3.11 - દર્પણ ફૂટ્યાની વારતા / હર્ષદ ત્રિવેદી


દર્પણ ફૂટ્યાની કહો વારતા
દાદાજી, મને દર્પણ ફૂટ્યાની કહો વારતા.
ગાયોનાં ટોળાંઓ હડિયું કાઢે છે એમ લાગણીનાં ધણને દોડાવતાં.
– પછી દર્પણ ફૂટ્યાની બની વારતા.

ધફ ધોળી ભીંતો પર થાપાઓ દીધા ત્યાં દીવાલે દીવાલે દર્પણ,
એકમેક પડછાયા સ્પર્શે ના સ્પર્શે ત્યાં જીવતરને દર્પણ સમર્પણ;
આંખોને આંખોના દીધા'તા સમ કોઈ જોતાં જોતાં કે હોતાં ભાળતાં.
– પછી દર્પણ ફૂટ્યાની બની વારતા.

ટૂંપાતા ઓરડામાં ફૂટ્યું'તું દર્પણ ને ફાટ્યું'તું આખું આકાશ,
બળતો હોય માથાના વાળ એવી આયખામાં આજે પણ આવે છે વાસ;
કોડિયાના દીવાની જેમ તારા દાદીમા સૂરજને હાથેથી ઠારતા.
– પછી દર્પણ ફૂટ્યાની બની વારતા.


0 comments


Leave comment