3.3 - એમ લાગે કે - / હર્ષદ ત્રિવેદી


એમ લાગે કે દેહ આ મારો દેહ નહીં પણ હોય આંબાનું ઝાડ...
સ્મરણો ભીનાં ગોળકૂંડાળે એમ ભીંસે કે હોય કાંટાની વાડ...

કોક દિ’સુક્કાં પાનની સાથે છાંયડાને ખંખેરવા જાતાં આભ પાડે છે ચીસ,
આજ ઓઢેલા ટહુકાને પણ થોર ઓઢાડ્યા હોય ને ચડે એટલી ચડે રીસ;
એમ લાગે કે સામટા મારા શ્વાસ દોડીને શોધતા ઊંડી ખાડ...
એમ લાગે કે દેહ આ મારો દેહ નહીં પણ હોય આંબાનું ઝાડ...

બંધ મુઠ્ઠીમાં હાથની રેખા સળવળે તોય લાગતી હવે મૂળિયાં સોંતી લ્હાય,
લ્હાય તે કેવી લ્હાય બળે કે જીવના સાતેસાત કોઠામાં ઝબક દીવા થાય;
એમ લાગે કે કોક દિ' દીવા એક પછી એક ઠરશે ત્યારે જીવશું હાડોહાડ...
સ્મરણો ભીનાં ગોળ કુંડાળે એમ ભીંસે કે હોય કાંટાની વાડ...

એમ લાગે કે દેહ આ મારો દેહ નહીં પણ હોય આંબાનું ઝાડ..
સ્મરણો ભીનાં ગોળ કુંડાળે એમ ભીંસે કે હોય કાંટાની વાડ...


0 comments


Leave comment