3.4 - સામૂહિક આત્મવિલોપન વેળાએ – / હર્ષદ ત્રિવેદી


આંગણાની હવા ના પ્રવેશી શકી ઓરડામાં અને ઘરને ત્યાગી ગયાં કાંઈ કીધા વિના...
કોઈ જાણે નહીં એમ પૂછી વળ્યો ટોડલો દ્વારને કેમ ત્યાગી ગયાં ? કાંઈ કીધા વિના...

અંગ પર સહુએ ધારણ કર્યા બખ્તરોને લલાટે કર્યા લોહીના ચાંદલા હાથમાં લઈ સળગતી મશાલો અને
ગામની ધૂળ માથે ચઢાવ્યા પછી, કાફલાએ શરૂ ચાલવાનું કર્યું સાથ રાગી ગયાં વીતરાગી ગયાં કાંઈ કીધા વિના...

સર્વના શ્વાસમાંથી ઝપાઝપ દીવાઓ પ્રગટતા થયા ને હવાને ઝપાટે વધુને વધુ તેજ ધરતા રહ્યા
દેહમાંથી અહાહા ! છૂટી ગંધ ત્યાં તો ભર્યા અંધકારે થઈ વીજને પુંજના વાંસડા પ્હેરો ભરતા રહ્યા કાંઈ કીધા વિના...

આંખ મીંચી કષાયોના ચૂરા કર્યા સ્વસ્થ પૂરાં થયાં રાહ જોતાં રહ્યાં કાંઈ કીધા વિના
અંજલિ અંજલિ ૐ પીતાં રહ્યાં હાથ-પગ-ધડ ને માથાંઓ ખોતાં રહ્યાં કાંઈ કીધા વિના...

કોઈએ કોઈને કાંઈ પૂછ્યું નહીં કોઈએ કોઈ સામું જોયું નહીં સર્વ ત્યાગી ગયાં કાંઈ કીધા વિના...
શેષ મૃગજળ મૂકી સર્વે રાગી ગયાં ભસ્મચપટી મૂકીને અજન્મા થવા વીતરાગી ગયાં કાંઈ કીધા વિના...

આંગણાની હવા ના પ્રવેશી શકી ઓ૨ડામાં અને ઘરને ત્યાગી ગયાં કાંઈ કીધા વિના...
કોઈ જાણે નહીં એમ પૂછી વળ્યો ટોડલો દ્વારને કેમ ત્યાગી ગયાં, કાંઈ કીધા વિના.. ?


0 comments


Leave comment