29 - પ્રકરણ – ૨૯ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીરાનો એક વિચિત્ર કહી શકાય એવો શોખ હતો - કૉમિકસ વાંચવાનો. બીજાં હજાર પુસ્તકો પડતાં મૂકીને તે કૉમિકસની ચોપડી કે કૉમિક–સ્ટ્રિપ્સ પર આંખ ફેરવી જાય. જેફ ઍન્ડ મટ, આયોડાઇન અને બીમસ્ટીડ, પોપ અને જિલ, ટારઝન અને ફ્રેન્ટમ, વૈતાલ અને બૉન્ડ. જાદુગર મેન્ડ્રેઇક અને ટ્રુડી અને સિક્રેટ એજન્ટ–એ બધાં એનાં પ્રિય પાત્રો હતાં. અખબાર હાથમાં આવતાં તે સૌ પ્રથમ સિરિયલાઇઝડ થતી કૉમિકસ્ટ્રિપ જોઈ જતી. નીલકંઠ ઘણી વાર તેની મજાક કરતો : ‘નીરા ! તને તો હોરર કૉમિક્સના મૅગેઝિનની સંપાદિકા બનાવવી જોઈએ.’ કયારેક નીરા એથી ગુસ્સે થઈને કહેતી: ‘વિદેશોમાં તો મહાન વ્યકિતઓનેય કૉમિક્સ વાંચવાનો શોખ હોય છે એમ ઘણી વાર નોંધાયું છે – તું ભલે મજાક કરે !!’ નીલકંઠ એકાએક ગંભીર બની જઈને કહેતો : ‘ના, ના. હું મજાક કરતો નથી. તને જો એમ લાગ્યું હોય તો હું દિલગીર છું. કૉમિકસની ફેન્ટેસી તો આ કઠોર વાસ્તવજગતથી દૂર ચાલ્યા જવા માટેનું એક સાધન છે, ખરું ?' અને પછી મનોમન વિચારતો : ભલભલાં સંકટોને પળવારમાં નિવારી શકતો અતિમાનવ સમો ટારઝન, શત્રુઓની જટિલ જાળને છિન્નભિન્ન કરી અચૂક વિજયી નીવડતો બોન્ડ, આધિદૈવિક સાહસો કરતો ફેન્ટમ, આલોક-પરલોક પર અંકુશ મેળવી લેતો જાદુગર મૅન્ડ્રેઇક–કોઈક તો બતાવો ક્યાં છે આ સિમેન્ટ-કૉન્ક્રીટનાં નિશ્ચત સ્કાયસ્ક્રેપર્સમાં કે આસ્ફાલ્ટના રસ્તાઓ પર ભૂલેશ્વરના ખખડધજ માળાઓમાં કે માહિમની ઝૂંપડપટ્ટીમાં ક્યાં છે આવા વીર નાયકો, અતિમાનવો, સામર્થ્યવાન પુરુષો, સર્વકાલીન વિજેતાઓ...? અહીં તો બધુંયે વીરત્વ ભરચક ટ્રાફિકવાળો રસ્તો ક્રૉસ કરવામાં, સવારથી રાત સુધી પરસેવો પાડી બૉસની મહેરબાની જીતવામાં કે લૉટરીની ટિકિટનો સાચો નંબર ખેંચાય એની આશામાં રાચવામાં ખર્ચાઈ જાય છે... અને પછી વિચાર અટકાવી નીલકંઠ અડધી મીંચેલી આંખે નીરા તરફ જોતો. તે તેને સાવ અપરિચિત, કોઈક દૂર દેશની નિવાસિની સરખી કે કૉમિકસની સૃષ્ટિની નાયિકા જેવી કેમ લાગતી હતી ? ટારઝનના વિશાળ સીના પર વીંટળાઈ વળી જંગલી માનવોનો સામનો કરતી, કે જેમ્સ બૉન્ડના બાહુમાં લપાઈ બબ્બે હાથે રિવોલ્વર ચલાવતી કોઈક સુંદરી.... નીલકંઠ લઘુતાની લાગણીથી ઊભરાઈ જતો. તેના હોઠ ઊઘડી જતા. તેના ચહેરા પર ભારોભાર અસહાયતાનો ભાવ આવી જતો. ત્યારે નીરા તો ટેબલલેમ્પને અજવાળે કશુંક વાંચવામાં ગૂંથાઈ ગઈ હોય–કદાચ કોઈક કૉમિકસ.... નીલકંઠ કલ્પના કરતો : અત્યારે નીરાનું મન સાત પાતાળ વીંધીને કે નવા અવકાશોમાં, ગાઢ અરણ્યોમાં કે અટપટા ભોંયરાંઓમાં મુકત પંખિણીની જેમ વિહરતું હશે. જ્યારે પોતે...

   નમતી બપોરે ઑફિસના ટેબલ પર બેઠાં બેઠાં નીલકંઠના મનમાં આ બધાં સ્મરણો આવ્યાં અને એને સિગારેટ ચલાવવાની ઇચ્છા થઈ, પણ જાણે તેનામાં એટલીયે શકિત ન રહી હોય એવી નિઃસહાયતાનો તેણે અનુભવ કર્યો. હોઠ ભીડીને તેણે ટેબલ પરના કાગળોમાં ધ્યાન પરોવ્યું, ‘સ્પોટ ધિ બૉલ’ – ‘દડો શોધી કાઢો.’ સાબુની કોઈક કંપનીએ યોજેલી પ્રતિયોગિતાને આ શીર્ષક હતું. એમાં એક તસવીર હતી–કોઈક ક્રિકેટ મેચના દૃશ્યની. દૃશ્ય કંઈક આ પ્રકારનું હતું : બૉલરે દડો નાખ્યો હતો અને બૅટધર તેને ફટકારી ચૂક્યો હતો. વિકેટકીપર અને સ્લિપના ફિલ્ડરો એ દડાને રોકવા માટે જાતજાતની મથામણોમાં પરોવાયા લાગતા હતા. બધાનું લક્ષ્ય દડા પર જ હતું. બોલરે પોતે નાખેલો દડો કઈ દિશામાં ગયો તે જોતો હતો. બેટધર દડાને કેટલેક દૂર ફટકો માર્યો છે તે જોઈ રન લઈ શકાય તેમ છે કે નહિ તેના નિર્ણયની ક્ષણમાં હતો. વિકેટકીપર અને બીજા ખેલાડીઓના હાથ છટકી ગયેલા દડાને પકડવા માટે લંબાયા હતા. દડો ક્યાંક એટલામાં જ હતો - સાવ નજીક – બેટ્સમેન, વિકેટકીપર અને સ્લિપના ફિલ્ડરોની આસપાસ જ તે હોવો જોઈએ....નીલકંઠે ધ્યાનપૂર્વક જોયું. ‘દડો શોધી કાઢો અને પહેલા ઇનામ તરીકે સાતસો રૂપિયાની કિંમતનું ટ્રાન્ઝિસ્ટર મેળવો'નું આમંત્રણ તેણે ફરી એક વાર વાંચી લીધું. પુનઃ તેણે પેલી તસવીર પર દૃષ્ટિ ખૂંપાવી, એ નાનકડા ચિત્રના અણુએ અણુ પર એની નજર ઘૂમી વળી. ‘સ્પોટ ધિ બૉલ’ - પણ ક્યાંય દડો દેખાતો ન હતો. ઘાસની ગંજીમાં જાણે સોય ખોવાઈ ગઈ હતી અને પેલું ટ્રાન્ઝિસ્ટર પણ દુર્લભ બની જતું હતું. નીરાને આવું એક ટ્રાન્ઝિસ્ટર ખરીદવાની કેટલી ઇચ્છા –

   નીલકંઠે ઊંડો શ્વાસ લીધો. તેણે ફરીથી તસવીર જોઈ. છટકી ગયેલા દડાને રોકવાની વ્યર્થ મથામણ કરતા ફિલ્ડરોની અસહાયતા ચિત્રમાંથી સજીવ થઈ પોતાના અસ્તિત્વમાં ખેંચાઈ આવી હોય એમ એને લાગ્યું. ક્યાં હતો દડો?.. ક્યાં હતું ટ્રાન્ઝિસ્ટર?.... ક્યાં હતી નીરા? – કૉમિકસના કલ્પનાતીત સૃષ્ટિમાં – સાત પાતાળ કે સાત આકાશ વીંધીને બોન્ડ, ટારઝન, રિપ કર્બી, સિક્રેટ એજન્ટ કે સુપરમેન ફેન્ટમ સાથે..... ક્યાં હતો દડો ? – સાવ નિકટ તો યે અગાધ અંતરે – ઈશ્વરની જેમ...!
(ક્રમશ :...)


0 comments


Leave comment