4.7 - આખા ગામમાં / હર્ષદ ત્રિવેદી


દોસ્ત ! મારા નામની નદિયું હવે સુકાય છે,
ને અમારા ગામના
પાદરને જોણું થાય છે.
ને અમારો નેહ આખા ગામમાં ચર્ચાય છે,
દોસ્ત મારા !
શૂન્યમાં પણ કેટલું પડઘાય છે !
આજ મારી આંખ સાથે –
કોણ આ બંધાય છે?
કોણ આ અંજાય છે?
ઊંઘમાંથી હું ઊઠું ને ત્યાં જ વાણું વાય છે !
ઊંઘમાંથી ઊઠવાનું પણ હવે ભુલાય છે
દોસ્ત કહી દે !
આ પવન દખ્ખણનો શાને વાય છે?
દોસ્ત ! અહીંથી જાવ
રાણી ચૂડલો તોડે નહીં.
દોસ્ત ! જલદી જા...વ
રાણી ચાંદલો ભૂંસે નહીં.
આંગળીનો ટાચકો ને આયનો ફાડે નહીં,
કે સાવ પીળું પાન છે હર્ષદ છતાં ખરશે નહીં,
જાવ એ ખરશે નહીં
વૃક્ષો હવે લ્હેરાય છે...
જા...વ, રાણીને કહો નદિયું હવે વળ ખાય છે !
જાવ હર્ષદ નામની નદિયું હવે વળ ખાય છે !
ને તમારો નેહ આખા ગામમાં
ફેલાય છે....
હા, તમારો નેહ આખા ગામમાં પથરાય છે...
પથરાય છે...
ફેલાય છે...
પથરાય છે... ફેલાય છે...


0 comments


Leave comment