42 - પ્રકરણ – ૪૨ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   એ જ જૂનાં, હચમચી ગયેલાં દાદરનાં પગથિયાં નીલકંઠ બાર કલાક કરતાં યે વધુ સમય પછી ચડી રહ્યો હતો. આ બાર કે તેથી વધુ કલાકના સમયમાં કશું ખાસ બદલાયું ન હતું. એ જ અસ્તવ્યસ્ત વાળ, દાઢી વધારે કરકરી બની હતી. કપડાં વધારે ચૂંથાયાં હતાં, પગની થકાવટ તીવ્ર બની હતી. રોજ સવારસાંજ આ દાદર ચડવા-ઊતરવાનો, રૂમને તાળું મારવાના અને ઊઘડવાનું, બત્તીની સ્વિચ ઓફ અને ઑન કરવાની, બૂટ પહેરવાના અને કાઢવાના, આર્મચેરમાં બેસી ચોપડી વાંચવાની, અને ઊંઘી જવાનું અને જાગવાનું, ઘડિયાળના ટકોરા ગણવાના અને ભૂલી જવાના. પલંગ પર બેસી બૂટ-મોજાં કાઢતી વખતે નીલકંઠે જાણે યાંત્રિકતાની પરાકાષ્ઠા અનુભવી - બાફ મારતાં મોજાં, ગરમ છતાં નિર્જીવ બૂટ અને અકડાઈ ગયેલા પગ, એ જ જાણે જીવનના પ્રતીક હતાં. પલંગ પર લંબાઈને એણે ખંડમાં ચારે તરફ દૃષ્ટિ ધુમાવી. ક્યાંય કશી ચેતનાની ચહલપહલ ન હતી. એણે આંખો મીંચી દીધી અને ઉધાડી નજર તરત દીવાલ પરના કેલેન્ડર પર સ્થિર થઈ. મહાશિવરાત્રિનો દિવસ આવી પહોંચવામાં હવે બીજા બાર-ચૌદ કલાક કપાઈ ગયા હતા. તેને વિચાર આવ્યો. એ વિચાર વિસ્તરીને શમી જાય તે પહેલાં કોઈકે ખંડમાં ધીમે પગલે પ્રવેશ કર્યો. નીલકંઠ અકારણ ચમકી ગયો, એ મહેશભાઈ હતા. તેઓ ખુરશી ખેંચીને નીલકંઠની નજીક આવ્યા. ‘પછી તે શો વિચાર કર્યો ?' તેમણે તરત પ્રશ્ન કર્યો.
   ‘શેનો?' નીલકંઠે પૂછવું.
   ‘ગામ આવવાનો. હું તો કાલ સાંજ સુધીમાં ઊપડી જવા માગું છું.’
   ‘મેં હજી કોઈ નિર્ણય કર્યો નથી.’ પલંગમાં બેઠા થતાં નીલકંઠ બોલ્યો અને મહેશભાઈ તરફ જોતાં તેને ફરીથી એ જ વિચાર આવ્યો : આ માણસ શું ખરેખર પોતાના ભાઈ હતો ? આ વખતે એ વિચારથી તેણે ચમક અનુભવી, ઊલટું એ વિચાર ઘૂંટાઈને તેની આંખોમાં રમૂજભર્યા કૌતુકરૂપે રોકાઈ રહ્યો. એથી મહેશભાઈ પણ કશીક મૂંઝવણમાં પડ્યા હોય એમ લાગ્યું. પણ ઝડપથી સ્વસ્થતા મેળવી લઈ હંમેશ મુજબની વાતો કરવા માંડી.

   ‘આ વખતે તો કેરળની લોટરી લીધી છે. આવતી પચીસમી તારીખે છે... મારો નંબર A૦૦૬૭૫૪૩૧૯ છે–શું કહ્યું? A૦૦૬૭૫૪૩૧૯, યાદ રહ્યો ને? નહિતર એક કાગળ પર લખી લે અને તે દિવસે છાપામાં જોઈ લેજે. આ વખતે ઇનામ લાગે તો આપણા મંદિર પાછળ થોડોક ખર્ચ છે - બાપુને પણ બિચારાને શાંતિ વળે. ગામથી હમણાં પેલો ચીમન સોની અહીં આવ્યો હશે તે અચાનક મળી ગયો.. તું ઓળખેને એને? – પેલો આપણો યજમાન-એને ત્યાં કારતક મહિને આપણે દૂધપાક-પૂરી જમવા જતા? એણે કહ્યું કે બાપુની તબિયત હવે બહુ ખખડી ગઈ છે.... એટલે મંદિર પાછળ થોડોક ખર્ચ કર્યો હોય તો... મારી ઇચ્છા તો પૈસા હાથમાં આવે તો મોટા ભાઈનો કંઈક ઇલાજ કરાવવાની યે છે – કદાચને કંઈક ચમત્કાર થાય.... અને હા, નીલકંઠ, તું કોઈ ગેબનશા બાપુને ઓળખે છે? મેં એમનું નામ સાંભળ્યું છે. કહે છે કે બહુ ચમત્કારી છે... આંકડા તો આબાદ આપે છે...'

   આવી એકધારી ઘણી વાતો કર્યા પછી મહેશભાઈ છેવટે ઊભા થયા. એમને બગાસું આવ્યું. મોં પાસે હાથ લઈ જઈ તેમણે બે-ત્રણ ચપટી વગાડી અને બગાસામાંથી અસ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા: ‘હવે હું જાઉં ત્યારે. તારો જો વિચાર થાય તો મને જાણ કરજે... હું કાલ સાંજની ટ્રેનમાં..” અને એમણે ચંપલ પહેરી. નીલકંઠ એમને અનુસરતો બોલ્યો : ‘હું બસસ્ટોપ સુધી મૂકી જાઉં.’ અને તેઓ ચુપચાપ દાદર ઊતરી, ગલી વટાવી, રસ્તા પર આવ્યા. બસસ્ટૉપ પાસે જ હતું. ત્યાં પહોચ્યા ને એક બસ આવી. મહેશભાઈ અણધારી ઝડપથી એમાં પ્રવેશી ગયા. ઊપડતી બસને ઘરઘરાટમાંથીયે એમના શબ્દો વહી આવ્યા : ‘મહાશિવરાત્રિ નિમિત્તે ગામ જવું હોય તો...' અને નીલકંઠને ત્યાંથી દોડી જવાની ઇચ્છા થઈ. તે બહુ વેગીલે પગલે ગલી વટાવી ફરીથી પેલા હચમચી ગયેલા દાદર પાસે આવ્યો. ઝેર પાયેલા તીર જેવો એક વિચાર સાવ અણધાર્યો તેના મનમાં પ્રગટી અસ્તિત્વમાં વ્યાપી ગયો : હું અહીંથી બસસ્ટોપ સુધી ગયો અને પાછો આવ્યો એ પાંચ-સાત મિનિટના સમયમાં નીરા અહીં આવી હશે, એની પાસેની ચાવીથી તાળું ઉધાડી રૂમમાં બત્તી જલાવી પલંગ પર બેઠી હશે, મારા આવવાની રાહ જોતી હશે... આગળનો વિચાર તેને માટે અસહ્ય બની ગયો. તે એકશ્વાસે દાદર ચડી રૂમ પાસે આવ્યો. રૂમનું તાળું અકબંધ હતું. થોડીક ક્ષણો પહેલાંની તીવ્ર ઉત્સુકતા બંદૂક ફૂટતાં પાંખો ફફડાવીને ઊડી જતા કબૂતરની જેમ ઓસરી ગઈ અને તેણે નિશ્રેષ્ટ ભાવે બારણું ઉઘાડ્યું. બત્તી જલાવ્યા વિના જ તે પલંગમાં પડ્યો અને આંખો મીંચી ગયો...

  એ રાત્રે તેને ત્રણ સ્વપ્ના આવ્યાં.
   -  સુરા ગામની પેલી ચિરપરિચિત વાવમાં એ જઈ ચઢ્યો હતો. એકલો જ, સાંજ ઢળી ગઈ હતી. વાવમાં તો નિબિડ અંધારું હતું. તૂટેલાં પગથિયાં ઊતરતાં તે વારંવાર સમતુલા ગુમાવતો હતો. એના બંને પગ છાણથી ખરડાઈ ચૂક્યા હતા. અચાનક એના માથા સાથે કશુંક ભટકાયું. એ ચમકી ગયો. પછી પાંખોનો ફફડાટ કાને પડ્યો. એને સમજાયું - એ કોઈક ભૂલું પડેલું ચામાચીડિયું હતું. એણે ઊંચું જોયું અને તે દિગ્મૂઢ થઈ ગયો. આ ઘોર અંધકારમાં પણ એ ચામાચીડિયું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું ! આગિયાના સમૂહની જેમ એની આખી કાયા બિહામણી રીતે ચમકતી હતી. તે થોડોક ખસ્યો. પણ ચામાચીડિયું વળી એના માથા પર ઘૂમવા લાગ્યું. તેણે તેની દિશા ચુકાવવાનો પ્રયત્ન કર્યો. પણ ચામાચીડિયું બરાબર તેના માથા પર કર્કશ અવાજ કરતું ઘૂમરી ખાતું હતું. હવે તે ગભરાઈ ગયો હતો. તેના શ્વાસોચ્છવાસ જલદ બન્યા અને તેને શરીરે પ્રસ્વેદ જામ્યો. તે અહીંથી તહીં દોડવા લાગ્યો. તેના પગ વારંવાર છાણથી ખરડાતા હતા. ચામાચીડિયું એના અસ્તિત્વ સાથે જડાઈ ગયું હોય એમ એના માથા પર ચકરાતું હતું. તેણે ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો. પણ અવાજ ન નીકળ્યો, ઠોકર વાગતાં તે ગબડી પડ્યો. સુકાઈ ગયેલી વાવના કઠણ તળિયા સાથે તે ભટકાયો.

   – ‘પછી શો વિચાર કર્યો તમે મિ.પુરોહિત ?' એ શબ્દો સંભળાયા અને નીલકંઠે જોયું –સામે મિ.વિનાયક દલાલ ઊભા હતા, બનાવટી ચોકઠાના દાંત ચમકાવતા. એમને જોતાં જ નીલકંઠને ભય લાગ્યો. ‘મેં કશો કોઈ વિચાર કર્યો નથી....’ એવું બોલતાં તે ઝડપથી તેમની પાસેથી ખસવા ગયો, પણ દલાલસાહેબ તેની પાછળ દોડ્યા. નીલકંઠે આસપાસ જોયું. પોતે ક્યાં હતો? પછી ખ્યાલ આવ્યો તે ગેઇટ વે ઓફ ઇન્ડિયાની ઇમારતમાં હતો. તેણે દલાલસાહેબને પોતાની પાસે આવતા જોયા. વળી તે દોડ્યો પણ દલાલસાહેબ આ ઉંમરેય સારું દોડી શકતા હતા. દોડતાં દોડતાં એમણે પોતાના ખિસ્સામાં હાથ નાખી બહાર કાઢ્યો. એમના બંને હાથમાં શું ચમકતું હતું? સોનું? હીરા ? ચાંદી ? અને એમના ખભે એક રૂપકડું ટ્રાન્ઝિસ્ટર ઝૂલતું હતું. એમાંથી વેસ્ટર્ન મ્યુઝિક રેલાતું હતું. એ સંગીતના સુરો વિસ્તરતા ગયા, તાલ જલદ બન્યો. તેનો ભય વધી પડ્યો. તે ગેઇટ વેમાંથી બહાર નીકળવા દોડ્યો, પણ એને દરવાજો મળતો જ ન હતો. તે વ્યર્થ પ્રયત્ન કરતો હતો - દ્વાર શોધવાના. એને વિચાર આવ્યો, નામ ‘ગેઇટ વે’ અને એને દરવાજો જ જડતો નહોતો. ત્યાં વળી દલાલસાહેબ ખભે ટ્રાન્ઝિસ્ટર ઝુલાવતાં તેની પાસે ધસી આવ્યા. ઘોંઘાટિયા સંગીતના સુરો સાપલિયાંની જેમ એને વીંટળાઈ વળ્યા. અચાનક તેને લાગ્યું કે એ સુરો શ્રાવ્ય ઉપરાંત દૃશ્ય બનતા હતા અને એમાંથી એક નારીદેહ ઊપસતો હતો–પરિચિત છતાં અપરિચિત...

   - તેણે શંખનાદ સાંભળ્યો, નગારા પર પડતી દાંડીની ગતિ જોઈ, કોઈકે પગને અંગૂઠે ઊંચા થઈ હાથ લંબાવી ઘંટ વગાડ્યો, કોઈકે જયઘોષ કર્યો : વિરક્તેશ્વર મહાદેવનો જય..! મંત્રોચ્ચાર કાને પડ્યો :
क्षंतव्यो मेऽपराधः
शिव शिव शिव भोः
श्री महादेव शंभो !
 
   હાર્મોનિયમના સૂર સંભળાયા, ‘માલકોંસ છે ને ?' એમ કોઈકે પૂછ્યું – બીલીપત્રના વૃક્ષમાં ચેતન આવ્યું હોય તેમ જાતે દોડતું મંદિર સુધી આવ્યું. ગર્ભગૃહમાં આરતીનો ઝળહળાટ વર્તાયો. શિવલિંગ પરની ચંદનની અર્ચા જોઈ શકાઈ, પાર્વતીની મૂર્તિનાં આભૂષણો ચમકી ઊઠ્યાં. આરતીની શગો પવનલહરીના સ્પર્શે થિરકવા લાગી.... અચાનક પોતે બૂટ ઉતાર્યા વિના મંદિરનાં પગથિયાં વટાવી અંદર ધસી આવ્યો.... તેનું શરીર પ્રસ્વેદથી ભીંજાતું હતું, તેનો શ્વાસ ઊભરાતો હતો. કોઈકે તેની સામે આશકા લેવા માટે આરતી ધરી, તે ફાટી આંખે આરતીના દીવા ભણી તાકી રહ્યો. પછી એણે જોરથી ફૂંક મારી, પણ આરતીના દીપકો ઓલવાયા નહિ, એણે બધું બળ એકઠું કરીને ફૂંક લગાવી; પણ આરતી તો વધારે પ્રજ્વલિત બની. તે ફૂંક માર્યો ગયો, છતાં આરતી અખંડ રહી. ફૂંકો મારી મારીને તે થાકી ગયો અને મંદિરની ફરસ પર ફસડાઈ પડ્યો. વળી પેલો મંત્રઘોષ વહી આવ્યો– એ શીતળ પવનલહરી જેવો હતો કે શું?' क्षंतव्यो मेऽपराधः

   – અને નીલકંઠ એકાએક જાગી ગયો. એની આંખો માંડ ઊઘડી. અંધારાના ફલક પર તેણે થોડીક ક્ષણો પહેલાં જ જોયેલાં સ્વપ્નોના અવશેષો હજીયે ઊપસી આવતા તેણે અનુભવ્યા : વિજન વાવમાં તેના શિર પર ઝઝૂમતું પ્રકાશિત ચામાચીડિયું... ગેઇટ વેની બંધ ઇમારતમાં ખભે ઝૂલતા ટ્રાન્ઝિસ્ટરના જલદ સુરોમાંથી પરિચિત છતાં અપરિચિત આકૃતિ ઉપસાવી દોડતા દલાલસાહેબના બનાવટી ચોકઠાનો આંખો આંજી દેતો ઝગારો... ફૂંકો મારવા છતાં ન ઓલવાતા આરતીના દીવાનું ઉપહાસાત્મક ઝળહળવું.... તેણે ઊભા થઈને દીવાલ પર હાથ ફંફોળી સ્વિચ ઓન કરી. ખંડમાં પ્રકાશ ફેલાતાં તેની આંખો અંજાઈ ગઈ. તે માંડ સ્વસ્થતા જાળવી પલંગ પર આવીને બેઠો. ક્ષણો નિઃસ્તબ્ધતાની છાયામાં વીતતી રહી. શો સમય થયો હશે એવો વિચાર આવીને સરકી ગયો. દાદર પર કોઈકનાં પગલાં સંભળાયાં. ભ્રમ હશે એમ માની તેણે એ તરફથી લક્ષ્ય વાળી લીધું, પણ હવે પગલાં સ્પષ્ટ બન્યાં. પછી એ પગલાં તેના રૂમ પાસે આવીને થંભ્યાં. ‘નીલકંઠ પુરોહિત.’ તેણે તેના નામનો ઉચ્ચાર સાંભળ્યો, સાથે જ બારણે ટકોરા. છતાં તે બેસી રહ્યો. ફરીથી નામોચ્ચાર : ‘નીલકંઠ પુરોહિત.' પુનઃ દ્વાર પર ટકોરા. તે ઊભો થઈ બારણાં પાસે ગયો. તેણે ધીમેથી દ્વાર ઉઘાડ્યું, અંદરની બત્તીનું અજવાળું બહારના અંધકારને ધક્કો મારી પાડી નાખતું રેલાયું. ખાખી કપડામાં સજ્જ એક આકૃતિ કળાઈ, એક હાથ તેની તરફ લંબાવ્યો, ‘તમે નીલકંઠ પુરોહિત ?. તમારો તાર છે. સહી કરો....’ તાર લઈ તે રૂમમાં આવ્યો. દાદર ઊતરતાં પગલાં દૂર ચાલ્યાં ગયાં. સાઇકલની ઘંટડીનો રણકો શમી ગયો. નીલકંઠે તારનું કવર ફોડ્યું, બત્તીની દિશામાં રાખી તાર પરના શબ્દ ઉકેલ્યા.

   પિતાજીનું અવસાન થયું હતું, તાર મોટા ભાઈના નામથી કોઈકે મુક્યો હતો – કદાચ કોઈક પાડોશીએ.
   નીલકંઠ તારને હાથમાંથી ફરસ પર સરકવા દીધો. પછી ગોળી પાસે જઈને તેણે પાણી પીધું, રાત્રિની અશબ્દતામાં ગોળીના નળમાંથી ટપકતા પાણીનો અને પોતે ભરેલા ઘૂંટડાનો ધ્વનિ વધારે પડતો મોટો લાગ્યો. ફરીથી તે પલંગ પર બેઠો – સૂઈ ગયો. હવાના સ્પર્શે ટેલિગ્રામ ફરસ પર સહેજ ફફડતો હતો. તે સિવાય તેવી પ્રગાઢ નિઃસ્તબ્ધતા હતી ! ન ધ્વનિનું એકેય આંદોલન, ન શ્વાસનીયે સરસરાહટ... પણ એ નિઃસ્તબ્ધતા ધીમે ધીમે વિક્ષિપ્ત થઈ રહી હતી કે શું? આ શેનો નાદ સંભળાવા લાગ્યો હતો? આ કોના સમૂહ સૂર જાગી રહ્યા હતા ? આ કોઈક મંત્ર હતો શું? શબ્દો સ્પષ્ટ થતા હતા કે નહિ ? શૈશવકાળથી એ શબ્દ એને પરિચિત હતા ! જાણે એકસાથે હજારો-લાખો સ્ત્રી-પુરુષોના કંઠમાંથી એ શબ્દો પ્રગટતા હતા.. સૂર એકસરખા નહોતા, ઊંચાનીચા હતા, પણ ભાવ સમાન હતો. હવે તો એ શબ્દો અત્યંત નિકટ આવી ગયા હતા, જાણે પોતાના અસ્તિત્વમાંથી જ પ્રગટતા હોય એટલા નિકટ :
त्र्यंबकं यजामहे सुगंधिम्पुष्टि वर्द्ध नम् ।
उर्वारुकमिवबन्धनान्मृत्योर्मक्षीयमामृताम् ।।

   એ મૃત્યુંજય મંત્રના આવર્તનોથી નીલકંઠનું બહિરંતર ઘેરાઈ ગયું. હજારો સ્ત્રીપુરુષોના કંઠ એના રોમરોમમાં સમાઈ ગયા હતા. અને એનું અસ્તિત્વ જ એક અનાહત નાદમાં પરિવર્તન પામ્યું હતું.
(...: પૂર્ણ:...)


0 comments


Leave comment