3.7 - મહિયરની માયા મેલીને / હર્ષદ ત્રિવેદી


મહિયરની માયા મેલીને સાસરિયે ગોરી હાલોજી !
સહિયરનો સથવારો છોડી અણજાણ્યો કર ઝાલોજી,
મહિયરની.....

ખાલી ઘરમાં ચાંદરડાંશાં દૃશ્યો ધબકે આછાંઆછાં
ધ્રૂસકે ધ્રૂસકે ઉંબર રડતો ભીંતો ભરતી પગલાં પાછાં
છોળ્યું ઊડતી કમખે બાંધી થાપા દઈ સીધાવોજી.
મહિયરની.....

સત્તર સત્તર ચોમાસાંથી આજ ભરી લ્યો આ કાયાને
વાળી મેલો શેરી, ફળિયું, ચોરા-ચૌટાની માયાને
આ કરિયાવરની પેટી અંદર લઈ પિયરિયું હાલોજી.
મહિયરની...


0 comments


Leave comment