23 - પ્રકરણ – ૨૩ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીરા બેપાંચ ડગલાં ચાલીને ગર્ભગૃહનાં દ્વાર નજીક આવી. એને લાગ્યું કે એની આંખો વધારે ધુંધળી પડી ગઈ હતી. એની અસ્થિર દૃષ્ટિ પાર્વતીની મૂર્તિનાં આભૂષણો પર સ્થિર થવાનો પ્રયત્ન કરવા લાગી. એ લગભગ શૂન્ય બની ગઈ. ત્યાં અવાજના એક મોજાએ એને હચમચાવી દીધી. કોણ જાણે ક્યાંથી આવીને કોઈકે નગારું વગાડવા માંડ્યું. બીજા કેટલાક માણસો ઘંટ વગાડવા લાગ્યા. અને એ ધ્વનિઓના સમૂહથી ક્યાંય ઉપરવટ નીકળી આવીને શિવશંકરનો સ્વર સર્વત્ર વિસ્તરી ગયો– મંત્રોચ્ચારરૂપે. આરોહઅવરોહ રચતા, શુદ્ધ ઉચ્ચારોથી મંડિત, ભાવપૂર્ણ એ સ્વરવિસ્તારમાં ધીમે ધીમે ભળ્યો. મહેશભાઈનો કંઠ. સાવ વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગતા એ માણસનો અવાજ મધુર હતો કે શું ? નીરાને વિચાર આવ્યો, પણ એ વિચાર વિસ્તરે તે પહેલાં તો એ ચમકી ગઈ. કોનો હતો. એ સ્વર ? શું ઉચ્ચારાતું હતું એ સ્વર દ્વારા ? અપરિચિત હતો એ સ્વર ? ના, પણ એનું આજનું સ્વરૂપ–એ તો ખૂબ ખૂબ અપરિચિત હતું. અત્યાર પૂર્વે એ સ્વર દ્વારા સાંભળી હતી વિદેશી કવિતાઓ, ફિલ્મી તરજો અને પોપસોંગ્ઝ અને આજે –
एकोडग्ते द्विसमस्त्रिलोचन इति
खातश्चतुर्भिः स्तुतो
वेदैः पञ्चामुखः षडाननपिता
सप्तर्षिभिर्वन्दितः ।
अष्टांग नवतुल्य आमर गजे
वासो दशाशादधः-
त्वस्वश्चैकादश सोडवतान्त
विषितो यो द्वादशात्मांशशुभिः ।

   નીરા વધારે પ્રયત્નપૂર્વક જોવા લાગી. ગર્ભગૃહમાં હવે બધા ઊભા થઈ ગયા હતા. શિવશંકરના એક હાથમાં બીલીપત્ર હતાં. સાજો હાથ ધુમ્મટ તરફ લંબાયેલો હતો, મહેશભાઈ હાથમાંની પિત્તળની ઘંટડી જોરજોરથી વગાડતા હતા અને નીલકંઠના હાથમાં આઠ શગની આરતી હતી, મંત્રોચ્ચાર કરતી વખતે તે આરતીને નિયત ક્રમ પ્રમાણે ફેરવતો હતો - શિવલિંગ તરફ, પછી પાર્વતી તરફ, સૂર્યની દિશામાં, હનુમાન અને ગણપતિની મૂર્તિઓ પ્રતિ અને છેવટે એક જયઘોષ, નગારા પર છેલ્લી દાંડી, અંતિમ ઘંટારવ, વળી મંત્ર-પુષ્પાંજલિ નીમિલિત આંખો, જોડાયેલા હાથ, ફફડતા હોઠ, હવાની લહરીના સ્પર્શ થિરકતી આરતીની જ્યોત, વિસ્તરીને વિલીન થયે જતી ધૂપસળીની ધૂમ્રરેખાઓ, તાજા ફૂલોની સુગંધ, ટપકતી જળાધારીનો એકધારો ધ્વનિ-વાતાવરણને અપાર્થિવતાનો એક પડ ચડી ચૂક્યો હતો કે શું ? નીરાએ વાળને એક ઝટકો મારી વાતાવરણના પથરાતા પ્રભાવને હડસેલી મૂકવાનો પ્રયત્ન કર્યો. ત્યાં નીલકંઠ ઉઘાડે શરીરે હાથમાં આરતી લઈને બહાર આવ્યો. લોકોએ આશકા લેવા માટે ધક્કામુક્કી કરી. થાળીમાં ટપોટપ પૈસા પડ્યા. કેટલાંક વૃદ્ધ સ્ત્રીપુરુષોએ નીલકંઠ સાથેની જૂની ઓળખાણ તાજી કરી લીધી અને ‘બાપની આ જાહોજલાલી તમારે બે દીકરાઓએ જ જાળવવાની છે’ એવા ઉદ્ગારો કાઢ્યા. આરતી સાથે નીલકંઠ નીરા પાસે આવીને થંભી ગયો. નીરા નિશ્ચેતપણે ઊભી રહી. મંદિરમાં એકાએક નિ:સ્તબ્ધતા ઊતરી આવી. નીરાને લાગ્યું કે તે પોતાનો શ્વાસ પણ બહુ સ્પષ્ટતાથી સાંભળી શકતી હતી. તેને રૂંધામણનો અનુભવ થયો. નીલકંઠે આરતીની થાળી એના તરફ લંબાવી. નીરા અંગેઅંગ કંપી ગઈ. ‘આશકા લઇ લે નીરા !’ નીલકંઠનાં ધીમા, ધ્રૂજતા શબ્દો વહી આવ્યા. કેટલા અજાણ્યા હતા એ શબ્દો ! - વૈજ્ઞાનિક બુદ્ધિવાદની સતત તરફેણ કરતા નીલના જ કંઠમાંથી ઉચ્ચારાયા હતા. એ શબ્દો ? કે વિરકતેશ્વર મહાદેવના પેઢીઘર પૂજારી શિવશંકર પુરોહિતના શ્રદ્ધાળુ પુત્રના મુખમાંથી વહી આવ્યા હતાં એ શબ્દો ? ...નીરોએ ફરી એક વાર નજર નીલકંઠ ઉપર ઠેરવી. નીલકંઠના અત્યારના સ્વરૂપને ઓગાળી દઈ એનો સુપરિચિત આકાર એમાંથી ઉપસાવવાનો એણે પ્રયત્ન કર્યો, પણ એમાં કેમ સફળતા મળતી નહોતી ! આનો આ જ નીલકંઠ કેમ અચળ રહ્યો હતો ? ‘નીરા... ! આશકા....’ નીલકંઠના શબ્દો ફરીથી વહી આવ્યા અને એનો હાથ લંબાયો. નીરા બીજું બધું ભૂલીને એ હાથ તરફ જોઈ રહી - થાળીમાં મૂકેલી આરતી સાથેનો એનો હાથ. શું શું પ્રાપ્ત થયું હતું એને અત્યાર પૂર્વે એ હાથ વડે ? અદ્યતન ફિલસૂફીનાં પુસ્તકો, કોફીનો પ્યાલો, મેકસ ફેકટરનો મેક-અપ બોકસ, કોન્ટ્રાસેપ્ટિઝનંદ પૅકટ, ક્યારેક - કોઈક વાર શરાબની પ્યાલી; લગ્ન તો રજિસ્ટર કરાવ્યાં હતાં એટલે એ હાથ વિધિવત્ ગ્રહણ કરવાનો સમય નહોતો આવ્યો, પણ એ જ હાથ એની કાયાને ઢળતી રાતે કે નિ:શબ્દ મધ્યાહને સહેલાવી જતો હતો અને ત્યારે એ હાથને રૂંવે રૂંવે ઉષ્માની અને જ્યોતિઓ પ્રગટી હોય એવો અનુભવ થતો હતો, અને અત્યારે - નીરાએ જોયું : આરતીની આઠ શગમાંથી એકબે બુઝાઈ ગઈ હતી અને બીજી એક ક્ષીણ થયે જતી હતી. નીરાએ ફરી એક વાર નીલકંઠ તરફ જોયું, એનાં ચશ્માંના કાચમાં આરતીનું નાનકડું પ્રતિબિમ્બ ઝિલમિલાઈ જતું હતું. નીલકંઠનાં ચશ્માંને એ ચાહતી હતી - જાડી, કાળી ફ્રેઇમ, ઊજળા કાચ અને એની પાછળ ઢંકાયેલી બુદ્ધિના તેજથી ચમકતી આંખો. ચશ્માં એને મન નીલકંઠની બુદ્ધિજીવિતાનાં પ્રતીક હતાં. નીલકંઠ રાત્રે સૂતી વખતે ચશ્માં ઉતારી નાખતો ત્યારે શરૂ શરૂમાં નીરાને સહેજ ભય લાગતો. એનો ચહેરો ત્યારે અપરિચિતતાની સરહદમાં ચાલ્યો ગયો હોય એવું લાગતું... અને આજે એ ચશ્માંના કાચમાં ક્ષીણ થયે જતી આરતીની જ્યોતનું પ્રતિબિંબ થિરકતું હતું અને એની પાછળ નીલકંઠની આંખો ઢંકાઈ ગઈ હતી... નીરા સહેજ પાછળ હઠી ગઈ. તેને થયું : તે ફૂંક મારીને આરતીના દીપ હોલવી નાખે; શ્રદ્ધાના ઉજાશ કરતાં અશ્રદ્ધાનો અંધકાર વધારે આત્મીય હતો, નહિ ? ...ત્યાં નીલકંઠ નજીક આવ્યો, બોલ્યો, ‘નીરા....’ પણ નીરા હજીયે દૂર ખસી ગઈ. એના મુખમાંથી ધીમા પણ દૃઢ શબ્દો નીકળ્યા : ‘આઈ એમ સોરી નીલ !' અને એ શબ્દો પૂરા થતામાં તો એ મંદિરના દરવાજા સુધી પહોંચી ગઈ, મંદિરમાંના લોકોમાં ધીમે સાદે ચર્ચાઓ જાગી ઊઠી. સહુ કોઈની નજર નીરા તરફ અને પછી નીલકંઠ તરફ નોંધાવા લાગી. એ નજરોમાં આશ્ચર્ય, તિરસ્કાર અને રમૂજ ઊભરાઈ ઊઠ્યાં. આછો કોલાહલ સાંભળીને શિવશંકર ગર્ભગૃહમાંથી બહાર આવ્યા. તેમણે નીલકંઠને પૂછ્યું : 'શું થયું, નાના!’ ‘કાંઈ નહિ, બાપુ !' નીલકંઠ એટલું જ બોલ્યો અને પછી આરતીની થાળી લઈને અંદર ચાલ્યો ગયો...
(ક્રમશ :...)


0 comments


Leave comment