32 - પ્રકરણ – ૩૨ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


નીલકંઠ ઑફિસમાં આવ્યો ત્યારે મોડું થઈ ગયું હતું. વિનાયક દલાલે નીલકંઠના આ વિલંબની તેની તરફ આંખો તાકીને નોંધ કરી. નીલકંઠને લાગ્યું કે ચશ્માં પાછળની એમની એ આંખોમાં દાણચોરીનાં લાઇટરોનો ઝબકારો થતો હતો. રોમા સંઘવીએ પણ એની તરફ ઠપકાભરી આંખે જોઈ લીધું અને પછી પોતે ખૂબ કામમાં હોય એમ તે ઝટપટ કોઈક ફાઈલમાં ગૂંથાઈ ગઈ. પોતાના ટેબલ પર બેસી નીલકંઠે એક કોરો કાગળ લીધો અને થોડીક ક્ષણોમાં પોતાના રાજીનામાનો પત્ર લખી નાખ્યો અને જનરલ મેનેજર શ્રીકાંત કુલકર્ણીની કૅબિન તરફ જવા માટે તે ઊભો થયો, પછી બેસી ગયો, પોતે લખેલો પત્ર વાંચ્યો : ‘અંગત કારણસર હું આ નોકરીમાંથી રાજીનામું આપું છું, જેનો સ્વીકાર કરવા વિનંતિ છે.' પત્ર વારંવાર વાંચ્યો અને પછી હોઠ ભીડી તે ફાડી નાખ્યો અને બાસ્કેટમાં ફેંકી દીધો. તરત તે મિસ પિન્ટો પાસે પહોંચ્યો. એની તરફ નજર સરખીયે નાખ્યા વિના તેણે રિસીવર ઊંચકી ડાયલ ઘુમાવ્યું. ફોન એગેજ હતો એવો સંકેત વર્તાયો. તેણે રિસીવર મૂકી દીધું. અદબ ભીડીને ઊભો રહ્યો. ફરી ડાયલ ઘુમાવ્યું. ફરી એન્ગેજ. ડાયલ એન્ગેજ ડાયલ-એન્ટેજની પરંપરા ક્યાંય સુધી ચાલી. કંટાળીને તે પોતાના ટેબલ પર પાછો આવતો હતો ત્યાં છેલ્લો એક વાર પ્રયત્ન કરી જોવાનો તેને વિચાર આવ્યો. આંકડાઓ પર આંગળી ઘૂમી.... ફરી એન્ગેજ્ડ સંકેત. તેણે રિસીવર લગભગ પછાડ્યું અને તે સ્વસ્થાને આવી ગયો ત્યારે તેનું શરીર પ્રસ્વેદથી ભીંજાતું હતું. તેના કાનમાં એન્ગજડ ફોનમાંથી પણ વહી આવેલા શબ્દોના પડઘા પડતા હતા : ‘ડોન્ટ ડ્રાય ટુ કૉન્ટેકટ મી...’
(ક્રમશ :...)


0 comments


Leave comment