31 - પ્રકરણ – ૩૧ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   રિસેસ પડી. ઑફિસ થોડીક વારમાં ખાલી થઈ ગઈ. માત્ર રોમાં સંઘવી ટેબલ સમેટતી હતી. નીલકંઠ એની ખુરશી પર જ બેસી રહ્યો. રોમાં પર્સ ઝુલાવતી તેની પાસે આવી. ‘કેમ મિ.પુરોહિત, બહાર નથી આવવું?' નિલકંઠે ચમકીને ઊંચે જોયું. રોમા હસતી હતી. ‘ના. કંટાળો આવે છે.’ નીલકંઠે શુષ્કતાથી જવાબ આપ્યો. ‘અહીં બેસી રહેવાથી તો કંટાળો વધી જશે. એના કરતાં બહાર નીકળી ચા-કૉફીનો એક કપ પીશો તો.... અચ્છા.... ગુડ બાય...’ અને રોમાનાં સેન્ડલનો કર્કશ ધ્વનિ ઝડપથી દૂર ચાલ્યો ગયો.

   નીલકંઠ થોડી વારે ઊભો થયો, આળસ મરડીને બહાર આવ્યો. લિફ્ટ નીચે ગઈ હતી. રાહ જોવાની. ઘરઘરાટ સંભળાયો. લિફ્ટ આવી. તે તેમાં પ્રવેશ્યો. ત્રણેક કલાક પહેલાં તે આ લિફટ દ્વારા ઉપર ગયો હતો, હવે નીચે ઊતરવાનું...... કોઈ બીજાનું જ પ્રતિબિંબ નિહાળ્યું હોય એમ સાવ બિનંગતાભાવે તેણે અરીસામાં દૃષ્ટિ કરી, પણ આઈડેન્ટિટી એમ સંપૂર્ણપણે લુપ્ત ન થઈ શકી. પોતાને એ ઓળખી તો ગયો - થોડીક મ્લાનતા વધી હતી, એટલું જ. તેને સિગરેટની પેલી જાહેરાતમાંના યુવકને પોતે કલ્પેલા વ્યંગચિત્રની રેખાઓ બરાબર યાદ ન આવી શકી... લિફટમાંથી નીકળી રસ્તા પર આવી ગિર્દીમાં ભળી જવા, પોતાનામાંથી નીકળી જવા તે મથ્યો, પણ એણે સ્પષ્ટપણે અનુભવ્યું કે યાંત્રિક ગતિએ વહેતા આ ચહેરાઓ હાથપગ અને શરીરના પ્રવાહની વચ્ચેય પોતે પીંછાની જેમ એકલો તરી શકતો હતો. તેને નિરાશાની લાગણી થઈ....

   રોજની આદત પ્રમાણે તે એક રેસ્ટોરાંમાં પ્રવેશ્યો. ખૂબ ગિર્દી હતી. એકેએક ટેબલ પર માણસો કૂંડાળું બનીને બેઠા હતા. નીલકંઠ એક ખૂણામાં ઊભો રહ્યો. જ્યુકબોકસ અભણ સ્ત્રીની જેમ બોલબોલ કરતું હતું. વેઇટરો કોઈક ફેન્ટસીનાં પાત્રોની જેમ પાંખો પહેરીને ઊડતા હોય એવો ખ્યાલ આવ્યો. નીલકંઠને અણગમો આવ્યો. તે બીજા રેસ્ટોરાંમાં જવાનું વિચારતો હતો, ત્યાં ‘હલો મિ.પુરોહિત!’ ના શબ્દો તેના કાનને ઢંઢોળી ગયા, સાથે જ તેણે કોઈકના હાથનો કોમળ, હુંફાળો સ્પર્શ અનુભવ્યો. ચમકીને તેણે જોયું તો તેની પાસે મિસ પિન્ટો ઊભી હતી – રિસેપ્શનિસ્ટ ગર્લ. નીલકંઠને થયું કે તેના અણગમામાં વધારો થયો હતો.

   ‘કેમ, અહીં આમ ઊભા રહ્યા છો ?' મિસ પિન્ટોએ પૂછ્યું. તેણે જાણે કશોક ખૂબ ગૂઢ પ્રશ્ન પૂછ્યો હોય એમ નીલકંઠના મનમાં તેની સ્પષ્ટતા થતાં વાર લાગી, પછી તેણે કહ્યું, ‘અહીં ક્યાંય બેસવાની જગ્યા જ ક્યાં છે? હું તો અહીંથી ચાલ્યા જવાનું –'
   ‘ઓહ !’ પિન્ટો અકારણ જોરથી હસી પડી. તેણે નીલકંઠનો હાથ પકડી લીધો અને નલકંઠ એની પાછળ ઘસડાયો. ‘ફેમિલીરૂમમાં જગ્યા હશે.’ મિસ પિન્ટોના શબ્દો સંભળાયા. તેની વાત સાચી નીકળી. એક સાંકડો ફેમિલીરૂમ સાવ ખાલી હતો. પિન્ટોએ અંદર પ્રવેશીને બારણું બંધ કરી દીધું અને તે નીલકંઠની જોડાજોડ બેઠી, નીલકંઠે પંખાની શોધમાં છત તરફ જોયું. પંખો નહોતો. તેણે ચહેરા પર રૂમાલ ફેરવ્યો. થોડી વારે એક વેઇટર આવ્યો. તેને કૉફી અને સેન્ડવિચનો ઑર્ડર પિન્ટોએ જ આપ્યો. નીલકંઠ નીચું જોઈને બેસી રહ્યો. અચાનક પિન્ટોએ તેનો હાથ પકડી લીધો અને તે બોલી : ‘તમે કોઈક વાતે ભારે મૂંઝવણમાં હો એમ –'

   નીલકંઠે હળવેથી પોતાનો હાથ છોડાવી લેતાં ખોટું હસીને કહ્યું : ‘એવું કશું નથી. થેન્ક યૂ વેરી મચ ફૉર યૉર સિમ્પથી....'
   ‘એમ ન બોલો, પુરોહિત ! સિમ્પથીની તો કદાચ દરેક જણને જરૂર છે– સુખીમાં સુખી માનતા માણસને પણ.’ કહી પિન્ટોએ એક નિઃશ્વાસ નાખ્યો. નીલકંઠ કશું બોલ્યા વિના તેની તરફ જોઈ રહ્યો. આજે મિસ પિન્ટોનું કોઈક નવું જ રૂપ પ્રગટતું હતું કે શું? પણ પછી એ પોતાનો માત્ર ભ્રમ હતો એમ મન સાથે સ્વીકારી તેણે સેન્ડવિચની રાહ જોવા માંડી.

   ત્યાં મિસ પિન્ટોનો ધીમો, ધ્રૂજતો અવાજ સંભળાયો :
   ‘પુરોહિત, મેં આ નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો છે – આઈ વિલ રિઝાઇન નેક્સ્ટ મન્થ -'

   નીલકંઠે સહજભાવે તેના તરફ એક વાર દૃષ્ટિ કરી લીધી અને પછી શુષ્કતાથી પૂછ્યું: ‘એમ? શા માટે?’
   ‘હુ નવા ફિલ્ડમાં જઈ રહી છું.’
   ‘હં.....’
   ‘મેં કેબ્રે ડાન્સરની કારકિર્દી અપનાવવાનું નક્કી કર્યું છે.’ પિન્ટોએ વાક્ય પૂરું કર્યું અને નીલકંઠે તેની તરફ પહેલી જ વાર ધ્યાનપૂર્વક જોયું.
   ‘હા, પુરોહિત ! નાનપણથી જ હું ખૂબ મહત્ત્વાકાંક્ષી વ્યકિત છું.... જેમ જેમ મારી મુશ્કેલીઓ વધતી ગઈ તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા ઉગ્ર બનતી ગઈ. હું વૈભવી જીવન ઝંખું છું.... ઝાકઝમાળ જિંદગીનાં મને સ્વપ્નાં છે.... રિસેપ્શનિસ્ટ ગર્લની કારકિર્દીને હું ધિક્કારું છું... આઈ લવ ટુ બી ઇન લાઇમલાઇટ ઓલ ધિ ટાઇમ... કુદરતે મને રૂપ આપ્યું છે.... શરીરની સુડોળતા મેં જાળવી છે. એક વર્ષથી હું ડાન્સના ઇવનિંગ ક્લાસિસ એટેન્ડ કરું છું...’ પિન્ટો બોલ્યે ગઈ. એની આંખોમાં અદભુત ચમક હતી. તેણે હસીને ઉમેર્યું : ‘થોડા વખત પછી તારે કદાચ જાહેરાતમાં મારું વર્ણન કરવંસ પડશે. પ્રિટી પિન્ટો ઍટ હર સેક્સીએસ્ટ બેસ્ટ ને એવું બધું.....' વળી પાછો ઉન્માદી હાસ્યનો પ્રવાહ... નીલકંઠને લાગ્યું કે એ શૂન્યતાના અગોચરમાં ઊતરી રહ્યો હતો, જ્યાં તેની સામે, તેની અડોઅડ બેઠેલી મિસ પિન્ટો નહોતી; માત્ર બેન્ડના તાલે વીંઝાતા એના હાથ, ઊછળતા પગ, મટકતા નિતંબો, કાંપતું વક્ષસ્થળ, ચમકતી આંખો, થિરકતા હોઠ અને ઊડતાં જુલ્ફાં જ અલગ અલગ ટુકડારૂપે દૃષ્ટિપટ પર ધસી આવતાં હતાં... નીલકંઠને થોડીક વાર પહેલાંની પોતાની મનઃસ્થિતિ યાદ આવી – જયારે તે પોતાના અસ્તિત્વનો લોપ કરવા માટે, લિટના અરીસામાં બિનંગત દૃષ્ટિએ જોતો હતો, ગિર્દીમાં ભળી જવા ઇચ્છતો હતો, પણ... અને અહીં મિસ પિન્ટો જાણે કણકણમાં વિખરાઈ જતી હોય એવો ખ્યાલ આવતો હતો; જાણે પિન્ટોનું કોઈ અસ્તિત્વ જ નહોતું; તે બ્રાની તૂટતી પટ્ટીઓ, બેન્ડના તાલનાં ધ્વનિ-આંદોલનો, ઉત્તેજિત ગ્રાહકની સિસોટીનો ટુકડો, મંચ પર ફેંકાતાં વસ્ત્રોનો ઢગલો કે રોશનીની ઉઘાડબંધ થતી પાંપણોના પલકારા માત્ર બની ગઈ હતી...’

   કોણ જાણે કઈ ક્ષણે નીલકંઠને એક અનુભવની સ્મૃતિ ઝબકાવી ગઈ... રજાનો દિવસ હતો. અલસ બપોર. તે અને નીરા થોડેક અંતરે ખુરશીઓમાં બેસીને ક્યારનાં કશુંક વાંચતાં હતાં. છેવટે નીલકંઠે પુસ્તક ટિપાઈ પર મૂકી બગાસું ખાધું અને તેણે સહજ ભાવે નીરા તરફ જોયું. એકાએક જ તેને નીરાને જોવામાં રસ પડ્યો. તેને લાગ્યું કે પુસ્તક વાંચવામાં લીન બની ગયેલી નીરાની આકૃતિ તેની આંખોના કણેકણમાં ઘૂંટાઈ રહી, તેની પાંપણોનો ભાગ બની ગઈ... પણ એ આકૃતિ નીરાની હતી ખરી? એનાં અંગેઅંગમાં જાણે પુસ્તકો ખડકાઈ ગયાં હતાં.. ચહેરાને સ્થાને કોઈક પુસ્તકનું આવરણ, શરીરમાં ઠાંસોઠાંસ પુસ્તકો... નીલકંઠે જોરથી શ્વાસ લીધા. તેને લાગ્યું કે નીરાની કાયામાંથી તાજાં પુસ્તકોની વિશિષ્ટ વાસ વહી આવી. હવે તો એ પુસ્તકોનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. એમાંના અક્ષરો અને ચિત્રો રેડિયમનાં હોય એમ ચમકવા લાગ્યાં. અને જોતજોતામાં નીરાની આકૃતિ ઝળહળી ઊઠી. કેવું અદ્ભુત દૃશ્ય હતું એ ! નીલકંઠને વિચાર આવ્યો. નીરાની એ લખલખતી આકૃતિને સ્પર્શ કરવાની તેને ઇચ્છા થઈ આવી. વળી ઊંડો શ્વાસ લઈ તેણે આંખો પટપટાવી. નીરા હવે પુસ્તક મૂકી ઊભી થઈને ડ્રેસિંગટેબલ પાસે ગઈ અને અરીસામાં જોઈ માથામાં કાંસકો ફેરવવા લાગી. નીલકંઠની નજરે એની પાછળ પાછળ જ ઘુમાવ લીધો. અને ક્ષણ વારમાં નીરાની આકૃતિ વધુ એક વાર બદલાઈ ગઈ. તેને લાગ્યું કે નીરાના દેહ પરથી બધાં વસ્ત્રો સરી પડ્યાં હતાં, તેની નગ્ન કાયાથી આમ તો એ પરિચિત હતો પણ એ પળે જે નિરાવૃત શરીર તેણે જોયું એ તો સાવ અજાણ્યું હતું. એનો એકેય વળાંક એણે સહેલાવ્યો નહોતો. નીલકંઠના શ્વાસ રોકાઈ ગયા. તેને લાગ્યું કે નીરાની નગ્ન કાયા હવે ધીમેધીમે ડોલવા લાગી હતી. થોડીક પળોમાં તો એનું ડોલન જલદ બન્યું. એના હાથપગ ઊછળતા હતા, સ્તન થરથરતાં હતાં. નિતંબો... વાળ.... કમ્મર.. નીલકંઠે આંખો મીંચી દીધી અને બંને હાથોમાં ચહેરો છુપાવી દીધો. થોડી વારે તેણે આંખો ઉઘાડી જોયું તો નીરા ફરીથી ખુરશી પર આવી પુસ્તક વાંચવામાં ગૂંથાઈ ગઈ હતી અને તે સાથે તેનું સ્વરૂપ...

   ‘તમારી આ નવી કારકિર્દી માટે મારી શુભેચ્છા મિસ પિન્ટો !' કૉફીનો કપ પૂરો કરતાં નીલકંઠ લુખ્ખા સ્વરે બોલ્યો અને પિન્ટોએ ‘થેંન્ક યૂ વેરી મચ’ કહેતાં તેનો હાથ પકડી લઈ જોરથી દબાવ્યો. નીલકંઠ ઝડપથી ફેમિલીરૂમમાંથી બહાર નીકળી ગયો. રિસેસનો સમય પૂરો થઈ ગયો.

   સહેજ રતાશ પકડી ચૂકેલા આકાશ તરફ જોઈને નીલકંઠે કહ્યું :
   ‘મેં તને કહ્યુંને નીરા, બાળપણથી મારી આસપાસ વીંટળાયેલું આ વાતાવરણ– પણ જયારથી હું સમજતો થયો ત્યારથી ધીમે ધીમે પણ સ્પષ્ટ રીતે એનાથી દૂર થતો જતો હતો. એ વાતાવરણ સાથેની મારી એકરૂપતા, મારો લગાવ ઘટતાં જતાં હતાં, મને પ્રશ્નો થયા કરતા, શંકાઓ જાગતી અને એનું કોઈ સમાધાન મળતું નહોતું. મને આ ધાર્મિક અભિનિવેશ નિરર્થક લાગતો - જીવનસમર્પણની હદે પહોંચેલી આ નિષ્ઠા અહેતુક જણાતી. શા માટે આ બધું ? કયા હેતુસર આ સાધના ? ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એક વાત છે પણ આ શ્રદ્ધા તો અંધશ્રદ્ધા બલ્કે જડતામાં પલટાઈ ગઈ હોય એમ મને લાગતું. સવારથી ઊઠીને રાત્રે સૂતાં સુધીના પ્રત્યેક કાર્યમાં ધર્મનો પ્રવેશ અનિવાર્ય હતો – આ ન ખવાય, આ ન પિવાય, આને ન અડકી શકાય, સુતરાઉ કપડાં પહેરીને ન જમાય, ચોટલી રાખવી જ પડે. લોટમાં પાણી પડે એટલે એ એંઠો થઈ જાય, રાંધેલી રસોઈ એંઠી ગણાય; આખો દિવસ હાથ ધોયા કરવાના અને સ્નાન કરવાનું, જડતાનું એક ચક્ર મારી આસપાસ દિવસ-રાત ઘૂમે છે એમ મને લાગતું. ક્યારેક કશી દલીલ કરવા જતો તો બાપુ સૂત્ર સંભળાવતા : आचारो प्रथमो धर्म: – હું વધારે કાંઈ ન બોલતો, પણ મનમાં સવાલ જાગતા : ક્યો આચાર? આ રોજ ન ધોવાતા પીતાંબરને પવિત્ર ગણવાનો ? હરિજનને ન સ્પર્શવાનો ? મારી આશંકા અને અકળામણ વધતી જતી હતી. પણ હું એ ઘટ્ટ જાળાંઓને ખંખેરી શકું તેમ નહોતો, ક્યારેક એ દિશામાં હિંમત બતાવવા જતો તો બાપુ કહેતા : “શિવશંકર પુરોહિતનું કુળ લજાવવું છે? ગઈ કાલે કેમ પેલા ઓતમચંદ વાણિયાએ આપેલું બજારનું બિસ્કુટ ખાધું ? સાવ ભ્રષ્ટ થઈ ગયો છે તું !” એવો ઠપકો સાંભળ્યા પછી હું સમજી જતો, પણ મનમાંની પેલી આશંકાઓ ઘેરી બન્યા કરતી હતી. પછી પડખેના કસબાની હાઈસ્કૂલમાં જવા માંડ્યું અને ત્યાંની કંઈક નવી દુનિયા જોવા મળી એટલે તો ગામની હવાએ મને વધારે ગૂંગળાવવા માંડ્યો. એવામાં મહેશભાઈએ મને તેમની સાથે મુંબઈ લઈ જવાની વાત કરી ત્યારે મેં તો તેનો તરત સ્વીકાર કર્યો. બા-બાપુએ શરૂઆતમાં આનાકાની કરી. બાપુની એકમાત્ર ઈચ્છા મને મંદિરનો પૂજારી બનાવવાની હતી, જેથી તેમના પછી મંદિરમાં અમારા કુળની પરંપરા અખંડ રહે, પણ મહેશભાઈએ મારા ભવિષ્ય વિશે દલીલો કરી. છેવટે બાપુને નમતું જોખવું પડ્યું. હું ત્યારે તો એમની મનોદશા ઝાઝી સમજી શક્યો નહોતો, પણ હવે કલ્પી શકું છું કે મારું મુંબઈ જવું એ એમની આશા પરનો કદાચ છેલ્લો અને સહુથી વસમો પ્રહાર હશે....

   ‘મંદિરના ભવિષ્યના સંદર્ભમાં.... અને જે ક્ષણે મેં મુંબઈમાં પગ મૂક્યો તે જ ક્ષણે મારું અસ્તિત્વ જૂનાં વળગણોને ફગાવી દઈ નૂતનને બાથ ભરીને સ્વીકાર કરવા માટે આતુર બની ચૂક્યું હતું. અગાઉ જે કદી જોઈ-જાણી નહોતી, કલ્પીયે નહોતી એવી ક્ષિતિજ મને દેખાવા માંડી. મને હતું, હું આ નવા પ્રવાહમાં સાવ સરળતાથી ભળી જઈશ. અને હું ભળી તો ગયો, પણ એ સંક્રાંતિકાળ ધારવા જેટલો સરળ, સહજ નહોતો નીરા ! જૂના સંસ્કારો મારી કલ્પના કરતાં વધારે પ્રબળ નીવડ્યા. છેક આ ક્ષણ સુધીયે એનો પ્રભાવ છે. નવી ક્ષિતિજો તરફ મેં દોટ તો મૂકી, છેવટે એને સ્પર્શ પણ કર્યો, તોય રસ્તામાં કેટલી વાર ઠોકરો ખાધી અને એ સ્પર્શ ક્યારેક વીજળીના આંચકા જેવો લાગ્યો. મુંબઈની નવી દુનિયામાં હરિજનને અડકી જવાય તો ગૌમૂત્ર પીને દેહશુદ્ધિ કરવાની નહોતી, જમતી વખતે પેલું અબોટિયું પહેરવાનું નહોતું, રોટલી ભરેલા ડબ્બાને અડકી ગયેલો હાથ ધોવાનો નહોતો. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ફરજિયાત ભૂખ વેઠવાની નહોતી, સવાર-બપોર-સાંજ કલાકોના કલાકો સ્નાનસંધ્યા પાછળ ગાળવાના નહોતા. આ બધાને એક તરફથી મારું મને આવકારી રહ્યું હતું, તો બીજી તરફ એ બધામાંથી મુકત થતાં હું ખચકાટ અનુભવતો હતો. મને જે શંકાઓ થતી હતી એ શંકાઓ જ હતી–સપાટી પરની શંકાઓનું પ્રતીતિ નહોતી.... છતાં ધીમે ધીમે હું નવા પ્રવાહમાં ખેંચાતો ગયો. હું પ્રત્યાઘાતના એક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, પણ એ તબક્કો મેં ધાર્યો હતો એટલો ઝનૂની ન હતો. બાહ્ય આચારના પરિવર્તનની સાથે હું ભીતરી વિચારોથી પણ ઘડાવા લાગ્યો. મારા સ્વને ઓળખવાના પ્રયત્નો એમાંથી જ આરંભાયા અને એ પ્રયત્નો તો કદાચ છેવટ સુધી ચાલશે. મારી વિસ્તરતી ક્ષિતિજો મને અભ્યાસનાં નવાં ક્ષેત્રો અને જ્ઞાનના અણદીઠાં બિન્દુઓ સુધી લઈ જતી હતી... આ આઠદસ વર્ષના બૌદ્ધિક સંસ્પર્શ પછી હું જ્યારે મારી પેલી ભૂતકાળની સૃષ્ટિ તરફ જોઉં છું ત્યારે—' કહી નીલકંઠ અટકી ગયો.

   ‘હં એ વધારે રસપ્રદ મુદ્દો છે નીલ ! થોભીશ નહિ. હું જાણવા - સમજવા માટે ઉત્સુક છું,’ નીરા બોલી, પણ નીલકંઠે તરત કશું કહ્યું નહિ. આંખો મીંચી તે થોડીક વાર વિચારોમાં ખૂંપી ગયો. પછી તેણે ધીમે ધીમે આંખો ઉઘાડી નીરા તરફ જોયું– અપલક આંખે જોઈ જ રહ્યો. છેવટે તેણે કહ્યું:
   ‘આ લગભગ એક દાયકામાં મેં ભૌતિકવાદની પરાકાષ્ઠાઓ જોઈ– મુંબઈ જેવા મહાનગરમાં પેટ ભરવા માટે કૂતરા જેવી જિંદગી ગુજારતા માણસો, એમની બેશરમીઓ અને એમની સિન્સિયારિટી, એમની નિર્મમતા અને ઇન્સાનિયત, એ બધું જ જોયું-અનુભવ્યું. તે સાથે એ રાક્ષસી શહેરના વિરાટ જીવનમાંયે દુનિયાના અદ્યતન પ્રવાહોથી સાવ અલિપ્ત રહી જિંદગી વિતાવતાં અનેક લોકો જોવા મળ્યાં, તો થોડાક ઇન્ટેલેકચ્યુઅલ્સ ‘લેસરકિરણો’થી માંડીને ‘બ્રેઇન ફીડિંગ' સુધીની લેઇટેસ્ટ ડેવલપમેન્ટ્સની સમજ કેળવવા માટે જીવન ઓવારતા જોયા.... ત્યાં પણ ભૌતિક, દંભી જીવન માટેની ઘેલછાઓ, અણગમાજનક કૃત્રિમતાઓ અને ધ્યેય માટેની સાધનાનું અસ્તિત્વ જોવા મળ્યાં અને મારું મન સતત જે દુનિયાને હું છોડીને આવ્યો હતો એ દુનિયા સાથે આ નવા જગતની સરખામણી કરતું રહ્યું. એ પ્રક્રિયા હજીયે મારા મનમાં ચાલે છે, પણ ધીમે ધીમે થોડાંક બિન્દુઓ સ્પષ્ટ થઈ રહ્યાં છે. આ ગામના જીવનમાં ઘણી વ્યર્થતાઓ છે, માણસોને થિજાવી મૂકે એવી જડતાઓ છે, હાસ્યાસ્પદ ઘેલછાઓ પણ ખરી, તો કેટલીક સચ્ચાઈઓ છે. મારા બાપુનું જીવન મારી નજર સામે ઘણી વાર તરવરી ઊઠે છે. એમણે આખી જિંદગી આ જર્જરિત મંદિર પાછળ વિતાવી દીધી– કશા જ દુન્યવી સ્વાર્થ વગર ! આવી નિઃસ્વાર્થતા, આવું નિરપેક્ષ સમર્પણ હું કરી શકું ખરો? એમની સિન્સિયારિટી વ્યર્થ લાગે તેમ છે, પણ આપણા જીવનની અર્થશૂન્યતાનો ખ્યાલ આવે છે ત્યારે બાપુની સિન્સિયારિટી પોતે જ એક અર્થ બની જતી હોય એમ લાગે છે.... અહીંનું બંધિયાર, થીજી ગયેલું જીવન.... કાળ જાણે એક સ્થિતિમાત્ર બની ગયો છે.... અને આપણા જીવનની બાહ્ય બેફામ ગતિ.... એ ગતિ પણ વળી સ્થિતિ જેવી નથી બની ગઈ ? અહીંની સ્થગિતતાને નિરપેક્ષતાની ભૂમિકા છે, પણ આપણી ગતિ અપેક્ષાઓથી પ્રેરાયેલી છે... એટલે જ અહીં સંતોષની સ્વસ્થતા છે અને આપણી ઝાંઝવાં પાછળની દોટ... એ જ કારણે આપણે disintegration ની લાગણીથી, અથવા કશીયે લાગણીના અભાવથી પીડાઈએ છીએ.... બાકી એવી શૂન્યતા અનુભવવાનો જયાભાભીને કદાચ વધારેમાં વધારે અધિકાર છે– પાગલ પતિની પત્ની બીજું શું અનુભવી શકે ? પણ અબુધ જયાભાભી મોટાભાઈનું જે જતન કરે છે તે જોઈને હું એકસાથે રોષ અને અનુકંપાથી ઘેરાઈ જાઉં છું. મને થાય છે : શા માટે જયાભાભીએ મોટા ભાઈની આટલી બધી કાળજી રાખવી જોઈએ ? શા માટે બાપુએ પોતાને હાથે જ જયાભાભીને છુટાછેડા અપાવી બીજે પરણાવી ન આપ્યાં? બાપુ ભલે એવી હિંમત ન કરે. પણ જયાભાભી પોતે જ શા માટે કોઈક સારા પુરુષની સાથે ચાલ્યાં ન ગયાં – આ ઘર છોડીને ?... મારા આવા સવાલનો જવાબ ક્યારેક ભરબપોરે ગરમ ધૂળમાં ખુલ્લે પગે ગાંડા પતિની શોધમાં રઝળતાં અને એને ઘેર આવી એની પાસે બેસી એને પોતાને હાથે કોળિયા ભરાવતાં જયાભાભીની મૂર્તિમાંથી મને મળી રહે છે... આજની સ્ત્રીઓ' – અને નીલકંઠ એકાએક જ નીરા તરક જોઈને ચૂપ થઈ ગયો. બીલીવૃક્ષની છાયામાં અણધાર્યું બોઝિલ મૌન વિસ્તરી ગયું. પવન પડી ગયો હતો અને ચંચળ બીલીપત્રો સ્તબ્ધ બની ગયાં. નીરા વિસ્ફારિત આંખે નીલકંઠને તાકી રહી. એના જોરથી ચાલતા શ્વાસને કારણે એની છાતી ઊંચીનીચી થતી હતી. છેવટે નીલકંઠ લગભગ સ્વગતની જેમ બોલ્યો: ‘But let me not pass a hasty judgment… મારા રૂઢ સંસ્કારો મારી દૃષ્ટિ ફરતે ધુમ્મસ રચી દે એ શકય છે.’ અને એ ઊભો થઈ ગયો. એણે તડકામઢ્યા વાતાવરણ પર નજર ઘુમાવી. એના મનમાંથી શબ્દોનો પ્રવાહ ફૂટ્યો : ‘ભૂતકાળ એ બેડી છે કે ફૂલની માળા ?'
(ક્રમશ :...)


0 comments


Leave comment