40 - પ્રકરણ – ૪૦ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   છેવટે નીલકંઠ સમીરની ગાડીમાંથી જ ક્યાંક ઊતરી પડ્યો. સમીરે ઘણો આગ્રહ કર્યો: “નટરાજમાં આજે રાતે ફલોર શો હતો : મજા આવશે, તારો મૂડ પણ સુધરી જશે. (‘આ માત્ર મૂડ નથી સમીર ! આ તો જીવન સાથે વળગેલી યાતના છે.') અથવા તું કહેતો હોય તો બીજે ક્યાંક જઈએ-ફિલ્મ જોવા. (‘મને નફરત છે.’) નહિ તો અમસ્તા દરિયાકિનારે બેસીને વાતો કરીએ. (‘કઈ વાતો ?') આજની રાત તું મારે ઘેર જ સૂઈ રહે. યુ સર્ટન્લી નીડ અ કમ્પની, (‘કોની, તારી ? જવા દે યાર ! ભાભી મને શાપ આપશે!!’) તું એકલો રહીને કંટાળી ગયો છે. (‘કોણે કહ્યું કે હું એકલો છું? સ્મરણોની અનંત વણજાર..') આમ ને આમ તો તું પાગલ થઈ જશે. (‘અચ્છા ?') or if you wish; આપણે બંને સાથે નીરાને મળવા જઈએ, (‘Well, Do you know she has a dog - a really nasty beast ?') તેથી શું થઈ ગયું? (‘અરે મિત્ર, કૂતરો તો એના અભિમાનનું પ્રતીક-') મને તો મારી સમસ્યા નથી સમજાતી. આમ તો તું મૉડર્ન લાઇફ જીવે છે છતાં તારા સંસ્કારોની વાત (‘માણસ ઘણી વાર બહારથી જે જીવન જીવતો લાગે છે તે વાસ્તવમાં એક આવરણ હોય છે, સમીર ! કેટલીક વાર તો હું મારા ભીતરી સળવળાટને શમાવવા મૉડર્ન લાઇફનું મહોરું પહેરી લઉં છું. આજની આપણી આ જિન્દગી–એનો અજંપો, એની બેફામ ગતિ, એમાં પળે પળે સમાધાનો સ્વીકારવાં પડે છે, આપણા માર્ગ પરથી ચલિત કરવા માટેના પારાવાર પ્રલોભનો-') પણ એ આ બધું તો છે જ. એનાથી હાર્યે શું વળે (‘હું એની સામે હારી નથી ગયો, હું તો ઝૂરું છું–મારી શક્તિ પ્રમાણે-ત્યાગ વિના મેં નીરાને ...') પણ એનો ઉપાય શો ? (‘એ જ તો મારી મથામણ છે. મારા બાપદાદાઓનું જીવન સુખી, સંતોષી, નિરાંતડું હતું પણ એની ક્ષિતિજો સાંકડી હતી, એમાં જ્ઞાન હતું, વિજ્ઞાન નહોતું; શ્રદ્ધા હતી, ચિકિત્સક બુદ્ધિ ન હતી. આજે પરિસ્થિતિ ઊલટાઈ ગઈ છે અને ગૂંચવાઈ પણ ચૂકી છે, એટલે....') આપણે તારી આ બધી ફિલસૂફીનો સ્વીકાર કરતા નથી. Let the life take its own course. એનાથી ઘણી સમસ્યાઓ સૂલઝાઈ જશે.’ (‘એ તો પરાજય થયો કહેવાય....’) તો આમેય ક્યાં વિજય મળે છે? (‘મને વિજયની અપેક્ષા પણ નથી. હું માત્ર સારી રીતે લડત આપી શકું એ જ પૂરતું છે.’) મને લાગે છે કે હું આમાં તને ભાગ્યે જ કશી મદદ(‘સાચું છે, રિલ્કેનું પેલું વાક્ય યાદ છે તને સમીર ?') હું મારાં મેડિકલ જર્નલ્સ સિવાય કશું વાંચતો નથી એ તું જાણે છે ને? (રિલ્કેએ ક્યાંક કહ્યું છે : “જેણે નરકની ભૂતાવળ વચ્ચે ઊભા રહીને વીણાના તાર છેડ્યા તે જ સ્તોત્રનું ગુંજન સાંભળી શકે છે...” નરકની ભૂતાવળ તો હાજર છે...મારા સંવેદનની વીણાના તાર પણ હું છેડી રહ્યો છું, અને છતાં સ્તોત્રનું ગુંજન સંભળાતું નથી; ભૂતાવળનો કોલાહલ એટલો બધો વધી પડ્યો છે—અને આ વીણાના તાર તો એકલપંડે જ છેડવાના છે... એમાં કોઈના સાથની અપેક્ષા જ ન રાખી શકાય..')
(ક્રમશ :...)


0 comments


Leave comment