4.6 - તમે / હર્ષદ ત્રિવેદી


‘જીવવું જ છે’
એવા દૃઢ સંકલ્પ સાથે
જીવવાનું શરૂ કરો તોય
તમારામાંથી કશુંક નીકળી જાય બ્હાર
તમને ય ખબર ન પડે એમ
ને તમે જીવી ન શકો !
નહીં લાવી શકો નદીને કદીયે
તમારા આંગણા સુધી
ને ચરણ તો ટેવાયા જ નથી ચાલવા માટે !
ક્યારેક વળી
થોડું-ઘણું, આમ-તેમ
ગોળગોળ ચાલે
ત્યારે ય તમે જોયા વિના નથી રહેવાના કે –
‘પાછળ પગલાં પડે છે કે નહીં?'
ઘરની છત એ જ તો છે તમારું આકાશ,
વરસાદને ય તમે ટપકતાં નેવાંથી વિશેષ
ક્યારે જોયો હતો?
પહાડ, વૃક્ષ, જળ, પૃથ્વી, સાગર,
સમુદ્ર, ભૂમિ, વારિ, દ્રુમ ગિરિ,
નગ, તરુ, નીર, જમીન, અબ્ધિ
આ બધા શબ્દોનો
કર્યા કરો છો ઉપયોગ
‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'માં જોઈને
વૃક્ષ પરથી પાંદડું ખરે
કે નવાં પાન ફૂટે વૃક્ષને !
શું ફેર પડે છે,
તમારી નજરમાં આ ઘટનાઓથી ?
પર્વત ઉપર ઊંચે ને ઊંચે દોડી જતી
કેડીને જોઈ કંઈ નથી થતું તમારા પગને?
સાગરનો ઘુઘવાટ પણ જો ધ્યાનથી સાંભળ્યો હોત
તો ય, તમારા ખિસ્સામાંથી મુઠ્ઠી રેત કે
એકાદ છીપલી નીકળી પડત !
ને માટીની ગંધ તો કદાચ...
તો પછી ક્યાંથી દેખાય તમને તમારું જ
સાતમું પાતાળ ?
એથી સ્તો, ‘નથી જ જીવવું' –
એમ પ્રતિજ્ઞાપૂર્વક નક્કી કર્યા પછી
બધી તાકાત એકઠી કરીને
નીકળો ઘરની બહાર
ને કોઈ પરિદું ઊડી જાય,
ગીત ગાતું ગાતું તમારા માથા પરથી
ને તમને ખબર પડે કે –
‘તમે जीवित જ નથી’
ને તમે મરી પણ ન શકો !!


0 comments


Leave comment