4.3 - બા/મેઘધનુષ્ય... / હર્ષદ ત્રિવેદી


બા
હવે મેઘધનુષ્ય જેવી થતી જાય છે.
જોવા જઈએ તો
એના પ્રત્યેક રંગ અલગ
અથવા
એકબીજામાં ભળી જતા ભળાય,
ક્યારેક એક છેડાથી બીજા છેડા સુધી
વિસ્તરેલા ખોળામાં લઈ લેતી હોય
એવું ય લાગે.
પણ, એને અડકી ન શકાય !

એ સતત મારામાં વિખરાતી હોય
ને તોય લાગે કે એને અડક્યાને
એક જન્મારો વહી ગયો...
બા, દૂર બેસે
ને એનાથી થાય એવું ન હોય
એટલે એને અડકાય નહીં,
અભડાઈ જવાય !
વચ્ચે વચ્ચે રોજ
પુછાઈ જાય :
‘બા, આજે અડકાય?'
‘ના....’
ને વીજળી પડે મન ઉપર !
બા, પાંચમે દિવસે નાહીને
બહાર નીકળે ત્યારે ય
ત્રણ વાર પૂછીને ખાતરી કરી લઉં
એ ખખળીને હા કહે તો ય
માત્ર એક આંગળીથી અડકી જોઉં
રખે, વીજળીનો કરંટ લાગે...
પણ કશું થાય નહીં એટલે વળગી પડું,
બા મને આખેઆખો ઉતારી દે
એની મેઘધનુષી છાતીમાં !
હવે બાની ઉંમર થઈ
કોઈ એનાથી અભડાતું નથી
કે નથી રહ્યું વીજળીના કરંટનું ઓસાણ
ને તોય એને અડકી શકાતું નથી...
બા હવે મેઘધનુષ્ય...


0 comments


Leave comment