27 - પ્રકરણ – ૨૭ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીલકંઠ તેના ટેબલ પર પહોંચ્યો ત્યારે ત્યાં નવા કાગળો ગોઠવાઈ ચૂક્યા હતા. તેણે એના પર નજર નાખી. કોઈક સિગારેટ બનાવતી કંપનીની હતી : ‘મેઈડ ફોર ઈચ અધર’ એવું કશુંક પ્રચલિત કેપ્શન હતું. સાથે સોહામણાં યુવકયુવતીનું ચિત્ર. નીલકંઠને એમાં અણધાર્યો રસ પડ્યો. તેણે ચિત્ર તરફ જોયા કર્યું. યુવકનાં સરસ કપડાં, ખૂબસૂરત ચહેરો, અદ્યતન શૈલીથી સજાવેલા વાળ, ચહેરા પર મોહક સ્મિત, યુવતી પર મંડાયેલી ભાવવિભોર આંખો... યુવતીની આકર્ષક સાડી, એનાં અંગેઅંગમાંથી નીતરતું લાવણ્ય, યુવકના સાંન્નિધ્યને જ કારણે હોય એમ એના અસ્તિત્વમાંથી પ્રગટ થતી મુખર પ્રસન્નતા, એ બંનેની ગાઢ નિકટતાને પૂરક બની સોહાવતી રળિયામણી નૈસગિક પાર્શ્વભૂ અને પેલું સુયોગ્ય કેપ્શન ‘મેઈડ ફોર ઇચ અધર’..... નીલકંઠને લાગ્યું કે એના મનનો તનાવ ઘટી રહ્યો હતો. ત્યાં જ એની નજર ચિત્રમાંના યુવકના જમણા હાથની પ્રથમ બે આંગળીઓ વચ્ચે જકડાયેલી એક સિગારેટ ઉપર નોંધાઈ અને જાણે એ જ સિગારેટનો અંગારો એને ચંપાઈ ગયો હોય એમ એના મનનો તનાવ ક્ષણાર્ધમાં તીવ્ર બની ગયો.... યુવક, યુવતી, સરસ વસ્ત્રો, ખૂબસૂરતી, લાવણ્ય, ભાવુકતા, પ્રસન્નતા, સાહચર્ય, નિસર્ગની રમણીય પાશ્વભૂ અને.... એક સિગારેટ જલતી, કડવો ધુમાડો પ્રસારતી દઝાડી શકતી છતાં નિષ્પ્રાણ, ઠૂંઠું બની બૂટ નીચે કચડાઈ જવા, રાખ બનવા સર્જાયેલી સિગારેટ....! નીલકંઠથી હોઠ ભીંસાઈ ગયા. એને લાગ્યું કે પેલી તસવીરમાંનાં સોહામણાં યુવકયુવતી એકાએક બદલાઈ ગયાં હતાં. વ્યંગચિત્રમાં પલટાઈ ચૂક્યાં હતાં – યુવકનું ચીબું નાક, એનું મોટું માથું, નીકળી આવેલી ખૂંધ, જીંથરાં જેવા વાળ, ફાટેલાંતૂટેલાં કપડાં, સુક્કા હાથપગ અને મોટું પેટ ! ચરબીથી ભરાયેલી યુવતીની છાયા, ચૂંચી આંખો, જાડા હોઠ, એણે કઢંગી રીતે પહેરેલી સાડી, એનું ભય પમાડે એવું હાસ્ય, બહાર નીકળેલા દાંત... અને પાર્શ્વભૂ યે પરિવર્તિત થઈ ચૂકી હતી. રમણીય નિસર્ગશ્રીને બદલે સળગતા અગ્નિકુંડોની ઉપર ભમતાં ગીધ, આસપાસ વેરાયેલાં ખોપરીઓ અને હાડકાં... માત્ર યુવકના હાથમાં પેલી કેપ્શન પણ યથાવત્ હતું : ‘મેઈડ ફોર ઈચ અધર’ ..... માત્ર એની પાછળ એક આશ્રર્યચિહ્ન ઉમેરાઈ ગયું હતું - મૂળ શબ્દો કરતા ઘણું બધું મોટું !....
(ક્રમશ :...)


0 comments


Leave comment