં. ઘડીએ ઘડીયે કપાળે હાથ જાય ને ખંભે ગમછાવાળા, કેસરિયા ચંદનવાળી આંગળી લાંબી કરતા ખખુડી મખુડી તરભોવન મારાજ હૈયાને ટોડલે આવીને ઊભા રૈ જાય. ઘડીક થાય કે કદાચને આવે. પણ ના, હવે તરભોવન મારાજ શેના કળાય ? એય... ને ઈ તો બંગલામાં, પાનેલીમોટી લુવારના ભાભાએ ઘડેલી સૂડીએ સોપારી ઝીંણી ઝીણી વાંતરતા, ખાટ્યે હિંસોળા લેતા હશે. તરભોવન તરવાડી નો દેખાણા તે નો જ દેખાણા. દેખાણો કાળઝાળ દકાળ.

   માણહ પંડ્યનાં છોરુંનેય વેચી નાખે એવું દકાળિયું વરહ ગ્યું. તોય સરાવણમાં પાંચવડા ગામનું લોક ધરમધ્યાન, વરત-વરતોલાં ને પુન્યદાનમાં ઘેલું થ્યું. પણ ગામને ને તરભોવન મારાજને અંતરા પડી ગ્યા. તરભોવન તરવાડી સમૂળગા ભુલાઈ ગ્યા.

   ભુલાઈ ગ્યા ઈ ટાંકણે જ તરભોવન તરવાડી હાજરાહજુર આવી પૂગ્યા. ઈ જ ખખડીમખુડી ઉઘાડા ડિલને ઢાંકવા મથતું ઓલ્યું જરવાળિયું થાગડથીગડ ધોતિયું, ફાટેલો ગમછો, ફગફગતી ધોળી દાઢી, નમી પડેલા ખંભા, ઉઘાડા પગ અને ચાંદલો કરવા લંબાયેલી ધરુજતી આંગળિયું, ને આંખ્યુંમાં અખંડ તગતગતી જાચના. ઈના ઈ તરભોવન તરવાડી - કાંઈ કરતાં કાંઈ ફેર નૈં.

   ગોબર પટલે સૂગલો કર્યો. - કાં, હરિ, વળી પાછું આ... ?!
   તરભોવન તરવાડીએ કીધું - ના, ઝાઝી અબળખા નથી - પણ વાંહલી પરજાનાં અને અમ ડોહા-ડોહીનાં પેટ તો ભરવા જોહેને, હરિ –
૧૯૮૮


0 comments


Leave comment