38 - પ્રકરણ – ૩૮ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ટ્રાફિકની ભીડ, દોડતાં વાહનો અને માણસો, ગાજતાં હૉર્ન, ચમકતી નિયોન સાઇન્સ, જાહેરાતોનાં ઝૂલતાં બૅનરો, રેસ્ટોરાંમાંથી વીંઝાતો રેડિયોનો ધ્વનિ, આસ્ફાલ્ટની સડક પર કશી યે છાપ અંકિત કર્યા વિના આગળ વધી જતાં પગલાં, દિવસભરનો શ્રમ સંકેલતા ફેરિયાઓ, પસાર થતી યુવતીની કાયામાં લહેરાઈ જતી પરફયુમની ખુશ્બૂ, લિટની ચડઊતર; એ કશાનો સ્પર્શ પામ્યા વિના માર્ગ વટાવી નીલકંઠ ડૉ. સમીર શાસ્ત્રીને દવાખાને પહોંચ્યો ત્યારે ઠીક ઠીક મોડું થઈ ગયું હતું. એને જોતાં જ સમીર બોલી ઊઠ્યો : ‘તું આવ્યો ખરો ! મેં આશા છોડી દીધી હતી. ખૂબ મોડું કર્યું...’

   કોઈ જવાબ આપ્યા વિના નીલકંઠ સમીરની સામે એક ખુરશી પર બેસી પડ્યો. એણે આસપાસ જોયું - થોડાંક સર્ટિફિકેટ્સ, કેલેન્ડરો, એક તરફ કમ્પાઉન્ડરની કેબિન, કબાટમાં દવાની શીશીઓ, રિવૉલ્વિંગ ખુરશી, ટેબલ પર કીમતી પેપરવેઇટ્સ, ખીંટી પર લટકતું સ્ટેથોસ્કોપ...
   ‘તું આવવાનો હતો એટલે દર્દીઓનેય ઝડપથી વિદાય કર્યા... પછી ક્યારનો માખી મારું છું.' સમીરે કહ્યું.
   ‘માણસને બદલે, નહિ?’ નીલકંઠે કટાક્ષમાં કહ્યું.
   ‘માણસ અને માખી વચ્ચે મૂળભૂત કોઈ તફાવત નથી. એમનો જીવનક્રમ તો સરખો જ છે – જન્મવું, વિસ્તરવું, મરવું. માત્ર આયુષ્યનો સ્પેન નાનોમોટો હોય છે.'
   ‘માણસને કુદરતે સંવેદનશકિત આપી છે તે કેમ ભૂલી જાય છે ?'
   ‘શાની સંવેદનશકિત ? હૃદયના ધબકારા જરાક વધી જાય, નાડીની ગતિમાં વેગ આવે, જ્ઞાનતંતુઓ સક્રિય બને; એને તમે સંવેદનશકિત કહેશો? તો તો બ્લડ-પ્રેશરથી પીડાતો માણસ દુનિયાનો મોટામાં મોટો કવિ બનવો જોઈએ !'
   ‘તારી સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી.' કહી નીલકંઠ બગાસું ખાધું.
  ‘હું પણ એ જ કહેવા માગું છું. અહીં બેસીને દલીલ કરવા કરતાં ક્યાંક ઘૂમી આવીએ. હું દિવસભર દર્દીઓ સાથે માથાફોડ કરી બોર થઈ ગયો છે.’ કહી સમીર હાથમાં કારની ચાવી ઝુલાવતો ઊભો થયો. થોડીક વસ્તુ આઘીપાછી કરી, ઝોકાં ખાતા કમ્પાઉન્ડરને જઈને કશીક સૂચના આપી. ' નીલકંઠ પાસે આવી કહ્યું : ‘ચાલ, ઊભો થા.’ નીલકંઠ ચાવી દીધેલા પૂતળાની જેમ ઊભો થયો, રસ્તા પર આવ્યો. એક તરફ પાર્ક કરેલી ફિયાટ સમીર ઝડપથી હંકારી લાવ્યો. તેણે આગલું બારણું ઉઘાડતાં કહ્યું: ‘કમ ઇન બોય !’ નીલકંઠ અંદર આવી ગયો. સમીરે જોરથી બારણું બંધ કર્યું, પછી ગાડી સ્ટાર્ટ કરી. અચાનક નીલકંઠે તેનો હાથ પકડી લેતાં કહ્યું : “એકસક્યુઝ મી, સમીર ! હું તારી સાથે નહીં આવું. આઈ એમ નોટ ઇન એ મૂડ ટુ-'

   સમીર થોડીક ક્ષણો સુધી તેના તરફ જોઈ રહ્યો. પછી મોટેથી બોલ્યો - કારની સંકડાશમાં એના એ શબ્દો વધુ સઘન લાગ્યા :
   ‘તને શું થયું છે, નીલકંઠ ?'

   નીલકંઠે કોઈ જવાબ ન આપ્યો.
   ‘યૂ આર એ ફૂલ !' સમીર મોટેથી બોલ્યો અને તેણે બળપૂર્વક નીલકંઠનો હાથ ખસેડી દેતાં કાર ચાલુ કરી. કારે એકદમ ગતિ પકડી. ગાડીના અંધાધૂંધ વેગમાં સમેટાઈ જવાની નીલકંઠે મનોમન મથામણ કરી. આ પૂરપાટ દોડતી ગાડીને અકસ્માત–તેને વિચાર આવ્યો, પણ પછી તેને હસવું આવ્યું : આ સમીર કદીયે અકસ્માત કરે એ શક્ય હતું ? પવનવેગે ગાડી હંકારવી એ એનો શોખ - કદાચ આદત હતી; એ ખૂબ ફાસ્ટ લાઇફ જીવતો હતો. ગાડીનો વેગ વધતો ગયો. પહેલાં ક્યારેક નીલકંઠને આવા વખતે ભય લાગતો; આજે ભયની લાગણી કૈં જાગતી નહોતી? તેને લાગ્યું કે વેગથી દોડતા ગાડીની કાચની બારીમાંથી પવનના રૂપમાં તોફાને ચડેલાં સમુદ્રનાં મોજાંઓ ફેંકાતાં હતાં અને એ ખારાંઊસ પાણીએ તેના શ્વાસોચ્છવાસને રૂંધી નાખ્યા હતા. પવનમાં સમીરના વાળ અને તેની ટાઈ ફરફરતાં હતાં. કાર હવે મરીનડ્રાઇવ પર દોડતી હતી. ડાબે હાથે દરિયો, જમણી બાજુએ ગગનચુંબી મકાનો.

   ‘કશુંક બોલ તો ખરો, નીલકંઠ !' સ્ટીઅરિંગ પર હાથ રાખી દૃષ્ટિ ફેરવ્યા વિના સમીરે કહ્યું. એના શબ્દો નીલકંઠ સુધી પહોંચ્યા, એ શબ્દોનો અર્થ તેણે અનુભવ્યો, એના હોઠ ઊઘડ્યા નહિ; ઊલટા વધારે ભીંસાયા.
   ‘તેં મૌનવ્રત લીધું છે?' સમીરે પૂછ્યું તોય નીલકંઠે કોઈ જવાબ ન દીધો. સમીરે તેના તરફ જોયું અને પછી ગાડીની ગતિ વધારી, નીલકંઠને ફરીથી મનોમન હસવું આવ્યું. તેને થયું : આ સમીર, મારા મૌન તરફનો ગુસ્સો ગાડી પર ઉતારે છે...! એકાએક સમીરે જોરથી બ્રેક મારી. ગાડી થોભી ગઈ. ક્ષણાર્ધમાં કારનું બારણું ખોલી તેણે સખત સ્વરે કહ્યું: ‘નીલકંઠ, જો તું આમ જ બેસી રહેવાનો હોય તો ઊતરી જા. મારે તારી જરૂર નથી.' સમીરના આ અણધાર્યા વર્તાવથી નીલકંઠ સહમી ગયો, પણ પછી સમીરની પ્રકૃતિને તે બરાબર જાણતો હતો એનો ખ્યાલ સ્પષ્ટ થયો, એટલે તેણે હસીને, ગાડીનું બારણું ફરીથી બંધ કરી દીધું અને કહ્યું: ‘ગાડી ચલાવ સમીર !’

   સમીરે ફરીથી કાર સ્ટાર્ટ કરી, અને સાથે તેનો બડબડાટ :
   ‘તારી આ ચૂપકીદી; હું તે સહન કરી શકું તેમ નથી... એનો અર્થ એ કે તું મને તારો દોસ્ત ગણતો નથી... આઈ મીન...' અને સુદીર્ઘ મૌન... નીલકંઠને રાહત થઈ. એણે વિચાર્યું : સમીર હવે કશું બોલે જ નહિ તો કેવું સારું ! એ ચૂપ હોય છે ત્યારે કેવો આત્મીય લાગે છે ! ક્ષણો, આમ મૌનમાં ઓગળતી જાય, કાર દોડતી રહે, પવન વીંઝાતો રહે, કોઈ લક્ષ્યસ્થાન આવે જ નહિ, શ્વાસ લેવા જેટલો યે વિરામ પ્રાપ્ત ન થાય, રાત દિવસમાં અને દિવસ રાતમાં પલટાતાં રહે, સૂર્ય ઊગે અને આથમે અને આ મૌન અખંડ જ રહે—કોઈ દુર્ભેદ્ય દુર્ગ–

   પણ મૌન તૂટ્યું અને એક પ્રહાર–
   ‘નીરાના શા સમાચાર છે, નીલકંઠ?'
   નીલકંઠે સમીર તરફ જોયું—એની ટાઈ જોરથી ખેંચી લીધી હોય તો? પણ ટાઈ તો નર્તિકાની જેમ પવનલહરીના સ્પર્શે વળ ખાતી ફરફરતી હતી. સમીરે નીલકંઠ તરફ દૃષ્ટિ કરી. એ દૃષ્ટિની વાચાળતા નીલકંઠ પામી ગયો, એટલે એને વધારે બોલકી બનવાની તક આપ્યા વિના તેણે કહ્યું, માત્ર તેના હોઠ બોલી ગયા : ‘કશા સમાચાર નથી.’
   ‘પણ તેં એને મળવાનો પ્રયત્ન–'
   ‘નથી કર્યો.’
   ‘શા માટે ?'
   ‘કોઈ અર્થ નથી રહ્યો.’
   ‘આપણે બંને સાથે એને મળીએ તો?'
   ‘એનો કોઈ અર્થ નહિ રહે.’
   ‘પણ નીરાને-'
   ‘આપણે બીજી વાત કરીએ, સમીર. અથવા હું અહીં ઊતરી પડું છું.’
   ‘આમ ડેસ્પરેટ ન બન, નીલ ! જીવનમાં સમાધાનને પૂરો અવકાશ છે.’
   ‘હશે.'
   ‘તું પ્રયત્ન કરી જો–સમાધાન માટે.’
   ‘થઈ શકશે તો કરીશ, પણ’
   ‘કેમ અટકી ગયો ?’
   ‘તું નહિ સમજી શકે, સમીર ! બે જીવનપદ્ધતિઓ વચ્ચેનો આ સંઘર્ષ છે; હું એ બેની વચ્ચે છું – ત્રિશંકુની જેમ. મેં પથ્થરની જડ મૂર્તિ પર નિરપેક્ષ ભાવે ન્યોછાવર કરાતી જિંદગી પણ જોઈ છે અને સેટર્ન–5ના ધક્કાથી ચન્દ્રની ધરતી પર પગ મૂકતાં માણસ વિશે પણ હું ઘણું જાણું છું. હું બેમાંથી એકેય તરફથી મોઢું ફેરવી લઈ શકું તેમ નથી. મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધાયે ગમે છે અને વૈજ્ઞાનિક પૃથક્કરણને જ સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું...’ અને પછી નીલકંઠે બે હાથો વચ્ચે મોં છુપાવી સ્વગતની જેમ બોલવા માંડ્યું: ‘હું... હું સંક્રાંતિકાળનું સર્જન છું, સમીર ! આઈ... આઈ.... જસ્ટ કાન્ટ ડિસાઈડ વૉટ ટુ ડુ...'
   સમીરે ગાડીની ગતિ ધીમે ધીમે ઓછી કરી દીધી.
   હવે ચૂપ થવાનો વારો સમીરનો હતો...
(ક્રમશ :...)


0 comments


Leave comment