10 - સફાઈ કામદાર હકા ટીડાની દિનચર્યા / જનક ત્રિવેદી


   હકા ટીડા ગઢદેવળી રેલવે સ્ટેશનના સફાઈ કામદાર છે. હકાનો બાપ ટીડા રૂડા અને દાદો રૂડોભાભો પણ રેલવેના સફાઈ કામદાર હતા. કાલાનુક્રમે રેલવેના ચોપડે હોદ્દાનું નામ બદલાયું છે. છતાં હજી પણ એના નામ પાછળ જાતિવાચક હોદ્દાનું પૂંછડું લગાડી બોલાવવામાં આવે છે. હકા ટીડાને એ ફમકાં સામે કંઈ વાંધાવિરોધ નથી. હકા ટીડાને રાવફરિયાદ કરવાની ટેવ જ નથી.

   રૂડાભાભાએ જિંદગી આખી નાગવંદર સ્ટેશનનું એક જ પ્લેટફૉર્મ વાળ્યું હતું. બાકીનો સમય ગામના મંગળ પ્રસંગોમાં ઢોલ વગાડીને તથા ગામઢોરનાં મડદાં ચૂંથીને જિંદગી કાઢી હતી. આજે પણ રૂડાદાદાનો બોખો ઢોલ હકા ટીડાના ક્વાર્ટરની ભીંત શોભાવે છે.

   રૂડાભાભાના સુપુત્ર અને હકા ટીડાના સગા બાપ ટીડો ભગત પણ રેલવેના સાવરણાધારી કામદાર હતા. તેઓ ગાડીમાં ગામતરે જતા ત્યારે સાથે સાવરણો રાખતા અને ટિકિટ ચેકરને સલામ મારવા હાથ સદાય તત્પર રાખતા. સવારે સ્ટેશન ચોખ્ખું ચણાક કરી બાકીનો સમય ધોળી ધડકી પાથરેલી ખાટલી ઉપર અખંડ ચોવીસ કલાક બિરાજમાન રહેતા અને અફીણનાં કાલાંનાં કેફ કરી અગમ નિગમનાં ગિનાન અને સતસંગમાં ગાળતા. એક ટાયડું ઘોડું રાખતા, પરંતુ તેઓ ક્યારેય ઘોડા ઉપર બેસતા નહીં, ઘોડાને દોરી ચાલતા જતા. તેઓ આમન્યા તથા વરતારો રાખવામાં માનતા હતા. કોઈ નાતીલાને વાસ સામેથી પસાર થતો જોઈ જતા, તો સાદ પાડીને બોલાવી લેતા અને રોકી પાડતા. રાત્રે બોદા એકતારા સંગે બસૂરા રાગે ભજન રાગોડતા. એમ કરતાં તેઓ આ અસારસંસારની વૈતરણી તૂટેલ તુંબડે તરી ગયેલા. ‘ટીડો હવે ભગત થઈ ગયો... એનાથી નોકરો નહીં થાય' એમ જાણી એક દયાવાન ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ટીડાને બદલે હકલાનું નામ રેલના ચોપડે ચડાવી દીધેલું. ત્યારે હકાથી સાવરણો બે હાથે માંડ ઊપડતો. રૂડાભાભાના બોખા ઢોલની પડખેની ખીંટીએ હકાના બાપ ટીડા ભગતનો ભાંગેલ તૂંબડું ને તૂટેલા તારવાળો એકતારો ટીંગાય છે. હકા ટીડાના પુણ્યશ્લોક પૂર્વજો હકા માટે આટલો આધિભૌતિક વારસો મૂકતા ગયા છે.

   ચાલીસે પહોંચેલા હકા ટીડા ઘનશ્યામ ફોટો ફેઇસ અને પીળી પડેલી વિશાળ આંખો ધરાવે છે. તેઓશ્રી બાહ્ય દેખાવ પરત્વે સાવ ઉદાસીન વલણ ધરાવે છે. કાબરચીતરા લાંબા વાળ પાણી નાખી ચપોચપ ઊભા ઓળે છે. ચહેરાથી વિશેષ કાળા હોઠ વચ્ચે ચમકતા સફેદ દાંતથી હકા ટીડા ઘણા રૂડા લાગે છે. ખભા ઝૂકેલા અને માથું જમીન ઢાળાં રાખી ઘસડાતા ચાલે છે. અલગ અલગ રંગનાં સ્લિપરનાં તળિયાં કાણાં છે અને કાયમ સરતચૂકથી ડાબું જમણું અવળ સવળ પહેરાઈ જાય છે. ગનીમત છે, હકા ટીડાના પગમાં જાસલ તો જાસલ સ્લિપર હોય છે. જૂનાં કપડાંવાળી ઝબુડી વાઘરણ પાસેથી પચ્ચીસ રૂપિયામાં ખરીદેલી ખમીસ- પાટલૂનની જોડી હકા ટીડા પહેરે છે.

   હકા ટીડાને બે ભાઈ છે. મોટો લાભુડો કામચોર ને ઓટીવાળ છે. નાનો સામત ઓટલુસ છે.
   હકા ટીડા બે છોકરાનો બાપ છે. અગિયાર- બારનો મોટો ચંદિયો ભણતો નથી અને ફિલમનાં ગાણાં ગાતો બકરાં ચરાવે છે. અદ્દલ હકલબરી ફીન જેવો સયલો ઋતુ ઋતુનાં ફળફળાદિ - જેવાં કે પેપડી, લીંબોળીઓ, ચણીબોર અને ચોરાઉ લીલી મગફળી, મગની શીંગો, ડોડા અથવા કૂણાં ચીભડાં ખાવાનો ભારે શોખીન છે. વાંસા બાવળા થાય એનો વાંધો નહીં.

   હકા ટીડા પૂરા બારસો ઓગણસાઠ રૂપિયાના પગારનો નોકરિયાત છે. હકા ટીડાને છેલ્લે કોટર મળ્યું છે, જેને ગામના નાતિલા ‘હકાભાઈના બંગલા’ તરીકે ઓળખે છે. નાતમાં હકા ટીડા રેલવેના હોદ્દેદાર સફાઈ કામદારનું દબદબાભર્યું સ્થાન ધરાવે છે.

   હકા ટીડા ખુલ્લા આભ નીચે ટ્રલ-મૂટલ ખાટલી ઢાળી સૂએ છે. રાત આખી સો સોની નોટો બિછાવેલી સપનાંની પથારીમાં ઘસઘસાટ ઊંઘતા રહે છે. સવારે ઊઠતાંવેંત વાસી મોંએ શિવાજી બીડી સળગાવે છે. પછી મુખારવિંદ વીછળી કો'કના ઘરે ચા પીવા ચાલતા થાય છે. ઘરમાં ચા હોય તો ખાંડ ન હોય અને ખાંડ હોય તો ચા ન હોય અથવા બન્ને ન હોય. ગમે તે હોય, ‘હલકું વરણ' હોવાના સદ્ભાગ્યે હકા ટીડાના નસીબે સવારના પહોરની ચા મળી રહે છે. કંઈક આ મેળમાં હકા ટીડા રેલવેનું સફાઈકામ પહેલાં કરવાને બદલે રેલવે હદ બહારનાં ખાનગી મકાનોની સફાઈ પ્રથમ પતાવે છે. સ્ટેશન માસ્તર એ કારણે રોજિંદા કચવાટ કરે છે. પરંતુ હકા ટીડા આ એક વાતે કાનસોરો દેતા નથી. ગાળો ખાવી ગનીમત, પણ ચા ગુમાવવાનું પાલવે નહીં.

   હકા ટીડાના દિવસનો શુભારંભ આ પ્રમાણે થાય છે. કથાનાયક હકા ટીડા સાવરણો બગલમાં દબાવી સવારે આઠેક વાગે ડોલતા--ડોલતા સ્ટેશન વિસ્તારમાં એન્ટ્રી પાડે છે. પ્લેટફૉર્મ આરોહણ કરી ઑફિસની ઓસરીની કોરે ઊભડક બેસી બીડી સળગાવે છે. પછી ધુમાડાની આરપાર દૃષ્ટિ નોંધી રાખે છે. એ વખતે તેઓશ્રી કોઈ વિચારશીલ પુરુષ જેવા દેખાય છે. ખરેખર તો તેઓ કામનું આયોજન ગોઠવતા હોય છે. અથવા વરલીના આંકડાનું ચિંતન કરતા હોય છે.

   દરમિયાન સ્ટેશન માસ્તર દૃષ્ટિગોચર થાય છે. હકા ટીડા ઊભા થઈ સલામ મારે છે અને રામ રામ બોલે છે. સ્ટેશન માસ્તરના નસીબમાં રામનું નામ નહીં હોવાથી હકા ટીડાને મોડા આવવા બદલ ત્રણ-ચાર ગાળો ઠપકારે છે. જવાબમાં હકા ટીડા માત્ર ખી.... ખી કરે છે. તેમને સાહેબની ગાળોનું જરાય માઠું લાગતું નથી. યુગ પરંપરાથી હકા ટીડાના ખાનદાનમાં માઠું લગાડવાની આદત જ નથી. તેથી સ્વાભાવિક જ હકા ટીડાને માઠું લગાડવાની આદત નથી. ઊલટા જે સ્ટેશન માસ્તર ગાળો નથી દેતા તેની તેઓ ‘મોળા'માં ગણતરી કરે છે. - સ્ટેશન માસ્તર બીજી બે- ત્રણ ગાળો ચોપડાવતા ઑફિસમાં જાય છે. આ કમનસીબ સ્ટેશન માસ્તર નક્કી નરકમાં જવાનો તેની પાકી ખાતરી હોય તેમ હકા ટીડા તેની તરફ દયાર્દ્ર નજરે જોતા રહે છે. પછી સાવરણો હાથમાં ધારણ કરી, છેલ્લો દમ મારી બીડીને ઉઘાડા પગ નીચે કચરી પ્લેટફોર્મ પર ઉઝરડા પાડવાની શરૂઆત કરે છે.

   સ્ટેશન માસ્તર હાજરી પૂરવા મસ્ટર કાઢી નવા પિરિયડ માટે બીજા પાનામાં સ્ટાફનાં નામ લખે છે. સૌથી છેલ્લું નામ લખે છે, - ‘શ્રી હકા ટીડા.’ હકા ટીડાને સપનેય ખ્યાલ નથી કે એના નામ આગળ ‘શ્રી' લગાડાય છે. તેઓ દૃઢપણે કહે છે; એવું સાબ્યુંનાં નામું પાંહે હોય... અમારે એવું નો હોય...

   બ્રાન્ચ લાઇનના ફ્લેગ સ્ટેશન જેવા આ સ્ટેશન પેસેન્જર આવતા નથી. પણ સ્ટેશન માસ્તર અને સાંધાવાળાઓએ ફેંકેલી બીડીઓના ઠૂંઠાં ઉડઝૂડ ફેરવેલા સાવરણાની સળીઓ વચ્ચેથી સરકી ગયાં હોય તે બધાં એકેક કરી શ્રી હકા ટીડા વીણી લે છે. પછી પીપર-લીમડાનાં પાન, પેપડી- લીંબોળીઓ, લીંડીઓ તથા બીડીઓનાં ઠૂંઠાંની એકઠી કરી રાખેલી નાની નાની ઢગલીઓ ભેળી કરી ‘ફાયર’ લખેલી જૂની ઘોબાળી ડોલમાં ભરી ખાડામાં ફેંકી આવે છે.

   કુલ જમા સાત મિનિટના કામમાં શ્રી હકા ટીડા થાકી જાય છે અને હાશકારો નાખી રેતીમાં પડેલી અર્ધચક્રાકાર ભાત ઉપર ઉભડક બેસી બીડી સળગાવે છે. બીડી પીતાં પીતાં કાંકરાની ઢગલીઓ કરતા હકા ટીડા ચિંતનશીલ દશામાં બેઠા હોય તેવો ભાસ થાય છે. ખરેખર તો તેઓ કાંકરાની ઢગલીમાં આંકડા ધારતા હોય છે.

   ડ્યૂટી પર આવતા એ ગ્રેડ પોઇન્ટ્સમૅન કુરજી ભાણા શ્રી હકા ટીડાને નવરોધૂપ બેઠેલો ભાળી ઝંડી ફરકાવે છે. શ્રી હકા ટીડા દાંત કાઢી બોલે છે; તમેય શું કુરજીબાપા. ઉંયથું બાવડું નંદવી નાખશ્યો.

   આજે પંદરને બદલે આઠ તારીખ હોત તો બરાબર આ જ સમયે શ્રી હકા ટીડા મોટી પળોજણમાં ઘેરાયેલા દેખાત.
   દરેક આઠ તારીખની સવારે એકનું એક દૃશ્ય ઊપસે છે;
   શ્રી હકા ટીડા ચા-પાણી પતાવી વહેલાસર પ્લેટફોર્મ વાળી નાખે છે. પછી ‘સાંધાવાળા ભાયું’ જોડે બીડીઓ ફૂંકતા ગપ્પાં હાંકે છે; ... આજુ ખેલ્ય પગારની સલિયું આવી નથી... સરકાર બોનસ નૈં દે તો, જોજ્યો, હડતાલ પડવાની... કલારકું ફાટ્યાસ... ટી એ ફોરમ ભર્યાંતાં ઈનાં કાવડિયાંય આવ્યાં નૈં... મોટાની સોડી પાશી થૈ... તી કુંકાવાવ્ય જાવુંસ... ફદિયાંનો જોગ કરવો જોહે... લાભુડાના ફૂલે ભમરા સે... મંગાળે મશ્ય વાળતો જ નથ્ય... બાવી તારીખે જીઓમ ઇનિસપેક્શન સે... પીયોફ બૌ કપાય સે....!

   પછી આખીય લાઇનના સાંધાવાળા, ફેલવાળા અને સફાઈવાળા વગેરેના ઈષ્ટદેવ વલ્લભ કાળાની લાલ બુલેટ આવી પહોંચે છે. શ્રી હકા ટીડા વલ્લભ કાળાને સલામ ભરે છે. પ્રતિભાવમાં વલ્લભ કાળા શ્રી હકા ટીડાને મા- બહેન સોતી બે ચાર ગાળો ફટકારે છે. શ્રી હકા ટીડા નમ્રતાપૂર્વક મલકાતા રહે છે.

   પછી આવે છે સબસ્ટીટ્યૂટ વિલન- ગામનો દુકાનદાર. છેલ્લે આવે છે ત્રણસો ચોપન લોકલ, સ્ટેશન માસ્તર પે માસ્ટર પાસેથી સ્ટાફનો પગાર લે છે. ગાડી ઊપડ્યા પછી વલ્લભ કાળા ચા-પાણી અને પાન સિગારેટ મંગાવે છે. સ્ટેશન માસ્તર ખુશખુશાલ ચહેરે તેનો સ્વીકાર કરે છે. પછી સ્ટાફને પગાર ચૂકવવાની શરૂઆત કરે છે. શ્રી હકા ટીડા પગારપત્રકમાં અંગૂઠો છાપવામાં શક્ય એટલું મોડું કરે છે. અંતે પગાર લેવો જ પડે છે. કપાત કેટલી થઈ... ટી.એ. ચારજ થયું કે નહીં... જેસીબૅન્કનો કેટલામો હપ્તો કપાણો... ઇન્ક્રિમેન્ટ લાગ્યું કે નહીં... વગેરેની પૂછપરછના બહાનાસર શ્રી હકા ટીડા બહાર પગ મૂકવામાં વિલંબ કરે છે. તેમ કરવામાં કમ સે કમ વિલંબિત ક્ષણો સુધી તો પૈસાનું સ્પર્શસુખ મળશે. એવો જ કંઈક શ્રી હકા ટીડાનો ઇરાદો હોય છે.

   પછી શ્રી હકા ટીડા વધસ્થળે ધકેલાતા બલિના બોકડાની જેમ નિરુપાયે બહાર પગ મૂકે છે. બારણાં પાસે જ બાંકડે બેઠેલા વલ્લભ કાળાનો ચારે આંગળીયે સોનાની વીંટીઓવાળો પંજો એના તરફ લંબાય છે. શ્રી હકા ટીડા ગિલોટીન નીચે માથું મૂકવા આગળ વધે છે. મહિના આખાના લોહી-પરસેવાના હાથમાં આવેલા રૂપિયા સાડા નવસોની નોટો હજી શ્રી હકા ટીડાના અંગુલિસ્પર્શનું પૂરું સુખ પણ પામી ન હોય ત્યાં જાલિમ વ્યાજખોરના હાથમાં જઈ પડે છે. રૂપિયા ગણીને વલ્લભ કાળાની ડારતી નજ૨ શ્રી હકા ટીડાની આંખોમાં સીધી ઘોંચાય છે; હરામીની ઓલાદ... આટલા જ કેમ... સો ખૂટે છે... લાવ. શ્રી હકા ટીડા ગરીબડા મોંએ પૂરેપૂરા સાડા નવસો વલ્લભ કાળાના હાથમાં ધરી દે છે.

   ત્યારે શ્રી હકા ટીડાની ઘરવાળી પ્લેટફોર્મ પર પ્રવેશે છે. હકાને ખાલી હાથે જોઈ લેણદારોને ઘૂમટામાંથી કહે છે;... હંધાય એકેક બડો ઠોકો તમારા ભાયને... શ્રી હકા ટીડા ઘરવાળી સામે ખસિયાણું હસે છે.
   પછી શ્રી હકા ટીડા મહિના દિ'ના દાણા માટે થોડા પૈસા પાછા આપવા વલ્લભ કાળાને કાલાંવાલાં કરે છે. ઉધાર ચા-સિગારેટ પિવડાવે છે. વલ્લભ કાળાનું હૈયું કોણ જાણે કેવાય કાળમીંઢ પથ્થરનું બનેલું છે કે પીગળતું નથી. છોગામાં દુકાનદાર ઉઘરાણી કરે છે. શ્રી હકા ટીડા વલ્લભને વિનવે છે; બસ્સે પાસા આપો તો મારો વેવાર હાલે. પરંતુ મહિને વીસ ટકા અને વરસે બસ્સો ચાલીસ ટકા વ્યાજ ઓકાવતો માણસખાઉ પૈસા તો પાછા શાનો આપે, પણ મફતની સલાહ આપે છે;... વેવારવાળીનો થા માં... પથારી જેવડી સોડ્ય કરતા હો તો ! વેપારી કાગારોળ મચાવે, ટૂંકી મૂડીનો મારો વેપલો.. અડધા ચૂકવો તો આપડો વેવાર રહેશે. નીકર હવે માલ ઉધાર નહીં મળે. વલ્લભ કાળા વેપારીને સલાહ આપે... આ નાત્યને ઝાઝું ધિરાણ નો કરાય. સમજ્યો.... ! પછી બુલેટને કીક મારતો મારતો વલ્લભ કાળા કહેતો જાય છે; એલા, હલકા, તાણ્ય પડે તો થોડા દિ’ પછે થોડાક વિયાજે લઈ જાજે. શ્રી હકા ટીડાની જીભના ટેરવે શબ્દો આવી જાય છે, તાણ્યને માથે કાંય શિંગડાં થોડાં હોય, તી ! પરંતુ હરફેય જીભના ટેરવાથી આગળ વધતો નથી.

   શ્રી હકા ટીડા હાટડીવાળાને હાથે-પગે પડી, થોડા દિવસમાં પૈસા આપી જાશે એવી હૈયાધારણ બંધાવી વેંતો પાડે છે. પછી, પાછળ રહે છે એકલા શ્રી હકા ટીડા અને તેમના હાથમાં રહે છે એકલી પગારની કમ્પ્યૂટર સ્લિપ ! માગી-ભીખીને ઉધાર લીધેલા પૈસામાંથી પગાર લેવા બચાવી રાખેલા છેલ્લા વીસ પૈસા પણ રેવન્યુ ટિકિટ પેટે ચૂકવી દીધા છે. ખિસ્સામાં ફક્ત દીવાસળીનું ખાલી ખોખું પડ્યું છે. સ્ટેશન માસ્તર અને સાંધાવાળા ક્યારનાય ઘરે ચાલ્યા ગયા છે.

   વેઇટિંગ હૉલના કાળમીંઢ પથ્થરના પગથિયે એકલા ઊભેલા શ્રી હકા ટીડા બુલેટનો દૂર જતો અવાજ સાંભળતા રહે છે. ઊતરતા જેઠની સનસનાટ વહેતી હવામાં શ્રી હકા ટીડાના વાળ ઊડી રહ્યા છે. સીસમ રંગે પણ નમણા ચહેરે શોભતી મોટી મોટી આંખો હમણાં ચૂઈ પડશે અને શ્રી હકા ટીડા હમણાં પહાડ જેવડો નિસાસો નાખશે એવું લાગે. આ કરપીણ ઘટના જોનાર કોઈ પણ માણસ ચિંતા કરતો થઈ જાય કે હવે શ્રી હકા ટીડા શું કરશે ? શું ખાશે ?! બાળબચ્ચાંઓને શું ખવડાવશે. ?! ટીબીયલ ઘરવાળીની સારવાર કઈ રીતે કરશે ?! બીડી ક્યાંથી કાઢશે... દીવાસળી ક્યાંથી કાઢશે ?! માચીસનાં ખાલી ખોખાં અને પગારની સ્લીપના આધારે શું - ચચ્ચાર માણસનાં પેટ ભરાશે... ! હવે શ્રી હકા ટીડાનું શું થાશે ?!! સ્વાભાવિક જ આપણને શ્રી હકા ટીડા પાસેથી વ્યાજ પેટે આખ્ખો પગાર ઝુંટવી જનાર વ્યાજખોરનો ટોટો પીસી નાખવા જેટલી દાઝ ચડે. માત્ર ચારસો રૂપૈડી ખાતર શ્રી હકા ટીડાનાં બાળબચ્ચાંને ભૂખે મારવા તૈયાર થનાર દુકાનદારના ફૂલા બોરડીની સોટીએ સબોડી નાખવાનું મન થઈ આવે. એમ આવેશમાં આવી જવાની જરૂર નથી, કારણ તમને ખબર નથી, આ ઘટના છેલ્લાં ત્રણ-ચાર વરસથી દરેક મહિનાની આઠ તારીખે ઘટતી આવે છે ! ખુદ શ્રી હકા ટીડાને ખબર નથી આ સિલસિલો ક્યારે પૂરો થશે.

   પરંતુ કશું બનતું નથી. ધારણા મુજબના કોઈ જ પ્રત્યાઘાત શ્રી હકા ટીડા દાખવતા નથી.
   શ્રી હકા ટીડા હવાએ ઉડાડેલાં પીંગળાં મેલાં જટિયાં સરખાં કરી આકાશ ભણી નજર માંડી બબડે છે... ઓણ મે ટેમસર થાવાનો... જાર્ય-બાજરાના ભાવ ઊતરવાના.. મગફળીવાળા નિયાલ થઈ જાહે...! કલ્પનામાં ન આવે તેવા વિષયોનું ચિંતન શ્રી હકા ટીડા કરતા રહે છે. અંતે પીડામાંથી છૂટકારો થયો હોય તેમ રાહતનો શ્વાસ ફેફસાંમાં ભરી હાશકારો નાખે છે. પછી ખિસ્સામાં બીડીની તલાશ કરે છે. મળતી નથી. ફરી શોધે છે. શરતચૂકથી રહી ગયેલી એક ભાંગેલી બીડી ખિસ્સાના એક ખૂણામાંથી મળી આવે છે. સૌનો ભગવાન છે ને ! અત્યન્ત કાળજીપૂર્વક બીડી બહાર કાઢે છે. અને સળગાવે છે અને તૂટેલી જગ્યા દબાવી ઊંડા કશ ખેંચે છે. જગત આખાનું સુખ બીડીનાં ટોપકે આવી જાય છે. એમ ખેંચતાં-ખેંચતાં જ બીડી પૂરી થઈ જાય છે અને શ્રી હકા ટીડા થૂંકીને ચાલતા થાય છે.

   હવે આપણે આઠ તારીખના એ છેલ્લા સમયના સંદર્ભ સાથે મહિનાની કોઈ પણ તારીખે પાછા ફરીએ.
   - સંડાસ સાફ કરવાનું યાદ આવતાં શ્રી હકા ટીડા સાવરણો લઈ પ્લેટફોર્મના છેડા તરફ ચાલતા થાય છે. ચાલતા ચાલતા બબડતા જાય છે. માથે મેલું ઉપાડવાના કાયદા નીકળી ગ્યા... તોય મારું બેટું... મેલાંનાં ડબલાં ઉહૈડવાં પડે ઈ કેવું કેવાય !! આ કેવો અન્યા...! રાંક માણહનું કોય કરતાં કોય હાંભળે જ નૈં..?!!

   કોઈ યુનિયનવાળો એને સમાજકલ્યાણ ખાતાને ફરિયાદ કરવાની સલાહ આપે તો શ્રી હકા ટીડા તરત જવાબ વાળે છે;... કરવું હોય તો હંધુય થાય. પણ કોકના પેટ ઉપર પાટું મારવાનું કામ આપડું નૈં.... ના, આપડે એવું કાંય કરવું નથી, ઉંયથા ખોટા રિપોટ થાય... ને વાંક-ગના વગર બડલી કરી નાખે... ના... ના... ઈ કાંય કરવું નથી.

   પછી શ્રી હકા ટીડા ઝાઝું વિચાર્યા વગર સંડાસનાં ડબલાં સાફ કરી મેલાંનો ડબ્બો માથે ચડાવી ખાતરના ખાડામાં ઠાલવી આવે છે. પછી ડંકીએ હાથ, પગ, મોઢું સારી પેઠે ધોઈ નાખે છે. ખાલી ડોલ પાછી ફાયરની બીજી ડોલ સાથે લટકાવી દે છે.

   કામસર સ્ટેશને આવેલા સ્ટેશન માસ્તર પાસેથી શ્રી હકા ટીડા બીડી માગી પેટાવે છે. બીડી ફૂંકતા વિચારે છે... ત્રણસો સાઠમાં લાભુડો ઊતરવો જોવે...
   થોડીવાર પછી શ્રી હકા ટીડાનો નાનો ભાઈ સામત રોટલા ખાવા બોલાવવા આવે છે. સ્ટેશન માસ્તર પૂછે છે;... આ કોણ છે ? મારો નાનો ભાય સામતો - શ્રી હકા ટીડા સામતની વાત કરે છે. સામતના આંટા લૂસ છે. ત્રણ છોકરાં છે. પી ડબલ્યુ ડીમાં ચોકીદાર હતો. કોન્ટ્રાક્ટર સાથે મળી કરેલી સરકારી માલની ચોરીનું આળ ઇજનેરે સામત માથે નાખ્યું હતું. જણ મૂંઝાણો અને ખાબક્યો કૂવામાં, માથામાં ઈજા થઈ પણ કમનસીબે બચી ગયો. ત્યારથી કમાન છટકી. બોલે તો એકાદ વેણ, બાકી મલક્યા કરે. પોતાને સામતસિંગ કહેતો સામત રખડી-રઝળી ખાય છે. સામતની વહુ મજૂરી કરી ત્રણ છોકરાંઓનું પેટ પાળે છે. મજૂરી ન મળે તો દેહ વેચીનેય ચલાવે છે. શ્રી હકા ટીડા કોઈ શરમ- સંકોચ, છોછ કે હીણપત ભાવ વગર સહજતાથી પોતાના માજણ્યા નાનાભાઈની કરમ કઠણાઈની વાત કરે છે... એકલું બાય માણાં ગામડા ગામમાં કરેય શું.. પાંસ જણના પેટના ખાડા પૂરવાનો સુવાલ હોય તંયે અજ્જત- આબરૂની માં ક્યાં પૈણવી... કો... ?!!

   સ્ટેશન માસ્તર માથું ધુણાવતા ઘર તરફ ચાલતા થાય છે, અને શ્રી હકા ટીડા પોતાના ઘર ઢાળા.
   રોજિંદા ક્રમ પ્રમાણે ગઈ કાલે સાંજે અને આજે સવારે પાટામાંથી વીણેલી બળેલી કોલસીનો ડબ્બો શ્રી હકા ટીડાની ઘરવાળી ત્રણ કિલોમીટર છેટે ગામમાં વેચી આવી છે. તેમાંથી મળેલા પૈસામાંથી દાણા ખરીદી- દળાવી અને તેલ- મસાલા લઈ ઘરે આવી ગઈ છે અને રોટલા ઘડી રહી છે. શ્રી હકા ટીડા રોટલા અને બટેટાનું રસાદાર શાક ભપકાવીને ખાઈ લે છે. (પ્રિય વાચક, તને માન્યામાં નથી આવતું ને ?!) પછી ઓડકાર ખાતા હાથમાં ખાટલીને ખભે ગોદડી નાખી લીમડા નીચે સૂવા જતાં ઘરવાળીને આદેશ આપતા જાય છે;... લાભુડો આવે તો ટાળો કરશ માં... રોટલો ખવાડજે... ને બોવ મગસમારી કરે તો તારી ગાંઠ્યે હોય તો બે-પાંચ સળગાવજે... મને જગાડજે માં...

   શ્રી હકા ટીડા લીમડાને બદલે સ્ટેશનના બાંકડે ગોદડું ફેંકી સ્ટેશન માસ્તરના ઘરે જાય છે. છોકરાં રોટલા વગરના રહેશેનાં રોદણાં રોઈ માસ્તર પાસેથી દસ રૂપિયા ઉછીના લઈ શ્રી હકા ટીડા હોમ સિગ્નલ પાસે બાવળ નીચે બપોરની ફુરસદમાં પત્તે રમતા ફેલવાળાઓ જોડે જુગાર રમવા ઊપડી જાય છે.

   શ્રી હકા ટીડા આશાવાદના જબ્બર પુરસ્કર્તા છે. તેમને આશા છે, કે દસના પચાસ-સો બની જાય તો મહિનાના દાણા થઈ જાય. પરંતુ એવો કોઈ કરિશ્મો બનતો નથી. અડધી કલાકમાં અમર આશાનું મડદું ખભે નાખી યુદ્ધ હારેલા મહારથીની જેમ પાછા ફરે છે અને લીમડા નીચે ઢળી જાય છે. દુનિયા જાય જહન્નમની ઊંડી ખાડમાં.

   દિવસ ઢળતાં શ્રી હકા ટીડા ઘરે જઈ ખાંડ-ચાનાં ડબલાં ખંખેરી એક કપ દૂધ વગરની કાળી ચા પી સ્ટેશને પહોંચે છે.
   મહિને વીસ ટકાના વ્યાજના દરિયામાં કેમ ડૂબી મૂઆ – એવું પૂછવામાં આવે છે ત્યારે શ્રી હકા ટીડા પીળા દાંત દેખાડતા કહે છે; હકા ટીડાને ગુલા ખેંસવામાં તકલીફ પડી ગૈ...!

   કદીક ગુલા ખેંચવામાં લાભ થાય છે ત્યારે શ્રી હકા ટીડા અમરેલી શહેરના હેર કટિંગ સલૂનમાં બાલ-દાઢી કરાવે છે, અને મટન મારકીટમાંથી માંસ ખરીદતા આવે છે. પૈસા વધતા હોય તો દારૂની કોથળી પણ લેતા આવે છે. ક્યેંક તો ટેસડો મારવો જોવેને.

   શ્રી હકા ટીડા ભાદરવી અમાસે પીપળે પાણી પાવા જાય છે. પિતૃઓ પીપળે રેડેલું પાણી પીવા આવે છે એવું તેઓશ્રી દૃઢપણે માને છે. નોરતાંમાં તેમને માતાજી સરમાં આવે છે. માતાજીનાં નિવેદ ચૂકી ન જવાય તેની ખાસ કાળજી રાખે છે.

   ત્રણસો ત્રેપન લોકલ જાય છે. પછી સૂરજ આથમે છે. પછી ખીચડી અને બકરીના દૂધનું વાળું કરી શ્રી હકા ટીડા ખૂલા આભ નીચે ખાટલીમાં લંબાવે છે. એમનાં ચરણ ખાટલીમાંથી બહાર લબડતાં હોય છે. પછી સ્પેર રાખેલી બીડી પેટાવી દમ મારતા આભના ચંદરવે ઝબૂકતા તારલાઓ ટગર ટગર જોતા રહે છે. પછી વિચાર કરે છે. ફક્ત વિચાર જ કરે છે, ચિંતા નહીં... કારતક-માગશર હોત તો ઢોલ વગાડવા વયો જાત... કપાત પગારે.. પણ માગશરે-વૈશાખ નો આવે તોય શું... આપડો વેવાર ક્યાં ખોટોસ.... વલ્લભદાદા ઘડી- બઘડી ખિજાય લ્યે એટલું જ ... બાકી કાવડિયાં દેવાની આપણને કોઈ દિ ના નથી પાડી... ને લાઠીવાળા ગોવિંદ કાનાય આપણને ક્યાં ના પાડેસ... અટાણે જઈન ઊભો રંવ તો ઊભો ઊભ્ય ગણી દે... જાઉં... ? લાઠીએ જાઉં...? ના... ના... ઈ કરતાં જાળિયે જાઉં... ના... લાઠીએ ..ના... જાળીયે. એમ કરતાં શ્રી હકા ટીકાનું મન લવારીએ ચડી જાય છે. અને પછી ક્યારે નીંદરે ઘેરાઈ જાય છે એનું ઓસાણ એમને રહેતું નથી. સવારે ઊઠે છે ત્યારે તેમને ફક્ત એટલું જ યાદ આવે છે કે આકાશમાંથી રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે અને પોતે સો સોની નોટોની પથારીમાં આળોટી રહ્યા છે એવું સોણું તેમને આવી રહ્યું હતું ત્યારે જ બરાબર તેમને ઊંઘ આવી ઘેરાણી હતી.

   આમ રેલવેના સફાઈ કામદાર શ્રી હકા ટીડાનો એક દિવસ પૂરો થાય છે અને મહિનો કેમ નીકળશે એવા તમારા પ્રશ્નનો છેદ ઊડી જાય છે.
   આ બયાનને તમે શ્રી હકા ટીડાની દિનચર્યા ગણવી હોય તો દિનચર્યા અથવા જીવન વૃત્તાંત ગણવું હોય તો જીવન વૃત્તાંત ગણી શકો છો.
૧૯૯૩


0 comments


Leave comment