4.5 - ગઢ / હર્ષદ ત્રિવેદી


ફરી ફરીને
ઢળી જતી ઘેનિલ આંખોને વારું
ચહેરો યાદ કરીને બંધ પોપચાં ખોલું
મારા શતશત પરદા ખોલું
કોણ જાણતું? કેટકેટલા દિવસો વીત્યા
વરસો વીત્યાં યુગો વીત્યા
અને હજી તો સમય દોડતો જાય...
દોડતો જાય...
લઈને બંધ મુઠ્ઠીમાં
મારી એકેએક ક્ષણો જે હતી ચિરંજીવ,
હજી ચિરંજીવ !
મનના કોઈ અણજાણ ખૂણામાં
અણજાણ્યા એક સપના ખાતર
રાતોની રાતો ભાંગીને
ભીના ભીના ઉજાગરા આંખોમાં આંજી
ક્યા સુખને ખાતર એકેએક ક્ષણોને
કરી ચિરંજીવ
બોલો હે મૃતપ્રાય મનીષી, ક્યા સુખને ખાતર ?
જેને –
બંધ મુઠ્ઠીમાં કેદ કરીને સમય દોડતો જાય !
યાદ કરું ગઈ કાલ ઊગેલા સૂરજને તો
એમ લાગતું –
અમે ઊગેલા હમણાં કોઈની લલાટટીલડી જેવું
થાતું ઝળહળ ઝળહળ !
યાદ કરું ગઈકાલ ઊઠેલા મલયાનિલને
એમ લાગતું –
અમે સ્પર્શતા હમણાં કોઈના રોમરોમને
અને કોઈમાં કશુંક
થાતું સળવળ સળવળ !
બસ એ વેળાનાં ભર્યા ભર્યા છે
બેઉ ફેફસાં શીતપવનથી !
હજી આટલું યાદ કરું ત્યાં –
સામ્પ્રતના આ તાપમાનથી
અંગઅંગમાં લ્હાય ઊઠે ને
હું બળબળવા લાગું
દોડું બંધ મુઠ્ઠીમાં કેદ કરીને
ક્ષણો ચિરંજીવ વહી જતા આ સમય –
સમયને બાથ ભીડવા દોડું...
ધરતી માથે પગ છબે ના છબે અને હું દોડું
પહેલા પગલે શ્વાસ ઘૂંટીને દોડું,
બીજામાં ઉચ્છવાસ મૂકીને દોડું....
પગલાં ત્રણ-ચાર ને પાંચ પડે જ્યાં રસ્તા માથે
છઠે-સાતમે ચરણ ઓગળે રસ્તા માથે
ક્ષણાર્ધમાં તો ફૂટી ગયું રે સઘળું...
ક્ષણાર્ધમાં હા, ખૂટી ગયું રે સઘળું...
લોચા જેવા ચરણોને જ્યાં
હજી સાબદા કરું કરું ત્યાં –
મારામાંથી એકસામટા સાત સાત રસ્તાઓ
દોડે, હડી કાઢતા દોડે.....
દૂર દૂરના કોઈ ચિરંતન ગઢમાં જઈને અટકે !
અને એટલે જીવવું અથવા મરવું મારું
ખબર પડે ના એમ ઘડી સંધાતું લાગે
ત્યાં જ ફરીથી બટકે
ત્યાં જ બધુંયે અટકે !
ગઢના એકેએક કાંગરા
હવે અમાસી રાત મહીં ઓગળતા,
અને હજી ગઈ કાલ સુધી જે દીવડા કહેતા
સૂરજ થઈ ઝળહળશું
એ પણ કોણ જાણતું કેમ પરંતુ
નજર માંડતાં પહેલાં
થઈને ધૂમ્રસેર લ્યો ઊંચે ઊંચે ચઢતા !
આંખો વળી વળીને જોતી
દીવડા કેમ નથી વિખરાતા?
દીવડા કેમ નથી વિખરાતા?
ગઢના ચોકવચાળે –
સોળ વરસની કાચી-કૂમળી કન્યાનું હિજરાવું !
ગઢમાં કોઈનું નામ લઈને
આવન-જાવન કરતી
ધીમા સુસવાટે સરસરતી
ખુલ્લીખમ્મ હવાની સાખે
એનું અલ્પ સમયમાં જાણે ડૂસકાં ભરી ભરી વિખરાવું
એનું ડુસ્કાવું-વિખરાવું
મુજને ત્વચાસમું વળગ્યું છે
એને કેમ કરી ઊતરડું ?
એને કેમ કરી ઊતરડું ?
એને નથી ઊતરડી શકતો
અને એટલે જીવવું અથવા મરવું મારું
દોટ મૂકીને દોડે ગઢના દરવાજા પર
સાત જનમની ઇચ્છા
મારાં સઘળાં સપનાં
કદી નથી ખૂલવાનાં એવાં કાટ થયેલાં
મીજાગરાં પર જઈને માથાં પટકે !
ભીડે એક નહીં પણ હજાર હાથો થઈને,
મારી બધી લાગણી બંધ સમયના દરવાજાને ભીડે
ભીડે ત્યાં તો –
હજ્જારો હાથોના ટુકડા...
હજ્જારો સ્વપ્નોના ટુકડા...
ટુકડા કોણ જઈને ગણશે ?
ટુકડા કોણ જઈને વણશે ?
અને સમય તો ગયો ક્યારનો છટકી....
સપનાં, ઇચ્છા બધી લાગણી અહીં રહ્યાં છે ભટકી !
સામે હસી રહ્યો છે બંધ સમયનો દરવાજો ખડખડાટ.....
સામે હજી રહ્યો છે, વણખૂલ્યો બસ એક ચિરંતન ગઢ
– કે જેના એકેએક કાંગરે
સોળ વરસની કાચી-કૂમળી કન્યાનું હિજરાવું
હજી લટકતું હોય અને અહીં
હજાર હાથો એકસામટા લાખ લાખ ટુકડામાં થઈને
વેરણછેરણ, હજી ઝંખતા હોય –
એવી એકેએક ચિરંજીવ જીવિત ક્ષણોને
બંધ મુઠ્ઠીમાં કેદ કરીને
વહી જતો આ સમય –
ક્ષણો ને ચહેરો
સઘળું યાદ કરું ત્યાં
સાત જનમની ઇચ્છા... સપનાં...
કેટકેટલું...
અને હવે તો જીવવું અથવા મરવું મારું...
ઢળી જતી ઘેનિલ આંખોની સાથે
હવે ચિરંતન ગઢમાં સઘળું બની ગયું નોધારું
એને કેમ કરીને વારું ??
એને કેમ કરીને ?
એને કેમ...
એને...


0 comments


Leave comment