24 - પ્રકરણ – ૨૪ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ‘તમારો ફોન છે, મિ. પુરોહિત !’
   મિસ પિન્ટોનો સજાવેલો અવાજ સંભળાયો અને નીલકંઠ ઊભો થઈ તેની પાસે ગયો. પિન્ટો તેની કાયા ફેલાવીને બેઠી હતી. એના લિપસ્ટિકનો ઘેરો શેઈડ, ચીતરેલી ભમ્મરો, કપાળ પર આયોજનપૂર્વક વિખેરેલા ટૂંકા વાળ, વસ્ત્રોની અતિશય ચુસ્તગી; એ બધું જ ન ઈચ્છવા છતાં આંખોમાં ભટકાતું હતું. નીલકંઠે રિસીવર ઊંચકી ‘હલો, હું નીલકંઠ...who's speaking ?’ ના શબ્દો છૂટા કર્યા. સામેથી ‘હલો નીલકંઠ ! હું સમીર....’ બોલાયું અને નીલકંઠના તંગ ચહેરાની રેખાઓ હળવી થઈ, તે બોલી ઊઠ્યો : ‘હલો ડોકટર ! હાઉ ડુ યૂ ડુ?’
   ‘ઓહ, આઈ એમ બ્લડી ફાઇન !’
   ‘ફરમાવો, કાંઈ ખાસ હુકમ ?’
   ‘નથિંગ સ્પેશ્યલ. દર્દીઓની વણજારમાંથી થોડીક મિનિટોની ફુરસદ મળી એટલે તને ફોન કર્યો.’ અને એક નિખાલસ અટ્ટહાસ્ય.
   ‘અચ્છા ?’
   ‘સાંજે ઓફિસેથી છૂટીને આ તરફ નીકળજે.’
   ‘ઓ કે; But usually I try to avoid a doctor's visit !’
   ‘આહ યૂ !....હું શું માત્ર ડોકટર છું? તારો દોસ્ત નથી ?’
   ‘I am Sorry....'
   ‘That's all right Boy ! અચ્છા, નીરાભાભીના શા સમાચાર છે?’ ઓચિંતો જ પ્રશ્ન ઝબકી ગયો અને નીલકંઠના હાથમાંથી રિસીવર સરકતું રહી ગયું. તે કશું જ ન બોલી શક્યો. સમીરનો પ્રશ્ન ફરીથી વીંઝાયો : ‘હલો... હલો નીલકંઠ ! any news from –
   ‘કાંઈ જ નહિ, સમીર !' અધવચ્ચેથી નીલકંઠે જવાબ આપી દીધો અને તરત ઉમેર્યું : ‘અચ્છા ? ગુડ બાય….’
  
   ‘કેમ, એય ! બહુ ઉતાવળ છે ?' ફોનમાંથી આરપાર નીકળી જતો સમીરનો બુલંદ સ્વર. નીલકંઠે હોઠ ભીસીને રિસીવર પકડી રાખ્યું. અને સમીર મજાકિયા લહેજામાં બોલતો સંભળાયો : ‘તારી પેલી રિસેપ્શનિસ્ટ ગર્લ-શું નામ એનું ? મિસ પિન્ટો કે મિન્ટો ? મારા વતી એને–' અને નીલકંઠે ફોન મૂકી દીધો. સમીરનો તોફાની પ્રેમાલાપ અડધેથી કપાઈ ગયો... પોતાના ટેબલ સુધી આવતાંયે નીલકંઠ હાંફી ગયો. વસંતની બપોરે એનું શરીર પ્રસ્વેદથી ભીંજાયું હોય એવી લાગણી એને જન્મી. તેને ટેબલ પર માથું ઢાળી સૂઈ જવાનું મન થયું. તેણે આંખો તો મીચી દીધી, બંધ આંખો સમક્ષ સમીરનો ચહેરો તરવરી ઊઠ્યો–સોહામણો, તંદુરસ્ત, પ્રફુલ્લ...હંમેશાં down to earth રીતે વર્તવાની એની આદતો, લાગણીવેડાથી નજર ફેરવી લેવાની એની પ્રકૃતિ, જીવન પ્રત્યેનું નિર્ભ્રાન્ત વલણ.... ‘યાર! પ્રેમ-બેમ કુછ નહિ....This bloody life – એને તો ચૂસી ચૂસીને ફેંકી દેવી જોઈએ, એને આપણા પર સવાર થવાની કોઈ તક જ ન આપવી જોઈએ,’ અને પછી એની ઉપમા વધારે તીવ્ર બનતી : Life is like a woman, તમે એને dominate કરો તો જ તે રાજી રહેશે... She must be under your full weight; then she would response.' સમીરની આવી વાતો સાંભળવાનોયે નશો થઇ ગયો હતો, નહિ ?....પણ આજે ટેલિફોનમાંથી વહી આવેલા તેના શબ્દોથી અજંપો બેવડાયો હતો–શા માટે ? ...અને કદાચ પહેલી જ વાર સમીરને સાંજે મળવા જતાં મન પાછું પડતું હતું–શા માટે જવું ? જઈનેય શું ? આ જ થોડીય બેફામ વાતો, દર્દીઓ સાથેના એના અનુભવો, એની ફિયાટની થોડીક સૈર, એકાદી હોટેલમાં કોફીના કપને આધારે કપાતો સમય અને પછી પોતે અચાનક ગંભીર બની જશે – સમીરની એ જ તો કાયમની ફરિયાદ હતી : ‘શું આખી દુનિયાનો બોજ માથા પર લઈને જીવે છે, નીલ ?’ પોતે ત્યારે એને કશો જવાબ ન આપતો અને તેમ તેમ સમીર વધારે વાચાળ બનતો. છેવટે નીલકંઠને કહેવું પડતું : ‘તું નહિ સમજી શકે સમીર ! હું તારી જેમ સંપૂર્ણ નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. મને મારા અસ્તિત્વના મૂળભૂત સવાલો છે. હું, મારી આઈડેન્ટિટી, મારો ભૂતકાળ, મારો વર્તમાન, મારું ભવિષ્ય- હું ભૌતિક અર્થમાં સમયનાં આ પરિમાણનો ઉલ્લેખ નથી કરતો - એ બધુંયે મને વીંટળાઈ વળે છે.... ક્યારેક મને લાગે છે કે હું એકસાથે સમયના અનેક ખંડોમાં જીવું છું, એક ઉત્ક્રાન્તિકાળથી ચાલ્યા આવતા માનવીય અસ્તિત્વના તંતુનો અંશ હું સંઘરી બેઠો છું, પાષાણયુગ મારાં સ્વપ્નોમાં એબ્ટ્રેાથકટ પદાર્થોરૂપે ડોકાઈ જાય છે, મારું આ બાહ્ય રીતે સુસંગત લાગતું જીવન ભીતરના પહેલા સ્તરમાં અસંગતતાઓથી સભર છે. પણ વળી છેક તળિયેના સ્તરમાં એ અસંગતતાઓ જ સુસંગત બનીને ગોઠવાયેલી છે... હું અંતિમોની વચ્ચે જીવું છું, સમીર ! એક અંતિમ મને મારા ભૂતકાળમાં જકડેલો રાખવા મથે છે, બીજું અંતિમ મને બાહ્ય અવકાશ સુધી ઊડવા પ્રેરે છે અને હું કશું જ નક્કી નથી કરી શકતો. મારા અસ્તિત્વને જુદા જુદા ખંડોમાં વિખેરી દઈ split personalityનો ફરેબ રચવાનુ મન ફાવતું નથી, એટલે mine is not a compartmental life. મહોરાંઓ લગાડીને કેમ જીવી શકાય ?’ અને પછી પોતે ઘણું બધું બોલી ગયો એનો ખ્યાલ આવતાં શરમાઈ જતો અને કહેતો : ‘I am sorry, મેં તને બોર કર્યો. પણ આ ફકત લાઉડ થિન્કિંગ હતું.’ હંમેશાં નિષ્ફિકર રહેતા સમીરના મુખ પર પણ થોડીક પળો માટે ખામોશી છવાઈ જતી. અને પછી એકાએક પોતાના મૂળ મિજાજમાં આવતાં તે બોલી ઊઠતો : ‘જવા દે આ બધી બોજીલી વાતો. ચાલ, આજે “બ્લેક હોર્સ”નો એકાદ પેગ....”

   આજે સાંજે સમીરને મળવાનું થશે એટલે આવી જ કોઈક પૂર્વે અનુભવેલી સ્થિતિનું પુનરાવર્તન થશે, નહિ ? ... નીલકંઠને પ્રશ્ન થયો અને એનાથી વજનદાર નિ:શ્વાસ નખાઇ ગયો.
(ક્રમશ :...)


0 comments


Leave comment