39 - પ્રકરણ – ૩૯ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   - અને શિવશંકર એ જર્જરિત ઘરની લીંપણવાળી ફરશ પર લગભગ ફસડાઈ પડ્યા. એમની આંખે અંધારા આવવા જેવું થયું. વેદનાના ઉછાળાને કારણે હોઠ પહોળા થઈ ગયા. લકવાથી જડ બની ગયેલા એક હાથે પણ કંપ અનુભવવાની વ્યર્થ મથામણ કરી કે શું? ખભા પરથી સફેદ પિછોડી સરકી ગઈ. જનોઈના તાંતણા ધ્રૂજી ઊઠ્યા. કપાળે લગાડેલી ભસ્મના કણો હાલકડોલક થઈ ગયા. હાથમાંનો ત્રાંબાનો કળશ છૂટી ગયો, અને જમીન પર પાણી ઢોળાઈ ગયું. એમના મુખમાંથી અસ્પષ્ટ ઉદ્ગારો નીકળી રહ્યા : ‘નમઃ શિવાય. નમ: શિવાય.. પશુપતિનાથ પિનાકપાણિ..' નીલકંઠ ચમકી ગયો. બાપુને કશુંક થઈ જશે તો ? તે ત્વરાથી એમની પાસે ગયો, બેસી પડ્યો અને એમને સ્પર્શવા ગયો, પણ શિવશંકર ખસી ગયા. આશ્ચર્યજનક લાગે એટલા સ્વસ્થ સ્વરે તેઓ બોલ્યા : ‘મને સ્પર્શ ન કરીશ, નીલકંઠ !' અને પછી તેમણે આંખો મીંચી દીધી. એમના ચહેરા પર વેગભેર બદલાતા ભાવો નીલકંઠ જોઈ રહ્યો. નિલકંઠને અચાનક જ ઊંડી પરિચિતતાની લાગણી થઈ આવી. આ ચહેરા પર આવી ભાવરેખાઓ તેણે કેટલી બધી વાર જોઈ હતી - આઘાતને જીરવી લઈ દેહદમન અને આત્મશુદ્ધિના નિશ્ચયમાં છેવટે પરિણમતી એ રેખાઓ. બાળપણમાં પોતે કશુંક તોફાન કરીને આવતો, આડોશપાડોશમાંથી કોઈકની ફરિયાદ આવતી ત્યારે તરત તો શિવશંકરની આંખોમાં રોષની જ્વાળાઓ ભભૂકી ઊઠતી, એમના હોઠ કાંપવા લાગતા, પણ પછી તરત તેનું શમન થઈ જતું. તેઓ ફરિયાદ કરવા આવનારને ધ્રૂજતા પણ દૃઢ સ્વરે કહી દેતા, ‘ફરીથી આવું નહિ બને, હું છોકરાને શિક્ષા કરીશ.’ અને પછી નીલકંઠને એક દિવસનો ઉપવાસ કરવો પડતો અને પોતે અષ્ટાધ્યાયી રુદ્રીનાં બે’ક વધારે આવર્તનો કરતા. એ આવર્તન કરીને તેઓ જ્યારે મંદિરના ગર્ભગૃહમાંથી બહાર આવતા ત્યારે તેમના ચહેરા પર કશીક દીપ્તિ લખલખી રહેતી પોતે જોતો અને એ જોતાં જ ફરીથી તોફાન કરવાની તેની વૃત્તિ મંદ પડી જતી... મોટા ભાઈનું ગાંડપણ અસાધ્ય હતું એવી જ્યારે એમની ખાતરી થઈ ગઈ ત્યારે તેમના અસ્તિત્વમાં જાગેલી વ્યાકુળતા છુપાવવાના એમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને એમણે એક આખો દિવસ અને આખી રાત સુધી વિરક્તેશ્વરના મંદિરમાં કશુંક અનુષ્ઠાન કર્યું હતું. એ ઘટના તો હજી એને યાદ હતી. એ રાતે ઘરમાંથી કોઈએ મંદિરમાં પગ ન મૂકવો એવી એમની આજ્ઞા હતી. રાત આખી ઘરમાં સહુ કોઈ જાગતું રહ્યું હતું. જ્યારે સવાર પડે એની ઇંતેજારી સહુની આંખોમાં અંજાઈ ગઈ હતી. છેવટે અજવાળું પથરાયું અને શિવશંકર મંદિરમાંથી માત્ર એક ધોતિયાભેર બહાર આવ્યા – પણ એ સાચે જ શિવશંકર હતા? એક રાતમાં તો એમની ઉંમર જાણે દસ વર્ષ વધી ગઈ હોય એમ લાગતું હતું. અને એમની આંખોની રતાશ અને ગાલ પર સુકાઈ ગયેલાં આંસુઓના આછા ઓઘરાળા.... આવતાંવેંત જ તેઓ જયાભાભી પાસે ગયા, એમના હાથમાં બીલીપત્રો મૂક્યાં અને પછી બોલ્યા : ‘હું તમારો અપરાધી છું... પશુપતિનાથ તમારું કલ્યાણ કરો..’ અને તેઓ સીધા નદીએ સ્નાન કરવા ચાલ્યા ગયા હતા - આવું જ કશુંક ભાવપરિવર્તન અત્યારે આવી રહ્યું હતું કે શું? નીલકંઠ સમજવા મથી રહ્યો. જોતજોતામાં શિવશંકર સ્વસ્થ બન્યા. પછી તેમણે ગૌરીબાને નજીક બોલાવી કહ્યું: ‘મંદિર ભ્રષ્ટ થયું છે, ગંગાશંકર શાસ્ત્રીને બોલાવવા મોકલો. ‘મહેશ જાય. તેમને કહે કે “નિર્ણયસિંધુ” લઈને આવી પહોંચે - તાબડતોબ.” અને પછી માંડ કળાય એવો નિઃશ્વાસ નાખીને ઉમેર્યું : ‘મારે - આપણે શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું પડશે - દેહશુદ્ધિ, સદનશુદ્ધિ, દેવસ્થાનની શુદ્ધિ : એ પછી જ આપણે શિવરાત્રિના ઉત્સવમાં ભાગ લઈ શકીશું.’ શિવશંકરના શબ્દો વિરમ્યા અને ઘરમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. ન કોઈ બોલ્યું, ન કોઈ હાલ્યું- ચાલ્યું. શિવશંકરની દૃષ્ટિ સર્વત્ર ઘૂમી રહી, પછી નીરા ઉપર સ્થિર થઈ. નીરાએ એમની તરફ જોયું. પહેલાં તેણે ભય અનુભવ્યો, પછી તેણે એ ભયને હડસેલી દીધો. એના મનમાં હવે સંપૂર્ણ ઉજાસ પથરાઈ ગયો હતો. તે એકસાથે તિરસ્કાર, ક્રોધ, શરમ અને રમૂજની લાગણીઓથી ઘેરાઈ ગઈ હતી. તે વિચારતી હતી : આ ક્ષુદ્ર જંતુઓ પુરાણની પોથીઓનાં વાસ મારતાં, અડકતાં જ ભૂકો થઈ જતાં પાનાંઓમાં પુરાઈ રહેલાં આ creatures ! એમનાં પીળચટ્ટાં શરીર ! એક વેંતના અંતરથી આગળ ન જોઈ શકતી એમની આંખો ! I hate you one and all ! હું આ દુનિયાને–આ સડી ગયેલી દુનિયાને જલાવી દેવા માગું છું. જીવન આ પ્રાયશ્ચિત્તો અને વિધિવિધાનો અને અનુષ્ઠાનો કરતાં વધારે મહત્ત્વનું અને enjoyable છે... પણ મારે જ કારણે આ બધું ... I am the centre of the whole shameful episode ! Oh! How vulgar it is! I just can't bear it.. ના, ના. એમાં શરમ શાની ? This is a big fun ! કેવી ગમ્મત ! આ creatures છોને પ્રાયશ્ચિત્ત ને દેહશુદ્ધિ ને એવું બધું કરતાં...!! I shall watch it with an air of humour in my eyes! આવી કૉમેડી મને મુંબઈમાં ક્યાં જોવા મળવાની હતી ?

   ત્યાં જ શિવશંકરનો ઘેરો અવાજ સંભળાયો : ‘અને નાના !' નીલકંઠે ચમકીને એમની તરફ જોયું, ‘તું અને નાની વહુ આજે જ મુંબઈ ચાલ્યાં જાઓ - હા, તમારે જવાનું છે.'
   ‘પણ-' ગૌરીબા વચમાં બોલવા ગયાં.
   ‘મેં કહ્યું તે સાંભળ્યું ને?’ શિવશંકરનો અવાજ સહેજ ઊંચકાયો અને તેઓ ઊભા થઈ ગયા, ‘ગંગાશંકર શાસ્ત્રી આવે એટલે એમને વાડામાં મોકલજો.. તમે બધાં છો ત્યાં જ હમણાં બેસી રહેજો; કોઈ પાણિયારે કે ચૂલે અડકે નહિ...' અને ધીમે ધીમે તેઓ વાડા ભણી ચાલ્યા ગયા.

   નીરા ઊભી થઈને નીલકંઠ પાસે ગઈ. ધીમેથી બોલી : ‘નીલ ! Let's go,’ અને તે ઝડપથી ઓરડીમાં ચાલી ગઈ. નીલકંઠ લથડતે પગલે તેને અનુસર્યો. તેને આવેલો જોઈને નીરાએ કહ્યું : ‘આપણે ઝડપથી સામાન પેકઅપ કરી દઈએ. બસ ક્યારે ઊપડે છે ?' અને તેણે રિસ્ટવૉચમાં જોયું સાડાચાર થઈ ગયા હતા. નીલકંઠે કશો જવાબ આપવાને બદલે તેની સામે જોયું. નીરાએ અધીરતાથી ફરી પૂછ્યું : ‘બસ ક્યારે ઊપડે છે?' નીરાના એ પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે નીલકંઠ તેની પાસે આવ્યો અને તેણે કહ્યું, ‘નીરા ! આવી ઉતાવળ ન કર. મને લાગે છે, કે હું બાપુને મનાવી લઈશ. આપણે બંને એમની માફી...'
   ‘શા માટે ?' નીરાએ વિસ્ફારિત આંખો કરી પૂછ્યું.
   ‘એમના સંતોષ માટે.’
   ‘તું માને છે, કે આપણે, at least મેં, કોઈ પાપ કર્યું છે ?'
   ‘આપણી દૃષ્ટિએ નહીં, પણ આ લોકોની દૃષ્ટિએ તો ખરું જ.’
   ‘એમની દૃષ્ટિની ચિંતા આપણે ન કરવાની હોય. આ એક પ્યોરલી હાઈજિનિક વાત, તેને આ લોકો ધર્મની જડતામાં જકડી લે અને આપણે એનો સ્વીકાર કરી માફી માગવાની ?'
   ‘જીવનમાં ઘણાં સમાધાનો સ્વીકારવાં પડે છે, નીરા ! આપણે સામાજિકતાનાં વળગણોથી મુકત નથી.’
   ‘મારી સ્વતંત્રતાને રૂંધતી સામાજિકતા મને માન્ય નથી.’
   ‘તું એ વિષે જરા શાંતિથી વિચાર કરજે.'
   ‘આઈ હેવ માય ઑન કન્ડિકશન્સ’ નીરાએ કહ્યું. નીલકંઠે કશો જવાબ ન વાળ્યો. એના તરફ એક લુખ્ખી નજર નાખી લઈને નીરાએ બૅગ તૈયાર કરવા માંડી. નીલકંઠ દીવાલનો ટેકો લઈ હાથની અદબ ભીડી કપડાં ગોઠવતી નીરા તરફ અનિમેષ પણ શૂન્ય આંખે જોઈ રહ્યો. ઘરમાં પથરાયેલી નિઃસ્તબ્ધતા અહીં સુધી વિસ્તરી આવી હતી... થોડી વારે નીરાએ તેની પાસે આવી પૂછ્યું : ‘તું મારી સાથે આવવાનો છે? તારી બૅગ તૈયાર કરી દઉં કે પછી-‘ નીલકંઠે એક નિ:શ્વાસ નાખ્યો અને કહ્યું : ‘એકદમ નક્કી કરવાનું મારે માટે ખૂબ મુશ્કેલ છે. આઈ એમ ઈન ટુ માઈન્સ.’

   નીલકંઠની આ દ્વિધા જોઈ નીરાને હસવું આવ્યું. તેણે કહ્યું :
   ‘બસ અને ટ્રેઇનને ટુ માઇન્સ નથી હોતાં !’ પછી તીખા તિરસ્કારથી ઉમેર્યું : ‘મેં એટલીસ્ટ તારી પાસે સ્વમાનની આશા તો રાખી હતી.’
   ‘હા. હકીકતે તારે કશો નિર્ણય કરવાનો બાકી રહેતો જ નથી. તારા ફાધરે તને અહીંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો છે–યુ હેવ બીન થ્રોન આઉટ વિથ એ કિક ! એ પછી પણ તારે જો જુદો નિર્ણય કરવાનો હોય તો તું જાણે.’ કહી નીરાએ વાળમાં કાંસકો ફેરવવા માંડ્યો, ફરીથી નીલકંઠે નિઃશ્વાસ નાખ્યો –ઘેરો અને ગરમ. એણે જોયું; નીરા નિશ્ચલ હતી – કદાચ શિવશંકર જેટલી જ. બંનેને મનાવવાનું અશક્ય હતું, તો પછી પોતાનો રાહ કોની સાથે સંકળાયેલો હતો? આ ઘર, આ કુટુંબ સાથેનાં બંધનો હવે કેટલાં વર્ષ? અને એટલાં વર્ષોની ઘનિષ્ઠતાયે કેવી પાતળી ? વર્ષે બે-પાંચ પત્રો, એકાદ વારનું મળવું.પણ બાહ્ય રીતે એ ઘસાતી જતી ઘનિષ્ઠતાની ભીતરમાં આ સંસ્કારો, આ જીવનમાર્ગ, આ વાતાવરણ પ્રત્યે ઉત્તરોત્તર વધતા જતા લગાવને કેમ કરીને ખાળી શકાય ? ભૌતિકતાથી ભર્યાભર્યા મહાનગરના જીવનમાં આકાશનો એક ટુકડો જોવા માટે કે પરિશ્રમ કરવો પડે છે અને અહીં આ વિશાળ, અસીમ નીલ ગગન. પણ નીરા, એની સાથેનો સંબંધ? એ તો હંમેશ માટેનો. ખરેખર? હમણાં નીરાએ શું કહ્યું : ‘મારી સ્વતંત્રતાને રૂંધતી સામાજિકતા મને માન્ય નથી.' લગ્ન પણ એક સામાજિકતા સિવાય બીજું શું છે? એનાથી એની સ્વતંત્રતા નહિ રંધાતી હોય?- ભવિષ્ય નહિ રૂંધાય ? અને ત્યારે એ શું કરશે ? અત્યારે એને આ અપમાનજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું - મારે જ કારણે ને? એ મારી પત્ની ન હોત તો એને અહીં આવવાનું ન થયું હોત અને આ ગૂંગળામણ મારી સામાજિકતા એને માટે બોજ સમાન નથી બની રહી? અત્યારે તે એને ફગાવી દઈ રહી છે. શા માટે એ મારી માફક ઝૂકી જવા, ક્ષમા માગવા તૈયાર થતી નથી ? શું એ પોતાના વ્યક્તિત્વને સાવ અલગ, ભિન્ન સ્વતંત્ર ગણે છે? મારા વ્યક્તિત્વની છાયાનો એ અંશમાત્ર પણ સ્વીકાર કરતી નથી ? શા માટે? આ એનો અહમ્ નથી ? ધારો કે અમે આવા જ કોઈક સંજોગોમાં ભિન્નભિન્ન રીતે મુકાયાં હોઈએ તો હું એની ઢાલ બનવાનો પ્રયત્ન ન કરું ? એના દષ્ટિકોણને સમજવાનો હું પ્રયાસ ન કરું ? કેમ એ આ ક્ષણે મને, મારા સંસ્કારને, વાતાવરણને સમજવા મથતી નથી? તો શું એની સાથેના સંબંધો યે.... વિચારના આ વળાંકથી નીલકંઠ ચમકી પડ્યો. આજે કેમ આવા વિચારો આવતા હતા ? તેને પ્રશ્ન થયો. તેણે જોયું તો નીરા હવે લગભગ તૈયાર થઈ ગઈ હતી. અચાનક તે તેની પાસે આવી અને બોલી : ‘નીલ ! હું તને છેલ્લી વાર કહું છું. જો તું આવવાનો હોય તો તૈયાર થા, નહિતર મારી બસ ચુકાવીશ નહિ.' નીલકંઠ ઊભો થયો. એણે ચારે બાજુએ દૃષ્ટિ ઘુમાવી, પછી નીરા તરફ જોઈ શુષ્કતાથી બોલ્યો :
   ‘હું આવું છું.’
   નીરાના મુખ પર સ્મિત આવીને ઊડી ગયું.....
(ક્રમશ :...)


0 comments


Leave comment