37 - પ્રકરણ – ૩૭ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ઓરડીમાં આવીને શેતરંજી પર પડતાં જ નીરાની આંખો મીંચાઈ ગઈ. જરાક વારમાં જ એ તન્દ્રાથી ઘેરાઈ ગઈ. ઘરમાં ચાલતી ચહલપહલ ગળાઈને ચળાઈને એના તન્દ્રાગ્રસ્ત મન સુધી માંડ પહોંચી શકતી હતી – મંજાતાં વાસણોનો ખડખડાટ, રસોડામાં ફરતા સાવરણાનો અવાજ, વાડામાંની ગમાણ તરફથી વીંઝાઈ આવતું હાસ્ય અને પડખેની દેવસેવાની ઓરડીમાં મધ્યાહ્નસંધ્યા કરી રહેલા શિવશંકરના મંત્રોચ્ચાર :
आपो हि ष्ठा मयोभुबः
ता न ऊर्जे दधातन ॥

   ધીમે ધીમે એ ધ્વનિજગત દૂર ચાલ્યું ગયું અને દૂરથી એક બીજી ધ્વનિસૃષ્ટિ નીરાના તન્દ્રિત માનસ પર ઊપસી આવી : કાચના ગ્લાસ સાથે રણકતા ચમચાઓનો રવ, કાર્યમગ્ન ઓફિસમાં ટાઇપરાઇટર પર લયબદ્ધ રીતે મુકાતી નેઇલ પોલિશથી ચમકતી આંગળીઓનો ટપટપાટ, સ્વિચ ઓન થતાં જ ટ્રાન્ઝિસ્ટરમાંથી સમસ્ત વિશ્વ સાથે સંધાતા સંધાનની નાન્દી ઉચ્ચારતો ઘરઘરાટ, કાળા નિર્જીવ ટેલિફોનમાંથી રણકી ઊઠતી ઘંટડી, કળ દબાતાં જ કામે લાગતા કૉમ્પ્યુટરની સરસરાહટ અને એની સન્મુખ માનવીનું મન....

   નીરા ઝબકી જાગી. આંખો ઉઘાડી તેણે આસપાસ જોયું. મનની વિક્ષિપ્ત સપાટી ઝડપથી સમથળ ન થઈ. તેણે તન્દ્રાના આવરણ હેઠળ અનુભવેલાં બે ધ્વનિવિશ્વોનું અનુસંધાન મેળવવાનો પ્રયત્ન કર્યો અને એના મુખ પર સ્મિત અંકાઈ ગયું. એણે રિસ્ટવોચ પર નજર નાખી. સાડાત્રણ થઈ ગયા હતા. એને એકાએક જ એ કાંડાઘડિયાળ પર વહાલ ઊભરાઈ આવ્યું. સ્થગિત થઈ ગયેલા સમયના બરફ હેઠળની આ જડ સૃષ્ટિમાં ક્ષણેક્ષણના પરિમાણથી પરિચિત રાખનારું આ એક જ સાધન મોજૂદ હતું કદાચ ! એણે અકારણ રિસ્ટવૉચને કાન સુધી લઈ જઈ ક્યાંય સુધી એની ટક ટક સાંભળ્યા કરી. એ ટક ટક આટલી રસપ્રદ અને આત્મીય આ અગાઉ એને ક્યારેય લાગી નહોતી. એ ટક ટક નહોતી; આધુનિક વિશ્વચેતનાના એ જીવંત ધબકારા હતા, નીરાને વિચાર આવ્યો.

   તે ઊભી થઈ ગઈ. સૂઈ રહેવાને કારણે તેનાં કપડાં અસ્તવ્યસ્ત બની ગયાં હતાં. તે સાડીને ઉખેળીને વ્યવસ્થિત કરવા લાગી. બે’ક મિનિટમાં એ કામ પૂરું થઈ ગયું. તે ઓરડીની બહાર નીકળવા જતી હતી ત્યાં ઉંબરમાં જયાભાભીને ઊભેલાં જોયાં. નીરાએ સ્મિત કરીને તેમના તરફ હાથ લંબાવ્યો. જયાભાભી ચમકીને પાછળ હઠી ગયાં, પછી નજીક આવ્યાં આસપાસ જોઈ ખૂબ ધીમા સાદે એમણે નીરાને કશુંક પૂછ્યું. નીરાએ સંમતિસૂચક માથું હલાવ્યું એટલે જયાભાભી એકદમ સંકોડાઈ ગયાં. પછી બોલ્યાં : “તું સાડી સરખી કરતી હતી ત્યારે મારું ધ્યાન ગયું.’ અને તરત પ્રશ્ન પૂછ્યો : ‘ક્યારની ?'
   ‘ગઈ કાલની.’ નીરાએ સરળ ભાવે જવાબ આપ્યો.
   ‘હાય હાય બા !’ જયાભાભીના મુખમાંથી ચિત્કાર નીકળી પડ્યો ‘કેમ, શું છે?' આશ્ચર્યચકિત નીરાએ પૂછ્યું. તેને કશું સમજાતું ન હતું. તેણે જયાભાભીની સામે જોયું. એમના ચહેરા પર હેબતાઈ ગયાનો ભાવ હતો. સાથે આશ્ચર્ય, રોષ અને તિરસ્કારની જાડી રેખાઓ. નીરા જરાક આગળ વધી તેમની પાસે ગઈ, જયાભાભી જાણે ઝેરી સાપ નજીક આવી રહ્યો હોય એમ ઝડપથી પાછળ હઠી ગયાં અને પછી તો તેમના શરીરને ન શોભે એવી સ્ફૂર્તિથી દોડીને ગૌરીબા પાસે પહોંચ્યાં. તેમનો શ્વાસ સમાતો નહોતો. તેમની છાતી ઊછળતી હતી. તેમણે હાંફતા શબ્દોમાં કહ્યું : ‘બા...બા..!' તેઓ આગળ કશું ન બોલી શક્યાં. ગૌરીબાને એમનું આવું વર્તન ન સમજાયું. તેમણે પૂછ્યું : ‘શું છે અલી વહુ?’ જયાભાભીના મુખ પરના ભાવો ઝડપથી પલટાયે જતા હતા. હજી તેઓ સ્પષ્ટપણે બોલી શકતાં ન હતાં : ‘બા...! આ નીરા છેને તે–' અને અધૂરું વાક્ય એમણે ગૌરીબાના કાન સમક્ષ હોઠ લાવીને પૂરું કર્યું. અને પછી મોટેથી ઉમેર્યું: ‘બે દિવસથી !!’ એ છેલ્લા બે શબ્દો સાંભળતાં જ ગૌરીબા હચમચી ઊઠ્યાં. તેમણે એ શબ્દોનું પુનરાવર્તન કર્યું : ‘બે દિવસથી ?’ ‘હા.. બા ! નીરાએ જાતે જ મને કહ્યું.’ જયાભાભી બોલ્યાં. આઘાત અને રોષના કારણે ગૌરીબા અવાક્ થઈ ગયાં. ત્યાં નીરા આવી અને પાણી પીવા માટે રસોડા તરફ જવા લાગી. એ જોઈને જયાભાભીએ બુમરાણ મચાવી મૂક્યું : ‘અને નીરા...! રસોડામાં તું ન જતી...'

   ‘મારે ફક્ત પાણી પીવું છે. હું ગોળીમાંથી...’
   ‘તારાથી ગોળીને ન અડકાય હવે.'
   ‘કેમ, શું છે?’ મૂંઝવણ અને અણગમાથી નીરાએ પૂછ્યું. જયાભાભીએ વગરબોલ્યે ગૌરીબા સામે જોયું. પ્રાથમિક આઘાતની સહેજ કળ ઊતરતાં ગૌરીબા હવે રોષ ઠાલવી શકે એટલાં સ્વસ્થ બન્યાં હતાં. તેઓ નીરા તરફ ફરી કમ્મરે હાથ ટેકવી બોખા મોંએ બોલ્યાં : ‘હે’લી વહુ ! તારે અમને જીવતેજીવત ગરદન મારવાં છે કે શું?'

   નીરા આ અણધાર્યા હુમલાથી ચમકી ગઈ. તેણે પૂછ્યું :
   ‘વળી મેં શું કર્યું?’
   પણ ગૌરીબા તેના પ્રશ્નનો ઉત્તર વાળવાના મિજાજમાં નહોતાં. તેઓ બોલ્યો ગયાં : ‘પહેલાં હું પૂછું એનો જવાબ દે ! તારે અમારું કુળ બોળવું છે? ગામ આખામાં અમારો ફજેતો કરાવવો છે? અમારું નાક કપાવવું છે?
   ‘પણ બા—‘
   ‘આ વેણીશંકર પુરોહિતની પેઢીનું ખોરડું છે. અહીં આવા ભખડેલવેડા ન ચાલે. તું ભલે રહી મુંબઈની મડમડી; અમને શા સારુ પાપમાં નાખવા અહીં આવી છે?' ગૌરીબાના મુખમાંથી જાણે અંગારા ઝરતા હતા.

   આ કોલાહલ સાંભળીને નીલકંઠ ત્યાં દોડી આવ્યો. ગૌરીબાની રૌદ્ર મૂર્તિ, નીરાના ચહેરા પર લીંપાયેલી મૂંઝવણ અને જયાભાભીનું રહસ્યાત્મક મૌન જોઈને નીલકંઠને ફાળ પડી. તેને હૈયે એક જ પ્રશ્ન જાગ્યો : વળી શું થયું? અને તેણે ગૌરીબાને એ પ્રશ્ન કર્યો : ‘શી વાત છે બા ?’ પણ ગૌરીબાનો પ્રકોપ–
   ‘તે પૂછ આ તારી મડમડીને ! ઘર બોળવા બેઠી છે તે –’
   ગૌરીબાના આ જવાબ પરથી નીલકંઠને સમજાઈ ગયું કે તેમની પાસેથી કશી વિગત મળે તેમ નથી, એટલે તેણે નીરાની નજીક જઈ પૂછ્યું : ‘What's the matter Nira ?'

   નીરાએ પ્રથમ તો અશબ્દપણે નીલકંઠની સામે જોયું. એની આંખોમાં ઘેરી અસમંજસતા, આછો ભય અને અણગમો તરી આવ્યાં. પછી તેણે જરાક ધ્રૂજતા સ્વરે કહ્યું: 'I... I really don't know anything Neel !’

   હવે નીલકંઠ મૂંઝવણમાં પડ્યો. તે જયાભાભી તરફ વળ્યો. તેમની પાસે જઈ પૂછ્યું: ‘શું થયું ભાભી?’ જયાભાભી તેને એક બાજુએ લઈ ગયાં અને તેના કાનમાં કશુંક કહ્યું અને પછી ઉમેર્યું: ‘બે દિવસથી !' નીલકંઠના ચહેરા પર પહેલાં ઉજાસ પથરાયો અને પછી શ્યામ છાયા ઊપસી આવી. તેણે એક ઘેરો નિઃશ્વાસ નાખ્યો. તેના કપાળ પર કરચલીઓ અંકાઈ ગઈ.

   ગૌરીબાના શબ્દો તો ભોંકાયે જ જતાં હતાઃ
   ‘..... વેણીશંકર પુરોહિતના પોતરાનું આ ઘર... દિવસ-રાતની પૂજા-અર્ચા... જાગતાજોધ જેવા વિરક્તેશ્વર મહાદેવ... આ મહેશના બાપુ ત્રણ વાર સંધ્યા કરે.... જીવતર આખું એમાં ગાળ્યું.... ને જતે દહાડે આ મડમડીએ એ બધું રાખ કર્યું ને તે ય મોટી શિવરાત્રિને ટાણે... સત્યાનાશ વળી ગયું...’
   ‘બા, મારી એક વાત સાંભળ.' નીલકંઠે સમજાવવાનો પ્રયત્ન કર્યો.
   ‘તું તો બોલતો જ નહિ નાના ! તારાં જ કરમ વઢાયેલાં છે. તેં આ ભખડેલીને ઘરમાં બેસાડી તે દિવસથી આપણા કુળનું નામ બોળાઈ ગયું. અધૂરું હતું તે આજે પૂરું થયું.' ગૌરીબાનો રોષ હજી શમ્યો ન હતો. કદાચ વધતો જતો હતો. હવે તો એમની આંખોમાંથી ડબક ડબક આંસુ સરવા લાગ્યાં હતાં અને એમનું શરીર ધ્રૂજતું હતું.

   ત્યાં મંદિરમાંથી શિવશંકર ઘરમાં આવ્યા. એમના સાજા હાથમાં ત્રાંબાનો પાણી ભરેલો લોટો હતો. એમના આગમન સાથે જ ખંડમાં નિતાંત સ્તબ્ધતા છવાઈ ગઈ. નીલકંઠ નીચી નજરે હાથની મૂઠીઓ ઉઘાડબંધ કરવા લાગ્યો. જયાભાભીએ કશાક કામમાં ગૂંથાઈ જવાનો દેખાવ કર્યો. નીરા ખૂબ થાકી ગઈ હોય એમ એક થાંભલાનો આશ્રય લઈને બેસી પડી. ગૌરીબાના હોઠ આછો ફફડાટ કરી રહ્યા : ‘ઓમ નમઃ શિવાય'.... શિવશંકરે આવીને હાથમાંનો લોટો નીરા તરફ લંબાવતાં કહ્યું : ‘લ્યો વહુ! આને જરા રસોડામાં મૂકી દ્યો. એમાં મંત્રથી શુદ્ધ કરેલાં પુષ્પ અને બીલીપત્રો છે. સાયંઆરતીમાં’ પણ એમના એ શબ્દો પૂરા થાય તે પહેલાં જ ગૌરીબાના એક સ્પષ્ટ ડૂસકાએ એમને ખળભળાવી મૂક્યા. થંભી જઈને ચકિતભાવે એમણે ગૌરીબા તરફ જોયું. ગૌરીબા હવે તો ડૂસકાંનાં મોજાંમાં તણાતાં હતાં, ‘શી વાત છે નાના?' શિવશંકરે નીલકંઠને પૂછ્યું, પણ નીલકંઠની નીચી નજર વધારે નીચી નમી. ‘મોટી વહુ, શું છે? તમારાં સાસુને શું થયું છે ?' શિવશંકરે જયાભાભી તરફ દૃષ્ટિ ઠેરવી. જયાભાભીએ કપાળ પરનો સાલ્લો નીચે ખેંચ્યો. ‘નાની વહુ, તમે તો કાંઈ બોલશો કે નહિ?’ શિવશંકરે છેવટે નીરાને પૂછ્યું. નીરાએ સ્વસ્થતાથી એમની સામે જોઈને કહ્યું : ‘બાપુજી ! હું કશું જાણતી નથી. હું ક્યારની કારણ સમજવા મથી રહી છું. મને એટલું સમજાય છે, કે મારે કારણે કશુંક બન્યું છે !’

   ‘તમારે કારણે ?' શિવશંકરનો ઘૂંટાયેલો સ્વર વહી આવ્યો.
   ‘હા.'
   ‘શું બન્યું છે?’
   ‘એ મને સમજાતું નથી.’
   ‘નવાઈની વાત કહેવાય.’ શિવશંકર બોલ્યા અને પછી ગૌરીબાની નજીક જઈ– ‘તું આમ જ રડ્યા કરશે કે પછી –'
   ‘રડું નહિ તો શું કરું ?’ રુદનના ઉછાળાને ખાળીને ગૌરીબા માંડ બોલ્યાં : ‘તમારી આ નાની વહુએ આપણી સાત પેઢીની આબરૂ પર પાણી–' અને પછી શિવશંકરની પાસે જઈ એમના કાનમાં થોડાક શબ્દો ઉચ્ચારી મોટેથી ઉમેર્યું : ‘આજે બીજો દિવસ છે...'
(ક્રમશ :...)


0 comments


Leave comment