3.10 - શોધ / હર્ષદ ત્રિવેદી


શોધવા તને હું ફરું ગલીએ ગલીને જરા અંદર જાઉં તો ગલી બંધ !

આંખોની પાછળ છે આંસુનો દરિયો એને નાથવાનું કેમ કરી કહેશો?
કેશરિયા ડાઘ પડે કાળજાની કોર એને સાચવવા કેમ કરી કહેશો ?
આમ તો ફરું છું લઈ વેદનાનો ભાર તોય લાગણીઓ રાખું અકબંધ.
શોધવા તને હું ફરું ગલીએ ગલીને જરા અંદર જાઉં તો ગલી બંધ.

કોઈનું પણ હોવાનું હોય નહીં ત્યારે ઘણા ઑળા ફરે છે મારે ઓરડે,
હસવાનો દંભ જ્યારે કરતી હું હોઉં ત્યારે હીબકાં ભરીને કોઈ રડે.
આંખો અથડાઈ અને પાછી પડે છે ત્યારે હૈયું રાખે છે સંબંધ.
શોધવા તને હું ફરું ગલીએ ગલીને જરા અંદર જાઉં તો ગલી બંધ !


0 comments


Leave comment