36 - પ્રકરણ – ૩૬ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   નીલકંઠ જ્યારે હાર્કનેસ રોડના દરિયાકિનારે પહોંચ્યો ત્યારે ઉદાસ સાંજની છાયા ઢળવા લાગી હતી. પશ્ચિમના આકાશે રતાશ પકડવા માંડી હતી. કિનારા પરના ખડકો વધારે કાળા લાગતા હતા. દરિયાનું પાણી મેલું બની ગયું હતું. ઊંચાં મકાનો બિહામણી આકૃતિઓ જેવા લાગતાં હતાં. દરિયાની ખારી હવા કપડાં અને વાળને ફરફરાવી જતી હતી. એક ખડક પર ઊભા રહી નીલકંઠે આસપાસ નજર ફેરવી. ઘટતા ઉજાસની ઓથે થોડાંક પ્રેમી યુગલોનાં શરીર વચ્ચેનું અંતર ઘટતું જતું હતું. નીલકંઠને જુગુપ્સા જન્મી. એણે એ તરફથી આંખ ઉઠાવી લીધી. તેણે હાથ લંબાવી ખડકનો ટેકો લીધો. દરિયાના ઘુઘવાટે તેને જાણે ચોપાસથી આવરી લીધો. ભરતીનાં પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યાં હતાં. કોરી રેતી ભીંજાતી હતી. કચરો આગળ ધકેલાતો હતો. ફીણનો સફેદ પટ્ટો આછા પ્રકાશમાં યે જુદો તરી આવતો હતો. કિનારે બેઠેલાં યુગલો પાછળ ખસતાં ગયાં. કેટલાંક ઊંચા ખડક પર ચડી ગયાં. નીલકંઠને લાગ્યું કે તેના મનમાં કશાક આનંદની લાગણી ઉદ્ભવી રહી હતી. શેનો આનંદ ? તેને પ્રશ્ન થયો. ભરતીમાં ધસમસી રહેલાં પાણીથી ડરીને પ્રણયચેષ્ટા પડતી મૂકી પાછળ હઠતાં યુવક-યુવતીઓને જોઈને એ આનંદની લાગણી જન્મતી હતી ? દરિયાનો ઘુઘવાટ નજીક આવતો ગયો, તે સાથે જ નીલકંઠના સ્મરણપટ પર અતીતનો જુવાળ..

   ત્યારે નીરા પાસે બેઠી હતી–એના શરીર સાથે ચીપકીને. ઘટતા જતા અંધકારની ઓથે નીરાની મસ્તી વધતી જતી હતી. એ એના હાથ દબાવી લેતી હતી, એના ગાલ સાથે અડપલું કરતી, ક્યારેક એને ચૂમી લેતી હતી. નીલકંઠ પ્રમાણમાં સ્વસ્થ હતો. તે માત્ર તેની રેશમી લટોને પંપાળી રહ્યો હતો. એવામાં થોડેક દૂરથી કોઈક બોલ્યું: ‘ભરતી ચડે છે, જોતજોતામાં આ ખડક ડૂબી જશે.' એ શબ્દો ઉચ્ચારાતાં જ નીરાની બધી મસ્તી ઓસરી ગઈ. તે નીલકંઠથી અળગી થતાં બોલી : ‘ચાલ નીલ, અહીંથી ઊઠી જઈએ.' પણ નીલકંઠ બેસી જ રહ્યો. થોડીક ક્ષણો પસાર થઈ. દરિયાના લોઢાના લોઢનો પછડાટ હવે ઘેરો બન્યો હતો. નીરાએ ફરીથી કહ્યું : ‘મને તો ભય લાગે છે, નીલ ! પાણી નજીક આવી રહ્યાં છે.’ પણ નીલકંઠે હાથ લંબાવી તેને નજીક ખેંચી તેના ગાલ પર એક ચુંબન કર્યું અને સકંપ સ્વરે કહ્યું : ‘ભલે ભરતી આવતી નીરા !’ પણ નીરાની છટપટાહટ વધી ગઈ. તેણે દરિયાનાં ઊછળતાં મોજાં તરફ જોયું અને તે ઊભી થવા ગઈ. પણ નીલકંઠે તેને બળપૂર્વક બેસાડી દીધી. પાણી હવે થોડાંક ફૂટ જ દૂર હતાં. નીરા બેઠી તો ખરી, પણ એના કાંપતા હોઠોમાં, વિસ્ફારિત આંખોમાં, સમગ્ર અસ્તિત્વમાં ભયની સિહરન વર્તાતી હતી. નીલકંઠ એની તરફ તાકી રહ્યો. એના હોઠો પર સ્મિત ઊપસ્યું. પછી તેણે ધસમસતાં પાણી પ્રતિ નજર કરી. વીજળીના ઝબકારાની જેમ તેના મનમાં એક વિચાર ઝબકી ગયો : પોતે અને નીરા અહીં આમ જ બેસી રહે અને દરિયાનાં ઘૂઘવતાં પાણી એમને ભીંજવી ડુબાવી દે. બીજી પળે વિચારનું વહેણ બદલાયું : નીરાને આમ અહીં છટપટતી છોડીને પોતે ચાલ્યો જાય અને...વિચારના આ તખારાથી પોતે જ દાઝી ગયો હોય તેમ તેણે નીરા તરફ જોયું. નીરા હવે ઊભી થઈ ગઈ હતી. અને તે તેનાથી દૂર ખસતાં બોલી ઊઠી : ‘તારે અહીં બેસવું હોય તો બેસી રહે, નીલ ! હું તો જાઉં છું.’ નીરાના શબ્દો પૂરા થતાં જ નીલકંઠના હૃદયમાં એક કસક જાગી પડી. અત્યાર સુધીનો તેનો ઉન્માદ ઓસરી ગયો. નીરા તેના તરફ પીઠ કરીને કિનારા તરફ ઝડપી પગલે ચાલવા માંડી હતી; પાછળ વળીને તે જોતી યે નહોતી. ક્ષણે ક્ષણે તે તેનાથી દૂર સરતી જતી હતી અને પોતે હતો ત્યાં જ બેસી રહ્યો હતો. નીલકંઠે દરિયાના જળપ્રવાહ ભણી દૃષ્ટિ કરી. ભરતીનાં પાણી હવે હાથ લંબાવીને સ્પર્શી શકાય એટલાં જ દૂર હતાં.... નીલકંઠ ઊભો થઈ ગયો અને ઘસડાતે પગલે કિનારા તરફ....

   ખડક પર ઊભેલા નીલકંઠની નજર ફરી એક વાર પશ્ચિમના ધૂંધળા આકાશ તરફ મંડાઈ. સૂર્ય હવે ડૂબી ગયો હતો; શ્યામ લોઢનો જળપ્રવાહ અને ઘેરા આકાશ વચ્ચે સંપૂર્ણ તાદાત્મ્ય સધાઈ ગયું હતું. થોડીક ક્ષણો પહેલાંના રાતાચોળ સૂર્યને સૃષ્ટિપટ ઉપર ઉપસાવવાનો તેનો પ્રયત્ન સફળ ન થયો. સૂર્યના અવસાને તેની ગમગીની વધારી મૂકી, અને આ દરિયાનાં મોજાંઓનો ઘુઘવાટ જાણે સ્વજનોનું કલ્પાંત ! નીલકંઠને સ્ફુલ્લિંગની જેમ એક લાગણી થઈ આવી : આ ધસમસી રહેલાં ભરતીનાં પાણીમાં પોતે ઝંપલાવી દે.... એ સાથે જ એનું આખું અસ્તિત્વ થરથરી ઊઠ્યું. એ ધ્રુજારીના આવરણમાંથી ધીમે ધીમે તે મુક્ત થયો એટલે એને પોતાની જાત પર જ હસવું આવ્યું : મૃત્યુનો શા માટે અંગીકાર કરવો ? મૃત્યુ જેવા મૃત્યુનોયે હવે કશો અર્થ રહ્યો છે ખરો? કદાચ મૃત્યુ જેટલી અર્થહીન પ્રવૃત્તિ દુનિયામાં બીજી એકેય નથી રહી. બે આંસુ, એક ડૂસકું, થોડાંક શોકવચનો – કદાચ તે પણ નહિ... વેદનાની પરાકાષ્ઠાનો મૃત્યુનો સર્વાધિકાર તો ક્યારનોયે જીવને ખૂંચવી લીધો છે. મૃત્યુ અહીં ક્ષણે ક્ષણે અનુભવાતું હોય છે – આદર્શોનું, લાગણીનું, સ્વમાનનું, સ્વાધીનતાનું, બે અંતિમો વચ્ચેના એક મધ્યબિંદુના અસ્તિત્વનું... આકાશમાં તો એક સૂર્ય રોજ અવસાન પામે છે; મારી સૂર્યમાળાના કરોડો ગ્રહો પળે પળે આથમતા રહે છે. અને ફરી કદી ઊગતા નથી...

   નીલકંઠ ખડક પરથી ઊતરીને કિનારા પર પાછો ફર્યો ત્યારે હાર્કનેસ રોડ રાત્રિના અંચળા હેઠળ આવરાઈ ગયો હતો.
(ક્રમશ :...)


0 comments


Leave comment