34 - પ્રકરણ – ૩૪ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ‘સર ! મારી તબિયત બરાબર નથી. આપ મને વહેલો ઘેર જવા દેશો તો –' નીલકંઠે કુલકર્ણીની કેબિનમાં જઈને વિનતિ કરી. પાઇપ સળગાવી રહેલા કુલકર્ણીના હાથમાંની દીવાસળી સ્થિર થઈ ગઈ. તેમણે નીલકંઠ તરફ જોયું, પૂછ્યું : ‘તબિયત નથી સારી? વેલ… યૂ કેન ગો...' નીલકંઠ ‘થેન્ક યૂ’ કહીને કૅબિનમાંથી બહાર નીકળવા ગયો ત્યાં કુલકર્ણીનો સખ્ત સ્વર સંભળાયો : ‘કાલે સવારે વહેલા આવી જજો. તમારું કામ ઘણું ચઢી ગયું છે.’ નીલકંઠ હકારમાં સહેજ ડોકી હલાવી કૅબિનની બહાર નીકળી ગયો, લિટ પાસે આવ્યો. લિટ ‘આઉટ ઑફ ઑર્ડર' હતી. ધીમો નિઃશ્વાસ નાખીને દાદર ઊતરવા માંડ્યો - પગથિયાં.... પગથિયાં.... એને લાગ્યું કે એ કોઈક ઊંડા કૂવામાં ઊતરી રહ્યો હતો. રસ્તા પર આવી તેણે ટેક્સીને થોભાવી. અંદર પ્રવેશતાં તેણે કહ્યું : ‘વરલી.’ ટેક્સી ગતિમાં આવી. નીલકંઠ એક ખૂણેથી નાનકડા લંબચોરસ અરીસામાં દેખાતા, હાલકડોલક થયા કરતા ડ્રાઇવરના પ્રતિબિંબ તરફ તાકી રહ્યો. તેણે પોતાનું ડોકું ખસેડી અરીસામાં જોવા પ્રયત્ન કર્યો, પણ તે શક્ય ન બન્યું. દાઢીવાળા, કદાવર ડ્રાઇવરનો ચહેરો જ છવાયેલો રહ્યો. વરલી પર ઊતરી, થોડુંક ચાલી તે એક બંગલા પાસે થોભ્યો. બંગલાના દ્વાર પર એક નાનકડી તકતી લગાડી હતીઃ ‘નીરા-નિકુંજ.' એ અક્ષરોને મનમાં ગોઠવતો તે કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો. પ્રાંગણમાં થોડાક ફૂલછોડો નમતા પહોરની સ્તબ્ધતા સાથે એકરૂપતા સાધી ઊભા હતા. કમ્પાઉન્ડની રેતીને બૂટ વડે કચડતો, રેતમાં પગલાંની છાપ ઉપસાવતો આગળ ને આગળ વધતા પોતાના ફિક્કા પડછાયાને પગ વડે ધકેલતો, હાથની મૂઠીઓને વાળતો અને ઉઘાડતો, કપાળ પર જામતાં પ્રસ્વેદબિંદુઓને શર્ટની ચાળ વડે લૂછી નાખતો નીલકંઠ કમ્પાઉન્ડ વટાવીને બંગલાની પૉર્ચમાં આવી ઊભો તે જ ક્ષણે કોઈ જાણે ક્યાંથી એક વિકરાળ કૂતરો જોરથી ધસી આવ્યો અને તેના ઘુરકાટથી વાતાવરણ ઊભરાઈ ઊઠ્યું. નીલકંઠ સાવ નિર્લેપભાવે એ કૂતરાના ગળામાંના પટ્ટા તરફ જોઈ રહ્યો. કૂતરાનું ભસવું ચાલુ રહ્યું. એના તીણા દાંત, ગુલાબી જીભ, ઊંચા કાન, શરીર પરના વાળ અને ગળામાંનો ચકચકિત પટ્ટો - નીલકંઠ એકાએક પાછો ફરી ગયો. સડસડાટ પગથિયાં વટાવીને તે ફરીથી કમ્પાઉન્ડમાં આવ્યો, ‘બૉબી - બૉબી...’– નો સાદ દેતો એક સ્ત્રીકંઠ, બુચકારો, ફરશ પર પડતાં પગલાંનો પરિચિત ધ્વનિ, સાડીની સરસરાહટ, નીલકંઠ પાષાણની જેમ થંભી ગયો. કૂતરાનું ભસવું ધીમે ધીમે ઓછું થતું ગયું. તે સિવાયની વાતાવરણમાંની સ્તબ્ધતા ઘેરી બની. પાછળ ફરીને એક વાર જોઈ લેવાની ઇચ્છાને નીલકંઠે માંડ રોકી અને તેણે પગલાં ઉપાડ્યાં.... રેતીનો કચડાટ, હાથની વળાતી અને ઊઘડતી મૂઠીઓ, લુછાયા વિના રહી જતાં કપાળ પરનાં પ્રસ્વેદબિન્દુઓ, પણ આ વખતે પડછાયો નીલકંઠની આગળ નહોતો, પાછળ હતો ! પડછાયાને તે ધકેલતો નહોતો, પડછાયો તેને હડસેલતો હતો. કમ્પાઉન્ડનું દ્વાર વટાવી તે બહાર આવ્યો. ‘નીરા-નિકુંજ'ની તકતી તેનાથી ફરી એક વાર વંચાઈ ગઈ. હવે કૂતરાનો ઘુરકાટ સાવ શમી ગયો હતો.'
(ક્રમશ :...)


0 comments


Leave comment