25 - પ્રકરણ – ૨૫ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીરા મંદિરના ઓટલા પર આવી ગઈ. તેણે એક વાર અંદર જોઈ લીધું અને ઝડપથી પગથિયાં ઊતરવા માંડ્યાં. ચોકમાં આાડાંઅવળાં બૂટ-ચંપલો વેરાયેલા પડ્યાં હતાં અને એના પહેરનારાઓ અંદર મંદિરમાં પ્રસાદ માટે હાથ લબાવતા હશે. નીરાને તીવ્ર અણગમો થઈ આવ્યો. ચોક વટાવીને તે બીલીના વૃક્ષની છાયામાં જઈને ઊભી. તડકો હઠી ગયો. નીરાએ જોરથી શ્વાસ લીધા. એના જ્ઞાનતંતુઓમાં ઉશ્કેરાટ હતો. હોઠ ભીડીને એ વૃક્ષ ફરતેની ચોતરા જેવી જગ્યાએ બેસી પડી. અચાનક જ એને પ્રશ્ન થયો કે એની આંખો ભીની બન્યે જતી હતી કે શું ? એને રોષ આવ્યો. એણે સાડીનો પાલવ લંબાવ્યો અને છોડી દીધો. તે આંખો મીંચી ગઈ. પ્રસાદ માટેનો કોલાહલ અને જયનાદ કરતા કે વાતો કરતા પસાર થતા લોકોના સમૂહથી એ જાણે ખૂબ દૂર દૂર સરી ગઈ હતી. બીલીના વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરતી ચકલીઓ અને મંદિરના શિખર પર બેઠેલો એકાકી કાગડો: ચોકમાં ગૂંચળું વળીને પડેલું ખસૂડિયું કૂતરું અને થડ પર સરકતી ખિસકોલી; કશું જ નીરાના અટૂલાપણાના પડને વીંધી શકતું ન હતું. એની બંધ આંખો આગળ તો ચર્ચગેટ સ્ટેશન પર ભીડ જમાવતા ઊજળા, સોહામણા ચહેરાઓ, ગોગલ્સમાં ઝિલાતી પ્રતિચ્છવિઓ, અંગ્રેજીમાં વીંઝાતી લાગણીઓ અને દલીલો, મરીનડ્રાઇવના સાગરતરંગની પછડાટો અને એણે જમણે હાથે ઝગમગતાં સ્કાય-સ્કેપર્સમાં રેડિયોગ્રામ પર ગુંજતી વોલ્ટઝની રેકોર્ડો, કોફી હાઉસના ટેબલ પર મુક્કા મારીને દલીલ કરતા ભૂખરા વાળવાળા છોકરાઓ અને જે. જે.ના શાંત ખંડમાં એબ્ટ્રે્સકટ પેઇન્ટિંગ કરતી છોકરીઓ, પિટિટ લાઇબ્રેરીના અંધકારમાં વજનદાર પુસ્તકોમાં ખોવાઈ જતા પ્રૌઢ માણસો અને અપોલો-૧૧ના ઉડ્ડયનની ફિલ્મોમાં દશ્યો, સ્પેસસાયંસની પરિભાષાના હજારો શબ્દોમાં વ્યક્ત થતી માનવીની આધુનિકતમ મહત્વાકાંક્ષાઓ, કેપ કેનેડી પર સેટર્ન-5ના પ્રચંડ બ્લાસ્ટ ઓફ વખતે એસ્ટ્રે નોટ્સની પત્નીઓનાં મુખ પર ચમકી જતી ગૌરવ, આનંદ અને વિષાદની લાગણીઓની વાચાળ લિપિ....

   ‘નીરા !’
   ખૂબ નજીકથી ઉચ્ચારાયેલું એક સંબોધન અને નીરાની તન્દ્રા તૂટી ગઈ. આંખો પટપટાવીને એણે જોયું. નીલકંઠ એની નજીક ઊભો હતો; માત્ર પીતાંબર પહેરીને અને એની પાછળ તડકાથી આવરાઈ ગયેલું, ઊખડી ગયેલા પ્લાસ્ટરની ભીંતોવાળું વિરકતેશ્વરનું મંદિર. નીલકંઠ ચુપચાપ એની પાસે બેસી ગયો. એના સહેજ શ્યામલ શરીર પર નવું જનોઈ જુદું તરી આવતું હતું. થોડી વાર બંને કશું ન બોલ્યાં. છેવટે નીલકંઠે કહ્યું,
   ‘તેં ઠીક ન કર્યું, નીરા !’

   નીરાએ કશો જવાબ ન આપ્યો.
   ‘તું આશકા લઈ શકી હોત.’
   ‘શા માટે ?’ નીરાએ વળતો પ્રશ્ન કર્યો.
   ‘માત્ર વિવેક માટેય. એમાં તારે શું ગુમાવવાનું હતું ? બાપુને સારું લાગત. ગામલોકો વચ્ચે તેં આરતીનો અનાદર કર્યો તેથી એમને આઘાત લાગ્યો જ હશે. એ બોલી નાખે તેવા નથી, પણ હું એમને સમજી શકું છું.’
   ‘હં....’
   ‘એમને મન આ મ મંદિર અને શિવલિંગની પૂજાથી વિશેષ આ દુનિયામાં બીજું કશું નથી.’
   ‘આ એમનો વ્યવસાય જ છે ખરું ને ?’
   ‘ના. તું જાણતી નથી. શંકરના મંદિરની કશી જ આવક અમારાથી ન લઈ શકાય. શાસ્ત્રનો નિષેધ છે. આ મંદિરમાં પડતો ચોખાનો દાણો સુધ્ધાં અમે તપોધન બ્રાહ્મણોને આપી દઈએ છીએ. અને છતાં બાપુને મન મંદિર અને પૂજાથી વધારે કશું જ નથી- એમની પોતાની જાત પણ નહિ અને અમે કુટુંબીજનોયે નહિ.’
   ‘હં.....’
   ‘એમની તો એક જ ઇચ્છા છે - આ મંદિરના ગર્ભગૃહમાં શંકરની સેવા કરતાં કરતાં એમના પ્રાણ છૂટે ત્યારે એમના હાથમાં બીલીપત્ર હોય, ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળે ભસ્મની અર્ચા અને હોઠો પર ‘નમ: શિવાય’નો મંત્ર..... એમને માટે આ મંદિર એક સર્વોચ્ચ અને શાશ્વત મૂલ્ય છે, નીરા !’
   ‘વ્યકિતએ વ્યક્તિએ મૂલ્યો જુદાં હોવાનાં, નીલ !’
   ‘હા, અને એટલે જ જેમ આપણે આપણા મૂલ્યનો તેમ બીજાના મૂલ્યનો એ વિવેક જાળવો જોઈએ.’
   ‘હું સંમત નથી થતી. મૂલ્યો વિશે સમાધાન સંભવે જ નહિ. હું તારાં મૂલ્યોનો સ્વીકાર કરું છું એનો અર્થ જ એ કે હું મારા જીવનમૂલ્યનો ત્યાગ કરું છું. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે નીલ ! બે અંતિમોનો મેળ શી રીતે બેસવાનો હતો ?’ નીરા જુસ્સાથી બોલી ગઈ.

   ફરીથી એક ઘેરી ચૂપકીદી પથરાઈ ગઈ. મંદિર હવે નિર્જન બની હતું. લોકો ચાલ્યા ગયા હતાં. આડાંઅવળાં બૂટ-ચંપલોથી ભરેલું પ્રાંગણ સાફ થઈ ગયું હતું. કોણ જાણે કેમ નીલકંઠને અંદર શિવલિંગ પર ટપકતી જળાધારીનો એકધારો ધ્વનિ છેક અહીં સુધી સંભળાઈ આવ્યો અને સાથે જ એના કાનમાં મંત્રોચ્ચાર અને જયનાદોના પડછંદાનું પુનરાવર્તન થયે ગયું.....
(ક્રમશ :...)


0 comments


Leave comment