30 - પ્રકરણ – ૩૦ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   “ગામલોકો બાપુને બહુ માન આપે છે, નીરા ! કેટલાક તો એમને શંકરનો જ અવતાર ગણે છે, પણ જો કોઈ મોઢામોઢ એવી વાત કરે છે તો બાપુ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પછી ગુસ્સો શમતાં એમની આંખોમાં ઝળઝળિયાં આવે છે અને તેઓ માંડ બોલે છે : “હું તો શંકરનો પોઠિયો છું ભાઈ !” ... કહે છે કે મારા બાપુના દાદાને આ શિવલિંગ વિશે સ્વપ્ન આવેલું. એ સ્વપ્નના આધારે તેઓ નદીના પટમાંથી આ લિંગ લઈ આવેલા અને એમણે અહીં એની પ્રતિષ્ઠા કરેલી. મારા દાદાએ તો સંન્યસ્ત લીધેલું. યજુર્વેદના એ પ્રખર જ્ઞાતા હતા. એમનું વેદગાન સાંભળવા માટે તો છેક કેરળથી નમ્બુદ્રીપાદ બ્રાહ્મણો અહીં સુધી આવતા. એમણે દેહ ત્યજ્યો ત્યારે એમને અહીંની નદીમાં જળસમાધિ આપવામાં આવી હતી. મારા બાપુયે વેદ જાણે છે ખરા, પણ એ જ્ઞાની કરતાં ભકત વધારે છે. નિષ્કામ ભકિત એ જ એમનું જીવન. કેટલીક વાર એમણે પણ દાદાની જેમ સંન્યસ્ત લેવાનો વિચાર કરેલો. બેત્રણ વાર તો તેઓ હરદ્વાર સુધી જઈને પાછા આવ્યા – એક જ વિચારે : સંન્યાસી થાઉં તો આ મંદિરનું સાંનિધ્ય છોડવું પડે.... એમને ચિંતા એક જ વાતની છે : એમના પછી આ મંદિરનું શું થશે? મોટા ભાઈના મગજની સ્થિતિ તો આવી છે અને અમે બે ભાઈઓ મુંબઈ રહીએ છીએ. જે શિવલિંગની એમણે આજીવન સેવા કરી એ એમના પછી અપૂજ રહે એ વિચાર એમને માટે અસહ્ય છે. છેલ્લાં પાંચેક વર્ષથી તો એ જ ચિંતામાં એમનું સ્વાથ્ય કથળ્યું છે. ઘણી વાર એકાંતમાં મેં એમને આંસુ વહાવતા જોયા છે. ક્યારેક તેઓ ઊંઘમાં બબડે છે : “ભોળા, તું અપૂજ રહેશે? મારું જ કુળ તને છેહ દેશે? તારી પૂજા આ કુટુંબની બહાર ચાલી જશે?” કયારેક તેઓ ઊંઘમાંથી ઝબકી જાગે છે. જાગ્યા પછી ક્યાંય સુધી કશું બોલતા નથી, પછી ધીમે ધીમે કહે છે – એમને દુઃસ્વપ્ન આવ્યું. જાણે એમનો પ્રાણ છૂટી ગયો અને શિવલિંગ અપૂજ રહ્યું, ન કોઈએ એના પર ચંદનનો લેપ કર્યો, ન બીલીપત્રો ચડાવ્યાં, ન જળાધારી મૂકી. આવું સ્વપ્ન આવ્યા પછી ત્રણ-ચાર દિવસ સુધી તેઓ બહુ વ્યાકુળ રહે છે. ઉપવાસ ખેંચી કાઢે છે. દિવસ-રાત મંદિરમાં જ રહે છે. અષ્ટાધ્યાયી રુદ્રી કર્યા કરે છે. પછી ધીમે ધીમે સ્વસ્થ થાય છે. કોઈ અપુત્ર કરોડાધિપતિ જેવી એમની આ વેદના છે. વ્યકિતજીવનની આ એક તીવ્ર કટોકટી છે – સાંસ્કૃતિક કટોકટી અને મોટા ભાઈ – તું જાણે છે નીરા, તેઓ મૅટ્રિક સુધી ભણેલા છે હા, એ જમાનામાં તેઓ પડખેના કસબાની હાઈસ્કૂલમાં રોજ પગે ચાલીને ભણવા જતા, પણ પછી કશીક મેલી સાધનામાં પડ્યા. અમે જોતા – નાનપણથી જ એમની પ્રવૃત્તિઓ રહસ્યાત્મક રહેતી – અમારી સાથે ઝાઝું હળતામળતા નહિ, દીવા સામે બેસીને ત્રાટક કરતા, જૂની, જર્જરિત, બાળબોધ લિપિમાં લખાયેલી ચોપડીઓ ગમે ત્યાંથી લાવીને વાંચ્યા કરતા, રાત-મધરાત ઘરમાંથી અદૃશ્ય થઈ જતા. મોટપણે એમની આવી સાધનાઓ વધી ગઈ અને એમાંથી એમનું મગજ ચસકી ગયું. મને કયારેક વિચાર આવે છે, કે બાપુ આ જૂના પરિવેશની સંસ્કૃતિની મૂર્તિ છે, તો એ જ મૂર્તિની વિકૃત સ્થિતિ મોટા ભાઈ છે. આવી સ્થિતિમાંયે તેઓ ખૂબ ડહાપણભરી વાતો કરે છે. તો કદીક સાવ માઝા મૂકે છે. શરૂઆતમાં જ્યારે એમનું મગજ ઠીક હતું ત્યારે એમને પરણાવી દીધા, પણ જયાભાભીએ આ ઘરમાં આવ્યા પછી સુખ નથી જોયું. ઘર અને મંદિરનું ઢગલો કામ કરવું એ જ એમનો જીવનક્રમ છે, અને ઉપરથી ગાંડા પતિની દેખભાળ રાખવી. જયાભાભીનો વિચાર કરતાં ક્યારેક મારી આંખો.... અને એટલે જ એમનાં અપમાનોને હું ગણતો નથી... દર મહિનાની વદ તેરસે હવે તો ભજનો નથી થતાં; માત્ર મોટી પૂજા થાય છે અને બાપુ મંત્રોચ્ચાર કરે છે. એમનો બુલંદ કંઠ અને શુદ્ધ ઉચ્ચારો અને ભક્તિભાવ મારા રુચિતંત્રના સહુથી નિર્લેપ અંશનેય સ્પર્શી શકે છે. પણ એ વખતે મોટા ભાઈનું ગાંડપણ વધારે વકરી ઊઠે છે. એક વાર તો કોણ જાણે શી રીતે એમની ઓરડીનું બારણું ઉઘાડી મંદિરમાં ધસી આવ્યા અને શિવલિંગ પાસે ઊભા રહી સાવ નગ્ન થઈ ગયા ! ઘડીક હસે અને ઘડીક ડૂસકે ડૂસકે રડે ! ગૌરીબાએ એમને ઓરડીમાં ન જોયા એટલે ફાળ પડી. તેઓ દોડતાં અહીં આવ્યાં અને મોટાભાઈને શરીરે ધોતિયું ઓઢાડી બાળકને સમજાવતાં-પટાવતાં હોય એમ માંડ ઘરમાં લઈ ગયાં. બાપુએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ ક્યાંય સુધી કશું ન બોલ્યા, છેવટે એક નિઃશ્વાસ નાખી તેમણે માત્ર આટલું જ કહ્યું : ‘शंकरेच्छा बलियसि’ અને પછી તરત મંદિરમાં ચાલ્યા ગયા.... અંતે નીલકંઠે બોલવાનું અટકાવ્યું, પછી ઊંડો શ્વાસ લઈ, આછું હસીને ઉમેર્યું : ‘હું ઘણું બધું બોલી ગયો, નહિ નીરા ?’
   ‘હા.’
   ‘ભૂતકાળને વાગોળવાનું માણસના સ્વભાવનો એક અંશ છે.’
   ‘હં....' નીરાએ ઉદ્ગાર કાઢ્યો, પછી તેના પર ખરી પડેલા એક બીલીપત્રને હાથમાં લેતાં તેણે ઉમેર્યું: ‘પણ તારો આ ભૂતકાળ મને એક રીતે ખાલી ખાલી લાગ્યો – શૂન્યાવકાશથી ભરેલો.’
   ‘કેમ?' નીલકંઠની આંખોમાં આશ્ચર્ય ડોકાયું.
   ‘તે જે ભૂતકાળ વર્ણવ્યો એ તો એક સ્થિતિ છે, સમયનું એક સ્થાયી પરિમાણ છે, પણ એની સાથેના તારા વ્યક્તિગત સંદર્ભોના તારા કેટલાક સંકળાયેલા છે એ હું જાણવા ઈચ્છતી હતી, જેથી તારા ઘડતર વિશે હું થોડુંક જાણી-સમજી શકું.'
   ‘મારે જે કાંઈ વ્યક્તિત્વ છે તે હવે તારાથી અજાણ છે?’ નીલકંઠે આંખ ઝીણી કરીને વળતો પ્રશ્ન પૂછ્યો.
   ‘એ જુદી વાત છે. તારા ભૂતકાળના સંદર્ભોમાં વિકસેલા તારા વ્યકિતત્વના અંશોથી તો હું અજાણ છું, નીલ !'
   ‘હું તને થોડોક ખ્યાલ આપવાનો પ્રયત્ન કરું,’ કહી નીલકંઠ ઊભો થયો. ઘરમાં જઈ પાણીના બે ચકચકિત પ્યાલા લઈ આવ્યો. એક પ્યાલો તેણે નીરાને આપ્યો, બીજો પોતે લીધો. હવે સૂર્ય માથે આવ્યો હતો. બીલીવૃક્ષની છાયા સિવાય સર્વત્ર તડકો ફેલાઈ ગયો હતો. તડકામાં મંદિરના શિખર પરની ધજા વધારે ઊજળી લાગતી હતી. મંદિરના ચોકમાં પડેલું ખસૂડિયું કૂતરું હવે ક્યાંક ચાલ્યું ગયું હતું. નીલકંઠે નીરા તરફ જોયું... આ નીરા... એની આંખોમાં માત્ર કુતૂહલ હતું કે સહાનુભૂતિપૂર્ણ જિજ્ઞાસા ?
(ક્રમશ :...)


0 comments


Leave comment