33 - પ્રકરણ – ૩૩ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ‘નીલકંઠભાઈ ! જમવાનો વખત થઈ ગયો છે - તમે અને નીરા ચાલો...' છેક રસોડામાંથી જયાભાભીની બૂમ સંભળાઈ. હંમેશાં ‘વ્હિસ્પરિંગ ટોન'માં જ વાત કરવા ટેવાયેલી નીરા એથી સહેજ ચમકી ગઈ અને તેણે રમૂજ પણ અનુભવી. તે ઊભી થઈ ગઈ. નિલકંઠ તેને અનુસર્યો. વાડો વટાવી બંને રસોડા તરફ આવ્યાં. ‘લાવો ભાભી ! હું તમને પીરસવામાં મદદ કરું,' એમ બોલતી નીરા રસોડાના લીંપણ પર બેસી ગઈ અને ક્ષણાર્ધમાં તેણે સાણસી વડે ભાતની તપેલી ચૂલા પરથી નીચે ઉતારી, તે સાથે જ ઘરમાં હાહાકાર વ્યાપી ગયો. નીરા– રસોઈને અડકી? એ બ્રાહ્મણ નથી, એને રસોડામાં પ્રવેશવાનો અધિકાર જ શાનો હોઈ શકે? વળી એણે રેશમી વસ્ત્રો ક્યાં પહેર્યા છે? એક નાનકડા પણ જલદ ઇન્ટેન્સિટી ધરાવતા ભૂકંપ જેવું વાતાવરણ સર્જાઈ ગયું. જયાભાભી આક્રોશ કરી ઊઠ્યાં : ‘અરે આણે મારી રસોઈ અભડાવી !’ ગૌરીબા કચુંબર સમારતાં હતાં. તેમણે જયાભાભીનો આક્રોશ સાંભળી ચપ્પુ નીચે મૂક્યું અને શરીરે વીંટાળેલો એકમાત્ર મુગટો સંકેરતાં ડગુમગુ પણ ઝડપી પગલે તેઓ રસોડામાં આવી બેબાકળા સ્વરે પૂછવા લાગ્યાં : ‘શું થયું, વહુ? શાની બૂમો પાડે છે ?'

   જયાભાભીએ વધારે ઉગ્રતાથી જવાબ આપ્યો : ‘બૂમો ના પાડું તો શું મૂંગી મરું? આ તમારી મુંબઈગરી મડમે આખી રસોઈ અભડાવી મારી !’
   ‘હાય ! હાય !’ ગૌરીબાના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો.

   એવામાં શિવશંકર ત્યાં આવી પહોંચ્યા. વાત જાણી તેઓ રૂંધાયેલા છતાં શાંત સ્વરે બોલ્યા : ‘જેવી મહાદેવની ઇચ્છા. આજે ઉપવાસ.'
   મહેશભાઈ પણ ડોકાઈ ગયા : ‘અથવા એમ કરોને ભાભી, નવી રસોઈ-'
   પણ જયાભાભીએ વડચકું ભર્યું : ‘બોલ્યા.. નવી રસોઈ ! અહી આટલું ગોલાપું કરતાં તો-‘ અને એમના બાકીના શબ્દો આછા રુદનમાં ભળી ગયા.
   નીલકંઠે સમજાવટભર્યા સ્વરે કહ્યું : ‘ભાભી. પ્લીઝ... નીરાની ભૂલ થઈ ગઈ.... માફ કરો.... હવે એ આ રસોડામાં પગ નહિ મૂકે... એને શી ખબર....?'
   જયાભાભીએ આંસુ લૂછતાં કહ્યું : ‘મને શા સારુ પગે પડો છો? કહો તમારાં બા અને બાપુને...'
   નીલકંઠ ત્વરાથી ગૌરીબા અને શિવશંકર તરફ ફર્યો અને એ જ આર્જવભર્યા સ્વરે : ‘બાપુ.... બા... નીરાની ભૂલ થઈ ગઈ... માફ કરો.... જમવા બેસી જાઓ...'

   ગૌરીબાએ વગર બોલ્યે મુખ ફેરવી લીધું એ જોઈને નીલકંઠે હતાશા અનુભવી. તોયે તે શિવશંકરના પગમાં ઝૂકી ગયો : ‘બાપુ ! માફ કરો...' પણ શિવશંકરે પોતાના બેઉ હાથની અદબ ભીડી દૃઢ સ્વરે કહ્યું: ‘આ ઉમરે હવે મારે અબ્રાહ્મણના હાથની રસોઈ જમવી એવી તારી સલાહ છે ?'

   ‘પણ બાપુ...' નીલકંઠના રૂંધાયેલા સ્વરમાં હજીયે વિનવણી નીતરતી હતી, પણ તે વધુ કંઈ બોલે તે પહેલાં કોઈકે તેનો હાથ પકડી તેને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. નવાઈ પામીને નીલકંઠે જોયું – એ નીરા હતી – ખુલ્લું માથું, ખભા પરથી સરકી પડેલી સાડી, લો કટનું બ્લાઉઝ, રાતી આંખો, કપાળ પર પ્રસ્વેદનાં બિન્દુ, વેગથી ચાલતો શ્વાસ....

   ‘નીરા !’ નીલકંઠના મુખમાંથી ઉદ્ગાર સ્કુર્યો.
   ‘ઊભો થઈ જા તું નીલ !' દૃઢતાથી રણકતા કંઠે નીરા બોલી.

   હાય ! સાસુ-સસરા, જેઠ-જેઠાણીની હાજરીમાં આ છોકરી પતિનું નામ બોલી અને તેય એકવચનમાં ? જયાભાભી અને ગૌરીબાના મનમાં એકસાથે જ પ્રબળ સવાલ જાગ્યો– પતિનું નામ પત્નીના મુખેથી ઉચ્ચારાય તો પતિનું આયુષ્ય ઘટે. શિવશંકરને શાસ્ત્રવચન સાંભર્યું.

   ‘મારી વિનંતિ માન, નીલ ! ઊભો થઈ જા.’ નીરાના સ્વરની દૃઢતા વધી ગઈ.
   ઝૂકેલો નીલકંઠ ઊભો થયો. તેની આંખોમાં આંખ પરોવી તેના હાથ દૃઢપણે પકડી નીરા બોલી : ‘શા માટે—શા માટે તું આ લોકોની માફી માગે છે? એમને પગે પડે છે? મેં કે તેં કોઈ ગુનો કર્યો નથી.'
   ‘પણ એમની માન્યતાઓ –‘

   ‘એમને મુબારક ! આપણે શા માટે એને પોષવી-પંપાળવી જોઈએ ? એમને મારી અડકેલી રસોઈ ન જમવી હોય તો ભલે તેઓ ભૂખ્યાં રહે... મને તો ભૂખ લાગી છે. હું જમવા બેસું છું. તું મારી સાથે આવી શકે છે, અને નીરા સડસડાટ રસોડામાં ચાલી ગઈ. એણે એક પાટલો ખેંચ્યો, બે થાળીઓ પીરસી અને કોળિયો મોંમાં મૂક્યો. રસોડાના ઉંબર પર ઊભેલો નીલકંઠ અનિમેષ આંખે નીરા તરફ જઈ રહ્યો – નીરા આ ઘરની કુલવધૂ બનીને આવી હતી – આ કુળના તંતુને આગળ લઈ જનારી નારીના રૂપમાં, કે આ પરિવારને પેઢીઓથી જકડી રહેલી જડતાની શૃંખલાઓ પર પ્રહાર કરનારી – અથવા એક વિશિષ્ટ જીવનપદ્ધતિને ખંડેરમાં પલટી નાખનાર ક્રાંતિની જ્યોત બનીને ?... કે... પેઢીઓની પ્રતીતિમાંથી બંધાયેલી આ કુટુંબની શ્રદ્ધાને છિન્નભિન્ન કરવા માટે....? સવાલો સર્જાયે ગયા. સ્વસ્થતાથી ભોજન કરતી નીરાની આકૃતિની સાવ નવી જ રેખાઓ નીલકંઠના માનસમાં અંકાતી ગઈ. ક્યાંય સુધી તે ત્યાં જ ઊભો રહ્યો - નીરા જમી રહી ત્યાં સુધી. ઘરમાં શાંતિ પથરાઈ ગઈ હતી. ગૌરીબા શિવશંકર માટે ફળાહાર તૈયાર કરવામાં ગૂંથાયાં હતાં. જયાભાભીએ વધેલી રસોઈ કૂતરાને નાખી દીધી, રસોડું પાણી વડે ધોઈ નાખ્યું અને ફરીથી ચૂલો સળગાવી તેના પર ખીચડીનું તપેલું ચઢાવ્યું. મહેશભાઈ એક ખૂણામાં બેઠા બેઠા ઘડીક ગૌરીબા તરફ, કદીક શિવશંકર તરફ, પછી જયાભાભી પ્રતિ, ક્યારેક નીલકંઠ અને નીરા તરફ અસ્વસ્થતા- ભરી નજર નાખ્યા કરતા હતા, પણ વારંવાર તો એમની આંખ ચૂલા તરફ ચડેલા તપેલા પર નોંધાવી હતી. આ નિઃસ્તબ્ધતાથી કંટાળીને નીરાએ નીલકંઠ પાસે જઈ કહ્યું :
   ‘ચાલ નીલ, પેલા ઝાડ નીચે જઈ બેસીએ.’ અને પછી નીલકંઠના આવવાની રાહ જોયા વિના તે વાડા તરફ ચાલી નીકળી. નીલકંઠ તેને અનુસર્યો.
(ક્રમશ :...)


0 comments


Leave comment