3.6 - ઉજાગરા / હર્ષદ ત્રિવેદી


તમે કહેવાનું કોઈ દિ'તો કીધું નહીં, અરે ! એવા તે કેવા કહ્યાગરા ?

અમને તો એમ હતું વરસાદી એક ગીત ગાશું ને ચોમાસું ઊગશે,
પાંપણને મીંચવાનું કહેશો તો આંખ જઈ, દૃશ્યોના દરિયામાં ડૂબશે.
સપનામાં સ્હેજવાર ઊંઘી લેશું ને પછી આંખોમાં વાવશું ઉજાગરા...
તમે કહેવાનું....

ઊગમણે-આથમણે રોજ અમે ભાળીએ એક નહીં કેટલાયે વેશમાં,
સાન-ભાન સઘળુંયે ઘરમાં ખોવાય અને શોધવાનું આખાયે દેશમાં.
મુઠ્ઠીમાં અંધારું જાળવીને રાખીએ પણ વ્હેલી સવારે તો બ્હાવરાં...
તમે કહેવાનું...


0 comments


Leave comment