41 - પ્રકરણ – ૪૧ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   થોડીવારે નીરા અને નીલકંઠ તૈયાર થઈ ગયાં-નીરાના હાથમાં પર્સ, નીલકંઠના હાથમાં સૂટકેસ. નીરા ઘરના ઊંબર સુધી પહોંચી ગઈ અને નીલકંઠ ઘરના અંદરના ખંડમાં ગયો. ગંગાશંકર શાસ્ત્રી આવી ગયા હતા. એમના ખોળામાં એક મોટો ગ્રંથ હતો – એમની સ્થૂળ કાયા જેવો. શિવશંકર એમની બાજુમાં બેઠા હતા એમને સ્પર્શી ન જવાય એટલું અંતર રાખીને. ગંગાશંકર વચ્ચે વચ્ચે કશોક સંસ્કૃત શ્લોકો બોલતા હતા એ સાંભળીને શિવશંકર સ્વીકૃતિરૂપે ડોકું હલાવતા હતા. ગૌરીબા એક ખૂણામાં જમીન પર બેસી આંખો મીંચી હોઠ ફફડાવતા હતા. જયાભાભી એમનાથી થોડેક દૂર એમનો ફાટેલો સાલ્લો સાંધવાની મથામણમાં હતાં. મહેશભાઈ બીજા ખૂણામાં ટૂંટિયું વાળી ઝોકે ચઢી ગયા હતા. નીલકંઠ ખંડમાં આવ્યો તેની કોઈએ નોંધ ન લીધી. થોડીક વાર એમ ને એમ ઊભા રહ્યા પછી તે ગૌરીબાની પાસે ગયો, નીચો નમ્યો અને બોલ્યો : ‘બા.’ તેઓ ચમકી ગયાં અને તેમણે જોયું. નીલકંઠ નજરે પડતાં જ તેમણે આંખો ફરીથી ઢાળી દીધી. ‘બા હું અમે જઈએ છીએ.’ પણ ગૌરીબાએ કશોય જવાબ ન વાળ્યો. માત્ર એમનું ડોકું સહેજ હાલ્યું. એમના હોઠોનો ફફડાટ વધી પડ્યો. નીલકંઠ ખસીને શિવશંકર પાસે આવ્યો. એને જોતાં જ શિવશંકર વધારે સંકોચાયા. એમણે એમની પિછોડી વધારે ચુસ્ત રીતે શરીરની ફરતે વીંટાળી દીધી. ‘બાપુજી, અમે જઈએ છીએ,’ નીલકંઠે એના એ જ શબ્દો ઉચ્ચાર્યા. નીલકંઠ જાણે એ શબ્દો બોલ્યો જ ન હોય તેમ શિવશંકર ફરીથી શાસ્ત્રીજીની સાથે શાસ્ત્રચર્ચામાં ગૂંથાઈ ગયા, પણ શાસ્ત્રીજીએ ગ્રંથમાંથી નજર ઊંચકી નીલકંઠ સામે જોયું અને શિવશંકરને ઉદ્દેશીને પૂછ્યું : ‘શિવશંકરજી ! આ જ તમારો નાનો દીકરો કે ?'
   ‘હા,’ શિવશંકરે ઊંચું જોયા વિના જવાબ આપ્યો.
   ‘નમસ્તે શાસ્ત્રીકાકા !' નીલકંઠે પ્રણામ કર્યા.
   ‘નમસ્તે દીકરા ! શતાયુ થાઓ મુંબઈ જાઓ છો ?'
   ‘હા ,’
   ‘જેવી ચન્દ્રમૌલિની ઇચ્છા, શાસ્ત્રીજી બોલ્યા અને એમના મુખમાંથી એક નિઃશ્વાસ નીકળી પડ્યો. તેમણે ફરીથી ગ્રંથ હાથમાં લીધો. નીલકંઠને ગળે શોષ પડ્યો. તેને પાણી પીવાની ઇચ્છા થઈ. તેણે ચારે પાસ જોયું. કોઈ એને અહીં એક પ્યાલો પાણી આપી શકે તેમ ન હતું, તેના ગળામાં રૂંધામણ થઈ. તેણે ઝડપથી પૂંઠ ફેરવી લીધી અને હાથમાંથી બેગના હેન્ડલ પરની ભીંસ વધારી વેગીલે પગલે તે નીરા પાસે આવ્યો, પણ ઘરનાં પગથિયાં ઊતરતાં જ તેનાં પગલાંમાંનો વેગ હરાઈ ગયો અને શેરી વટાવતાં તો પોતે ફસડાઈ પડશે કે શું એ ભયે તેને આવરી લીધો. ઝડપથી ચાલતી નીરાની પાછળ તે જડભાવે જતો હતો. તે વારંવાર પાછળ પડી જતો હતો, બંને વચ્ચેનું અંતર વારંવાર વધી જતું હતું અને નીરા અધીરતાથી ‘હવે જલદી ચાલને નીલ !’ એમ કહેતી હતી...

   પછી ઢળેલી સંધ્યાના ક્ષીણ થતા જતા ઉજાસમાં જ્યારે એસ.ટી. બસ ઘરઘરાટ કરતી ગલીમાં આવી ત્યારે નીલકંઠ અને નીરાનાં મનમાં વહેણો જુદી જુદી દિશામાં—
   નીલકંઠને લાગ્યું કે એક ચિરપરિચિત દુનિયાએ તેને લાત મારીને હાંકી કાઢ્યો હતો– મંત્રો અને પ્રાયશ્ચિત્તો, શ્રદ્ધા અને સંવત્સરી, યજ્ઞોપવિત અને રુદ્રિથી ભરેલી દુનિયા... એના યજ્ઞયાગાદિમાં હોમાતા ધૃતની પરિચિત સુવાસ, ભંગાતા નાળિયેરની સફેદ તાજગી, ચોખાના લોટના પિંડ, દર્ભના સેરોની વચ્ચે મુકાતા હતા, આચમનીમાં નાસિકાના અગ્ર ભાગ બોળીને સૂર્યને અર્ધ્ય અપાતો હતો, કયો હતો એ મંત્ર? रुतं च सत्यं चाभिद्धा तपसोडघ्यजायत...

   અને નીરા–
   ફરીથી એ જેના કણેકણને નિકટતાથી ઓળખતી હતી એ સૃષ્ટિ તરફ જઈ રહી હતી. જ્યાં સ્ટેશનના પેસેંજમાં ઠલવાતા પ્રવાસીઓ નવી ફિલ્મોનાં પોસ્ટરો જોતાં જોતાં ગિર્દીની અસહ્યતાને હળવી બનાવવા ટેવાયા હતા. ડબલ-ડેકરને ઉપલે માળે બેસી વેનિટી-બૅગમાંથી અર્લ સ્ટેન્લી ગાર્ડનરની લેઈટેસ્ટ મિસ્ટરી નૉવેલ કાઢી વાંચતાં ઊતરવાનું સ્ટૉપ ચૂકી જવાતું હતું. યુસિસના એરકન્ડિશન્ડ ઓડિટોરિયમમાં બેસી મરિનરની unmanned flightsની ફિલ્મ જોતાં શ્વાસ અધ્ધર થઈ જતા હતા.

   - જમતાં અગાઉ અપૂશણ અને વૈશ્વદેવની વિધિઓ પહેલાં કરવી પડતી એ હજી બરાબર યાદ હતું, નહિ ? દરરોજ ગૌરીબા ગાય-કૂતરાને રોટલી ખવડાવવા મોકલતાં, શિંગડાં ઉલાળતી ગાયને જોઈને બીક લાગતી... નવરાત્રિમાં ઘરમાં માતાની સ્થાપના થતી, રોજ ચંડીપાઠ વંચાતા, આઠમને દિવસે મોટો હવન થતો, સાંજે નાળિયેર હોમાતું, અગ્નિકુંડની જ્વાળાઓ ધીમે ધીમે શમી જતી, બધા એની ભસ્મની કપાળે આશકા લગાડતા, નોમને દિવસે મોટી થાળ થતી; જાતજાતનું ખાવાનું, પછી થાળમાં દીવાઓ પ્રગટતા, માતાજીની સ્થાપનાનો એ ઝાંખો ખૂણો ઝળાંઝળાં થઈ જતો.

   - હવે ‘રિટ્ઝ'માં એસ્પ્રેસો ફરીથી પી શકાશે, લાંબા ગ્લાસમાં કૉફીનું ફીણ ઊભરાઈ આવશે અને નીચા નમીને સ્ટ્રો વડે એ પીતી વખતે ટેબલ પર સામે બેઠેલી વ્યકિત સાથે આંખો ટકરાઈને હસી ઊઠશે. કોણ હશે એ વ્યક્તિ? નીલ... નીલ... કે પછી?... બર્થ કન્ટ્રોલની નિષ્ણાત લેડી ડૉકટર – શું નામ એનું? મિસ પારેખ, એની સાથે ઓરલ પિલ્સની સેફટી-ગેરન્ટી વિશે ચર્ચા કરી શકાશે... ‘ફેમિના'ના તાજા અંકમાં જોઈને સલવાર-કમીઝની નવી ડિઝાઇન નક્કી કરવી પડશે..

   – અને આવતી કાલ રાત સુધીમાં તો વિરક્તેશ્વરમાં ઘીનાં કમળ તૈયાર થઈ ગયાં હશે. આજે ઘી આવી જશે–ચોખ્ખું ઘી, તો જ બરાબર ઠરી શકે અને એમાંથી આકૃતિઓ તૈયાર થાય. પેલો કારીગર હજી જીવતો હશે ને? શું નામ એનું? હા, મોંઘાભાઈ મિસ્ત્રી. આખા જિલ્લામાં એના જેવાં ધીનાં કમળ બનાવતાં કોને આવડતાં હતાં? તેમાંયે વિરક્તેશ્વરનો તો એ ખાસ ભકત. એક પાઈ ન લ્યે; ઊલટો દક્ષિણા મૂકી જાય. એને છેલ્લો ક્યારે જોયો હતો ? યાદ નથી આવતું. હવે તો એ ઘણો વૃદ્ધ થઈ ગયો હશે–જો જીવતો હશે તો... એ મરી ગયો હશે તો આ વર્ષે વિરક્તેશ્વર માટે ઘીનાં કમળ કોણ બનાવશે ? કોણ બનાવશે ? કોણ...?

   – આવતા જૂનમાં તો એમ.એ. વિથ ફિલોસોફી માટે ફોર્મ ભરી દેવું છે; બે વર્ષ તો આંખના પલકારામાં વીતી જશે અને એક વધુ ડિગ્રી મળશે. કેટકેટલું વાંચી શકાશે : સાર્ત્ર, નિત્શે, રસેલ, રસ્કિન.. ના, મને પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનમાં એટલો રસ નથી પડતો–વિવેકાનંદ, અરવિન્દ, કૃષ્ણમૂર્તિ... ઠીક, બધી ખ્વાબી વાતો...
   – મહાશિવરાત્રિ જશે પછી તો કેટલાયે દિવસ સુધી એના પડઘા અને પડછાયા ઘરમાં અને મંદિરમાં વર્તાયા કરશે. મંત્રોચ્ચારના એ જ પડછંદા –करचरणकृतं वाक्कयजं कर्मजं वा અથવા श्रीपुष्प दन्तमुखपकड जनिर्गतेन... અને આરતીના ઝળહળાટમાં અસ્થિર પ્રતિચ્છાયાઓ, સુકાઈ ગયેલાં બીલીપત્રોનું પવનસ્પર્શે ઊડવું....

   હવે ગાઢ અંધારું પથરાઈ ચૂક્યું હતું. ખાડાટેકરાવાળા રસ્તા પર ઊછળતી બસ પ્રકાશના શેરડા પાથરતી દોડ્યે જતી હતી. બસમાંની બત્તીઓમાંથી માંદલો પ્રકાશ ખોડંગાતો હતો. બારીઓ પરના પરદા દેવાઈ ગયા હતા. કેટલાક પ્રવાસીઓ ઝોકે ચડ્યા હતા. નીરાએ બારી ખુલ્લી રાખી હતી. અને તે સળિયા પર હાથ ટેકવી બહાર જોઈ રહી હતી. કાળાશનું ફલક એકધારું રહેતું હતું. વચ્ચે વચ્ચે કોઈક ગામડાં બાળકની આંખમાંના કુતૂહલના જેમ વીંઝાઈ જતાં હતાં અને ત્યારે ફાનસ, પેટ્રોમેક્સ કે બત્તીઓની કિરણાવલિ ઝબકારો કરી જતી હતી. નીલકંઠ ઘડીક નીરાના અસ્તિત્વને પાર કરી બહારની દુનિયામાં નજર નાખી લેતો હતો, ઘડીક બેઠકની ગાદી પર માથું ઢાળી બંધ આંખે વિચારોના વંટોળને અટકાવવાના વ્યર્થ પ્રયત્નોમાં ગૂંથાતો હતો. બારીમાંથી ઊડી આવતી ધૂળ શ્વાસમાં સમાઈ જતી હતી અને કદીક નીલકંઠને ઉધરસ ખાવી પડતી હતી.

   છેવટે બસનો પ્રવાસ પૂરો થયો. આખે રસ્તે બંનેએ સંપૂર્ણ મૌન જાળવ્યું. જાણે એમનાં શરીર જ આ ઊબડખાબડ રસ્તા પર ખડખડાટ કરતા બસમાં ત્યાંથી અહીં ફંગોળાયાં હતાં, મન તો ક્યાંનાં ક્યાં.. બસમાંથી ઊતરતાં જ નીરાએ ઠંડી અનુભવી. નીલકંઠે લાંબું બગાસું ખાધું. જાણે એક લાંબી પણ દુઃસ્વપ્નોથી ભરેલી ઊંઘમાંથી તે જાગ્યો હતો. સ્ટેશન પર નિર્જનતા પથરાયેલી હતી. ટ્રેન આવવાને થોડી વાર હતી. નીલકંઠે પૈસા આપતાં નીરા વગરબોલ્યે ટિકિટ લઈ આવી. નીલકંઠ નજીકની એક બેન્ચ પર બેસી ગયો. નીરા એ જ બેન્ચને બીજે છેડે બેઠી. નીલકંઠને સિગારેટ પીવાની ઈચ્છા થઈ, પણ તે બેસી રહ્યો. હજી ટ્રેનનો કોઈ અણસાર ન હતો. સમયનું આટલું વજન બંનેએ આ અગાઉ ક્યારેય નહોતું અનુભવ્યું. એક એક ક્ષણ જાણે એમના ખભા પર સવાર થઈને ગુજરતી હતી. નીલકંઠે કોઈક ગીત ગણગણવાનો પ્રયત્ન કર્યો, પણ અડધી પંક્તિ ગુંજતાં જ તે થાકી ગયો. નીરાને ખ્યાલ આવ્યો કે તેની વેનિટીબૅગમાં 'The waves' હતું, પણ બૅગ ખોલવી, એમાંથી પુસ્તક કાઢવું, તે ઉઘાડવું, અધૂરું પૃષ્ઠ શોધવું એ બધી ક્રિયાઓ ખૂબ જટિલ હતી એમ તેને લાગ્યું એટલે તેણે બેગને સ્પર્શ પણ ન કર્યો... એક માણસે આવીને નીલકંઠ પાસે મૅચબોકસ માગી, નીલકંઠ લગભગ અન્યમનસ્કપણે જ હાથના સંકેતથી ના કહી દીધી. પેલો માણસ તરત જતો રહ્યો, છતાં નીલકંઠને એમ લાગ્યું કે એ હજી ત્યાં જ ઊભો હતો. તેણે અણગમાથી આંખો ઉઠાવી જોયું. કોઈ ન હતું. તેણે થાકનો અનુભવ કર્યો...કોણ જાણે ક્યાંથી એક રકતપિત્તિયો ભિખારી ફૂટી નીકળ્યો. નીલકંઠ અને નીરાએ કશું ધ્યાન ન આપ્યું. ભિખારી એના શરીર પર બણબણતી માખીની જેમ એકધારું કરગરતો–અને નીલકંઠ બરાડી ઊઠ્યો : ‘ગેટ આઉટ!’ પછી તરત એને લાગ્યું કે એ નાહક ગુસ્સે થઈ ગયો હતો. ભિખારી ચાલ્યો ગયો ત્યાં સુધી તે ફાટી આંખે તેની તરફ જોઈ રહ્યો. પછી તે એકાએક નીરા તરફ ફર્યો. નીરા આંખો મીંચીને બેન્ચ સાથે માથું ટેકવી બેઠી હતી. નીલકંઠ અપલક આંખે જોઈ રહ્યો – આ નીરા – અને તેણે અચાનક જ તેનો હાથ પકડી લીધો - જોરથી. નીરા ચમકી ગઈ. તે બોલી ઊઠી : ‘શું છે ?' નીલકંઠે તેનો હાથ છોડી દીધો અને તે બોલ્યો : ‘કાંઈ નહિ.’ ‘તારી તબિયત સારી નથી ?' નીરાએ પૂછ્યું. તેનો એ પ્રશ્ન સાંભળીને નીલકંઠે પહેલાં તો રાહતની લાગણી અનુભવી, પણ પછી તરત તેને થયું કે નીરાના આ પ્રશ્નમાં કશી સ્નિગ્ધતા નહોતી. તેણે શુષ્કતાથી જવાબ આપ્યો : “આઈ એમ કવાઇટ ઓલ રાઇટ.' વળી મૌનસભર ક્ષણ રેંગતી રહી. અણગમાનો એક તીવ્ર, વાણી અનુભવ.. છેવટે આશ્વાસનના કોઈક ખ્યાલ જેવી ટ્રેને સ્ટેશનમાં પ્રવેશ કર્યો. અને બંને ટ્રેનમાં બેસી ગયાં. ગાડીએ આંચકો ખાધો, પ્લેટફોર્મ વટાવ્યું, બારીમાંથી પવનની લહરી આવી. નીરાના વાળ ફરફર્યા. થોડી વારે તેણે આંખો મીંચી દીધી, નીલકંઠે ક્યાંય સુધી એ તરફ જોયા કર્યું. નીરા હવે ઊંઘી ગઈ જણાતી હતી. નિદ્રાવશ નીરા તરફ જોતાં પોતે કશીક હળવાશ અનુભવી રહ્યો હોય એમ તેને લાગ્યું. હવે નીરાની સામે જોતાં પકડાઈ જવાનો, કશાક guiltની લાગણીથી છળી પડવાનો ભય ન હતો; સિવાય કે ટ્રેનના અણધાર્યા ધક્કાથી નીરા જાગી ઊઠે, પણ ત્યાં સુધીમાં તો આંખો ફેરવી લેવાય, જાણે કશું બન્યું જ નથી એમ બારીની બહાર નજર માંડી શકાય....
(ક્રમશ :...)


0 comments


Leave comment