28 - પ્રકરણ – ૨૮ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીલકંઠ નીરા તરફ જોયા વિના ભૂરા આકાશ પ્રતિ દૃષ્ટિ નાખી સ્વગત બોલવા લાગ્યો :
   ‘નીરા ! મારું બાળપણ, એની બધી સ્મૃતિઓ આ મંદિરની આસપાસ વીખરાયેલાં છે. વર્ષો સુધી તો મેં આ મંદિર બહારની દુનિયા જોઈ જ નહોતી. સવારે આંખ ઊઘડે એટલે પહેલાં દર્શન મંદિરની ધજાનાં કરવાં એવો નિયમ અમારા કુટુંબમાં પેઢીઓથી ચાલ્યો આવે છે. આ બીલીનું વૃક્ષ; એની છાયામાં બેસીને તો મારા કેટલાયે પૂર્વજોએ વિદ્યાભ્યાસ કર્યો અને કરાવ્યો હશે. ખુર મારા બાપુએ પણ કેટલાંયે અનુષ્ઠાનો આ ઝાડ હેઠળ કર્યા છે એનો હું સાક્ષી છું. બિલ્વ વૃક્ષની છાયામાં થયેલાં અનુષ્ઠાનનું પ્રત્યક્ષ ફળ મળે છે એવી અમારા કુટુંબમાં માન્યતા છે... હું શાળાએ જવા માંડ્યો ત્યારથી સ્લેટપેન અને ચોપડી લઈ સવારના કૂણા તડકામાં અને સાંજના ધૂસર પ્રકાશમાં અહીં જ આવીને બેસતો. આ વૃક્ષ પર દોડતી ખિસકોલીઓ અને એની ડાળીઓમાં માળા બાંધતી ચકલીઓ સાથે મારે અબોલ મૈત્રી બંધાઈ ગઈ હતી. વાંચવાલખવાનું ભૂલીને હું એમની લીલા જોયા કરતો. ઉનાળાની બપોરે એની છાયામાં ઠંડક વર્તાતી. ચોમાસામાં આ વૃક્ષ પાણીથી તરબોળ બનતું એ જોતાં હું થાકતો નહિ..... બા અમને વહેલી સવારે બીલીપત્રો ચૂંટવા મોકલતી, પણ એ કામ સહેલું નહોતું. ત્રણ અખંડ પાંદડાંવાળાં પત્રો જ મેળવવાનાં. એકે પાંદડું ખંડિત ન થઈ જાય એની કાળજી રાખવાની. ખરી પડેલાં બીલીપત્ર પર પગ તો મુકાય જ નહિ. બને ત્યાં સુધી બાલપાંદડાને સ્પર્શ ન કરવાનો. હું તો નાનપણમાં ખૂબ ઉતાવળિયો. મને આવી ઝીણવટ ન ફાવતી. કદીક અધીરાઈને કારણે બીલીપત્ર ખંડિત થઈ જાય અને મહેશભાઈ એ વાત બાને કહી દે તો બાના હાથનો માર ખાવો પડે... એક વાર હું આવા જ કશાક ગુનામાં આવ્યો તે બાએ મને આ ઝાડ સાથે બાંધ્યો. મારી આંખોમાંથી તો ડબ ડબ આંસુ વહ્યે જાય. પણ એ ભીની આંખેય હું ખિસકોલીની દોડાદોડ જોયા કરું. છેવટે બાપુ યજમાનોને ઘેર ફરીને આવ્યા અને એમણે મને છોડાવ્યો. દર મહિનાની વદ તેરસે અમારી બાળકટોળી રંગમાં આવી જતી. શિવરાત્રિ આવે એટલે મંદિરમાં મોટી પૂજા થાય, ભજનકીર્તન જામે. ગામમાં એક ડોસા હતા – પ્રાણુ ભગત, રાત્રે નવેક વાગે એટલે નાનકડું હાર્મોનિયમ લઈને તેઓ આવે. અમે એને વાજાપેટી કહેતા. અમારે મન કુતૂહલનું એ મોટામાં મોટું કેન્દ્ર હતું. કોઈક વાર એની પટ્ટીઓ પર આંગળી ફેરવવાની મળતી તો એનો રોમાંચ દિવસો સુધી ન ભુલાતો. હાર્મોનિયમ પર પ્રાણુડોસાની આંગળીઓ અજબ સ્ફૂર્તિથી ચાલે. એ જોઈને મને બીલીવૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરતી ચકલીઓ યાદ આવી જતી.... થોડી વારે પચીસત્રીસ ભકતો આવવા માંડે–એક પછી એક કે બે બબ્બે–ત્રણ ત્રણના ઝૂમખામાં. એમાં પ્રાણુડોસાના ત્રણેક શાગિર્દો હોય.

   એક જણ તબલાં કે પખવાજ વગાડે, બીજો સારંગી છેડે, ત્રીજો મંજીરાં બજાવે, દસ વાગે એટલે તબલાં પર પહેલી થાપી પડે. હાર્મોનિયમ, સારંગી અને પ્રાણુડોસાના કંઠના સૂર મેળવાય. તબલાં હથોડીથી ઠીકઠાક કરાય, સારંગીના ગજ પર બેન્જો ઘસાય, પ્રાણુડોસા થોડાક ખોંખરા ખાઈ ગળું સાફ કરે ત્યાં સુધીમાં મંદિર હકડેઠઠ્ઠ ભરાઈ ગયું હોય. અમે ટાબરિયાં યે શાંત બની જઈએ. પછી ‘હાર્રા હાર્રા મહાદેવ’નો એક ઘોષ જાગે અને પ્રાણુડોસા મહાદેવની સ્તુતિ શરૂ કરે. શબ્દો અડધા સમજાય. સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ભાષાનું મિશ્રણ હોય. મારું મન પ્રાણુડોસાના પ્રાકૃત અને બાપુના શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારોની સરખામણીએ ચડી જાય ત્યાં સ્તુતિ પૂરી થાય અને ભજનોનો રંગ જામે. રાત ઘૂંટાતી જાય. વચ્ચે વચ્ચે પ્રાણુડોસા શાસ્ત્રીય સંગીતની છટાઓ આણે, પોતાના કોઈક શાગિર્દની પરીક્ષા કરતા હોય એમ પૂછી લે : ‘ક્યો રાગ થયો, કહે જોઉં?' અને શિષ્ય માલકોંસ કે એવા કોઈક રાગનું નામ દે અને તે સાચું હોય તો પ્રાણુડોસાના બોખા મોં પર સંતોષ છવાઈ જાય, પણ શાગિર્દ ભૂલ કરે તો એમની ભમ્મર ચડી જાય અને ‘હજી તારો રાગ પાકો થયો નથી દીકરા,’ કહી ઠપકો આપે... ‘વાહ ! વાહ’ ના ઉદ્ગારો નીકળતા રહે.... પછી વિરામ પડે... અમે બાળકો ન જાણીસમજી શકીએ તેમ કોણ જાણે ક્યાંથી ગાંજાની ચલમ ફરતી થાય. પ્રાણુડોસાને ચલમ વિના ન ચાલે. એ કપડાંની નાની ગોદડીએ વીંટેલી ચલમ મોઢે લગાડી ઊંડો શ્વાસ ખેંચી દમ લગાવે. અમારી બિડાવા મથતી આંખોમાંથી ઊંઘ ઊડી જાય અને ચલમના ધુમાડામાં અમારું બાલમન સંકળાઈ રહે. પછી ચલમ બે-પાંચ ગંજેરીઓમાં ફરતી રહે. પ્રાણડોસા પહેલી ચલમ પોતાના પટ્ટશિષ્યને આપે. શિષ્યના મુખ પર કૃતકૃત્યતાનો ભાવ પથરાઈ જાય..... ત્યાં બાપુ ગર્ભાગારમાંથી ત્રાંબાનો એક મોટો કરવડો લઈને બહાર નીકળે તે સાથે જ ભક્તજનોમાં હર્ષ ફેલાઈ જાય. ‘રંગ છે મહારાજ ! હવે ખરો રંગ જામ્યો, બાપુજી!’ એમ બધા બોલે. અમે સમજી જઈએ : બાપુ કરવડામાં ભાગ લઈને આવ્યા છે. એ વિજયાનો પહેલો પ્રસાદ બાપુ પોતે લ્યે, પછી પ્રાણુડોસાને આપે. છેલ્લો અમારો વારો આવે. પણ અમને તો એકાદ આચમન જેટલી જ ભાંગ મળે, તોય અમે રાજી રાજી થઈ જઈએ અને જોતજોતામાં અમારી આંખો મીંચાઈ જાય. વળી ભજનોનો દૌર જામે, પણ અમને એનું કાંઈ ભાન ન રહે. સવારે જાગીએ ત્યારે અમે ઘરમાં સૂતાં હોઈએ... એ પ્રાણુડોસા થોડે વર્ષે મરણ પામ્યા. જીભે લકવો થઈ ગયો હતો. કશું બોલાય નહિ, તો યે હોઠ ‘ઓમ નમઃ શિવાય'નો ફફડાટ કર્યા કરે. બાપુની આંગળી પકડીને હું એમને જોવા ગયો હતો. બાપુને જોઈને એ બાળકની જેમ રડી પડ્યા. બાપુએ એમને માથે હાથ ફેરવીને કહ્યું : ‘ભોળા શંકર તમને કૈલાસમાં બોલાવે છે, પ્રાણુભાઈ !!’ અને ડોસાના મુખ પર અગાધ શાંતિ પથરાઈ ગઈ. પહેલાં તો એમની મુખની વિકૃતિ જોઈને હું ડરી ગયો હતો, પણ એ વિકૃતિય પછી જાણે અલોપ થઈ ગઈ. રસ્તામાં બાપુએ મને કહ્યું : ‘નાના, પ્રાણુ ઝાઝું જીવવાનો નથી એની મને ખબર પડી ગઈ હતી. ગઈ શિવરાત્રિને બીજે જ દિવસે સ્વપ્નામાં આવીને મહાદેવજીએ મને કહ્યું હતું : પ્રાણુનાં આ છેલ્લી વારનાં ભજન છે.... મેં એ વાત એને કરી નહિ, પણ બે જ દિવસમાં એ માંદો પડ્યો.' હું કશું સમજ્યા વિના ચકિત થઈ બાપુની વાત સાંભળી રહ્યો.....
(ક્રમશ :...)


0 comments


Leave comment