35 - પ્રકરણ – ૩૫ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   બીલીવૃક્ષની નીચે ચોતરા ઉપર બેસતાં જ નીરાએ પોતાના બંને હાથોમાં મુખ છુપાવી દીધું અને તેણે એક આછું ડૂસકું ભર્યું. નીલકંઠ ચુપચાપ તેની તરફ જોઈ રહ્યો. થોડીક વારે નીરાએ મુખ ઊંચું કર્યું અને નીલકંઠની સામે જોઈ સ્મિત કર્યું, પછી તે બોલી :
   ‘આજે મજા આવી, નહિ ?’
 
   નીલકંઠે કશો જવાબ ન આપ્યો.
   ‘મારું વર્તન તને ન ગમ્યું, ખરું?’
   ‘ન ગમ્યું એમ તો શી રીતે કહું?’ નીલકંઠે મૌન તોડ્યું, ‘એક રીતે તો તારા આ વર્તનથી મને સંતોષ થવો જોઈએ. પણ કોણ જાણે કેમ આ લોકોને અકારણ આઘાત આપતાં હું ખચકાઉં છું. શા માટે એમની શ્રદ્ધાઓ પર આપણે પ્રહાર કરવો ?’
   ‘હું તારા આવા વલણને કાયરતા ગણું છું અને ધિક્કારું છું.' નીરાના સ્વરમાં ફરીથી તીખાશ ઊભરાઈ આવી.
   ‘તારા રોષથી હું નારાજ નહીં થાઉં, નીરા ! પણ તારે એટલું વિચારવું જોઈએ કે આ હવામાં મેં વર્ષો સુધી શ્વાસ લીધા છે.’
   ‘એ હવા ગૂંગળાવનારી છે એટલું તું સ્વીકારે છે ને ?’
   ‘કેટલેક અંશે.’
   ‘તો પછી એનો તે વિરોધ કેમ નથી કરતો?'
   ‘મેં મારા પૂરતું મારું જીવન શક્ય હોય એટલું બદલ્યું છે. મારે કહ્યે આ લોકો એમના વિચારો બદલવાના હતા ? મારા બાપુ—એમને હજી તું પૂરા ઓળખતી નથી; પ્રાણ છોડશે પણ પોતે જેને ધર્મ માને છે એને નહીં છોડે અને જેને તેઓ અધર્મ માને છે એનો સ્વીકાર નહિ કરે.’
   ‘ક્યો ધર્મ? આ મેલાં અબોટિયાં અને જડ મૂર્તિઓમાં પુરાઈ રહેલો ?’
   ‘ના. એ અબોટિયાં અને મૂર્તિઓ તો પ્રતીક છે.’
   ‘શેનાં પ્રતીક ?’
   ‘સંયમભર્યા, સાદા, નિષ્ઠાપૂર્ણ જીવનનાં.’
   ‘ભલે, પણ તેથી આપણે આપણાં Convictions બદલવાની, સગવડપૂર્વક એમને ગૌણ બનાવવાની શી જરૂર ? વૈજ્ઞાનિક પૃથક્કરણથી દૃઢ થયેલી મારી બુદ્ધિનં માર્ગદર્શન જ હું સ્વીકારીશ; આ તુચ્છતાઓને તાબે નહિ થાઉં.'
   ‘હં....' અને નીલકંઠ ફરીથી ચૂપ થઈ ગયો. સહજપણે જ એની નજર મંદિરની ધ્વજા ઉપર ગઈ. વસંતની ઢળતી બપોરે પવન પડી ગયો હતો અને ધ્વજા સ્થિર હતી. નીલકંઠને અચાનક એવો ખ્યાલ આવ્યો કે એ ધ્વજા દંડ પરથી ઊતરી આવી હતી. તેણે આંખો પટપટાવી. ના, એ ભ્રમણા હતી. ધ્વજ એને સ્થાને જ હતો.

   ‘મારે તો સૂઈ જવું છે, નીલ ! આ બપોર ખૂબ આળસભરી લાગે છે.’ કહી નીરા ઊભી થઈ અને તેણે બે હાથ ઊંચા કરી બગાસું ખાધું, હસીને પછી ઉમેર્યું : ‘અને તું ય જમી લે નીલ ! મારી અડકેલી રસોઈ તું યે ન જ જમ્યો ને ? દીકરો તો આખરે શિવશંકર પુરોહિતનો !’

   નીલકંઠે એક ઘેરો નિઃશ્વાસ નાખ્યો, ઊભા થઈને તેણે કહ્યું: ‘એ જ તો મુશ્કેલી છે. હું બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગયો છું, નીરા ! એક તરફ શ્રદ્ધાનું આકાશ, બીજી તરફ અશ્રદ્ધાનું પાતાળ !’
   ‘તું તો મૂર્ખ છે, નીલ ! આજે આપણે માટે તો આપણી અશ્રદ્ધા એ જ શ્રદ્ધા બની ગઈ છે, અને એ કાંઈ કૃત્રિમ નથી આપણાં Convictions નું, આપણા અનુભવોનું એને બળ મળ્યું છે.'
   ‘Convictions તો આ લોકોનાં ક્યાં ઓછાં સબળ છે.’
   ‘તો સંઘર્ષને ટાળી નહિ શકાય.’ કહી નીરાએ ચાલવા માંડ્યું. એની ચાલમાં બેફિકરાઈનું ડોલન હતું. નીલકંઠ પાછળથી એ જોઈ રહ્યો. આ ઝાંખા, જર્જરિત પરિવેશમાં નીરાની આકૃતિ કેવી અપરિચિત લાગતી હતી ! એક અંતિમની પડછે બીજું અંતિમ ! તે ઝડપથી નીરાની પાછળ ચાલ્યો ત્યારે વાસંતી મધ્યાહ્નના નમતા સૂરજના ફિક્કા તડકામાં શિખરની ધ્વજાનો અસ્થિર પડછાયો ફરફરતો હતો...
(ક્રમશ :...)


0 comments


Leave comment