3 - અભ્યાસલેખ : ૩ / ‘સમયદ્વીપ'નો સંઘર્ષ / નીતિન વડગામા
આધુનિકતાવાદી આંદોલનના ઓછાયા ઝીલતી અદ્યતન નવલકથાઓમાં પરંપરિત નવલકથાની અપેક્ષાએ પ્રબળ પરિવર્તનપામી શકાય. નવ્યધારાના નવલકથાકારોને યુગબોધ કે મૂલ્યબોધ માત્રમાં રસ રહ્યો નથી જણાતો. સમષ્ટિની સહાનુભૂતિ ઓસરી જતાં હવે વ્યક્તિના અંગત સવાલોની માવજત વાચાળ બનતી જણાય છે. ટેકનિકના નોખા-નિરાળા પ્રયોગો દ્વારા આકારના આગવા અભિનિવેશની ખોજ, ભાષાના વિશિષ્ટ વિનિયોગનો વ્યામોહ કે અસ્તિત્વના અતિ સૂક્ષ્મ સ્તરને ઉઘાડા પાડવાનો ઉદ્યમ - આ બધું જ નવ્ય નવલકથાકારોનું લક્ષ્ય બને છે.
કેવળ જગત સાથે જ નહીં, જાત સાથે પણ સંઘર્ષ અનુભવતો માણસ; દિન-પ્રતિદિન જટિલ બનતા જતા જીવનમાં શ્વાસ લેતો અને સ્વ સાથે દ્વન્દ્વ કે દ્વિધામાં ઊતરતો માણસ; અભિપ્સિત ફળપ્રાપ્તિ માટે ફાંફાં મારતો માણસ કે વિકટ પરિસ્થિતિ સાથે ઝૂઝતો-ઝઝૂમતો અને ‘કંઈક માર્ગ મળશે’ એવી માન્યતાનું તરણું લઈને જીવતો માણસ, મોટા ભાગે આજની નવલકથાનો વર્ણ્ય વિષય બન્યો છે. ભગવતીકુમાર શર્માની લઘુનવલ ‘સમયદ્વીપ’ને પણ પ્રયોગશીલ સર્જનની પંગતમાં બેસાડી શકીએ. કૃતિ અંતર્ગત અનેકાનેક આસ્વાદ્ય સ્થાનો હોવા ઉપરાંત પાત્રોને વિવિધ અવસ્થિતિમાં અનુભવાતો આંતર-બાહ્ય તનાવ, સૂક્ષ્મ-સ્થૂળ સંઘર્ષ પણ કૃતિને કમનીય બનાવવામાં વિધાયક નીવડે છે.
આમ જોવા જઈએ તો વાર્તાતત્ત્વ નજીવી માત્રામાં જ હાથ લાગે. ગળથૂથીમાં જ રૂઢ બ્રાહ્મણ સંસ્કારો પામેલો કથાનાયક નીલકંઠ, સુરા જેવા અવિકસિત ગામમાંથી મુંબઈ જેવા મહાનગરમાં આવી ભદ્ર કુટુંબની કન્યાનીરા જોડે લગ્ન કરે, ને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સુરા આવી ખટમીઠા પ્રત્યાઘાતો પામી પુનઃ મુંબઈ આવે. કહી શકાય કે, સમયનાં બે પરિમાણમાંથી પસાર થતાં પાત્રોના તનાવની તીક્ષ્ણતા અહીં કલામય ઘાટ પામી છે.
કથાનાયક નીલકંઠના અંતરમાં ચાલતાં સૂક્ષ્મ સંચલનો કલાત્મક કોટિનાં બની શક્યાં છે. શુદ્ધ અને સાત્ત્વિક એવા બ્રાહ્મણકુળમાં જન્મેલો-ઊછરેલો નીલકંઠ મુંબઈમાં આવી એજ્યુકેટેડ પરન્તુ અબ્રાહ્મણ કન્યા નીરા સાથે લગ્ન કરે, પરંપરાના પૂજક ચુસ્ત બ્રાહ્મણ શિવશંકરના પુત્ર ‘નીલકંઠ'ની નીરાના ‘નીલ’માં પરિણતિ થાય, દર વર્ષે મહાશિવરાત્રિએ સુરા આવતો નીલકંઠ નીરા સાથેના સાહચર્ય પછી ત્રણ ત્રણ વર્ષ સુધી વતનમાં ન જાય, જવાની હિંમત ન થાય, નીરાના હઠાગ્રહથી આ શિવરાત્રિએ ત્યાં જવાનું સ્વીકારે, ગોત્ર અને જ્ઞાતિ બહાર લગ્ન કરવાને કારણે દેહશુદ્ધિ કરવાની વાત આવે, સ્વીકારે, પરન્તુ દેહશુદ્ધિ કરીને પ્રાયશ્ચિત્ત કરવાનું સ્વીકાર્યા પછીનું નીલકંઠનું મનોદ્વન્દ્ર માન ઉપજાવે તેવું છે. પિતાની વાતનો સ્વીકાર કરે, તો નીરાના અણગમા અને અકળામણનો ભોગ બને, ઇન્કાર કરે તો પિતાના ત્રીજા નેત્રની પ્રસાદી પામવી પડે, આમ ‘આઉટ-ઓફ-ડેઈટ' રિવાજો કે માન્યતાઓથી મુક્ત થઈ શકતો નથી તો પિતાના આદેશનો સહર્ષ સ્વીકાર કરતા પણ સંકોચ અનુભવે, અંતે એડજસ્ટ થવા માટે આદેશને અનુસરે પણ ખરો. પણ વાત આટલેથી જ અટકતી નથી. રજસ્વલા થયેલી નીરા બે દિવસથી કોઈને પણ જાણ કર્યા વિના બધું અભડાવે એ વેણીશંકર પુરોહિતની પેઢીના તમામ સભ્યોને મન અક્ષમ્ય અપરાધ ગણાય, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે એવું માનનાર પિતા શિવશંકર, નીલકંઠ ને નીરાને મુંબઈ ચાલ્યા જવાનું સ્પષ્ટ શબ્દોમાં કહે, સ્વમાની નીરા ત્યાંથી ચાલી નીકળવા ત્વરિત તૈયાર થઈ જાય, પરંતુ દ્વિધાગ્રસ્ત નીલકંઠ સ્વમાનને નેવે મૂકી પિતાની માફી માગી સમાધાન સ્વીકારવાનું વિચારે, નીકળી પડવાના આત્યંતિક નિર્ણય ઉપર આવીને નીરા બૅગ તૈયાર કરે, જ્યારે નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવતાં પહેલાં અનેક પછડાટો ખાતાં નીલકંઠનો સૂક્ષ્મ સંઘર્ષ સહાનુભૂતિ જન્માવી જાય છે. તો અંતે ગામલોકોના વિસ્મય વચ્ચે અનિચ્છાએ પણ નીરાની પાછળ ઢસડાતા જતા નીલકંઠના મનોમંથનની માત્રા પણ ઓછી નથી. જે માટીમાં પોતે જન્મ્યો, ઊછર્યો એ માટીની માયાથી આસક્ત નીલકંઠ હજુ પાછા વળી જવા વિચારે, એના મનના કોઈ અગોચર ખૂણામાંથી અવાજપણ આવે - “ભલે એ એકલી ચાલી જતી તું અહીં રહી જા. તારું તો આ વતન છે. નીરાની ચિંતા કર્યા વિના તારા બા-બાપુજીની માફી માગી લે…” પણ નીલકંઠ આ અવાજને આવકારી ન શકે અને ભારે હાથે ગામ છોડે, સમયના વજનનું વહન કરી પ્રવાસ પૂરો કરે. આવા ‘સંસ્કારમૂલ્ય’ના સંઘર્ષને પરિણામે નીલકંઠ-નીરાનો સંબંધ વિચ્છિન્ન બને, જુગુપ્સાજનક ત્રણ સ્વપ્નો નિહાળે અને સ્વપ્નના અવશેષમાંથી ઊગરે ત્યાં પોસ્ટમેન, પિતાના મૃત્યુનો તાર આપી જાય.
પ્રાચીન અને અર્વાચીન સંસ્કારની વચ્ચે કે ‘શ્રદ્ધાના આકાશ અને અશ્રદ્ધાના પાતાળ' વચ્ચે વહેંચાયેલો નીલકંઠ, સંઘર્ષનો સામા પૂરે સામનો કરે છે. મુંબઈમાં આવ્યા છતાં સુરાના શૈશવનાં સંભારણાંને સ્મૃતિવટો દઈ શકતો નથી, અતીત સાથેના અનુબંધથી અળગો થઈ શકતો નથી. એમ કહીએ કે, નીલકંઠનો એક પગ અતીતમાં છે, બીજો સામ્પ્રતમાં. નીલકંઠનો ભૂતકાળ વર્તમાન સાથે વિરોધાયા કરે છે, પડઘાયા કરે છે. ભૂતકાળને ‘બેડી સમો કે ફૂલની માળા સમો' માનવો એમાં દ્વિઘાતો કે તનાવની તીક્ષ્ણતામાંથી સાદ્યંત પસાર થતો નીલકંઠ નિહાળીએ ત્યારે અવશ્ય કહી શકીએ કે, નીલકંઠની ભાવદશાને પામવામાં એને અનુભવાતો સ્થૂળ-સૂક્ષ્મ સંઘર્ષ જ સવિશેષ સહાયક નીવડે છે.
સુરા જેવા નાનકડા ગ્રામજીવનની સીમિત ક્ષિતિજોને અતિક્રમી મહાનગરની વિસ્તીર્ણ ક્ષિતિજોમાં પ્રવેશ પામતા નીલકંઠના સંક્રાન્તિકાળના સંઘર્ષથી કે નીલકંઠના સ્વ સાથેના સંઘર્ષથી થતી રૂપનિર્મિતિ પણ નિહાળવા જેવી છે - હોટેલમાં ચા પી શકાય એ નીલકંઠને મન કલ્પનાતીત ઘટના છે. અલબત્ત, નીલકંઠ પરિસ્થિતિ સાથે અનુકૂલન સહજરૂપે સાધી શકે છે. રાંધેલી રસોઈ એંઠી ગણાય કે ઓતમચંદ વાણિયાએ આપેલું બજારનું બિસ્કૂટ ખાવાથી પણ ભ્રષ્ટ થઈ જવાય એવું માનતા શિવશંકર પુરોહિતનો પુત્ર નીલકંઠ, મુંબઈમાં આવી ‘ગેલૉર્ડ, ઉજાલા કે નટરાજમાં એસ્પ્રોસો કૉફી પીતો કે બિરિયાની કે એગ કરી ખાતો’ જોઈ શકાય છે; નિરર્થક લાગતા ધાર્મિક અભિનિવેશને પણ અનુસરતો કે ખભા પર જનોઈ નાખી અને પીતામ્બર પહેરી પથ્થરના પોઠિયાની પૂજા કરતો સુરા ગામનો નીલકંઠ, મુંબઈ જેવા મહાનગરમાં આવતાં સાર્ત્ર, કામૂ અને ફ્રોઈડની ચર્ચા કરતો કે ઈટાલિયન, ચેકોસ્લોવાક કે જપાનીસ ફિલ્મોની આર્ટસન્સની સમીક્ષા કરતો પણ નિહાળી શકાય છે.
કહેવું હોય તો કહી શકાય કે નીલકંઠની પ્રકૃતિ લવચીક (Flexible) છે. અદ્યતન ફિલસૂફીનાં પુસ્તકો વાંચતો નીલ, વૈજ્ઞાનિક બુદ્ધિવાદની તરફેણ કરે છે, તો શિવશંકર પુરોહિતનો શ્રદ્ધાળુ પુત્ર નીલકંઠ, આરતીમાં-આકાશમાં આસ્થા ધરાવે છે; જે નીલકંઠનો શહેરી સ્વર વિદેશી કવિતાઓ, ફિલ્મી તરજો કે પોપ સોંગ્ઝ ગાય છે, એ જ નીલકંઠના ગ્રામીણ સ્વરમાંથી સહજરૂપે જ મંત્રોચ્ચાર સાંભળી શકાય છે. નીલકંઠ પોતે જ કબૂલે છે –
‘મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધાયે ગમે છે અને વૈજ્ઞાનિક પૃથ્થકરણને જ સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું.” (પૃ. ૧૦૮)
આ લવચીકતા (Flexibility) નો નીરાના સ્વભાવમાં સદંતર અભાવ હોઈ નીલકંઠ-નીરાનાં વિભિન્ન વિચાર-વલણોનો વિરોધાભાસ મુખરિત-બોલકો બને છે. વિરક્તેશ્વર મહાદેવના મંદિરમાં શ્રદ્ધાના શ્વાસ લેતો નીલકંઠ, નીરા પાસે આરતીની થાળી લાવી આશકા લેવાની આજીજી કરે, પણ આજીજીના ઉત્તરરૂપે ઉપેક્ષા કે અવહેલના જ મળે, આરતી અને આશકાનો ઇન્કાર કરતી ‘આઈ એમ સોરી નીલ !’ કહેતી નીરાને ‘શ્રદ્ધાના ઉજાસ કરતાં અશ્રદ્ધાનો અંધકાર’ વધારે આત્મીય જણાય, નીલકંઠનો આરતી સમેત લંબાયેલો હાથ કણસતો રહી જાય. નીલકંઠને પોતાનો નહીં, આરતીનો આવો ઉઘાડો અનાદર અસહ્ય થઈ પડે, આ પૂજાઅર્ચનાને પિતાજીનો વ્યવસાય માની બેઠેલી નીરાનો ભ્રમ ભાંગવા નીલકંઠ, વાંઝણી દલીલો કરે અને ‘પિતાજીને માટે આ મંદિર એક સર્વોચ્ચ અને શાશ્વત મૂલ્ય છે’ એવું ઠસાવવાના પોકળ પ્રયત્ન કરે, પરંતુ નીરા પ્રબળ વિરોધ નોંધાવે –
‘વ્યક્તિએ વ્યક્તિએ મૂલ્યો જુદાં હોવાનાં નીલ!’
‘હા, અને એટલે જ જેમ આપણે આપણાં મૂલ્યનો તેમ બીજાનાં મૂલ્યનો એ વિવેક જાળવવો જોઈએ.'
‘હું સંમત નથી થતી. મૂલ્યો વિશે સમાધાન સંભવે જ નહીં. હું તારાં મૂલ્યોનો સ્વીકાર કરું છું એનો અર્થ જ એ કે હું મારા જીવનમૂલ્યનો ત્યાગ કરું છું. એક મ્યાનમાં બે તલવારો ન રહી શકે, નીલ !... (પૃ. ૭૦)
અન્ય કેટલાંક સ્થળે પણ નીરા-નીલકંઠ વચ્ચેનો સંઘર્ષ બાહ્ય રૂપ ધારણ કરે છે. પિતાની આસ્થા ઉપર પ્રહાર કરી આઘાત આપવા કરતાં થોડા દિવસ પૂરતાં પણ પોતાના વિચારો પરિવર્તિત કરી અનુકૂળ થઈ જવાના મતનો નીલકંઠ છે, પિતા પોતે જેને ધર્મ માને છે અને પ્રાણ ત્યજશે ત્યાં સુધી નહીં છોડે એમ સમજે પણ છે. પરંતુ મક્કમ મતની નીરાનો સવાલ છે –
‘ક્યો ધર્મ? આ મેલાં અબોટિયાં અને જડ મૂર્તિઓમાં પુરાઈ રહેલો?'
‘ના, એ અબોટિયાં અને મૂર્તિઓ તો પ્રતીક છે.’
‘શેના પ્રતીક ?'
‘સંયમભર્યા, સાદા, નિષ્ઠાપૂર્ણ જીવનનાં.'
‘ભલે, પણ તેથી આપણે આપણાં Convictions બદલવાની, સગવડપૂર્વક એમને ગૌણ બનાવવાની શી જરૂર ? વૈજ્ઞાનિક પૃથક્કરણથી રૂઢ થયેલી મારી બુદ્ધિનું માર્ગદર્શન જ હું સ્વીકારીશ. આ તુચ્છતાઓને તાબે હું નહીં થાઉં.’ (પૃ. ૯૫)
નીલકંઠ-નીરાની રુચિ-અભિરુચિ પણ વિરોધાભાસી જણાયા વિના ન રહે. નીરાને કૉમિક્સ વાંચવાનું વ્યસન છે. ટારઝન, ફેન્ટમ, બૉન્ડ કે જાદુગર મેન્ડ્રેઈક એનાં પ્રિય પાત્રો છે, તો આ અતિ માનવોને નીલકંઠનો સ્વભાવ સત્કારતો નથી. એ તો વાસ્તવની ધરા પર અવતરતા આદમીને જ આવકારે છે.
નીલકંઠના પિતા શિવશંકરની મનોવેદનાની માવજત પણ કામયાબીપૂર્વક થયેલી જોઈ શકાય. ગામલોક જેને શંકરનો અવતાર સમજી પૂજે છે એ શિવશંકર, જેની આજીવન અર્ચના કરી છે એ શિવલિંગ પોતાના મૃત્યુ પછી અપૂજ રહેશે એવા વિચારે વ્યથિત છે. મહેશ અને નીલકંઠ મુંબઈ નિવાસી છે. જ્યારે એક પુત્ર ત્યાં હોવા છતાં મગજની અસ્થિરતાને કારણે શિવલિંગને ચંદનનો લેપ કરવા કે બીલીપત્રો ચડાવવા સમર્થ નથી. એટલે જ તો શિવશંકર ‘અપુત્ર કરોડાધિપતિ’ જેવી વેદના અનુભવે છે. ક્યારેક એકાંતમાં આંસુ વહાવતા તો ક્યારેક ઊંઘમાંથી ઝબકી ઊઠતા; ક્યારેક શિવલિંગની ભાવિ પૂજા વિશે દુ:સ્વપ્ન જોતા તો ક્યારેક ત્રણ-ચાર દિવસના ઉપવાસથી આત્મપીડન કરતા; ક્યારેક રાત-દિવસ મંદિરમાં જ રહી અષ્ટાધ્યાયી રુદ્રિ કર્યા કરતા તો વળી ક્યારેક ચિત્તભ્રમ પુત્રથી ચિંતિત થઈ નિઃસ્વાસ નાખી ‘शंकरेच्छा बलीयसी’ કહી મનનું સમાધાન કરતા શિવશંકર, ઉદ્વિગ્ન બની જાય ત્યારે તેમની મનોવેદના જાત સાથે જ કટોકટી સર્જતી જણાય.
કથાનાયિકા નીરા અને જયાભાભીના પરસ્પર વિરોધી વ્યક્તિત્વને પણ બાજુમાં મૂકી અવલોકવા જેવા છે. શ્વસુર ગૃહે આવીને ‘સુખ’ની વ્યાખ્યાથી પણ વિમુખ થઈ બેઠેલી જયાભાભીનો જીવનક્રમ એટલે ઘર અને મંદિરનું ઢગલાબંધ કામ. પાગલ પતિને તરછોડીને કોઈ સારા પુરુષનો સંગાથ લઈ લે એવી આ સ્ત્રી નથી, આ તો છે પાગલ, છતાં, પતિને પરમેશ્વર માની પૂજતી સ્ત્રી; વૈશાખની ધગધગતી ધૂળમાં ઉઘાડે પગે ગાંડા પતિની શોધમાં રઝળે, પોતાના હાથે પતિના મોમાં કોળિયા મૂકી પતિને પરિતૃપ્ત કરે, ત્યારે જયાભાભીના પ્રબળ પતિવ્રત્યની જ પ્રતીતિ થાય.
નીરાની વ્યક્તિત્વ-ભિન્નતા આપમેળે જ ઊકલી જાય છે. જેના સમગ્ર વ્યક્તિત્વમાં વીસમી સદીનો સ્પર્શ અનુભવાય છે એવી નીરા લેશ માત્ર નિ:સ્વાર્થી નથી. નીરા-નીલકંઠ દરિયાકાંઠે બેઠાં છે, ભરતી ચડવાની વેળાએ પણ નીલકંઠ ત્યાંથી ઊઠવાનું નામ નથી લેતો તો ‘તારે અહીં બેસવું હોય તો બેસી રહે, નીલ ! હું તો જાઉં છું.’ એમ કહેતાં પણ નીરા અચકાટ અનુભવતી નથી.
થીંગડાં દીધેલી સાડીથી દેહ ઢાંકતી તથા પતિવ્રત્યની પ્રતિમા સમી જયાભાભીની સાથે કમીઝ અને સલવારમાં સુસજ્જ તથા ‘ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી, નીલ !' કહેતી નીરાને તુલનાવવા જેવી છે ! સર્જક દ્વારા નીરાની બૅગમાં સૂઝપૂર્વક મુકાયેલું ‘The Waves' પુસ્તક પણ ‘શા'નું દ્યોતક છે? નીરા ‘The Waves' વાંચતી માત્ર નથી, અનુભવે પણ છે.
મુંબઈ અને સુરાનો સમાજ પણ સતત વિરોધાય છે. વાતાવરણની વિસંગતતા વર્ણવવા માટે સર્જકે આદરેલો પુરુષાર્થ પણ બહુધા ફળ્યો છે એમ કહી શકાય. એક બાજુ આછરેલાં નીર જેવું આખ્ખું આકાશ છે, મુક્ત રીતે ઊગી-ફૂટી નીકળેલાં વૃક્ષો છે, મોર- પોપટ-કોયલનો કર્ણપ્રિય કલરવ છે, મોગરાની કળી જેવું નિર્દોષ હાસ્ય છે; તો બીજી બાજુ છે મિલોનાં ભૂંગળામાંથી ઓકાતા ધુમાડા વડે કલુષિત થયેલું આકાશ, માળીની બીકે ઉદ્યાનમાં ઊગેલાં શિસ્તબદ્ધ વૃક્ષો, શહેરની સડકો પર દોડતાં પ્રમત્ત વાહનોનો કોલાહલ ને સાબુનાં ફીણ જેવું બનાવટી સ્મિત.
એક પક્ષે છે દેહશુદ્ધિ કરવા ગૌમૂત્ર પીતાં માણસો, મળ્યું એનાથી સંતોષનો શ્વાસ લેતાં માણસો, અજાણ્યાને પણ ઉમળકાભેર આવકાર આપતાં માણસો, ને સમયની મૂલ્યવત્તાથી અનભિજ્ઞ એવા કલાકોના કલાકો સ્નાન-સંધ્યામાં ગાળતાં-બગડતાં માણસો; તો સામે પક્ષે છે ફ્રેશ થવા સારુ શરાબના પ્યાલા ગટગટાવતાં માણસો, આત્મરત એવાં માણસાઈ વિનાનાં માણસો, ને સમયનું જતન કરતાં લેઈટેસ્ટ ડેવલપમેન્ટ્સની સમજ કેળવવા મથતાં ઇન્ટલેક્ચ્યુઅલ્સ માણસો.
પ્રસ્તુત લઘુનવલમાં સમયનાં બે પરિમાણની કે સમયનાં બે પરિમાણનું પ્રતિનિધિત્વ કરતી બે પેઢીની વાત વણાયેલી હોઈ પેઢીગત ભેદ – Generation gap - પણ નરી આંખે નિહાળી શકાય છે નીલકંઠના પિતા શિવશંકર, માતા ગૌરીબા અને જયાભાભી જૂની પેઢીનું બોલકું પ્રતિનિધિત્વ કરતાં જણાય છે. આ એક એવી પેઢી છે જ્યાં અંધશ્રદ્ધાનો અતિરેક અનુભવાય છે, જ્યાં પતિનું નામ લેવાથી પતિની આવરદા ઘટે કે ઠાકોરજીનો દીવો ફૂંક મારીને ન ઓલવાય એવી માન્યતા ઘર કરી બેઠી છે. જયાં આંતરજ્ઞાતીય લગ્નની કલ્પના જ અસહ્ય થઈ પડે છે, તો નવી પેઢીનો નખશિખ પ્રતિનિધિત્વરૂપ બની રહે છે Sophisticated Society માંથી આવતી અલ્લડ અને આખાબોલી નીરા. ઉપરાંત એડવર્ટાઈઝિંગ એજન્સીની ઑફિસના મૅનેજર કુલકર્ણી, કેબ્રેડાન્સર બનવાના કોડમાં રાચતી રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો કે નીલકંઠની મદદનીશ મિસિસ રોમા સંઘવી – આ સર્વને પણ આ નવી પેઢીની પંગતમાં મૂકી શકીએ.
પાત્રના મનોજગતમાં વ્યાપ્ત તુમુલ મનોમંથન, આંતર સંઘર્ષની બાહ્ય ઘર્ષણમાં પરિણતિ, વિભિન્ન વ્યક્તિ-પેઢી વચ્ચેનો વિરોધાભાસ કે પરસ્પર વિરોધી બે પ્રદેશો વચ્ચેનો તનાવ – આ બધાં પાસેથી સર્જક ધાર્યું કામ કઢાવે છે. સર્જકના ‘શ્વાસોચ્છવાસ'થી સમ્પૃક્ત કૃતિ કમનીય કલાઘાટ ન પામે તો જ નવાઈ. અહીં થયેલા સાહજિક રૂપનિર્માણમાં ઉપકારક એવી સર્જકની સર્વશક્તિની સજ્જતા, પ્રસંગ-પરિસ્થિતિના નિભાવ માટે પસંદ કરાયેલી પાત્રસૃષ્ટિ કે કાવ્યાત્મક ગદ્ય સર્જવાના અભરખાને અતિક્રમી જતું ભાવાત્મક કે સંઘર્ષને સમુચિત સઘન ગદ્ય – આ સૌને કારણે ભગવતીકુમારની સર્જકતાને હાંફ ચડતો નથી, તો સંઘર્ષનાં નિરૂપણ-નિયોજન કે માવજતને કારણે પણ કૃતિની આસ્વાદક્ષમતામાં ઉમેરો થાય છે અવશ્ય.
* * *
0 comments
Leave comment