4.4 - ઘટનાઓ.... / હર્ષદ ત્રિવેદી


આ મારી બને હથેળીઓમાં
રોજ કંઈ કેટલીય ઘટનાઓ
બનતી રહે છે.
કોઈ મઘમઘતાં ફૂલો જેવી
તો કોઈ હાથિયા થોર જેવી !
કોઈ પતંગિયાં જેવી,
તો કોઈ રાત્રિના અંધકાર જેવી !
ઘેરી લે છે મને,
આંખથી માંડીને સમગ્ર સુધી.
'ને આંગળીના ટેરવાંઓમાં
જાગૃત થાય છે સ્પર્શની સુંવાળી ઇચ્છા !
કદાચ વિહ્વળ બનીને હું
હમણાં જ બંને હથેળીઓ
ભેગી કરીને ઘસવા માંડું..
પરંતુ, ઘટનાઓ તો ઘટતી જ રહે છે...
કોઈ પતંગિયાં જેવી
તો કોઈ રાત્રિના અંધકાર જેવી.
કોઈ મઘમઘતાં ફૂલો જેવી.
તો કોઈ હાથિયા થોર જેવી.
નાકનું સમજ્યા કે –
થોડીવાર શ્વાસ લેવાનું બંધ કરી શકાય
અને આ આંખો તો
(સદાને માટે) બંધ પણ થઈ શકે !
પણ આ ટેરવાંઓનું શું?
સુંવાળા સુંવાળા સ્પર્શનું શું?
એમ જ સરકતી રહે છે
એક પછી એક ક્ષણો....
ને ક્ષણે ક્ષણે જન્મી રહે છે
શબ્દોની હારમાળા.
કહે છે કે –
દરેક શબ્દને હોય છે અર્થની છાયા,
દરેક છાયાનીયે વિધવિધ માયા !
'ને તોય કવિતા નથી થતી
રોમેરોમ સળગી ઊઠે એવી ઘટનાની.
એમ તો ઊભી કરી શકાય
ખોખલા શબ્દના અર્થની દીવાલ-દીવાલો !
દીવાલમાંથી અર્થ જો શોધો તો અર્થાતીત...!
(કે પછી નવનીત ?)
શબ્દ એ તો શબ્દ,
માત્ર શબ્દ.
એનાં જળને કઈ રીતે પામી શકાય કૂવાના કોસથી?
એની દીવાલને કઈ રીતે
ભેદી શકાય કવિના ‘મૌન'થી?
‘ને કવિતા એ તો શાંત જંગલનો ટહુકો'
આ કોલાહલિયા નગરમાં આવી ચડે
એનું જ આશ્ચર્ય !
બાકી ઘટનાઓ તો...


0 comments


Leave comment