1 - અભ્યાસલેખ :૧ / સમયદ્વીપ / પ્રમોદકુમાર પટેલ    ‘સમયદ્વીપ’ એ મારી, મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં આવ્યા હતા તેની, મારા કેટલાક પાડોશીઓ હજી જે હવામાં શ્વાસ લઈ રહ્યા હતા તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછાપાતળા શબ્દની કથા છે, એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું. એ નાયકની દ્વિધાઓ, એની આંતરવેદનાઓ મારી પણ છે. એ કૃતિ રચાઈ ત્યારે મારી પડતી આખડતી શબ્દયાત્રામાં હું ક્યાંક ઠરીને ઘડીભર ઊભો રહી શકયો હોઉં એવું મને પ્રતિત થયું.”

   એક સર્જક લેખે પોતાની ‘આંતરયાત્રા'ની કેફિયત આપતાં ભગવતીકુમારે ‘સંસ્કૃતિ'ના જાન્યુઆરી-માર્ચ ૧૯૮૪ના વિશેષાંકમાં ‘સમયદ્વીપ’ને અનુલક્ષીને આ રીતનું બયાન આપેલું છે. એમાં તેમની નિખાલસતા અને સચ્ચાઈ રણકી ઊઠતા જણાશે. જોકે કથાનાયકની દ્વિધાઓ અને આંતરવેદનાઓ પોતાની પણ છે એમ તેમણે કહ્યું, પણ કૃતિલક્ષી વિવેચનની દૃષ્ટિએ એવા કથનને અપ્રસ્તુત ગણીને ચાલીએ તે બરોબર છે. પણ આ કૃતિના નિર્માણ સાથે એક સર્જક લેખે પોતાની આત્મશ્રદ્ધા દૃઢ બની એ મતલબની તેમની વાત અહીં ધ્યાનાર્હ છે. અને તે એ રીતે કે તેમની સાહિત્યિક કારકિર્દીમાં ‘સમયદ્વીપ’ એક નોંધપાત્ર કૃતિ બની આવી છે.

   વર્તમાનમાં સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહેલા આપણા સમાજજીવનની વાસ્તવિકતાને સઘનપણે સ્પર્શવા ચાહતી નાના ફલકની આ કથા, સ્વરૂપથી લઘુનવલ (nouvella) ગણાય કે નવલકથા, એ જાતના પ્રશ્ન પરત્વે કથાસાહિત્યના અભ્યાસીઓમાં વિમાસણ જન્માવે તો આશ્ચર્ય નહિ. રસપ્રદ બાબત એ છે કે ‘સમયદ્વીપ'ના પ્રાકકથનમાં ભગવતીકુમાર પોતે એને લઘુનવલ તરીકે ઓળખાવે છે. અર્થાત્ આ કૃતિની રચનામાં સભાનપણે લઘુનવલનું સ્વરૂપ પોતે ખેડી રહ્યા હતા એમ એમાંથી સૂચવાઈ જાય છે. આથી ભિન્ન, આની સાથે જોડલી પ્રસ્તાવનામાં પ્રસ્તાવનાકાર ડૉ.નટવરસિંહ પરમાર એનું વિવેચન કરતાં જુદા જુદા સંદર્ભે, અસંપ્રજ્ઞપણે જ કદાચ. નવલકથા લેખે એનો નિર્દેશ કરતા રહ્યા છે. હકીકતમાં આ લઘુનવલ કે નવલકથા વચ્ચેની સરહદ પર ક્યાંક ઊભી છે. એટલે લઘુનવલ કે નવલકથા તરીકે એના અંતિમ નિર્ણય પર આવવાનું મુશ્કેલ બની રહે છે. એ ખરું કે સૈદ્ધાંતિક કે વિભાવનાત્મક સ્તરેથી આ બે સ્વરૂપો વચ્ચેનો બારીક ભેદ જરૂર સ્પષ્ટ કરી શકાય, અને એવા પ્રયત્નો પશ્ચિમના વિવેચનમાં થયા છે. પણ મુશ્કેલી આના જેવી કોઈ વિશિષ્ટ કૃતિના સંદર્ભે સંભવે છે. હું આ કૃતિને નાનકડા ફલકની તોય નવલકથા લેખવવા પ્રેરાયો છું. એ અંગે મારા મનમાં અમુક ચોક્કસ કારણો પડેલાં છે. અંત ભાગમાં એની ટૂંકી છણાવટ કરવાનો મારો ઉપક્રમ છે.
   કથાનાયક નીલકંઠ વર્તમાન ક્ષણોમાં એકલતા, હતાશા, વિરતિ અને વિષાદભરી જિંદગી જીવી રહ્યો છે. તેની પત્ની નીરા તેને ત્યજીને પિતાને ત્યાં ચાલી ગઈ છે. આવી પરિસ્થિતિમાં જીવતા નીલકંઠની ભાવદશાનું આલેખન આ કથામાં એક મહત્ત્વપૂર્ણ સંદર્ભ રચે છે. વર્તમાનના સંદર્ભો અહીં જે રીતે યોજાયા છે તેમાંથી આ વાતને સમર્થન મળે છે. ઉપલક નજરે જુઓ તો, તેની આ જાતની કમનસીબ દશા માટે દાંપત્યજીવનની વિચ્છિન્નતા, કારણભૂત છે. પણ એના મૂળમાં બંનેના માનસભેદના, વિશેષ કરીને મૂલ્યબોધ અને શ્રદ્ધાભેદના પ્રશ્નો પડેલા છે. જે વિષમ કરુણ પરિસ્થિતિમાં નીલકંઠ હડસેલાઈ જાય છે, અને જે રીતની આંતરિક કટોકટીમાં તે મુકાઈ જાય છે, તેના મૂળમાં હચમચી ઊઠેલી તેની શ્રદ્ધાભૂમિ છે. જૂનીનવી સંસ્કૃતિ, જૂનીનવી જીવનરીતિ, અને જૂનાંનવાં મૂલ્યોની ઊંડી ખેંચમાં તે રહેંસાઈ રહે છે. આમ, અહીં એક વ્યક્તિના આંતરસંઘર્ષની કથા નિમિત્તે આપણા પલટાઈ રહેલા સમાજ અને સંસ્કૃતિના આંતરિક તણાવો અને સંઘર્ષો આલેખવાનો પ્રયત્ન થયો છે.

   ‘પ્રાકકથન'માં જ ભગવતીકુમારે આ કથાના મૂળમાં રહેલા પોતાના મનોસંઘર્ષનો એક સંકેત નોંધ્યો છે : ‘વ્યતીત સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી. તો નવા સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓ સાથે પણ હજી સહમત થઈ શકાતું નથી. આને જ કદાચ સંક્રાંતિ કહેતા હશે લોકો. દ્વિધાના દ્વીપ ઉપર ઊભી રહી અંતિમ પ્રતીતિની નૌકા દૂરસુદૂરની ક્ષિતિજેથી ધીમે ધીમે દૃષ્ટિમર્યાદામાં ઊપસશે, એવી આશાએ પ્રતીક્ષા લંબાતી રહે છે....” નોંધવું જોઈએ કે કથાનાયક નીલકંઠ પણ, એના સર્જકની જેમ અહીં ‘દ્વિધાના દ્વીપ' પર ઊભો છે. નવીજૂની જીવનરીતિ અને શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે તે ઝોલા ખાય છે....

   નીલકંઠની એક બાજુએ છે તેનું એ સૈકાઓ જૂનું સુરા ગામ સાવ અંતરિયાળમાં પડેલું, જૂના આચાર-વિચાર, જૂના કર્મકાંડ, અને જૂની આસ્થાઓમાં બંધાયેલું… એમાં વસ્યો છે એ રૂઢિચુસ્ત બ્રાહ્મણ સમાજ અને તેમાંયે નીલકંઠનું પોતાનું કુટુંબ તો અતિ ચુસ્ત કર્મકાંડી અને પરમ શ્રદ્ધાળુ....! વળી, એના બિલકુલ કેન્દ્રમાં ઊભા છે શ્રદ્ધાભકિતના મૂર્તિમંત અવતારસમાં પિતા શિવશંકર પુરોહિત. વળી, એમના આખાય કુટુંબ અને ગામના આરાધ્ય કુળદેવ છે વિરકતેશ્વર મહાદેવ અને સાથોસાથ આરાધ્ય બન્યું છે પ્રાંગણનું એ બીલીવૃક્ષ. આની સામેની બાજુએ છે મુંબઈનું મહાનગર, ત્યાંની આધુનિક જીવનરીતિ, ત્યાંનો ભૌતિકવાદ, ધનવૈભવ, સુખલાલસાની અહર્નિશ દોટ, બૌદ્ધિકતાવાદ અને વ્યકિતસ્વાતંત્ર્યવાદ.... નીલકંઠની આંતરિક કટોકટી આ બે ભિન્ન જીવનરીતિ વચ્ચેના સંઘર્ષમાંથી જન્મી આવી છે.
   આમ જુઓ તો, ઘણી બધી ક્ષમતાવાળું કથાબીજ ભગવતી-કુમારના હાથમાં આવ્યું છે. નીલકંઠ અને નીરાના દાંપત્યજીવનની વિચ્છિન્નતાના મૂળમાં આ સામાજિક- સાંસ્કૃતિક ભિન્નતા રહી છે, જૂનાં નવાં મૂલ્યો અને આસ્થા-અનાસ્થાના પ્રશ્નો રહ્યા છે. ભગવતીકુમારે નીલકંઠ અને નીરાના મનોગતને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવા સામાજિક- સાંસ્કૃતિક વાસ્તવિકતાને ઠીક ઠીક સચ્ચાઈપૂર્વક અને વેધક દૃષ્ટિએ આલેખી છે. ઘટનાઓ લેખે અહીં કોઈ એવી મોટા પરિમાણની ઘટના બનતી નથી. નીલકંઠની મુંબઈવાસની એક દિવસની રોજિંદી ઘટમાળ અને સુરા ગામની આગલા વર્ષની મુલાકાત અને કુટુંબકલહ – આટલી સાદીસીધી ધટનાઓમાંથી લેખકે રસપ્રદ કથા ગૂંથી છે. એમ લાગે છે કે ‘સરસ્વતીચંદ્ર' પછી આપણી બહુ થોડી નવલકથાઓ આપણા સામાજિક સાંસ્કૃતિક પરિવેશને આટલી સઘનતાથી રજૂ કરી શકી છે.

   નીલકંઠનું કુટુંબ સૈકાઓ જૂના આચારવિચાર કર્મકાંડ અને શ્રદ્ધાભક્તિને વરેલું છે. પિતા શિવશંકર બ્રાહ્મણપરંપરાનાં જૂનાં મૂલ્યોને ચુસ્તપણે પાળે છે. વિરક્તેશ્વર મહાદેવની ભકિતમાં તેમણે પોતાનું જીવન પૂર્ણતયા સમર્પી દીધું છે. કુટુંબની આર્થિક સ્થિતિ કોઈ રીતે સારી નથી. પણ પૈસા કમાવાની કોઈ લાલસા શિવશંકરે કેળવી નથી. માતા ગૌરીબાને નવા યુગનું શિક્ષણ મળ્યું નથી પણ તેઓ કુટુંબની સેવા કરનારાં, ધર્મપરાયણ, અને સાચા અર્થમાં પતિપરાયણ પણ છે. નીલકંઠને આમ ગળથૂથીમાં જ માતાપિતાની ભક્તિ અને આસ્થા પ્રાપ્ત થયેલાં. મહાનગર મુંબઈમાં રહેતા નીલકંઠને પહેલાં તો પોતાના કુટુંબના વ્યવહારમાં કેવળ રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા અને પછાતપણું જ વરતાયેલું, પણ પછીથી તેને શહેરી જીવનની વંધ્યતા અને ખાલીખમપણું પ્રતીત થઈ જાય છે. એક રીતે નીલકંઠની નિર્ભ્રાન્તિની આ કથા છે. પણ એ પર્યાપ્તપણે કેન્દ્રમાં મૂકી શકાઈ નથી.

   નીલકંઠના જયેષ્ઠ બંધુ ચંદ્રકાંત તરુણ વયે મંત્ર-તંત્રની પ્રવૃત્તિમાં પડેલા અને એમાં ને એમાં પાગલ થઈ ગયેલા. પરિણામે આ રંક કુટુંબ માટે તેઓ હંમેશના બોજારૂપ બની ચૂક્યા હતા. તેમનાં પત્ની જયાબહેન સાચે જ ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિસમાં છે. યૌવનના બધાય ઓરતા અને બધીય આશા-અભિલાષાને ટૂંપી નાખી પતિની અને કુટુંબની સેવામાં તેણે જાત ઘસી નાખી છે. મૂંગે હૈયે પોતાના વિષમ સંયોગોનો તેણે સ્વીકાર કરી લીધો છે. અન્ય સ્વજનોને અર્થે તેના આત્મસમર્પણની અને આત્મલોપની આ એક વિરલ ઘટના છે. નીલકંઠ અને નીરા જેવા બૌદ્ધિકોના દાંપત્યવિચ્છેદની અહીં જે કથા કેન્દ્રમાં આવી છે, તેની સામે જયાના સમર્પણની આ કથા એક વ્યંગસભર વિરોધ રચી આપે છે.

   નીલકંઠના વચેટ ભાઈ મહેશ આજીવિકા અર્થે પત્ની અને બાળકો સાથે વર્ષોથી સુરા ગામ છોડી મુંબઈ આવી વસ્યા છે. મહાનગરની ઝાકઝમાળભરી ઘટમાળ વચ્ચે–મૃગજળની લીલા વચ્ચે–તેઓ જાણે કે લક્ષ્યહીન દોટ કાઢી રહ્યા છે. પોતે આ મહાનગરની વિષમતાઓ વિશે સાવ અનભિજ્ઞ રીતે માત્ર ટેવવશ જિવાતું જીવન જીવી રહ્યા છે. તેમના સંવેદનશૂન્ય જીવનમાં અગર જો કોઈ ઉત્તેજક બળ કામ કરતું હોય તો તે છે લોટરીની ટિકિટ ! રાતોરાત માલેતુજાર બનવાના ખ્વાબમાં તેઓ જીવી રહ્યા છે. તેમના નાકમાં ચોંટેલી તપખીરની રજકણો જોતાં નીલકંઠને મનમાં મોટી રમૂજ જન્મી પડે છે : ‘લાવ, મહેશભાઈના નાક ઉપર જોરથી ફૂંક મારી આ બધી તપખીર ઉડાડી દઉં.' નીલકંઠના આ જાતના પ્રતિભાવ સાથે મહેશભાઈની વિલક્ષણ મૂર્તિ આપણા મનમાં તાર્દશ થઈ ઊઠે છે. મહેશભાઈનો અહીં જે રીતે વૃત્તાંત રજૂ થયો છે તે પણ નીલકંઠના વ્યકિતત્વને આગવી રીતે ઉપકારક બને છે. વાસ્તવમાં નીલકંઠની આંતરિક કટોકટી આ વૃત્તાંતના વિરોધમાં તીવ્રતાથી ઊપસી આવે છે. કુટુંબજીવનમાં કર્મકાંડને અનુસરતાં કે મુંબઈમાં તેની ઉપેક્ષા કરતાં, મહેશભાઈ સામે કોઈ કટોકટી ઊભી થતી નથી ! પૂર્વપશ્ચિમની જીવનરીતિનો ભેદ, તે બંનેનાં મૂલ્યોનો ફેર કે આસ્થા-અનાસ્થાના કોઈ પ્રશ્નો તેમને લેપતા નથી ! નીલકંઠનું વ્યકિતત્વ એથી જુદું છે. તેનામાં તેજસ્વી બુદ્ધિશકિત છે, તેમ વિશેષરૂપની સંવેદનપટુતાય છે. મુંબઈના જીવનમાં પાશ્ચાત્ય વિચારસરણીઓ અને નવાં મૂલ્યો અંગીકાર કરીને તે ચાલે છે ત્યારે કુટુંબના આચારવિચાર અને રૂઢિચુસ્તતાનો ઉપહાસ કરવા તે પ્રેરાય છે, પણ પાશ્ચાત્ય જીવનરીતિ અને મૂલ્યોનું ખાલીખમપણું પણ પછી તે વરતી જાય છે. મહેશભાઈનો વૃત્તાંત, એ રીતે, નીલકંઠના હૃદયસંઘર્ષને વિશેષ ઉઠાવ અર્પે છે.

   સૂરાગામની નાનકડી આ દુનિયામાં ભક્તિધન પ્રાણુભાઈ અને શાસ્ત્રવિદ્ ગંગાશંકર જેવાં પાત્રો આગવા વ્યક્તિત્વને કારણે ધ્યાનપાત્ર બની રહે છે. સનાતન ધર્મમાં આસ્થા રોપીને તેઓ પોતપોતાની રીતે જીવન ગુજારી રહ્યા હોય છે. આમ જુઓ તો ધર્મભાવના અને શ્રદ્ધાને તાંતણે આખુંયે સુરા ગામ શિવશંકરના કુટુંબ સાથે ઓતપ્રોત થયેલું છે. અહીંનું લોકજીવન એ રીતે જૂની જીવનરીતિ, આચારવિચારો અને જૂનાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.

   આ બાજુ, નીલકંઠ જ્યાં નોકરી કરે છે તે એડવર્ટાઇઝિંગ કંપનીની ઓફિસ, એની એ અજબરંગી દુનિયા અને એમાં શ્વસતો પરિવેશ મહાનગરના મેટ્રોપોલિટન કલ્ચરનું પ્રતિનિધિત્વ કરે છે. અધિકારની લાક્ષણિક મૂર્તિ સમા ઑફિસ-મેનેજર મિ.કુલકર્ણી, રાતોરાત ધનાઢ્ય બનવાની ઘેલછામાં સ્મગલિંગના વ્યવસાયમાં સંડોવાયેલા અને નીલકંઠનેય એમાં સંડોવવા ચાહતા આસિસ્ટન્ટ મેનેજર મિ.દલાલ, ચહેરા પર હંમેશ બનાવટી સ્મિતનું મહોરું પહેરી ઓફિસમાં ઘૂમતી ટાઇપિસ્ટ ગર્લ રોમાં સંઘવી અને તેનો બોયફ્રેંડ ફિરોઝ, કેબરેની ઝાકઝમાળભરી જિંદગીનાં સ્વપ્નોમાં રાચતી રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો, મોડેલ ગર્લ તરીકે કામ કરતી રૂપાલી બેનરજી અને તેનો ટેક્સીચાલક પતિ, નીલકંઠનો નિકટનો મિત્ર ડૉ. સમીર–આવાં વિભિન્ન માનસવાળાં, વિભિન્ન રીતિએ જીવન જીવવાના મનસૂબા કરનારા પાત્ર મહાનગરના રંગરાગ અને તેના મિજાજને બરોબર છતાં કરી આપે છે. અહીં નીલકંઠ જે જે સ્થાનોમાં વિચરતો, ઘૂમતો દેખાય છે, જે જે વ્યકિતઓના સંપર્કમાં મુકાય છે, એ સર્વની આસપાસ મેટ્રોપોલિટન કલ્ચર ધબકતું અનુભવાય છે. નીલકંઠની એ ઓરડી અને આસપાસનો લત્તો, એડવર્ટાઇઝિંગ ઑફિસ અને આસપાસનો શહેરી વિસ્તાર, રેસ્તોરાં, ગેટ વે ઑફ ઇન્ડિયા. વર્લી સમુદ્ર–આવાં થોડાંક લાક્ષણિક દૃશ્યોના આલેખન સાથે સમગ્ર મહાનગરનું વાતાવરણ ધબકી ઊઠે છે.

   નીલકંઠના જીવનમાં જે રીતે કટોકટી આકાર લે છે તેના મૂળમાં આ બે ભિન્ન જીવનરીતિઓ અને તેનાં ભિન્ન મૂલ્યોની ખેંચ રહી છે. નીલકંઠમાં રજૂ થતી કરુણતા એક રીતે સાંસ્કૃતિક કટોકટીમાં ભીંસાતા તરુણ બૌદ્ધિકની છે. મહાનગરમાં નીલકંઠને બૌદ્ધિકોના વર્તુળમાં પ્રવેશ મળ્યો, અને ત્યાં તરત જ તેની બૌદ્ધિકતા કોળી ઊઠી. જે જૂના આચારવિચાર અને જૂની આસ્થામાં તે જન્મ્યો અને ઊછર્યો હતો, તેમાં તેને, સંશયો જમ્યા. પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અહીં જ તેને કુટુંબની જીવનરીતિમાં કેટલુંક મૂલ્યવાન જણાયું.

   પણ અહીં આ કૃતિનું જે રીતે સંવિધાન રચવામાં આવ્યું છે તેમાં નીલકંઠની આ આંતરિક કટોકટીની કથા કંઈક ગૌણ અને પ્રચ્છન્ન રહી જવા પામી છે. નીરાને અને સમીરને માત્ર આત્મનિવેદનરૂપે તે તેનું સીધું કથન કરી જાય છે. એમ લાગે કે કૃતિની રચનામાં રહસ્ય કેન્દ્ર યોજવામાં ક્યાંક મુશ્કેલી રહી છે. વર્તમાન ક્ષણના ટુકડાઓમાં તેની એકાકી દિશાશૂન્ય જીવનની ઘટમાળ છે : નીરાના ગૃહત્યાગ પછીની તેની એ મનોદશા છે. જ્યારે મૂલ્યોની કટોકટીના તીવ્ર અનુભવોનું માત્ર બયાન મળે છે. ભૂતકાળની ઘટનાઓના ટુકડામાં નીલકંઠની એ કટોકટી સ્વયં center of conscious ness બનતી નથી.
   નીલકંઠની પત્ની નીરા મુંબઈના ‘એલિટ’ વર્ગની – અલબત્ત બ્રાહ્મણેતર સમાજમાંથી આવતી યુવતી છે. અહીંના આધુનિક પરિવેશમાં તે જન્મી ને ઊછરી છે. કૉલેજના ઉચ્ચ શિક્ષણ સાથે નવા વિચાર, નવાં મૂલ્યો અને નવી આસ્થાઓ તેને પ્રાપ્ત થયાં છે. સ્વાભાવિક રીતે જ તે સ્વૈર જિંદગી જીવવા ટેવાયેલી છે. સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલવવામાં તેને જીવનની કૃતાર્થતા સમજાઈ છે. શહેરના તરુણ બુદ્ધિજીવીઓનાં વર્તુળમાં– કલબલાઇફ, થિયેટરો, રેસ્તોરાંઓ, બુકશોપ, આર્ટગેલેરીઓ, ડિબેટિંગ, સર્વ સ્થાનોમાં વિના રોકટોક તે ઘૂમતી વિચરતી રહી છે. નિત્ઝે, માર્ક્સ અને સાર્ત્ર જેવા પશ્ચિમના મહાન આધુનિક ચિંતકોની વિચારણાઓ જલદ પીણાની જેમ તે સતત ગટગટાવતી રહી છે. આવી સ્વતંત્ર મિજાજની એ તરુણીનો, આવા જ કોઈ વર્તુળમાં, નીલકંઠને પરિચય થયેલો, જે સ્નેહલગ્નમાં પરિણમ્યો....

   અને, ‘સમયદ્વીપ’માં નિરૂપણનો વિષય બન્યો છે કથાનાયકની એકલતાનો અનુભવ. નીરા તેને ત્યજી ગઈ તે પછી તેના જીવનમાં ઊભી થયેલી શૂન્યતા, ખાલીખમપણું, બેચેની, કંટાળો, વિરતિ આદિ લાગણીઓ નીલકંઠના મનને ભરી દે છે. આરંભના પ્રકરણમાં આપણે નીલકંઠને મુંબઈના એના માળામાં એકાંકી બની ગયેલો જોઈએ છીએ. કેલેન્ડરનાં પત્તાં પરથી તેને નજીકમાં જ આવી રહેલા મહાશિવરાત્રિના કુટુંબ-ઉત્સવનું તીવ્ર દર્દભર્યું સ્મરણ જન્મે છે. આગલે વર્ષે નીરા સાથે તેણે સુરાની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાં જે દુઃખદાયી ઘટનાઓ બની હતી, તે સર્વ તેના હૃદયને ખિન્ન બનાવી દે છે. ભગવતીકુમારે અહીં તેના જીવનની એક દિવસની દિનચર્યા રજૂ કરી છે, તેમાં આ જાતનું આલેખન જ વિવિધ સંદર્ભે રજૂ થતું રહ્યું છે.

   ‘સમયદ્વીપ'ના સંયોજન અને સંવિધાન અર્થે ભગવતીકુમારે જે પ્રયુક્તિઓ યોજી છે તેમની ક્ષમતા અંગે વિગતે ચર્ચા આપણે પછીથી હાથ ધરીશું. અહીં એટલો જ નિર્દેશ કરી લઈશું કે નીલકંઠની એકલ જિંદગીની ઘટમાળ અહીં તેની વર્તમાનક્ષણોના ટુકડાઓ રૂપે ગોઠવી છે, જ્યારે આ વર્તમાન સ્થિતિ સર્જનારા ભૂતકાળના બનાવો–આખી પશ્ચાદ્ કથા ભૂતકાળના ટુકડાઓ ટુકડાઓ રૂપે આલેખી છે. વર્તમાન અને ભૂતકાળના એક એક ટુકડાને ક્રમમાં એકબીજાની સામે juxtapose કર્યા છે. કૃતિ પૂરી થવા આવે છે ત્યાં આરંભના ખંડની નીલકંઠની મનોભૂમિકા સાથે તેમનું અનુસંધાન થઈ જાય છે.

   વર્તમાનના ટુકડાઓમાં આમ જુઓ તો બારચૌદ કલાકમાં નીલકંઠની પ્રવૃત્તિ રજૂ થઈ છે. નીરાના ચાલ્યા જવાથી તેના હૃદયમાં વ્યાપી ગયેલી એકલતા, શૂન્યતા અને ઊંડી અસ્વસ્થતા તેના સમગ્ર વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. મહેશભાઈએ નીરાની ઉપસ્થિતિ ન જોતાં પ્રશ્ન કર્યો ત્યારે તે તેનો ઉત્તર ટાળવાનું કરે છે. ઑફિસમાં પણ તેની પ્રવૃત્તિ કંઈક બેધ્યાનપણે જ ચાલે છે. રોમા સંઘવી, મિસ પિન્ટો, મિ.દલાલ આદિની સાથે તે જે રીતે વ્યવહાર કરે છે તેમાં તેની ઊંડી અસ્વસ્થતા છતી થાય છે. સાંજે નીરાના બંગલા સુધી તે જઈ આવે છે પણ અંદરથી તેને કશુંક રોકી રહે છે. વરલીના સમુદ્રકાંઠે ઘૂમતાં, અગાઉ નીરા સાથે અહીં એક વાર ગોષ્ઠિ ચલાવેલી, તેનું કટુ સ્મરણ તાજું થાય છે. અત્રે ડૉ.સમીરને મળી પાછો ફરે છે ત્યારે સાવ થાક્યોપાક્યો લથડી પડે છે. અહીં નીરા માટેની તેની તીવ્ર ઝંખના, વિરહ અને સાથોસાથ ઊંડો વિરતિભાવ છતાં થઈ જાય છે.
   વિરક્તેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિના પર્વે ઘણો મોટો ઉત્સવ થતો. નીલકંઠનું આખુંય કુટુંબ અને આખું ગામ એ દિવસે ભક્તિમાં તરબોળ બની જતું. એ ઉત્સવ પૂર્વે બે-એક દિવસ અગાઉ નીલકંઠ નીરાની સાથે પોતાના ઘરને ઓટલે આવી ઊભો, એ ક્ષણથી જ કટોકટીનો આરંભ થઈ જાય છે. ગૌરીમાં, પોતાના ખોવાયેલા પુત્રને જાણે કે વર્ષો પછી મેળવ્યો હોય તેમ, તેને અત્યંત વહાલથી, ઉષ્માથી બોલાવે છે, તેને ઘરની અંદર લે છે. પણ નીરાની તે ઉપેક્ષા કરે છે, તેની ઉપસ્થિતિની જરીકે નોંધ સુધ્ધાં તે લેતાં નથી. જયાભાભી જરાક મન મોકળું કરીને નીરાને બોલાવે છે; જ્યારે શિવશંકર પણ કઠોર ચહેરે ઊભા રહે છે. સ્વાભાવિક રીતે જ, આ તેજસ્વી સ્વતંત્ર મિજાજની યુવતીનું સ્વમાન ઘવાય છે. અહીં આ રૂઢિચુસ્ત કુટુંબમાં પોતે ઉપેક્ષિતા રહી છે, પરાઈ લાગી રહી છે, એમ તે મનોમન પામી ગઈ હશે... અને અહીં તો ઘરના સંયોગો પણ કસોટી કરનારા બની રહે છે. જૂની ઢબના આ મકાનમાં બાથટોઇલેટની આધુનિક સગવડ નથી. આ બધું તો તેને કદાચ સહ્ય બની રહ્યું હોત; પણ, પ્રશ્ન આચારવિચારની ભિન્નતાનો છે. સ્નાન-વિધિમાં નીરાએ આળસ કરી એ વાત જાણી આખુંય કુટુંબ મોટો આંચકો અનુભવે છે. ગૌરીબા અને જયાભાભી હરહંમેશ કુટુંબના બધાય આચારો, બધાંય વિધિવિધાનોનું અત્યંત ચુસ્તપણે પાલન કરતાં રહ્યાં છે. એટલે નીરાનો આચારદોષ જરીકે નભાવી લેવા તૈયાર નથી. તેમની ટીકાથી નીરા અસ્વસ્થ બની ઊઠે છે. નીલકંઠ તેને બેત્રણ દિવસ પૂરતું સમાધાન કરી લેવાનું સૂચવે છે. પણ સ્વતંત્ર મિજાજથી જીવવા ટેવાયેલી નીરાને આ અસહ્ય થઈ પડે છે.

   અને, બીજે દિવસે એકદમ ઘેરી કટોકટી જન્મી પડે છે. વિરક્તેશ્વરના મંદિરમાં ઉત્સવના ભાગરૂપે વિધિવિધાન આરંભાયાં છે. નીલકંઠ પણ અબોટિયું પહેરીને એમાં જોડાયો છે. નીરાએ તેને આ રીતે ક્રિયાકાંડમાં રોકાયેલો જોયો ત્યારે નીલકંઠનું આ વર્તન તેને વિચિત્ર બેહૂદું અને હાસ્યાસ્પદ લાગ્યું. મુંબઈમાં તેણે પતિને બૌદ્ધિકોના વર્તુળમાં આધુનિક જીવનરીતિ અને મૂલ્યોની ચર્ચાઓ કરતો અને તેમનો પુરસ્કાર કરતો જોયો હતો. તો અહીં શું ખરેખર એ જ નીલકંઠ ક્રિયાકાંડમાં પરોવાયો હતો? નીલકંઠ પ્રત્યેનો તેનો આદરભાવ ઊતરી જાય છે. પોતાના હૃદયમાં નીલકંઠની જે તેજસ્વી મૂર્તિ હતી તે ખંડિત થવા લાગે છે. અને, આવી મનોદશામાં તે સંક્ષુબ્ધપણે ઊભી હતી ત્યાં નીલકંઠ તેની સમક્ષ આરતી લઈને આવ્યો, પણ નીરાએ પૂરી મક્કમતાથી એ આશકાનો અસ્વીકાર કર્યો. મંદિરમાં એકત્ર થયેલા સૌ ભાવિકજનો નીરાના આવા નાસ્તિક વલણથી સ્તબ્ધ બની જાય છે. શિવશંકરની પુત્રવધૂ તેમને ઉદ્ધત અને અધર્મી લાગી હોય, એ સ્વાભાવિક છે.

   અને, ત્યાં બીજું સંકટ,...! નીરા રસોડામાં રસોઈવાળાં વાસણોને અડકી અને બધીય રસોઈ અભડાઈ ગઈ ! એટલે, નવી રસોઈનો પ્રબંધ કરવો પડ્યો ! ત્યાં, ચઢતી બપોરે જયાભાભીએ નવું રહસ્ય શોધી કાઢ્યું કે નીરા રજસ્વલા છે, અને છતાં આ સ્થિતિમાં ઘરમાં રસોડામાં મંદિરમાં બધે ધૂમતી ફરતી છે ! તેણે ઘરનાં, મંદિરનાં બધાં જ પવિત્ર સ્થાનોને ભ્રષ્ટ કર્યા છે ! જયાભાભીએ કાનોકાન ગૌરીબાને અને ગૌરીબાએ એ જ રીતે શિવશંકરને એ વાત પહોંચાડી; ત્યારે તો એ આખુંય કુટુંબ ધરતીકંપના આંચકા પર આંચકા ખાઈને વળ ખાઈ રહ્યું ! કુટુંબની પેઢીઓ જૂની આચારસંહિતાનો આજે ભંગ થયો હતો ! શિવશંકરે પુત્ર અને પુત્રવધૂને તરત મુંબઈ ચાલ્યા જવાની આજ્ઞા કરી. ભ્રષ્ટ થયેલા ઘર અને મંદિરની શુદ્ધિક્રિયામાં તરત જ આખું કુટુંબ પરોવાઈ જાય છે. નીલકંઠના રૂઢિચુસ્ત કુટુંબના આ જાતના પ્રત્યાઘાતો નીરાને સમજાતા નથી. એ ક્ષણે નીલકંઠ પિતાજીની ક્ષમા માગવા તૈયાર થઈ જાય છે. પિતાજી માટે તેમ પોતાના આખાય કુટુંબ માટે તેના હૃદયમાં ઊંડી લાગણી છે, જૂનીનવી જીવનરીતિના આંતરસંઘર્ષમાં તે જીવી રહ્યો હતો અને પોતાના કુટુંબની પરંપરાઓમાં તેની આસ્થા તૂટી નહોતી, એટલે પિતાજી સાથે તે અંતરથી સમાધાન ઝંખે છે. અને, આવી અતિ નાજુક કટોકટીની ક્ષણે તેની માતાપિતા પ્રત્યેની લાગણી સ્વાભાવિક રીતે જ દૃઢ પણ બને. પણ નીરાનું સ્વમાન હણાયું હોવાથી તે સમાધાન કરવા તૈયાર નથી. બલકે નીલકંઠને તે વારે છે : “આપણે કે મેં એવું કશું ખોટું કર્યું નથી. એટલે ક્ષમા માગવાનો કોઈ પ્રશ્ન જ નથી' – એમ તે દલીલ કરે છે. ઊલટાની, આ કુટુંબના આચારવિચાર ‘સડેલા' છે, આખી જીવનરીતિ ‘સડેલી’ છે એમ કહી તે તેનો ઉપહાસ કરે છે. અંતે, કુટુંબ અને નીરા બંને તરફ લાગણીનું તુમુલ ખેંચાણ અનુભવતો, પણ પરવશપણે નીરા પાછળ ઘસડાતો –ખેંચાતો નીલકંઠ મુંબઈ આવે છે. નીરા સાથેના તેના સંબંધો આ તણાવ નીચે તૂટીને વિચ્છિન્ન થઈ જવા આવ્યા છે. એ પછી, લગભગ વર્ષના ગાળામાં, કુટુંબમાં મહાશિવરાત્રિનો ઉત્સવ આવે તે અગાઉ, નીરા નીલકંઠને છોડી પિતાને ત્યાં ચાલી ગઈ છે......

   કૃતિના આરંભે નીલકંઠ પોતાની ઑફિસે જવા નીકળે છે એ પ્રસંગ રજૂ થયો છે. અંતના પ્રકરણમાં પિતા શિવશંકરના અવસાનના સમાચાર સાથે હૃદયમાં જે ‘અનાહત નાદ’ના સ્વરો સંભળાયા તે મનોદશાનું તીવ્ર ચિત્રણ છે. અહીં ખરેખર ભિન્ન વર્ણ્ય વિષયો- themes એકત્ર થાય છે. દિવસભરની પ્રવૃત્તિઓ અને રઝળપાટમાં થાક્યા-પાક્યા નીલકંઠને કારમી એકલતાની એ ક્ષણોમાં પિતાના અવસાનના સમાચાર મળે છે. એ સમાચાર તેની તવાયેલી લાગણી પર વધુ આઘાત આપી જાય છે. આ ક્ષણ પહેલાનાં ત્રણ સ્વપ્નોને તેના અજ્ઞાત મનની વાસ્તવિકતા લેખવીએ તો તો હજીય તે દ્વિધાના દ્વીપ પર ઊભો છે એમ સ્વીકારવું પડે. પણ આઘાતની કળ વળતાં ‘અનાહત નાદ' તેને સંભળાવા લાગે છે.... સુરા ગામ, કુટુંબ, વિરક્તેશ્વર મહાદેવ, અને પેલું બીલીવૃક્ષ – સર્વ તેના હૃદયને આમંત્રી રહે છે. તેના અંતરમનની એક ઝંખના બની રહે છે, કદાચ ઝંખના જ.....!
   ‘સમયદ્વીપ'ના કથાવસ્તુને રજૂ કરવા, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ભગવતીકુમારે વિશિષ્ટ રીતિનું સંયોજન કરેલું છે. એ અંગે આપણે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે મૂળ કથાવૃત્તાંતને સમયની સીધી રેખા પરથી તેમણે બે ખંડમાં વહેંચ્યું છે. નીરા નીલકંઠને છોડી ગઈ તે પછીની નીલકંઠની મનોદશા વર્તમાનની ક્ષણક્ષણની કંડિકાઓ રૂપે અને આગલે વર્ષ સુરા ગામમાં નીરાએ જે રીતે વર્તન કર્યંત અને તેને જે રીતે લાગણીના પ્રચંડ સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું તે ભૂતકાલીન વૃત્તાંત પણ એવા જ અલગ ટુકડાઓમાં એમ બે ખંડોમાં વૃત્તાંતો મૂક્યાં છે. સંયોજનનો ક્રમ એવો છે કે વર્તમાન અને ભૂતકાળના ટુકડા ક્રમમાં એક પછી એક ગોઠવાયા છે. વર્તમાનના ટુકડાઓમાંય વચ્ચે વચ્ચે અમુક ભૂતકાલીન દૃશ્યો સ્મરણમાં ચમકી જાય છે. આમ છતાં બંને ધરી—વર્તમાન અને ભૂતની–અલગ રહે છે જે છેવટે એકત્ર થાય છે. બંનેમાં સમયની સીધી રેખા પર ઘટનાઓ ઊઘડતી આવે છે.

   સંયોજનના ક્રમમાં પહેલો અને છેલ્લો ટુકડો નીલકંઠની વર્તમાનની ભાવદશાને રજૂ કરે છે તે જોતાં આપણને એમ પ્રતીત થાય કે તેના વર્તમાન જીવનની ઘટનાઓ અને વર્તમાન ભાવદશાને કેન્દ્રમાં આણવી છે. આગલે વર્ષે સુરા ગામમાં જે ઘટનાઓ બની તેનુંય તેમને અમુક મહત્ત્વ તો છે, પણ અહીં તે પૂર્વકથા તરીકે પ્રસ્તુત થઈ છે.

   અહીં કૃતિના આ પ્રકારના સંવિધાન અંગે વિચારવાનું પ્રાપ્ત થાય છે. એક વાત તો એ કે નીલકંઠની એક દિવસની દિનચર્યા અને તે પૂર્વેની કથા– બંનેને તેમણે જે રીતે સંવિધાનમાં અલગ ટુકડાઓ રૂપે યોજ્યાં છે, તેમાં રહસ્યકેન્દ્ર કંઈક પ્રચ્છન્ન બની જતું જણાય છે. વર્તમાન ક્ષણોમાં નાયક જે જે રોજિંદી પ્રવૃત્તિઓ કરે, અને જે જે રોજિંદી ઘટનાઓમાં થઈ ગુજરે છે, તેમાં તેની એકલતા હતાશા અને આંતરિક શૂન્યતા ઘૂંટાતી રહે છે. એમાં તેને માટે હૃદયસંઘર્ષ કે આંતરિક કટોકટીના કોઈ ખાસ નવા સંયોગો ઊભા થતા નથી. પણ, ક્ષણક્ષણની તેની જિન્દગીને, તેનાં સંવેદનોને, તેનાં સ્મરણોને, આપણે નિબિડપણે અનુભવીએ છીએ. (વર્તમાનના ખંડોમાં, ઑફિસની પ્રવૃત્તિમાં ગેટ વે ઑફ ઇંડિયા પર મિ. દલાલની મુલાકાતનું કે નીરાના કૉમિક શોખનંસ કે સાંજે દરિયાકાંઠા પર નીરા સાથેની અગાઉની ગોષ્ઠિનું સ્મરણ રજૂ થયું છે). અહીં જે કશુંક બની રહ્યું છે, તેનો—becomingનો અનુભવ એમાં ભાવકને થાય છે. આથી ભિન્ન, ભૂતકાળના ટુકડાઓમાં આરંભના ત્રણચારને બાદ કરતાં) આગલા વર્ષની ઘટનાઓ રજૂ થઈ છે. એમાં બની ચૂકેલી ઘટનાઓ વર્ણવાઈ છે, પણ એમાં pastness of the Past તોળાઈ રહી છે ! ભાવક માટે સમયની દૂરતા–અલગતા–એમાં રચાઈ રહે છે. નીલકંઠના કુટુંબમાં નીરાનું વર્તન, નીલકંઠનો આંતરસંઘર્ષ, કટોકટી-બધુંય એક સમાપ્ત થઈ ચૂકેલી ઘટના જેવું બની રહે છે. એને આગવું રહસ્ય જન્મે છે, જે પ્રચ્છન્ન બની જાય છે.

   બીજી વાત, આરંભના ત્રણચાર ટુકડાઓ આસપાસના સંદર્ભથી કંઈક સ્વતંત્ર અને અલગ એકમ જેવા લાગશે. પણ એ સિવાયની ટુકડાઓમાં કથાસૂત્ર લેખકે પોતે સંભાળ્યું છે. તેમની પાછળના સમયની મહત્ત્વપૂર્ણ નવલકથા ‘ઊર્ધ્વમૂલ'ના સંવિધાન સાથે આ કૃતિનું સંવિધાન સરખાવવા જેવું છે. 'ઊર્ધ્વમૂલ'માં પ્રૌઢ વયની નાયિકા ક્ષમાના વર્તમાન અને ભૂતકાળના ટુકડાઓ આ જ રીતે એકબીજાની પડખે ગોઠવવામાં આવ્યા છે પણ ત્યાં point of view નો મૂળનો ફેર છે. “ઊર્ધ્વમૂલ'ની સમગ્રકથા, વર્તમાન તેમ જ ભૂતકાળના સર્વ ખંડો, નાયિકાના આત્મકથનરૂપે આલેખાયા છે. વર્તમાન ક્ષણના ભાવસંદર્ભોમાં તેના સંવેદનની સીધી અભિવ્યકિત થઈ છે. તો ભૂતકાળના કથાખંડોય તેનાં તીવ્ર સ્મૃતિસંવેદનોરૂપે રજૂ થયા છે. દૂર ભૂતકાળની ઘટનાઓ જાણે કે હમણાં જ જીવી રહી હોય (કે જીવી ચૂકી હોય) તેમ મરણરસમાં રસીને-ઘૂંટીને તે વર્ણવે છે. આથી વર્તમાન અને ભૂતકાળના ખંડો વચ્ચેની દૂરતા ઓગળી જતી લાગે છે. ભાવક એ ભૂતકાળનેય નિબિડપણે પામે છે. જાણે કે નાયિકાના હૃદયકેન્દ્રમાં રહીને તે ઘટનાઓને જીવંતપણે પ્રત્યક્ષ કરી લે છે. ‘સમયદ્વીપ’માં, આથી ભિન્ન, સમગ્ર કથાનું નિર્વહણ લેખકે પોતે કર્યું છે, એથી કૃતિને અમુક Objectivity મળી છે. પણ વર્તમાન અને ભૂતકાળના ખંડકોના ભાવકના અનુભાવન વચ્ચે અમુક દૂરતા રહી ગઈ છે. સમગ્રનું રૂપવિધાન એ રીતે એકાગ્ર અને સઘન બનતું રહી ગયું છે. વળી, નીલકંઠને આગલે વર્ષે કુટુંબની વિષમ ઘટના વચ્ચે જે આંતરિક સંઘર્ષ સહેવો પડ્યો તે ઘટના અહીં સમાપ્ત થઈ ચૂકેલી હકીકતરૂપે રજૂ થઈ છે. નીલકંઠની વર્તમાન ભાવદશામાં એ ભૂતકાલીન ઘટનાઓનો સંઘર્ષ સંયોજિત થયો હોત તો આ કૃતિ કદાચ વધુ સમર્થ નીવડી હોત. જેવો છે તેવો આ કૃતિનો સમગ્રલક્ષી પ્રભાવ એ રીતે કંઈક વિકેન્દ્રિત અને તેથી શિથિલ પડતો લાગશે.

   પણ, ‘સમયદ્વીપ'માં ભગવતીકુમારની સર્જકચેતના બે સ્તરેથી સક્રિય બનતી દેખાય છે. વર્તમાનના ખંડકોમાં મહાનગરની પ્રવૃત્તિશીલ જિંદગીના બાહ્ય વાસ્તવલક્ષી સંદર્ભોને અવલંબીને તેમણે નીલકંઠની ભાવદશા ઉપસાવી આપી છે. એક બાજુ, વિશાળ વિસ્તરેલા મહાનગરની ગતિવિધિઓ અને તેને વીંટી રહેલો પરિવેશ માર્મિક વિગતો દ્વારા રજૂ થયાં છે. મહાનગરની જિંદગીનાં બારીક નિરીક્ષણો અહીં ભગવતીકુમારને ઘણાં ઉપકારક નીવડ્યાં છે, બલકે બાહ્ય વાસ્તવના આલેખનમાં એ વિગતોની સઘનતા અને નિબિડતા એક રીતની પ્રમાણભૂતતા તેને અર્પે છે. બીજી બાજુ, અનુભવમાં આવતી બાહ્ય વિગતો દ્વારા તેની એકલતા પરાયાપણું વિરતિ કે વિષાદની લાગણી ઊપસતી રહે છે. એક જ દૃષ્ટાંત લઈએ. ઑફિસમાં નીલકંઠની આ માનસિક પ્રવૃત્તિ જુઓ :
   “નીલકંઠે એક નજર ઑફિસમાં ઘુમાવી : જનરલ મેનેજર શ્રીકાંત કુલકર્ણીની કેબિનમાંથી અટ્ટહાસ્ય વહી આવ્યું. એની સાથે જ ભળી ગઈ રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટોના તીખા હાસ્યની અણી. દલાલસાહેબ કોઈક કેન્વાસર સાથે એમનું ચોકઠું દેખાય એમ હસી હસીને વાત કરતા હતા અને કેન્વાસર પ્રયત્નપૂર્વક મોઢું હસતું રાખતો હતો... કલાર્ક નવીન સરૈયા રોમા સંઘવીના ટેબલ પર ઝૂકી સ્મિત વેરી મંદ સ્વરે કશુંક બોલતો હતો. પણ એની આંખો રોમાના ખુલ્લા ખભા પર ચોટેલી હતી; એની વાત સાંભળતી રોમાના હોઠ પણ હાસ્યના ઉદ્રેકથી ઊઘડી ગયા હતા અને એ નવીનની આંખોનું કેન્દ્રસ્થાન પામી પ્રસન્ન થતી જણાતી હતી. ઑફિસબૉય જોસેફ એક ખૂણામાં સ્ટૂલ પર બેસી આંખો મીંચી બીડીના ધુમાડા કાઢતો આછું મલકતો હતો–કશાક સ્વપ્નાભાસને કારણે ? નીલકંઠને થયું : તે બુલંદ સ્વરે ગર્જી ઊઠે : ‘શટ અપ યૉર ડર્ટી માઉથ્સ, યૂ નેસ્ટી ક્રીચર્સ!’ પણ ગળે ઘૂંક ઉતારી તેણે સ્વસ્થતા મેળવવા પ્રયત્ન કર્યો....”

   ભગવતીકુમારની આ નિરૂપણરીતિનો સૂક્ષ્મ દૃષ્ટિએ ખ્યાલ કરવા જેવો છે. પહેલી નજરે આ બધી ઘટનાઓ કેવળ બાહ્ય વર્ણન જેવી લાગે. પણ એનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે એ સર્વ ઘટનાઓનું આલેખન નિલકંઠના સંવિદના કેન્દ્ર પરથી થયું છે. નીલકંઠની નજર બહારની ઘટનાઓને જે રીતે નોંધતી ઘૂમતી રહે છે, તેમાં તેનું સંવિદ છતું થઈ જાય છે. ઑફિસના માણસોની વાતચીત, તેમનાં વાણીવર્તન, જે રીતે તેના મનમાં અણજાણપણે જ રોષ ધૃણા કંટાળો જન્માવે છે, તેમાં તેની આંતરિક દશાનો સંકેત મળી જાય છે. બહારની ક્રિયાઓના વર્ણનની સાથેસાથ, આમ, તેનું સંવિદ : પ્રક્ષિપ્ત થતું આવે છે. વર્તમાન ક્ષણનાં મોટા ભાગનાં આલેખનોમાં આ રીતે નીલકંઠનું સંવિદ ઊઘડતું અનુભવાય છે.

   ભૂતકાળના ટુકડાઓમાં ભગવતીકુમાર સામે વીતી ગયેલી ઘટનાઓનું કથન વિશેષ કેન્દ્રમાં આવ્યું છે. ત્યાં આ રીતે નીલકંઠના સંવિદને જ કેન્દ્રમાં રાખવાને ઓછો અવકાશ મળ્યો છે. પરિસ્થિતિ જ આખી સંકુલ છે. એટલે નલિકંઠ, નીરા, શિવશંકર, ગૌરીમા અને જયા એ સર્વ પાત્રોના પરસ્પરના સંબંધો ત્યાં કેન્દ્રમાં આવ્યા છે. એ રીતે વાસ્તવિકતાનો નિબિડ સઘન સંસર્ગ ત્યાં આગવી રીતે આલેખાયો છે.

   વર્તમાન અને ભૂતકાળના બનાવોના ખંડો, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ખરેખર તો પરસ્પરથી સર્વથા ભિન્ન એવા બે સાંસ્કૃતિક સંદર્ભોને એકબીજાની સામે juxtapose કરી આપે છે. આ રીતના સંવિધાન પાછળ ભગવતીકુમારનો આશય પકડવાનું મુશ્કેલ નથી. જૂનીનવી જીવનરીતિ જૂનાંખવાં જીવનમૂલ્યો અને જૂનીનવી આસ્થાઓ-એ સર્વ અહીં એકબીજાની પડખે તીવ્ર વિરોધમાં ઊપસી આવે છે. નીલકંઠ જેવા બૌદ્ધિક માટે આ આખીય પરિસ્થિતિ એ Labyrinthine world જેવી પુરવાર થાય છે.

   કૃતિના અંતિમ પ્રકરણમાં લેખકે ત્રણ સ્વનવૃત્તાંતોની યોજના કરી છે. દિવસભર રઝળીને પાછો ફરેલો નીલકંઠ રાત્રિના પહેલા પ્રહરમાં એક પછી એક ત્રણ સ્વપ્નો જુએ છે. (આ ત્રણ સ્વપ્નોની અલગ અને ક્રમિક ઘટના કૃત્રિમ લાગ્યા કરે છે.) પહેલા સ્વપ્નમાં સુરા ગામની અવાવરુ વાવમાં પોતે ભટકતો અથડાતો હોય એવું કારમું દૃશ્ય રજૂ થયું છે. બીજા દૃશ્યમાં, ગેટ વે ઓફ ઇંડિયાની તોતિંગ ઈમારતના વિશાળ સ્થંભોની પાછળ મિ.દલાલ સંતાકૂકડી ખેલતા દેખાય છે. ત્રીજામાં મહાદેવના મંદિરની આશકાને હોલવવા તે અથાક પ્રયત્ન કરી રહ્યો છે પણ એ દીપક હોલવાતો નથી !

   ત્રણેય સ્વપ્નો આમ જુઓ તો સુગ્રાહ્ય છે. નીલકંઠના અજ્ઞાત ચિત્તની વિરોધી વૃત્તિઓનું સૂચન એમાં જોઈ શકાય. અવાવરુ વાવમાં ગામડાની સંસ્કૃતિના જીર્ણ અવશેષ સમી જડતા, રૂઢિચુસ્તતા અને બંધિયારપણાનું સૂચન જોઈ શકાય. મિ.દલાલની સંતાકૂકડીમાં ધનલાલસાનો સંકેત પડેલો છે. આકાશમાં નીલકંઠના હૃદયની શ્રદ્ધાજ્યોતનું પ્રતીક જોઈ શકાશે. પોસ્ટમૅન પિતાના અવસાનનો તાર આપી જાય છે તે પછીની નિસ્તબ્ધતામાં તેને ‘અનાહત નાદ’ સંભળાવા લાગે છે ! અને છતાંય કૃતિ અહીં કરુણ વ્યંગનો રણકો મૂકી જાય છે !

   પણ આ કથાનું સંવિધાન અગાઉ નોંધ્યું છે તેમ, કંઈક વિકેન્દ્રિત થઈ જવા પામ્યું છે. વર્તમાનના ટુકડાઓમાં નીલકંઠની એકલતાની શૂન્યતાની ક્ષણો ઘૂંટાતી રહી છે, જ્યારે તેની આંતરિક કટોકટીની તીવ્રતમ ક્ષણો પૂર્વકથારૂપે મુકાઈ છે. વર્તમાન ક્ષણોમાં નીરાની સાથેના વિચ્છેદનો ભાવ બળવાન છે, જ્યારે શ્રદ્ધાની, મૂલ્યોની કટોકટી ભૂતકાલીન કથામાં રજૂ થઈ છે. સમાંતરે ચાલતા વૃત્તાંતો જોકે અંતના બિંદુએ મળે છે; પણ બંનેય અનુભવખણ્ડો આગવી રીતે ઊઘડતા રહ્યા છે અને એ રીતે એ કંઈક વિકેન્દ્રિત રહી જવા પામ્યા છે.

   સર્જક ભગવતીકુમારને આ સર્વ દૃશ્યો, ઘટનાઓ અને મનોવ્યાપારના આલેખનમાં પોતાનાં વિશાળ અવલોકનો, નિરીક્ષણો, અનુભવો કામમાં આવ્યાં છે. ગામડાના અને શહેરના પરિવેશની નાની-મોટી એકે-એક માર્મિક વિગત તેની ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિ અને તેની સ્પર્શક્ષમતા સાથે તેઓ પકડી શકે છે. એવી કેટલીક વિગતો અને વસ્તુસંદર્ભો તેમણે પ્રતીકની કોટિએ ઊંચક્યાં છે. નાનકડું સુરા ગામ પણ વાસ્તવિક છતાં પ્રતીકાત્મક વિશ્વ બની રહેતું લાગશે. નીલકંઠની એડવર્ટાઇઝિંગ કંપનીની ઑફિસ પણ આધુનિક શહેરી જીવનને પ્રતીકાત્મક રૂપમાં જ મૂકી આપે છે. વિરક્તેશ્વરનું મંદિર અને બીલીવૃક્ષ– બંનેય શિવશંકર અને તેના કુટુંબની શ્રદ્ધાનાં જીવંત પ્રતીકો જેવાં છે.

   પણ, આ સિવાય, કથનવર્ણનના સ્તરેથી નાની-મોટી અસંખ્ય વિગતો કલ્પના પ્રતીકની સમૃદ્ધિ અને સામર્થ્ય પ્રગટ કરે છે. ઓરડીને તાળું મારતાં ઉંબર આગળ ઊભા રહીને નીલકંઠે અંદર નજર ઘુમાવી ત્યારે અંદર શૂન્યતા, નિર્જીવતા અને નિર્જનતાનો જે ભાવ તેના અંતરમાં જન્મી પડ્યો તેનું આલેખન કરતાં ભગવતીકુમાર એક અતિમાર્મિક સંદર્ભ રચી આપે છે. ‘વર્ષો પહેલાં સુરા ગામમાં જોયેલું બોરસલીનું વૃક્ષ યાદ આવી ગયું. જે પાનખરમાં સુકાઈને ઠૂંઠા જેવું બની જતું હતું. ન પાંદડાં, ન પુષ્પો, ન છાયા; માત્ર રુક્ષ જમીન પર પડતા પડછાયાનો સાથ....' અહીં નીલકંઠની સ્મરણભૂમિમાં અંકાતું આ ચિત્ર તેની વર્તમાન ભાવસંવેદનાને જ તીવ્રતાથી ઉપસાવી આપે છે. સહજ એને પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં પ્રત્યક્ષ કરેલી વાત પણ એક labyrinthine worldનું પ્રતીક બને છે. આવા સંદર્ભો કથાનાયકના ભાવજગતને ખુલ્લું કરે છે અને કૃતિના વિભિન્ન સંદર્ભોને આંતરિક સ્તરેથી જોડી આપે છે. ત્રણચાર સંદર્ભે આરતીના દીવાનો નિર્દેશ પણ પ્રતીકાત્મક મૂલ્ય ધારણ કરે છે. નિલકંઠને ઑફિસમાં જાહેરાતના કૉપીરાઇટિંગ કાર્ય અર્થે ‘મેઈડ ફોર ઇચ અધર' અને ‘સ્પૉટ ધ બોલ’ જેવી આઈટેમો પણ વિલક્ષણ રીતે ઉદ્દીપન વિભાવનું કામ આપે છે.

   ભગવતીકુમારની તીવ્ર સંવેદનપટુતા વર્ણ્યપ્રસંગ અને દૃશ્યની સૂક્ષ્મ નિરૂપણરીતિમાં પ્રત્યક્ષ થાય છે. નીલકંઠના દિવસભરના અનુભવોમાં તેમણે જે જે વિગતો પકડી છે તેમાં ચિત્રાત્મકતા છે, સ્પર્શક્ષમતા છે, વાસ્તવિક્તાની નિબિડતા છે. રંગ, રેખા, પોતની ઝાંય તેઓ કુશાગ્ર દૃષ્ટિથી પકડી શક્યા છે. અહીં ‘સમયદ્વીપ'માં તેમની સર્જકગતિ પરિચિત વાસ્તવનેય આશ્લેષમાં નવા સક્રિય બને છે, અને કથાવૃત્તાંતના temporal sequence પર તેમનો ઝોક રહ્યો છે. અને એટલે, અહીં પ્રતીકાત્મક રચનાને એટલો અવકાશ મળ્યો નથી, પણ એની સામે કલ્પનો/અલંકારનું સામર્થ્ય પણ ઠીક ઠીક પ્રભાવક નીવડ્યું છે. સુરા ગામની અવાવરુ વાવનું લેખકે જે રીતે વર્ણન કર્યું છે, તેમાં સ્વભાવોક્તિની ચમત્કૃતિ જ આપણને સ્પર્શી જાય છે. નીચેનો સંદર્ભ જુઓ :
   ‘રિકત વાવની ચારે બાજુએ તેણે એક નજર ફેરવી લીધી સુકાઈ ગયેલો જળપ્રવાહ, નાળિયેરનાં ખાલી કાચલાં, તૂટી ગયેલાં માટીનાં કોડિયાં કંકુના ઓઘરાળા, કરોળિયાનાં ઘટ્ટ જાળાં, કીડીઓનાં દર, ખરી પડેલી દીવાલોના પોપડા, ખંડિત પગથિયાં, માળામાં પાંખો ફફડાવતી ચકલીઓ, છાણના પોદળા, હવામાં ધોળાતી દુર્ગંધ, માથા પરથી પસાર થઈ જતાં ચામાચીડિયાં, શબ્દોના ચાળા પાડતા પ્રતિધ્વનિઓ, દીવાલો પર છાણાં થાપી પેટિયું રળતી કોક ખેડૂત સ્ત્રીના અડવા હાથની જાડી કળા, પાણીને અભાવે કૂંડાળાને બદલે કર્કરા ધ્વનિ સર્જતો પથ્થરનો પછડાટ, આંબલી કપાઈ ગઈ હતી....'

   વિરક્તેશ્વર મહાદેવના મંદિરમાં આશકા લઈને આવેલા નીલકંઠને જોતાં નીરાના અંતરમાં જ સંકુલ લાગણી જન્મી પડી તેના આલેખનની વિગતો ઘણી માર્મિક છે. બન્નેના પરસ્પરના સંકુલ સંબંધનું એ એક વેધક ચિત્રણ છે :
   “....નીરાએ ફરી એક વાર નીલકંઠ તરફ જોયું; એનાં ચશ્માંના કાચમાં આરતીનું નાનકડું પ્રતિબિંબ ઝિલમિલાઈ જતું હતું. નીલકંઠનાં ચશ્માંને એ ચાહતી હતી. જાડી, કાળી ફેઇમ, ઊજળા કાચ અને એની પાછળ ઢંકાયેલી બુદ્ધિના તેજથી ચમકતી આંખો. ચશ્માં એને મન નીલકંઠની બુદ્ધિજીવિતાનાં પ્રતીક હતાં. નીલકંઠ રાત્રે સૂતી વખતે ચશ્માં ઉતારી નાખતો ત્યારે શરૂ શરૂમાં નીરાને સહેજ ભય લાગતો. એનો ચહેરો ત્યારે અપરિચિતતાની સરહદમાં ચાલ્યો ગયો હોય એવું લાગતું... અને આજે એ ચશ્માંના કાચમાં ક્ષીણ થયે જતી આરતીની જ્યોતનું પ્રતિબિંબ થિરકતું હતું. અને એની પાછળ નીલકંઠની આંખો ઢંકાઈ ગઈ હતી. નીરા સહેજ પાછળ હઠી ગઈ. તેને થયું : તે ફૂંક મારીને આરતીના દીપ હોલવી નાંખે, શ્રદ્ધાના ઉજાસ કરતાં અશ્રદ્ધાને અંધકાર વધારે આત્મીય હતો, નહિ ?.....”

   ‘સમયદ્વીપ’માં આવી રીતના વ્યંજનાસભર આલેખનો ભાવકના ચિત્તમાં અનોખી આહલાદકતા જન્માવે છે. એમાં ભગવતીકુમારની સર્જક ચેતનાનો સઘન સંસ્પર્શ અનુભવાય છે.
   કૃતિને મળેલું ‘સમયદ્વીપ’ શીર્ષક નીલકંઠના વર્તમાન જીવનની એકલતાનો ભાવ સૂચવે છે. કૃતિનું રહસ્ય એમાં પ્રતિફલિત થાય છે.

   ‘સમયદ્વીપ’ એ નાનકડી તોય નવલકથા છે એમ આરંભમાં મેં કહ્યું છે. આ કથાસૃષ્ટિ વિશેનાં અમુક અવલોકનોએ મને એવા નિર્ણયમાં પ્રેર્યો છે. એક, સુરાનું ગ્રામજીવન અને મહાનગર મુંબઈનું આધુનિક જીવન– એમ આપણા પ્રજાજીવનના પરસ્પરથી સાવ ભિન્ન એવા ખંડો એકબીજાની સામે અહીં ગોઠવવામાં આવ્યા છે. બંનેય અલગ અલગ નક્કર વિશ્વ રચે છે. કથાનાયક નીલકંઠ અને નાયિકાના વૃત્તાંત નિમિત્તે, આમ, બહુપાર્શ્વી જીવનનો વૈવિધ્યભર્યો સંદર્ભ રજૂ થયો છે. બે, નીલકંઠની વર્તમાન ક્ષણની કથા અહીં કેન્દ્રમાં છે, પણ તેની સાથોસાથ કે સ્વતંત્રપણે બીજાંય કેટલાંક ગૌણ પાત્રોનાં વૃત્તાંતો આપણું ઓછું-વતું ધ્યાન રોકે છે. મિ.દલાલ, રોમા સંઘવી, મિસ પિન્ટો, રૂપાલી બેનર્જી, ડૉ.સમીર, મહેશભાઈ આદિ પાત્રો અહીં અલગ અને નક્કર ઉપસ્થિતરૂપે અનુભવાય છે. સુરા ગામના શિવશંકર, પ્રાણુ ભગત અને જયાભાભી જેવાં પાત્રોની આગવી આગવી કથા છે. આવાં નાનાંમોટાં વૃત્તાંતોની ગીચતા અને પ્રચુરતા જોતાંય એ કથાને નવલકથામાં મૂકવાનું વલણ જન્મે. ત્રીજું, નીલકંઠના જીવનના બે અલગ તબક્કાઓ– નીરા સાથે સુરા ગામની મુલાકાત અને નીરાના ગૃહત્યાગ પછીની એકલતા– અહીં ઠીક ઠીક મોટું કથાચક્ર રચે છે. હવે લઘુનવલમાં આપણે કથાવસ્તુની સીમિત સુરેખ એકાગ્ર અને એકકેન્દ્રી રજૂઆતનો આગ્રહ રાખતા હોઈએ, વ્યંજનાસભર ઘટનાઓનું સજીવ અને સઘન સંયોજન માગતા હોઈએ અને સમગ્ર કૃતિના કેન્દ્રમાં કથાનાયકનું આંતરવિશ્વ જ ઊઘડતું રહે એવી અપેક્ષા રાખતા હોઈએ તો તો ‘સમયદ્વીપ' એ બાબતોમાં ક્યાંક ઊણી ઊતરતી લાગશે. એટલે જ હું એને નવલકથાની કોટિમાં મૂકવા પ્રેરાઉં છું.
* * *


0 comments


Leave comment