2 - અભ્યાસલેખ : ૨ / સમયદ્વીપ / રાધેશ્યામ શર્મા


   ‘ઠાકોરજીનો દીવો આમ ફૂંક મારીને ન ઓલવાય, હોં દીકરા !’
   ‘કેમ બા ?'
   ‘પાપ લાગે.'
   ‘તો પછી દીવો ઓલવવો શી રીતે ?’
   ‘હાથની હળવી ઝાપટ નાખીને.’
   ‘તો પાપ ન લાગે?'
   ‘ના.'
   ‘ફૂંક મારવામાં શું પાપ ?’
   ‘આપણો અજીઠો શ્વાસ કંઈ ભગવાનના દીવાને અડકાડાય ?’

   શ્રી ભગવતીકુમાર શર્માની પ્રસિદ્ધ લઘુનવલ ‘સમયદ્વીપ’માંથી ઉપરનું અવતરણ લીધું છે. મહાશિવરાત્રિના પર્વની આસપાસ, પ્રસંગના કેન્દ્રીય ચુંબકત્વનો વિનિયોગ પિતા-પુત્રના ભાવ-વિશ્વની ચરમ વિભિન્નતા-વિરોધને ઉપસાવી, દ્વિધા અને સંઘર્ષનું પેઢીફેર કારુણ્ય પ્રગટાવવામાં થયો છે. દ્વિધાના દ્વીપ ઉપર ઊભા રહીને અંતિમ પ્રતીતિની અપેક્ષા સેવે છે ખરા, પરંતુ ત્યાં પ્રશ્નાર્થી બની રહે છે : પણ કોઈ પ્રતીતિ અંતિમ હોઈ શકે ખરી ? આવી પ્રશ્નમાલાઓનાં વિસ્તરણો કે નિવારણો અહીં અપ્રસ્તુત છે. કથાને કલાત્મક ઘાટ આપવા માટે લેખકે આ યોજના કેવી કરી છે એની સમગ્ર ચર્ચા પણ અહીં અભિપ્રેત નથી. શિવપરંપરા કેન્દ્રમાં હોવાથી લેખકે નાયકના પિતાનું નામ શિવશંકર રાખ્યું છે. અને કદાચ બાપે જ મોટા પુત્રનું નામ મહેશ અને નાનાનું, જે નાયક છે એનું, નીલકંઠ રાખ્યું છે. શિવશંકર નામ પણ એમને આમૂલ શિવ યા શૈવ પરંપરામાંથી પ્રાપ્ત થયું હશે. લેખકને દૃઢમૂલ સ્થાણું –શી પરંપરાનાં concentric circles રચવામાં આ નામમહિમ્ન ઉપકારક જણાયું છે એ બીજી ઘણી બધી બાબતોની જેમ, તેમની પ્રયોગ મુખ્ય આલેખન કરતાં પરંપરા-પ્રધાન નિરૂપણની દિશા અધિક ચીધે છે. પ્રા.નટવરસિંહ પરમાર જેને happeningનો લય કહે છે એ પોતે લેખકની ઉક્ત પરંપરારૂઢ ટેકનિકથી અભિસંધાનિત-જસ્ટિફાય કરે છે. આમ હોવાથી કૃતિનું વિકસન અને પ્રફુલ્લન ‘વૃક્ષના જેવી એક natural રૂપનિર્મિત’ છે એમ કહેવું અસ્થાને છે. ઉપરાંત, સર્વત્ર અને સર્વદા ઉક્ત ‘નૈસર્ગિક રૂપનિર્મિત’ શુદ્ધતમ કલાકૃતિ નામને પાત્ર હોય જ એવું પણ નથી. આવા બધા સવાલો છતાં ‘સમયદ્વીપ’ product નથી જ એવા પ્રા.પરમારના અભિપ્રાય સાથે ઘણે અંશે સંમત થતાં આનંદ થાય છે.

   સુરા ગામ અને એક બ્રાહ્મણ-સંસ્કારથી સભર ઘરની શુચિર્ભૂત તેમજ જટિલ પરિવેશને પ્રત્યક્ષ કરાવવામાં કર્તાને સાંપડેલી કામયાબી એમને વાતાવરણના એક આલેખક સ્વરૂપે પ્રતિષ્ઠિત કરે છે.
   અહીં તો ‘ફૂક’ની પ્રતીકાત્મક ક્રિયા લઘુનવલની અંદર સંઘટનાત્મક પરિબળરૂપે કેવી કામગીરી બજાવે છે તે રસાનુભવની દૃષ્ટિએ નીરખવાનું નિરધાર્યું છે.

   દીવો પરંપરાના (ભગવત્-તાના?) ઉજ્જ્વલ પ્રતીકરૂપે કૃતિમાં સ્વીકૃત છે. નવલકથાના આરંભમાં નાયકના અધ્યાસરૂપે એને ઓલવી નાખવાની ઘટના શૈશવની સ્મૃતિ તરીકે આવે છે. પણ આ પરિચ્છેદ પૂર્વે પ્રથમ પ્રકરણ જેવા ખંડના અંતે જડ પરંપરાગ્રસ્ત મહેશભાઈને લેખકે જે રીતે પ્રસ્તુત કર્યા છે ત્યાં ફૂંકનો ઉલ્લેખ જોઈએ :
   મહેશભાઈ બોલ્યે ગયા અને નીલકંઠ અન્યમનસ્કપણે, એમની વાતનો એક શબ્દ પણ પામ્યા વિના એમની સામે જોઈ રહ્યો – એમના પહોળા નાકની આસપાસ તપખીરના રજકણો બાઝેલા હતા. નીલકંઠને રમૂજી વિચાર આવ્યો. એને થયું : 'લાવ, મહેશભાઈના નાક ઉપર જોરથી ફૂંક મારી આ બધી તપખીર ઉડાડી દઉં.’

   મહેશભાઈ પોતાની પરંપરા (tradition) પરત્વે અભાન જ નહીં, તદ્દન અસંવેદનશીલ છે. અપ્રશ્નભાવે સ્વીકૃતિ તેમના સંવેદનજાડ્યની સૂચના આપે છે. જોરથી ફૂંક મારી તપખીર ઉડાડી દેવાનો નાયકને આવેલા રમૂજી વિચાર kinaesthetic imagery - ગતિસંવેદિત કલ્પનનું ઉદાહરણ છે જ પણ નીલકંઠની અવચેતનામાં, સુધારણા માટે રહેલી પ્રબળ આક્રમણશીલતાનો સરસ સંકેત આપે છે. તપખીરને ફૂંકથી ઉડાડી મેલવાની માનસક્રિયાની સાથે બાલ્યમાં દીવો ઓલવવા માટે મારેલી ફૂંકની સહોપલબ્ધિ કરાવવાની યોજના ગુરુચાંડાલ દોષ તરીકે નહિ, પણ ગુણરૂપે અહીં આવે છે.

   પૃ.૨૪ ઉપર ફરી-જાણે કે પવનની ફૂંકથી- નવરાત્રિનો અખંડ દીવો ઓલવાતો વર્ણવાયો છે, આ રીતે :
   જોયું તો દીવો ઓલવાઈ ગયેલો. બા તો ત્યાં જ ઢળી પડી; ઘરમાં જાણે કોકનું મરણ થયું હોય એમ આક્રંદ કરવા લાગી.
   કથાના અંતે શિવશંકરનું નિધન આવવાનું છે એના રચનાગત સંદર્ભમાં “ઓલવાવાનું” આગાહીસૂચક બની રહે છે. મૃત્યુ સાથે દીવો ઓલવાઈ જવાની ક્રિયા. એની પ્રતીકક્ષમતા ઘણી બધીવાર ખરચાઈ ચૂકેલી હોવાથી પ્રથમ નજરે રેઢિયાળ જ દીસે પણ રચનામાં એનો ઉપયોગ સંદર્ભને ઉપકારક નીવડી વાતાવરણને સાક્ષાત્ કરાવવામાં નિષ્ફળ ન બનતો હોય ત્યારે શિદ્ધ પ્રતિષ્ઠિત પ્રતીક પણ, કર્તાની યોજનાને કારણે કલેશકર નથી નીવડતું. નીલકંઠની માને ઊંઘ ચડી ગઈ તેથી ‘ગુનો થયો’ એમ કબૂલે છે ત્યાં લેખકે નીલકંઠના બાપુ જાગ્યાની નોંધ લીધી છે એ સંકેત સાચે જ સાર્થક છે.

   પેઢીઉતાર પરંપરાની સાર્થકતા - વધુ તો નિરર્થકતા માટે નાયક સાશંક છે. પત્ની નીરા નથી. નીરાને પણ ફૂંક મારવાનો ભાવ ઊપડે છે તે જુઓ :
   અને આજે એ ચશ્માંના કાચમાં ક્ષીણ થયે જતી જ્યોતનું પ્રતિબિંબ થિરકતું (લેખકને ગમતું ક્રિયાપદ !) હતું અને એની પાછળ નીલકંઠની આંખો ઢંકાઈ ગઈ હતી... નીરા સહેજ પાછળ હઠી ગઈ. તેને થયું: તે ફૂંક મારીને આરતીના દીપ હોલવી નાખે, શ્રદ્ધાના ઉજાસ કરતાં અશ્રદ્ધાનો અંધકાર વધારે આત્મીય હતો, નહીં?

   આ અગાઉ, ચશ્માં નીલકંઠની ‘બુદ્ધિજીવિતાનાં પ્રતીક’ હતાં એવું લેખકે ફોડ પાડીને પરંપરાગત લેખનની પદ્ધતિએ ના કહી દીધું હોત તો ચાલત, પણ ત્યાર પછી આવતું ઉપરનું ફૂંકનું વર્ણન, નીરા દીવો ઓલવીનેય જ્ઞાનાંજનશલાકાનું કામ કરતી, તે દર્શાવવામાં આવ્યું છે. દીપક પ્રજ્વલિત કરીને જ્ઞાનાંજનની પ્રક્રિયાનું અહીં, હોલવવાની ક્રિયા દ્વારા, સરસ વિપરીતીકરણ સધાયેલુ જોઈ શકાશે. નીરાને તો “અશ્રદ્ધાનો અંધકાર વધારે આત્મીય” હોઈ શકે. નીલકંઠનું શું છે ?

   સુરાના બાપદાદાના પૂજનીય શંકર મંદિરમાં જ્યારે નીલકંઠ શિવલિંગ પર ટપકતી જળાધારીનો એકધારો ધ્વનિ સાંભળતો હોય છે ત્યાર બાદ સુરેશ જોષીની શૈલીએ કવિતાના અસ્તરવાળો એક સૂચક પરિચ્છેદ આવ્યો છે. નાયક કહે છે એમ, “મને આકાશ સામે જોઈ રહેતાં થાક લાગ્યો છે." પરંપરાની પકડમાં પુરાયેલી, કુંઠિત આધુનિક ચેતનાને આકાશ કોઈક પરમતત્વના નિવાસસ્થાન કરતાં સંદર્ભવિહીન અતાગ શૂન્યતાનો પર્યાય પ્રતીત થાય છે. માટે તો તે મનોમન બોલે છે :
   મને હવે શુદ્ધ અંધકારની અપેક્ષા છે. ક્યાં મળશે શુદ્ધ અંધકાર ? – જે બળબળતા સૂરજના સ્પર્શે પણ મહોરી ના ઊઠે !

   ગતાનુગતિક વિરોધમાં સક્રિયતા શુષ્ક થઈ જાય છે અને અગતિકતા, રોમાન્ટિક અકર્મણ્યતા જ ઈપ્સિતનું અહીં રૂપ લે છે. નીલકંઠને ભૂતકાળ વાગોળવો ગમે છે એ એની ભાવસ્થિત પશુકોટિ છે એમ કોઈ ઘટાવે, પણ વ્યતીત ‘બેડી છે કે ફૂલમાળા ?’ એનો જવાબ નિશ્ચિત કરી, અંકે કરી નિશ્ચિત્ત થવા પ્રવૃત્ત ચેતનાની માનવીય દ્વિધા સ્વયં ફલપ્રદ છે.

   અંતમાં નાયકને કર્તાએ પણ ત્રણ ત્રણ સ્વપ્નોનો શિકાર બનાવ્યો હોય એમ લાગે છે. સંરચનાને બદલે એ ગોઠવણી જેવું વધુ અનુભવાયું. જે છે તે રૂપમાં પ્રથમ સ્વપ્નાનું ચામાચીડિયું પરમ્પરિણ રૂઢ દૃઢ સંસ્કારોના અભ્યાસપુંજને ઘોષિત કરે છે. નાયકના “પગ વારંવાર છાણથી ખરડાતા હતા. ચામાચીડિયું એના અસ્તિત્વ સાથે જડઈ ગયું હોય એમ એના માથા પર ચકરાતું હતું. તેણે ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ન નીકળ્યો. ઠોકર વાગતાં તે ગબડી પડ્યો. સુકાઈ ગયેલી વાવના કઠણ તળિયા સાથે તે ભટક્યો....
   “તે ફાટી આંખે આરતીના દીવા ભણી તાકી રહ્યો. પછી એણે જોરથી ફૂંક મારી, પણ આરતીના દીપકો ઓલવાયા નહિ, એણે બધું બળ એકઠું કરીને ફૂંક લગાવી, પણ આરતી તો વધારે પ્રજ્વલિત બની. તે ફૂંક માર્યે ગયો, છતાં આરતી અખંડ રહી. ફૂંકો મારીમારીને તે થાકી ગયો અને મંદિરની ફરસ પર ફસડાઈ પડ્યો.....”

   કૃતિના આરંભે નાના નીલકંઠની માએ જાગ્રત દશામાં પાપભાવના (sense of sin)ને નિષેધ દ્વારા દમી હતી એને અહીં પુત્ર સ્વપ્નમાં ‘અજીઠો શ્વાસ’ અડકાડી દોષ આચરી પુખ્તતા સિદ્ધ કરવા મથે છે અને કરુણ રીતે નિષ્ફળ નીવડે છે. પરંપરાના ભાજનરૂપ આરતીને ફૂંકથી ઓલવી શકાતી નથી તે તથ્યના કથાગત પ્રસ્તુતીકરણ આગળ એક વાક્ય પણ આગળ લખવાની કોઈ રચનાગત જરૂરિયાત નહોતી. શિવશંકરના અવસાનની ઘટનાનો આઘાત અન્ય રીતિવિધિથી પણ અર્પી શકાયો હોત. તેમ છતાં કર્તા ઈતિસિદ્ધમ-શો અંત આણીને જ જંપે છે.

   ફૂંકનો કાઈનેસ્થેટિક ભાવકલ્પન તરીકેનો વિનિયોગ કૃતિનો અંત– ઉપર આપેલા વર્ણન આગળ પરિસમાપ્તિ હોત તો દીવો-ફૂંકની ઘટના બોલકી (blatant) બનવાને બદલે સમસ્યા (engima)નું આછેરું રહસ્યરૂપ ધારણ કરત.

   જેવો છે તેવો લઘુનવલનો અંત મૃત્યુંજય મંત્રના સમૂહસૂરના અનાહત નાદ-આવર્તનો આગળ લવાય છે, ત્યાં ત્યારે વૈયક્તિક અધ્યાસ મને તો દ્રવીભૂત કરી ગયો. સત્યજિત રાયના ‘અપરાજિત'માં અપૂની માતાના અવસાન પૂર્વેની ક્ષણોના દૃશ્યાંકન વેળા દૂર આછી ઝાંખી ઝાડીમાં વૃક્ષોના નિબિડ તમસમાં દીવાઆરતીની અલપઝલપ ઝાંખી કરાવી, પાર્શ્વભૂમિકામાં આરતીનું સંગીત બજાવી સૌન્દર્યની રહસ્યાત્મકતા સાક્ષાત કરાવી ગયેલું. અહીં એવો સંયમ અને કલાત્મક અનિવાર્યતા ઊભી કરી આપી શકાઈ હોત તો ?

   છેવટે ટપાલી, પિતાના નિધનનો તાર આપી જાય છે એ પહેલાં નાયકે એકાએક જાગીને ‘સ્વિચ ઑન' કરી દીવો કર્યો છે, ટપાલીના ટકોરા અને નામોચ્ચારથી તે બારણું ખોલે છે અને વર્ણન છે : તેણે ધીમેથી દ્વાર ઉઘાડ્યું, અંદરની બત્તીનું અજવાળું બહારના અંધકારને ધક્કો મારી પાડી નાખતું રેલાયું. આવી જ રીતે નીલકંઠ નીરાના બંગલાના કમ્પાઉન્ડમાં ગયો હતો ત્યારે (સમીર સાથેના સંવાદમાં આ કૂતરો નીરાના “અભિમાનના પ્રતીક” તરીકે અતિ સ્પષ્ટપણે ઉલ્લેખાયો છે) એની પાછળ પડતાં નીલકંઠને અનુભવ થાય છે: પડછાયાને તે ધકેલતો નહોતો, પડછાયો તેને હડસેલતો હતો. ઉક્ત ‘ધક્કા' અને ‘હડસેલા'માં જોઈતા સ્નાયવિક પ્રયત્નના કલ્પનાત્મક નિરૂપણની યોજના રસપ્રદ છે. (જે નાયક પડછાયાથી હડસેલાતો હતો એના ઓરડાનું અજવાળું બહારના અંધકારને ધક્કો મારી પાડી નાખવામાં સફળ થાય છે ને રેલાય છે !) આવી કલાત્મક યોજનાને લીધે ‘સમયદ્વીપ’માં ભગવતીકુમારે પ્રકટાવેલી આરતીને આછી ફૂંકથી બુઝાવી શકાય એમ નથી. એકમાંથી અનેક દીપમાલા આમ પ્રકટતી રહે એવી શુભેચ્છા.
* * *


0 comments


Leave comment