4 - અભ્યાસલેખ : ૪ / સમયદ્વીપ / ઋજુતા ગાંધી


   ૧૯૭૪માં પ્રગટ થયેલી “સમયદ્વીપ” નવલકથાએ ગુજરાતી નવલકથા સાહિત્યવિશ્વમાં સવિશેષ સૌનું ધ્યાન ખેંચ્યું.
   રાધેશ્યામ શર્મા, રઘુવીર ચૌધરી, નટવરસિંહ પરમાર, વિનાયક રાવલ, પ્રમોદકુમાર પટેલ, રમણલાલ જોશી – જેવા અનેક વિવેચકોએ આ નવલકથા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વળી, જે સમયમાં ‘નવલકથા’અને ‘લઘુનવલ’વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા ચર્ચતી તાત્વિકચર્ચાઓ સૂક્ષ્મ સંવિધાનકલાને સંદર્ભે થવા માંડેલી, તે જમાનામાં ભગવતીકુમાર શર્માની મહત્વાકાંક્ષી નવલકથા “સમયદ્વીપ” પ્રગટ થઈ, જેથી આ નવલકથા સંદર્ભે પણ ચર્ચા થયેલી. જો કે, એનું સ્વરૂપલક્ષી વિશદ્ વિવેચન ભાગ્યે જ થયું છે. પ્રમોદકુમાર પટેલ, વિનાયક રાવલે એમના વિવેચન લેખોમાં આ વિશે વિશદ્ ચર્ચા કરી છે. પ્રમોદકુમાર પટેલે એનો નવલકથા તરીકે સ્વીકાર કર્યો છે, તો વિનાયક રાવલ પણ એને નવલકથા ગણવાં જ પ્રેરાયા છે. ભગવતીકુમાર શર્માએ “સમયદ્વીપ”ના નિવેદનમાં એને લઘુનવલતરીકે જ ઓળખાવી છે. પરંતુ આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. નટવરસિંહ પરમારે “સમયનો લય” શીર્ષકના લેખમાં કૃતિની નવલકથામાં ગણના કરીને અવલોકના કરી છે. ડૉ. નરેશ વેદ “સમયદ્વીપ”ને “સમસ્યાકથા” કહીને નિર્દેશે છે.

ડૉ. પ્રમોદકુમાર પટેલે નવલકથા અને લઘુનવલનો સૂક્ષ્મભેદ સૂચવતાં યોગ્ય રીતે જ એને “લઘુનવલ અને નવલકથા વચ્ચેની સરહદ પર ક્યાંક ઉભી” હોવાનું કહીને એ વિવાદાસ્પદ હજીય ઊંડી ચર્ચાવિચારણા, ગવેષણાચર્ચા ખમી શકે તેવો મુદ્દો સ્પષ્ટ કર્યો છે ઓછાં પાનાં – નાનું ફલક છતાં વિનાયક રાવલ પણ એને પૂરેપૂરા અર્થમાં ‘લઘુનવલ’સંજ્ઞા આપવા તૈયારનથી. (જૂઓ “પરબ” – એપ્રિલ - મે ૧૯૮૫, પૃ. ૪૫)

“સમયદ્વીપ” સૈદ્ધાંતિક કે વિભાવનાત્મક રીતે બેઉ સ્વરૂપવચ્ચેનો બારીક ભેદ સમજવા અને સ્પષ્ટ કરવા અવશ્ય મદદરૂપ થાય તેવી લઘુનવલ,નવલકથાની સરહદે ઊભેલી વિલક્ષણ સ્વરૂપની કૃતિ છે, એમાં શું છે વસ્તુત: એમાં લઘુનવલ કરતાં નવલકથાના વધારે વ્યાપક અને સૂક્ષ્મ અંશો પ્રગટ થયેલાં પ્રતીત થવાનો સંભવ છે. એ સંભવિત છે કે, સર્જક લેખે ભગવતીકુમાર શર્મા માટે એ સ્વરૂપભેદ પામવાનું અનિવાર્ય નથી સર્જન સમયે એમણે લઘુનવલ સર્જવાનો ઉપક્રમ સ્વીકાર્યો હોય પરંતુલઘુનવલના કેટલાંક સ્થૂળ લક્ષણો જ તેઓ એમાં સિદ્ધ કરી શક્યા હોય સંભવિત છે : ને પછી પાનાં કે ફલકને હિસાબે એની ગણના ‘લઘુનવલ’કરી હોય એ પણ સંભવિત છે.

‘આરતી અને અંગારા’થી આરંભીને ‘અસૂર્યલોક’સુધીમાં જો કોઈ સૌથી ઓછા પાનાંની નાની, નાજુક નમણી કૃતિ હોય તો તે એકમાત્ર ‘સમયદ્વીપ’છે : જે ભગવતીકુમાર શર્માની નવલકથાની ઘણીખરી મર્યાદાઓથી – કવેતાઈ – મેદસ્વિતા પ્રસ્તાર, શિથિલતા, પ્રગટ ચિંતન સિનેમાશૈલી, બોલકી રજૂઆત, આકસ્મિક કાકતાલીય પ્રસંગો - વગેરેથી ‘સમયદ્વીપ’લગભગ મુક્ત રહી શકી છે. આટલા નાનકડા ફલક ઉપર લાઘવ અને ધ્વનિથી ઓછામાં ઓછા પાનાઓમાં જરૂરી તેટલાં જ પાત્રો દ્વારા ગ્રામજીવન અને શહેરીજીવનના અતીત - અનાગતને Juxtapose - કરીને બારીક નકશીદાર કલાકર્મના પ્રયાસ સાથે જો કોઈ નવલકથામાં આલેખન થયું હોય તો તે ‘સમયદ્વીપ’માં થયેલું જણાય છે, તે જોતાં ‘સમયદ્વીપ’ને લઘુનવલના કેટલાંક અંશો પ્રગટ કરતી લેખકની એક ગણનાપાત્ર નવલકથા ચોક્કસ ગણી શકાય.

‘સમયદ્વીપ’ નવલકથા કે લઘુનવલ ? એ પ્રશ્નના સંદર્ભમાં એ મુદ્દો ધ્યાનમાં રહે છે, ભલે લેખક પોતે એને લઘુનવલ તરીકે ઓળખાવે પ્રસ્તાવનાલેખક એને નવલકથા કહે, ઉપરાંત પ્રમોદકુમાર પટેલ જેવી અભ્યાસનિષ્ઠ, વિવેચક એને ‘લઘુનવલ’ કે નવલકથા વચ્ચેની સરહદ પર ક્યાંક ઊભેલી કૃતિ કહે - પરંતુ એક વાત સિદ્ધ થાય છે, મધ્યમાર્ગી સર્જકતરીકે પ્રસ્થાપિત થયેલા ભગવતીકુમાર શર્મા નવલના સ્વરૂપમાં પણ મધ્યમમાર્ગી જ રહે છે. કાં તો સમયના દ્વીપ પર ઊભેલા નાયક નીલકંઠની જેમ આ સર્જક પણ લઘુનવલ - નવલકથાના દ્રીપ ઉપર રહીને “સમયદ્વીપ” રચી છે. “સમયદ્વીપ”માં નવલકથાના અંશો જોતાં સર્જકનો મધ્યમમાર્ગ આપોઆપ સમજાય તેમ છે.


વસ્તુવિન્યાસ :


જૂની - નવી પેઢી, જૂની-નવી વિચારસરણી, પ્રાચીન અદ્યતન જીવનશૈલી અને જૂના-નવાં જીવનમૂલ્યો - આ પ્રાચીન અને અદ્યતન - સમયના સ્થિત્યંતરનાં દ્વીપ પર ઊભેલો નાયક મનોસંઘર્ષ તો તીવ્રતમ અનુભવે છે, સાથે સાથે નવી જીવનશૈલી, નવાં જીવનમૂલ્યો વચ્ચે સમાધાન કરવાના પ્રયાસો કરતાં વેદના, વિષાદની સાથે બાહ્ય સંઘર્ષ પણ અનુભવે છે. આ નાયક સમાજ - સંસ્કૃતિના આંતરસંઘર્ષોની સાથે મહાનગરમાં રહી પોતાની જીવનશૈલીને નગરજીવનની સાથે અનુકૂળ કરવાના મિથ્યા પ્રયાસો કરે છે, અને અંતે માત્ર વેદના વિષાદ, હતાશા, એકલતા તેને ભાગે આવે છે.


પ્રસ્તુત નવલકથા નાયકપ્રધાન છે, એટલે સ્વાભાવિક નાયક – નીલકંઠની આસપાસ કથાવસ્તુ, પાત્રો વિકસે, વિસ્તરે. નવલકથામાં સમય Time element - મહત્વનું પાસું બન્યું છે.


આ નવલકથાના પ્રારંભનાં વાક્યમાં નાયક તથા સમય બે પ્રધાન તત્વોનું સૂચન થઈ જાય છે. બીજી રીતે કહીએ તો “સમયદ્વીપ” શીર્ષકની યથાર્થતા સૂચિતાર્થ થાય. નીલકંઠની નજર અચાનક જ દીવાલ પર લટકતા કૅલેન્ડર પર પડી.” - આ વિધાનમાં “કૅલેન્ડર” સમયનું પ્રતીક બને છે. (અહીં તરત જ પૂર્વ - પશ્ચિમની સંસ્કૃતિ સમન્વયની કથા “સરસ્વતીચંદ્ર”નું પ્રથમ વિધાન સ્મૃતિમાં ઝંકૃત થાય !)


મહાશિવરાત્રિનો સંદર્ભ અને નાયકની વ્યથા અહીં પ્રતીકાત્મક રીતે પ્રગટ થાય છે. “દરમાંથી ફેણ ક ને સાપની માફક સ્પષ્ટતા લપટી ગઈ : XXX મહાશિવરાત્રિ એ જાણે કો ઐસે રહેલી ટ્રેન હોય અને પોતાનો પગ પાટાઓની વચ્ચે ફસાઈ ગયો હોય એવીકંઈકલાગણી કૅલેન્ડરમાંનો તારીખનો મોટો આંકડો સંકોચાઈ ગયો અને તિથિની નાની સંખ્યા રાક્ષસીરૂપ ધારણ કરીને તમતમી રહી.” (“સમયદ્વીપ” – પૃ. ૧)


પ્રસ્તુત નવલકથાની કથા અલગઅલગ ટુકડાઓ રૂપે આલેખાઈ છે જેમાં અતીત અને સાંપ્રત - ભૂતકાળ અને વર્તમાનના, નીલકંઠની જિંદગીને Juxtapose કરવામાં આવી છે. જેમાં નવલકથાના પ્રારંભના જ પ્રથમ ખંડમાં મહાશિવરાત્રિની મુખ્ય કેન્દ્રગત ઘટનાનો નિર્દેશ છે, અને છે નીલકંઠની દ્વિધાગ્રસ્ત, વિષાદગ્રસ્ત મનઃસ્થિતિનું આલેખન તથા પત્ની નીરાનો સંદર્ભ અને તેના પિયર ચાલ્યા જવાથી નાયકનું અસ્તવ્યસ્ત થઈ ગયેલું જીવન વગેરેનું નિરૂપણ થયું છે. ઉપરાંત નીલકંઠના વિચક્ષણ મોટા ભાઈ મહેશનું પાત્ર પણ અહીં જ પ્રવેશ પામે છે. નાનકડા સમગ્ર ખંડમાં મહેશભાઈના પ્રશ્નોની ઝડી અને અન્યમનસ્ક નીલકંઠ દ્વારા મહાનગર - મુંબઈની જીવનશૈલી અને પાત્રો સાથે અનુકૂલન સાધવાનો સંઘર્ષ પ્રગટ થાય છે.


સમગ્ર નવલકથાનું કથાવસ્તુ નાના-નાના ટુકડાઓના ખંડમાં વિસ્તરે છે, આ ટુકડાઓ એ સમયખંડના છે. ડૉ. પ્રમોદકુમાર પટેલે યોગ્ય જ દર્શાવ્યું છે કે, લેખકનું આવું કથાવસ્તુનું આયોજન વિશિષ્ટ રીતિનું સંયોજનરૂપ છે. મૂળ કથાવૃત્તાંતને સમયની સીધી રેખા પરથી બે ખંડમાં લેખકે વિભાજિત કર્યું છે. એક તો નીરા, નીલકંઠને છોડી પિયર ચાલી જતાં એકલા, વિષાદગ્રસ્ત નીલકંઠની સ્થિતિ, જે નાયકનો વર્તમાન સમય છે, અને નવલકથાનો વર્તમાન સમયખંડ - એક ટાપુ - છે. તો બીજી તરફ સુરા ગામ, મહાશિવરાત્રિનું પર્વ, નીલકંઠના મૂળ સંસ્કાર, એ બ્રાહ્મણ પૂજારી કુટુંબ, એના રીતરિવાજો, રૂઢ પરંપરાગત નીતિ-નિયમો, માતા-પિતા, સ્વજનો, પરિવારજન, શિવાલય, આદિ સાથે જકડાયેલું જડાયેલું નાયકનું મૂળભૂત વ્યક્તિત્વ વગેરેના - અતીતનો સમયખંડ, એક તરફ મુંબઈ જેવા મહાનગરની ભીડ, ભીંસ અને વિભીષિકા, આધુનિક જીવનરીતિ, વકરેલો ભૌતિકવાદ, ધન-સંપત્તિ - સુખની લાલસાને પૂર્ણ કરવા લોકોની આંધળી દોટ, બૌદ્ધિકવાદ, વ્યક્તિસ્વાતંત્ર્ય વગેરે પરિસ્થિતિમાં નીલકંઠ પોતાના બ્રાહ્મણ સંસ્કાર ભૂલી શકતો નથી. પોતાના સૈકા જૂના સુરા ગામ - ત્યાંની પ્રજા, કુટુંબ, જૂના આચાર-વિચાર પ્રાચીન કર્મકાંડના સંસ્કારો, પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં રૂઢ થયેલી આસ્થા, બ્રાહ્મણ સમાજ અને અતિચુસ્ત રૂઢ નકરા કર્મકાંડી કુટુંબીજના - વગેરેને નીલકંઠ ત્યજી શકતો નથી. એક બાજુ બ્રાહ્મણ સંસ્કાર, બીજી બાજુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં અનુકૂલન સાધવાની ફરજ, એક તરફ ગ્રામ સંસ્કૃતિ બીજી તરફ મહાનગરની સંસ્કૃતિ, બે ભિન્ન ભિન્ન જીવનરીતિ વચ્ચે પીસાતો, દબાતો,કચડાતો, ભીસાતો નીલકંઠ ! એટલે સમગ્ર નવલકથાની કથાવસ્તુ આમ બે સ્થિત્યંતરોની વચ્ચે વિભાજિત થયેલી છે, અને એમાં વિષાદગ્રસ્ત નાયકની મનઃસ્થિતિનું નિરૂપણ કરાયું છે.


કથાવસ્તુના સંઘર્ષને પ્રેરતા, પોષતા પાત્રોના વિશ્વને પણ બે વિભાગમાં વિભાજિત કરી શકાય. એક તરફ નીલકંઠના પિતા શિવશંકર, પાગલ ભાઈ ચંદ્રશેખર, ત્રીજો ભાઈ મહેશ, માતા ગૌરીબા, ભાભી જયાબા - ૧૯૭૦ની સાલનું સુરા ગામ - એ સમગ્ર પરિવેશ એ આ સદીના ઉત્તરાર્ધના સમયને સચિતાર્થ કરે છે. જેઓ બ્રાહ્મણ જીવનપદ્ધતિ, રૂઢિચુસ્ત બ્રાહ્મણોની જૂની જીવનપદ્ધતિ વગેરેના પુરસ્કર્તા છે. નવલકથાના નાયક-નીલકંઠનું મૂળ - root - આ છે. એનું માનસ આ સંસ્કારોથી ઘડાયેલું છે.


પરંતુ એને જીવવી પડે છે, મુંબઈની મહાનગરીય ઝાકઝમાળ વચ્ચે મૃગજળ સમી જિંદગી ! પેલા બ્રાહ્મણ પરંપરાગત સંસ્કારોની સામેમુંબઈની ભૌતિકવાદી જીવનપદ્ધતિમાં અનુકૂલન સાધવાના એ નિરર્થક પ્રયત્નો કરે છે. આ નગરજીવનને તાદ્રશકરતાં નીલકંઠની કંપનીમાં કામ કરતાં મેનેજર મિ. કુલકર્ણી, આસિસ્ટન્ટ મેનેજર મિ. દલાલ, ટાઈપિસ્ટ ગર્લ રોમા સંઘવી, તેનો બોયફ્રેન્ડ ફિરોજ, રીસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો, મોડેલ ગર્લ રૂપાલી બેનરજી, તેનો ટેક્ષી ડ્રાઈવર પતિ અને ડૉ. સમીર (નીલકંઠનો ખાસ મિત્ર) આદિ પાત્રો મુંબઈના વિશિષ્ટ માહોલને ખડો કરનારાં છે. નીલકંઠ સુરા ગામના તથા મુંબઈ નગરના બે પ્રકારના લોકો સાથે અનુકૂલન સાધવાના પ્રયાસો કરે છે. જેમાંથી પરિણમે છે. સંસ્કૃતિ સંઘર્ષ, જીવનશૈલીની મથામણ અને પરસ્પર વિરોધી પરિવેશનું સર્જન - આ સર્વમાં રિબાતો, મૂંઝાતો, અકળાતો નીલકંઠ... આમ કથાવસ્તુ સંઘર્ષ - કથા તરીકે નવલકથાનેસ્થાપે છે.


નીલકંઠનો આ સંઘર્ષ માત્ર ગ્રામ કે શહેરના પરિવેશ પૂરતો સીમિત રહેલો નથી, પણ દ્વિધાના દ્વીપ પર ઊભેલો આ નાયક મહાનગરનું નકરું ફરજંદ નીરાના પ્રેમમાં પડે છે અને વળી પરણે પણ છે. અહીંથી નવલકથાના મુખ્ય કથાબીજનો આરંભ થાય છે. મુંબઈના ‘એલિટ’ વર્ગની બ્રાહ્મણેતર યુવતી નીરા મહાનગરીય આધુનિક વાતાવરણમાં જન્મી છે, મોટી થઈ છે. નીલકંઠના જીવનમાં નીરાનો પ્રવેશ તેની મનઃસ્થિતિમાં અથવા કહો કે નાયકના સમગ્ર જીવનમાં મુખ્ય દોન - ધ્રુવ ઊભા કરી આપે છે. આ નવલકથાનો પ્રધાન સંઘર્ષ નીરા-નીલકંઠના દાંપત્યજીવનનો છે, એની સાથેસંસ્કૃતિ - સંઘર્ષ અને પ્રાચીન - અદ્યતન જીવન –શૈલીનોસંધર્ષ આપોઆપ સ્ફુટ થાય છે.


આમ, પ્રસ્તુત નવલકથા વર્તમાનમાં નીલકંઠની મનોદશાને સંદર્ભેવિસ્તરે છે. નવલકથાના પ્રારંભે વર્તમાનનો સમય અને અંતે પણ નીલકંઠના વર્તમાનની જ યાતના આલેખવામાં આવી છે. નવલકથાના આરંભે નાયક પોતાની ઑફિસે જવા નીકળે છે અને અંતે પિતાના અવસાનના સમાચાર આવતા હારેલો, થાકેલો, મનોરુગ્ણ નીલકંઠ વધુ વ્યથિત થાય છે. આ અંતિમ પ્રકરણમાં લેખકે સ્વપ્ન-તંદ્રાનો પ્રયોગ કરી, નાયકની મનોરુગ્ણ સ્થિતિનો પરિચય કરાવ્યો છે. સ્વપ્ન હમેશાં માનવીના અસંપ્રજ્ઞાત ચિત્તને પ્રગટ કરે છે તેમ અહીં પણ નીલકંઠના અજ્ઞાત મનના ભાવ-સંચલનોને લેખકે તાદ્રશ કર્યા છે, એક તો નીરાના ચાલ્યા જવાથી એકલો – હતાશ, નિરાશ વ્યથિત નીલકંઠ પહેલેથી જ વિષાદગ્રસ્ત અવસ્થામાં હતો, હવે વ્યથિત થાય છે. અંતે મૃત્યુંજય મંત્રના સમૂહ સૂરના અનાહત નાદના આવર્તનોમાં નવલકથાનું સમાપન થાય છે.


નવલકથાને આરંભે અતીતના સમયખંડમાં “ઠાકોરજીનો દીવો ફૂંકમારીને ન ઓલવાય” એવી સલાહ નીલકંઠને આપતી મા એના માનસમાં ઝબકે છે, નવલના અંતમાં નાયક અજ્ઞાત મનને સ્વપ્નમાં અનુભવે છે, અહીં પણ ત્રીજા સ્વપ્નમાં મંદિરમાં આરતીટાણે થતા શંખનાદ મંત્રોચ્ચારના પવિત્ર વાતાવરણમાં મંગલ આરતી થઈ રહી, ત્યાં નીલકંઠ બૂટ ઉતાર્યા વિના મંદિરનાં પગથિયા વટાવી અંદર ધસી આવ્યો... કોઈકે તેની સામે આશકા લેવા માટે આરતી ધરી, તે ફાટી આંખે આરતીના દીવા ભણી તાકી રહ્યો. પછી એણે જોરથી ફૂંક મારી, પણ આરતીના દીવડા ઓલવાયા નહિ, એણે બધું બળ એકઠું કરીને ફૂંક લગાવી! પણ આરતી તો વધારે પ્રજવલિત બની. તે ફૂંક માર્યેગયો, છતાં આરતી અખંડ રહી. ફંકો મારી મારીને તે થાકી ગયો અને મંદિરની ફરસ પર ફસડાઈ પડ્યો. (પૃ. ૧૨૫) આમ, નવલકથાના આદિ અને અંતમાં આરતી દીવાની જયોત, આશકા અને ફૂંક મારવાના ક્રિયા-પ્રક્રિયા - વિશિષ્ટ ચમત્કૃતિપૂર્ણ અર્થ પ્રગટ કરે છે.


“સમયદ્વીપ” નવલકથામાં નીલકંઠ જાણે અતીત અને વર્તમાનના સમયના દ્વીપ ઉપર ઊભો રહી તીવ્ર સંઘર્ષ અનુભવે છે. તેનો સંઘર્ષ જૂન નવી પઢીનો, પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિનો. ગ્રામ-મહાનગરની જીવનશલીનો અને સૌથી મોટો વારસામાં મળેલા બ્રાહ્મણ સંસ્કાર અને આધુનિકજીવનશૈલીનો છે. અબ્રાહ્મણ યુવતી નીરા સાથે લગ્ન કર્યા બાદ એ બળવત્તર સંઘર્ષ અનુભવે છે. આ માત્ર માનસિક યાતના નથી પણ તેનું બાહ્ય જીવન પણ અસ્તવ્યસ્ત વેરવિખેર થઈ ગયું છે. નવલકથાના કેન્દ્રમાં દંપતીનો સંસ્કાર - સંઘર્ષ છે, પણ નીલકંઠની સંવેદના નીરા કરતાં વધુ તીવ્ર છે. તે મનોમન, ચુપચાપ પીડાતો રહે છે; નીરા તો વિદ્રોહ વિરોધ પણ કરે છે... નીલકંઠ નહિ. તેથી જ તે તેના મિત્ર ડૉ. સમીરને કહે છે: “I am in two minds” મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધા ગમે છે અને વૈજ્ઞાનિક પૃથ્થકરણને સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું... હું.. હું.. સંક્રાંતિકાળનું સર્જન છું.” (પૃ. ૧૧૫)


“ક્યારેક મને લાગે છે કે, હું એકસાથે સમયના અનેક ખંડોમાં જીવંન છું. ઉત્ક્રાંતિકાળથી ચાલ્યા આવતાં માનવીય અસ્તિત્વના તંતુનો અંશ હું સંઘરી બેઠો છું.” “હું અંતિમોની વચ્ચે જીવું છું. એક અંતિમ મને મારા ભૂતકાળમાં જકડી રાખવા માગે છે; બીજો અંતિમ મને બાહ્ય અવકાશ સુધી ઊડવા પ્રેરે છે. અને હું કશું નથી કરી શકતો. આવા અસ્તિત્વને જુદાં જુદાં ખંડોમાં વિખેરી દઈ split personality નો ફરેબ રચવાનો મને ફાવતું નથી એટલે કે “mine is not a compartmental life" મ્હોરાંઓ લગાડીને કેવી રીતે જીવી શકાય ?” (પૃ. ૮૧)


આમ નીલકંઠ - પિતા શિવશંકર અને પત્ની નીરા - બે દોન ધ્રુવ વચ્ચે દબાતો, પીસાતો, વેદના - વ્યથા અનુભવતો માત્ર સમયની કઠપૂતળી બની રહે છે. આવા વ્યક્તિત્વની વ્યથાકથા ભગવતીકુમાર શર્માએ આ નવલકથામાં આલેખી છે. આ દોન ધ્રુવ વચ્ચે સમગ્ર નવલકથાનું કથાવસ્તુ સંયોજિત થયું છે.


જો કે, કથાવસ્તુના વિન્યાસ અંગે વિચારીએ તો કેટલીક મર્યાદાઓ ધ્યાનાર્હ બને છે અતીત અને સાંપ્રત સમયને ખંડોમાં વિભાજિત કરવાની લેખકની ટેકનિક વિશિષ્ટ છે. પરંતુ નવલકથાના આરંભના કેટલાક ટુકડાઓ અલગ પડી જાય છે. કથાવસ્તુના તાંતણાઓ પ્રારંભે એકસૂત્ર ન થવાને કારણે નવલકથાનું સંવિધાન વેરવિખેર થઈ જાય છે અને આરંભમાં જ વાર્તારસ જાળવવામાં અંતરાયરૂપ બને છે. (વધુ માટે જુઓ “સમયદ્વીપ”ના અભ્યાસ લેખો ડૉ. પ્રમોદકુમાર પટેલ અને રાધેશ્યામ શર્મા)


એ જ રીતે સાંપ્રત-અતીતના ખંડો જ્યાં છૂટા પડી જાય છે, ત્યાંપાત્રના માનસિક સંચલનો, આઘાત – પ્રત્યાઘાતો એટલી તીવ્રતાથી સ્ફુટ થઈ શકતા નથી.


મુંબઈની ઍલિટ વર્ગની બ્રાહ્મણેતર સમાજની નીરા, નીલકંઠની સાથે છેડેના મહાનગરીય પરિવેશમાં પરવરિશ પામી છે. વ્યક્તિસ્વાતંત્ર્ય અને નારીસ્વાતંત્ર્યમાં માનનારી આધુનિક સુશિક્ષિત, બુદ્ધિશાળી યુવતીનું એ પ્રતિનિધિત્વ કરે છે. ક્લબ, થિયેટર, રેસ્ટોરાં, ડિબેટિંગ સોસાયટી વગેરેમાં મુક્ત થઈને ઘૂમતી રહેતી નારી પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત છે, અને એવા જ કોઈક સ્થળે નિલકંઠ સાથે થયેલો એનો પરિચય અંતે પ્રેમલગ્નમાં પરિણમે છે. ગ્રામ-મહાનગરીય, જૂની અને નવી પરસ્પરવિરોધી ભિન્ન ભિન્ન જીવનપદ્ધતિ, પરિવેશ અને સંસ્કાર વચ્ચે જન્મેલા - ઊછરેલા નીરા-નીલકંઠ વચ્ચે મનમેળ શી રીતે થયો, એ અંગે એ બેઉના લગ્નપૂર્વેની કોઈ ભૂમિકા નવલકથાકારે આપી નથી પરંતુ પોતાની જાતને બૌદ્ધિકમાં ગણતા એ બેઉએ પોતાના સંસ્કારભેદ, રુચિભેદ વગેરેનો કશો વિચાર કર્યા વિના પ્રેમ કર્યો હશે? લગ્ન કર્યા હશે? એ બધું વિચારવાનું લેખકે ભાવકો પર છોડી દીધું છે. અથવા તો પ્રેમમાં પડેલાઓની બુદ્ધિ બહેર મારી ગયેલી હોય છે એમ માની લેવું? એવા પ્રશ્નો જાગી શકે.


પૃ. ૧૩-૧૪ ઉપર નવરાત્રિના દિવસોમાં માતાજીની સ્થાપના નજીક અખંડ દીવો ઓલવાઈ જતાં ગૌરીબાનો તીવ્ર આઘાત, એમનું ઢળી પડવું, ઘરમાં મૃત્યુ થયું હોય એવું આક્રંદ કરવું - એ ઘટનાનું ચિત્રણ થયું છે. “હોટલમાં ચા પીવાય ?” (પૃ. ૧૭) “ગઈકાલે કેમ પેલા ઓતમચંદ વાણિયાએ આપેલું બિસ્કુટ ખાધું? સાવ ભ્રષ્ટ થઈ ગયો છે તું !” (પૃ. ૮૫) “પતિનું નામ પત્નીને મુખથી ઉચ્ચારાય તો પતિનું આયુષ્ય ઘટે” આવા રૂઢિચુસ્ત બ્રાહ્મણિયા સંસ્કાર જે નીલકંઠની ચેતનામાં પડેલાં છે, તે નીલકંઠ મુંબઈ રહ્યા પછી આધુનિક યુવતી નીરા સાથે પ્રેમલગ્ન કરે છે. અદ્યતન પાશ્ચાત્ય ફિલસૂફીનું વાચન-મનન કરે છે. સિગારેટ પીવાની કે જનોઈ કાઢી નાંખવા જેવી શહેરી સભ્યતાની રીતભાતને અનુસરે છે. અને ત્યારે પણ બ્રાહ્મણિયા સંસ્કારના રૂઢ મૂલ્યોની નિરર્થકતા એને માત્ર બુદ્ધિના સ્તર ઉપર જ સમજાઈ છે, એના સંવિદ્દમાં તો બ્રાહ્મણિયા સંસ્કાર અને જીવનપદ્ધતિજીવંત રહેલી છે. બુદ્ધિને સ્તરે એ માને છે કે સુરા ગામનું એ બ્રાહ્મી જીવન વ્યર્થ છે. માણસને થીજાવી દે એવી જડતા એમાં છે. એના આવા વિચારમાં હાસ્યાસ્પદ ઘેલછાઓ છે. પરંતુ એને લાગણીનો સ્તરેએમાંસચ્ચાઈઓ પડેલી જણાય છે. કોઈ દુન્યવી સ્વાર્થ વિના એના પિતા શિવશંકરે જર્જરિત વિરક્તેશ્વર મંદિર પાછળ આખી જિંદગી સમર્પિત કરી દીધી છે. “આવું નિરપેક્ષ સમર્પણ, આવી નિરપેક્ષ સીન્સિયારિટી કેટલામાં ?”એમ એ પૂછે છે. આ દ્વીધાના દ્વીપ પર ઊભેલા નીલકંઠની મૂંઝવણ, મંથન વગેરે ભીતરીય સૃષ્ટિનું નિરૂપણ નવલકથાકારે એક સર્જકની સચ્ચાઈથી કર્યું છે, અને નીલકંઠના ભાવ-પ્રતિભાવ, આઘાત-પ્રત્યાઘાત, વિચાર-વલણ-સંવેદના વગેરેનું એના અતીત અને સાંપ્રતને સામસામે મૂકી આપીને સંનિષ્ઠાથી અસરકારક ચિત્રણ કર્યું છે. એના બાહ્ય-ભીતરના સંઘર્ષને જ ઉત્કટ બનાવવા કે સ્ફુટ કરવા અન્ય પાત્રો પ્રયોજાયાં છે, એ સૌ પાત્રોમાં નીરા અને શિવશંકર - આ બે પાત્રોના હાથમાં જ લેખકે કથાનાયકનાં ભીતરીય સંચલનોનો દોર મૂકી આપ્યો છે. નીલકંઠ જેવા સુરાના બ્રાહ્મણ સાથે નીરા જેવી અબ્રાહ્મણ આધુનિક યુવતીનું સ્નેહલગ્ન તેની ભારતીય સૃષ્ટિમાં ભારે ઊથલપાથલ સર્જે છે. “દોન ધ્રુવ” જેવા શિવશંકર - નીરા, - પિતા - પત્નીના ગજગ્રાહમાં નીલકંઠ માનસિક સંઘર્ષના ઝંઝાવાતમાં ફંગોળાતો પીસાતો, હડસેલાતો હોવાનાં અનેક ચિત્રો રચનામાં ઊપસી આવ્યા છે અને એ પોતાની જાતને ત્રિશંકુ જેવી દશામાં અનુભવતો જણાય છે. (પૃ. ૧૧૦) એમાંથી જ એની કરુણતા સર્જાય છે. પરસ્પર વિરોધી બે જીવનપદ્ધતિના સંઘર્ષને એ જાણે છે, અનુભવે છે છતાં એની લાચારી એ છે કે, એ વિવશતાથી કશું જ કરી શકતો નથી. પોતાની વેદના કોઈને કહી શકતો નથી એનાં થોડાં વિધાનો અહીં નોંધીએ : મિત્ર સમીરને કહે છે – “ક્યારેક મને લાગે છે કે, હું એકસાથે સમયના અનેક ખંડોમાં જીવંં છું. છેક ઉત્ક્રાંતિકાળથી ચાલ્યા આવતાં માનવીય અસ્તિત્વના તંતુનો અંશ હું સંઘરી બેઠો છું.” “હું બે અંતિમોની વચ્ચે જીવું છું એક અંતિમ મને મારા ભૂતકાળમાં જકડી રાખવા માગે છે; બીજો અંતિમ મને બાહ્ય અવકાશ સુધી ઊડવા પ્રેરે છે. અને હું કશું નથી કરી શકતો. આવા અસ્તિત્વને જુદાં જુદાં ખંડોમાં વિખેરી દઈ split personality નો ફરેબ રચવાનું મને ફાવતું નથી એટલે કે mine is not a compartmental life.મ્હોરાંઓ લગાડીને કેમ જીવી શકાય?” (પૃ. ૮૧)


“હું બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગયો છું નીરા. એક તરફ શ્રદ્ધાનું આકાશ, બીજી તરફ અશ્રદ્ધાનું પાતાળ.” આમ કહેતો નીલકંઠ પિતા, જયાભાભી, ગૌરીબાની રીતે હવે આ ન ખવાય, આ ન પીવાય, આને નઅડકી શકાય, સુતરાઉ કપડાં પહેરીને જ જમાય, ચોટલી રાખવી જ પડે,લોટમાં પાણી પડે તો એ એંઠો થઈ જાય, રાંધેલી રસોઈ એંઠી ગણાય વગેરેમાં હવે એ શ્રદ્ધા ધરાવતો નથી. રોજન ધોવાતા પીતાંબરને એની બુદ્ધિહવે પવિત્ર ગણવા તૈયાર નથી, પરંતુ જૂની જીવન પદ્ધતિના જાળાંને તે દૂરકરી શકે તેમ નથી. મુંબઈમાં પગ મૂકતાં જ એનું અસ્તિત્વ જૂનાં વળગણોને ફગાવી દઈ, નૂતનને બાથ ભરીને સ્વીકારવા માટે તત્પર થઈ જાય છે. કદી ન કલ્પેલી નવી ક્ષિતિજ એને દેખાવા માંડે છે, નવા પ્રવાહમાં ભળતો જાય છે પણ જૂના સંસ્કારો એટલાં બધાં પ્રબળ નીવડે છે કે, તેના પ્રભાવને એ પોતાનાથી દૂર કરી શકે તેમ નથી. નવાને એ આવકારતો થાય છે પણ જૂનામાંથી એ મનોમન મુક્ત થઈ શકતો નથી.


નવલકથાકારની સંવિધાનકલાનો અહીં વિશેષ ઉન્મેષ પ્રગટ થયાની ઘણાં વિવેચકોએ ખાસ નોંધ લીધી છે, એ સાચું છે કે, સંવિધાનની સજગતાથી લેખકે અનેક પ્રયુક્તિઓ સૂઝપૂર્વક પ્રયોજી બતાવી છે: નીલકંઠના જીવનના અતીત અને સાંપ્રતના એક એક ખંડને, ક્રમિક રીતે અન્યોન્ય સામે Juxtapose કરીને એના જીવનની ઘટમાળને રજૂ કરવાની, કોઠાસૂઝ બતાવી છે. એના સાંપ્રત જીવનની ઘટનાઓની ૧૨-૧૪ કલાકની એની પ્રવૃત્તિઓનું નિરૂપણ થયું છે. નીરા એને છોડીને પિયર ચાલી ગઈ છે. નીલકંઠ ઑફિસમાં ને ઘરમાં કંઈક અસ્વસ્થતાથી વાણી-વર્તન-વહેવાર કરતો એકલતા, શૂન્યતા અનુભવતો જણાય છે, ને પછી મહાશિવરાત્રિના ઉત્સવ નિમિત્તે નીરા સાથે લગ્ન પછી પ્રથમ વાર સુરા ગયેલા નીલકંઠના અતીતના કડવા અનુભવો એક પછી એક સાંપ્રતની સામે juxtapose કરીને આલેખવાનો ઉપક્રમ લેખકે સ્વીકાર્યો છે. સમયની સીધી રેખા પર લેખકે રચનાને બે ખંડમાં વહેંચી છે. (૧) એક નીરા એને છોડી ગઈ તે પછીની એની મનોદશાનું, વર્તમાનની ક્ષણોને સજીવ કરતું આલેખન, (૨) તેના અતીતની ઘટનાઓ, નીરા સાથે સુરા ગામે બે દિવસ રહ્યાના અનુભવો વગેરેનું આલેખન - આમ, અતીત અને સાંપ્રતના ટુકડાઓ ક્રમમાં એક પછી એક યોજાયા છે. જો કે વર્તમાનના ટુકડાઓમાં પણ વચ્ચે વચ્ચે નીલકંઠની સ્મૃતિમાં અમુક દ્રશ્યો અતીતમાંઝબકી જતાં દર્શાવાયા છે. સાંપ્રત અને અતીતની બેઉ ધરીને લગોલગરાખીને, છેવટે તેને એકત્રિત કરીને લેખકે એ બેઉ ધરીમાં સમયના રેખા પર ઘટનાઓને ઉઘાડ આપવાની રીતિ અખત્યાર કરી છે. નીલકંઠએક દિવસની રોજિંદી ઘટમાળ, પ્રવૃત્તિઓ અને તે પૂર્વે બની ગયેલી ઘટનાઓ બંનેનેભિન્નભિન્ન ખંડોમાં વિભાજિત કરીને, સંયોજીને લેખકે જે સંવિધાનકલા પ્રગટકરી છે, તેમાં રહસ્ય કેન્દ્ર કંઈક પ્રચ્છન્ન બની જતું હોવાનું ડૉ. પ્રમોદકુમાર પટેલે સ્પષ્ટ કર્યું છે. (જુઓ ગુજરાતી ‘કથાવિશ્વ’)


“સમયદ્વીપ”માં સમગ્ર કથાના નિર્વહણની જવાબદારી લેખકે માથે લીધી હોવાથી કૃતિને Objectivity પ્રાપ્ત થાય છે, પરંતુ વર્તમાન - ભૂતકાળના ટુકડાઓના ભાવકના અનુભાવન વચ્ચે અમુક દૂરતા રહી જાય છે. સમગ્રનું રૂપવિધાન એ રીતે સઘન બનતું રહી ગયાની ખાસ નોંધ લેતા ડૉ. પ્રમોદકુમાર પટેલને મતે “નીલકંઠની વર્તમાન ભાવદશામાં એ ભૂતકાલીન ઘટનાઓનો સંઘર્ષ સંયોજિત થયો હોત. તો આ કૃતિ વધારે સમર્થ નીવડી હોત. જેવો છે તેવો આ કૃતિનો સમગ્રલક્ષી પ્રભાવ એ રીતે કંઈક વિકેન્દ્રીત તેથી શિથિલ પડતો લાગશે.” (“ગુજરાતી કથાવિશ્વ”).


આમ છતાં, અલબત્ત એક જ્ઞાતિના ચુસ્ત સંસ્કારો અને સુધરેલા બૌદ્ધિક સંઘર્ષની, એક વ્યક્તિના સંસ્કાર, સંસ્કૃતિ સંઘર્ષની સમસ્યાની આવી નવલકથા આપણા સાહિત્યમાં વિરલ બની રહે છે એ દ્રષ્ટિએ એને અનોખી કે અનન્ય કહી શકાય. આટલાં ઓછાં પાનાંઓમાં, આટલા લઘુ સમયપટ પર વિસ્તરતી કથાનો - સાંસ્કૃતિક સમસ્યા નિરૂપવાનો અતિ આકરો પડકાર એકંદરે સફળતાથી ઝીલી બતાવાયો છે. અતીત-સાંપ્રતને સતત ફેરવતા રહીને એક લાક્ષણિક આકાર આપ્યો છે. સમયના બે ટાપુ પર વિચરતી કથાને અહીં ભાવકના ચિત્તમાં સંક્રાંત કરીને વિસ્તારવાનું કૌશલ એમણે દર્શાવ્યું છે. અહીં એક ટાપુ છે, સુરા ગામ અને બીજો ટાપુ છે મહાનગર મુંબઈ. એક પર ઊભા છે નીલકંઠના પિતા શિવશંકર અને બીજા પર નીલકંઠની પત્ની નીરા. એ બે ટાપુના દ્વીપ પર ઊભેલા નીલકંઠ અંતિમ પ્રતીતિની નૌકા દૂરસુદૂરની ક્ષિતિજેથી ધીમેધીમે દ્રષ્ટિમર્યાદામાં ઊપસશે એવી આશાએ સતત ફંગોળાતો રહે છે. પરંતુ શિવશંકર અને નીરાના બે વિભાજિત ટાપુ પર એ સેતુ રચી શકતો નથી. ઊલટું એની એવી ટ્રેજેડી સર્જાય છે કે, નીરા સાથે પ્રેમનો એનો જે સેતુ રચાયો હતો તે પણ તૂટી પડે છે, અને પિતા શિવશંકર સાથે સુરા ગામ સાથે સંસ્કારનો જે સેતુ હતો, જે સ્નેહ –સંબંધ- સેતુ હતો તે પણ તૂટી પડે છે. એની દશા ત્રિશંકુ જેવી થાય છે.એની એ કરુણિકાને સચોટતાથી અભિવ્યંજિત કરવામાં લેખકને ગણનાપાત્ર સફળતા મળી છે.
શૈલીની પ્રવાહિતા, પ્રાસાદિકતા, માર્દવ અને સર્જકની કલ્પનાત્મકતાની સાથે સાથે નવલકથાકારે રુક્ષતા, કઠોરતાને પણ અનિવાર્ય હોય ત્યાં પ્રવેશ આપ્યો છે. અહીંએમની અન્ય નવલકથાઓ જેવી કોઈ જોરદાર, વજનદાર સ્થૂળ ધટનાઓ નથી, અન્ય નવલકથાઓની જેમ કવેતાઈ કે સિનેમાશૈલીનોઅહીં લોકપ્રિયતાના લપસણા ઢાળ ઉપરનો અભિગમ નથી. એનો અભાવ આ કૃતિને ઘણો ઉપકારક થયો છે. એમની અન્ય નવલકથાની જેમ નીલકંઠમાં એમનું વ્યક્તિત્વ, અસ્તિત્વ ઊતર્યું છે, વિસ્તર્યું છે પરંતુ, અહીં કોઈ પાત્રની હત્યા કે આત્મહત્યા થતી નથી કે એવી કોઈ આકસ્મિક ઘટના બનતી નથી. પ્રણય કે પ્રણયત્રિકોણ નથી – અવૈધ સંબંધ નથી કોઈ તાલમેલિયું નિરૂપણ જણાતું નથી, પ્રસ્તાર નથી; એટલે “ઊર્ધ્વમૂલ” કે “અસૂર્યલોક" જેવી એમની કીર્તિદા કૃતિઓમાં પણ જે વલણો કે વળગણો મર્યાદાઓનો આપણને અનુભવ થાય છે તેનો અહીં લગભગ અભાવ જણાય છે. રચનાનો સુબદ્ધ આકાર સર્જવામાં એમને એકંદરે સફળતા મળી છે; અને આકારસૌષ્ઠવની દ્રષ્ટિએ કદાચ આ રચના એમની સર્વોત્તમ બની રહે છે. એમની આ સફળતામાં એમણે યોજેલા વિશિષ્ટ ભાષાકર્મનો ફાળો ઓછો નથી. લેખક ક્યારેક લાંબી લાંબી વર્ણનાત્મક વાક્યરચના યોજીને, ક્યારેક ટૂંકાં ટૂંકા વાક્યોમાં વહેતી ખળખળતાં ઝરણાં જેવી ભાષા પ્રયોજીને ધાર્યો લક્ષ્યવેધ કરે છે.


આવી નવલકથામાં કોઈ જડબેસલાક અંત ન હોઈ શકે, ‘ગુજરાતી નવલકથા’ ગ્રંથમાં રઘુવીર ચૌધરીએ - ફૂંક મારવાના સ્વપ્ન આગળ જ અંત સિદ્ધ કરવાનું સૂચન કરતાં કૃતિના અંતને લંબાવાયો તે તરફ ધ્યાન દોર્યા પછી પણ અંતે તો પાછું લખ્યું છે “જેવો છે તેવો આ લઘુનવલનો અંત મૃત્યુંજય મંત્રના સમૂહ સૂરના અનાહત નાદના આવર્તનો આગળ લવાયો છે, ત્યાં ત્યારે વૈયક્તિક અધ્યાય મને તો દ્રવીભૂત કરી ગયો છે.” (‘ગુજરાત નવલકથા' પૂ. ર૭૧).


“સરસ્વતીચંદ્ર”માં પાત્રોનાં નામ એમના ગુણદોષ મુજબ પ્રયોજાયા છે. દા.ત. સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન, ખલકનંદા, વગેરે. એ નામાભિધાનમાં કોઈને કૃત્રિમતા જણાય તેમ અહીં રચનાના કેન્દ્રમાં શિવ હોવાથી અને બ્રાહ્મણિયા સંસ્કારનું પ્રાધાન્ય હોવાથી બુદ્ધિગમ્ય લાગે તે રીતે પાત્રનાં નામ યોજાયા છે. નાયક નીલકંઠના પિતા છે શિવશંકર; નીલકંઠનો પાગલ ભાઈ છે ચંદ્રશેખર, ત્રીજો ભાઈ છે મહેશ;નીલકંઠની માનું નામ છે ગૌરીબા;ભાભીનુંનામ છે જયાબા - તે ઉપરાંત અન્ય બ્રાહ્મણોના નામ પણ બ્રાહ્મણિયા પરંપરા અને રૂઢિદાસ્યને સૂચવવા આ નામકરણની યોજના સાર્થક લાગેખરી.


લેખકે ક્યાંક તો પ્રતીકોને પ્રતીકો તરીકે બોલકા થઈને સીધેસીધા નિર્દેશ્યા છે. મૂર્તિ કે અબોટિયા, અભિમાનનું પ્રતીક નીરાનો કૂતરો, એમ એમણે સ્પષ્ટ ઉલ્લેખ શા માટે કરવો જોઈએ ? ક્યાંક કવેતાઈ – લાલિત્ય નિરર્થક અને આગંતુક પ્રતીત થાય. દા.ત. “ક્યાં છે અંધકાર? જે બળબળતા સૂરજના સ્પર્શે પણ મ્હોરી ન ઊઠે?” રચનાને અંતે આવતાં ત્રણ સ્વપ્નો કથાની સાથે ઓતપ્રોત થતાં જણાતા નથી. રચનાના સંદર્ભ સાથે એ સ્વપ્નો પૂરેપૂરા સુસંગત બનતાં નથી. “ફૂકનો” પ્રતીકાત્મક વિનિયોગ કરીને આ સર્જક અનેક ઠેકાણે પોતાની સર્જકતાનો સુભગ પરિચય આપ્યો છે, પણ એ રીતે અન્ય પ્રતીકો યોજીને રચનાને અવનવું પરિમાણ આપવાનું એમણે મુનાસિબ માન્યું નથી. પરંતુ ડૉ. પ્રમોદકુમાર પટેલને ભગવતીકુમારની તીવ્ર સંવેદનપટુતા, વર્ણ્ય, પ્રસંગ, દ્રશ્યની સૂક્ષ્મ નિરૂપણરીતિમાં પ્રત્યક્ષ થતી લાગે છે. નીલકંઠના રોજિંદા અનુભવોમાંની કેટલીક વિગતો પકડીને તેમાં તેઓ ચિત્રાત્મકતા સ્પર્શક્ષમતા વાસ્તવિકતાની નિબિડતા રંગ-રેખા-પોતાની ઝાંય વગેરે કુશળતાથી સાધી શકાય છે. અહીં “સમયદ્વીપ”માં ભગવતીકુમારની સર્જકગતિ પરિચિત વાસ્તવનેય આશ્ર્લેષમાં લેવા સક્રિય થતાં કથાવૃતાંતના ટેમ્પોરલ સીકવેન્સ Temporal sequence તરફ ઝૂકતી એમને જણાય છે : અને તેથી જ તેમને મતે, તેથી જ અહીં પ્રતીકાત્મક રચનાને એટલો અવકાશ મળ્યો નથી, પણ એની સામે કલ્પનો/અલંકારોનું સામર્થ્ય પણ ઠીક ઠીક પ્રભાવક નીવડ્યું હોવાની નોંધ લેતાં સ્પષ્ટ કર્યું છે કે “સુરા ગામની અવાવરુ વાવનું લેખકે જે રીતે વર્ણન કર્યું છે તેમાં સ્વાભાવોક્તિની ચમત્કૃતિ આપણને સ્પર્શી જાય છે.” (‘ગુજરાતી કથાવિશ્વ’ પૃ. ૧૪૮)


ગાંધીયુગના વાર્તાકારો જે રીતે ગ્રામજીવનની સુભગતા અને શહેરીજીવનની દુર્ભગતા-સામસામે મૂકીને ગ્રામજીવન તરફનો તીવ્ર પક્ષપાત, વળગણ જણાય એ રીતે પ્રગટ કરતા, તે રીતે ભગવતીકુમાર શર્મા ગ્રામજીવન શહેરીજીવન બેઉનાં દૂષણો - દુર્ભગતા દર્શાવે છે, છતાંય શહેરની અને નૂતનજીવનપદ્ધતિની તુલનાએ જૂની જીવનપદ્ધતિ અને ગ્રામજીવન તરફનો એમનોપક્ષપાત પણ છાનો રહેતો નથી. આ પક્ષપાતી વલણ કેટલીક વાર તો વળગણરૂપ પણ જણાય : પરંતુ સુરા ગામ અને માતા-પિતા પ્રત્યેના પ્રેમને લીધે જ લેખકનું પોતાનું વ્યક્તિત્વ - અસ્તિત્વ જેનામાં ઊતરી આવ્યું છે તે નીલકંઠ તેમના રૂઢ આચાર-વિચાર-ક્રિયાકાંડો-વિધિવિધાનો જાતજાતના નિષેધો વગેરેને નભાવી લેવા તૈયાર થાય છે, એટલું જ નહિ, જૂની જીવનપદ્ધતિની દુર્ભગતામાં પણ સુભગ અંશો જોઈને પોતાના પક્ષપાતનો પણ સંકેત આપે છે. એનામાં જે લયલચિતા Flexibility છે - તે લેખકના બ્રાહ્મણિયા સંસ્કાર પ્રત્યેના પક્ષપાતને કારણે છે, એવી લયલચિતાનો નીરામાં તદ્દન અભાવ છે. પોતાના વ્યક્તિસ્વાતંત્ર્યને રૂંધતી એવી કોઈ સામાજિકતાને નીરા – માન્ય કરતી નથી. તેથી નીલકંઠના હાથની આરતી - આશકા સુદ્ધાં લેવા એ તૈયાર થતી નથી અને આરતીનો અનાદર કરીને સૌને આઘાત આપે છે. એવી જ લયલચિતા શિવશંકર, ગૌરીબા, જયામાં ન હોય એ સ્વાભાવિક છે. આ બે જુદાં જુદાં ટાપુ પર ઊભેલા સ્વજનોની વચમાં દ્વિધાના દ્વીપ પર રહેંસાતા નીલકંઠનું ચિત્રણ જ અહીં રચનાને અવનવું પરિમાણ આપે છે, અને તેનાથી જ આ કૃતિ લેખકને એક ઉત્તમ સર્જક તરીકે આજે ત્રણ દાયકા વીતી ગયા છતાં સ્થાપે છે.


લેખકે એમની આ કીર્તિદા ત્રણેય નવલકથાના અંત આધ્યત્મિકતાના સૂચનની એકસરખી રીતે સિદ્ધ કર્યા છે. “સમયદ્વીપ”માં આમ તો લેખકે બ્રાહ્મણિયા સંસ્કારના જડ વિધિનિષેધો, ક્રિયાકાંડો, રૂઢિઓ, જડતા, દુર્ભગતા વગેરેનું જ આલેખન કર્યું છે. શિવરાત્રિ નો ઉત્સવ અને મંદિરનું પવિત્ર વાતાવરણ સરસ રીતે સજર્યું પણ છે, પરંતુ સમગ્ર નવલકથામાં સનાતન રૂઢ ધર્મના, સપાટી પરના સ્થૂળ ક્રિયાકાંડો અને વિધિ-નિષેધો જ મહત્વના બની રહે છે અને છતાં નવલકથાનો અંત “મૃત્યુંજય”ના મંત્રના સમૂહ સૂર અને અનાહત નાદના આવર્તનોના રહસ્યમય, આધ્યાત્મિક, વાતાવરણનાં સૂચન સાથે સિદ્ધ કર્યો છે, પરંતુ સમગ્ર નવલકથામાં કોઈ ઊંડી આધ્યાત્મિકતાનું નિરૂપણ થયું નથી.


આમ છતાં, અહીં લઘુનવલમાં અપેક્ષિત એવી, કથાવસ્તુની સુરેખતા, એકાગ્રતા, એકકેન્દ્રીય, વ્યંજનાસભર ઘટનાઓનું સજીવ અને સઘન સંયોજન ઝાઝું નથી. સમગ્ર કૃતિના કેન્દ્રમાં કથાનાયકનું આંતરવિશ્વ જ ઊઘડતું રહે એવી અપેક્ષા પણ સંતોષાતી નથી તેથી લઘુનવલની દ્રષ્ટિએ આ રચના ઊણી ઊતરતી જણાય છે. વિવેચકોએ એની ગણના યોગ્ય રીતે જ સાંસ્કૃતિક નવલકથામાં કરીને એને ઉમળકાભેર આવકારી છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથાસાહિત્યમાં તો આ કૃતિ નવી ભાત પાડીને એક અનોખી કૃતિ તરીકે પામી છે. “સરસ્વતીચંદ્ર”થી શરૂ થયેલી સાંસ્કૃતિક મંથનના નિરૂપણની પરંપરાને પણ નૂતનયુગના સંદર્ભમાં એ સઘનતાથી સંવર્ધે છે. એમની સર્વોત્તમ રચનાતરીકે કોઈ એક જ કૃતિનું નામ આપવું હોય તો “સમયદ્વીપ” સિવાયબીજી કઈ કૃતિનું નામ આપી શકાય ?


પાનાંની દ્રષ્ટિએ સૌથી નાની પણ સૌથી રૂપાળી (‘ઊર્ધ્વમૂલ’, ‘અસર્યલોક’કરતાંય) એવી તન્વીશ્યામા ‘સમયદ્વીપ’નવલકથા જ નાનો પણ ‘રાઈનો દાણો’ પુરવાર થાય છે.


“સમયદ્વીપ” - નવલકથાની પાત્રસૃષ્ટિ :


પ્રસ્તુત નવલકથા સંસ્કૃતિ - સંઘર્ષની છે, તેથી મુખ્ય કથાવસ્તુને પોષે, વિસ્તારે, વિકસાવે તેવાં પાત્રો સર્જકે આલેખ્યાં છે. અહીં કેન્દ્રગત મુખ્ય પાત્ર નાયક નીલકંઠ શિવશંકર પુરોહિત છે.


આ નાયક, લેખક કબૂલે છે તેમ, તેમનું પોતાનું વ્યક્તિત્વ છે. શ્રી ભગવતીકુમાર શર્મા કેફિયતમાં કહે છે તેમ – ‘સમયદ્વીપ’ એ મારી, મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં જીવ્યા હતા તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછાપાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું એ નાયકની દ્વિધાઓ, એની આંતરવેદનાઓ મારી પણ છે.” (“સંસ્કૃતિ” – જાન્યુ-માર્ચ-૧૯૮૪ વિશેષાંક – ‘આંતરયાત્રા’”)


વળી, નવલકથાના પ્રારંભે મુકાયેલા પ્રાકકથનમાં પણ લેખક નવલકથાના સંઘર્ષનું મૂળ પોતાની જ ચેતનામાં સમાયેલું હોવાનો નિર્દેશ કરે છે. પોતાના શૈશવકાળે, આરતી ટાણેની ઝાલર, શિવાલય, મંત્રોના ઘોષ, મહાશિવરાત્રિના ઉત્સવનો ઉલ્લાસ, ભજનોની રમઝટ, પ્રસાદ, ભસ્મની અર્ચા, સામવેદના મંત્રો દેવપૂજા, સ્પર્શાસ્પર્શ - ભક્ષાભક્ષના અગણિત નિયમોની ચુસ્તતા અને આચાર આ બધાના પોતાના પર પડેલ પ્રબળ ધાર્મિક સંસ્કારનાં સ્મરણો તાજા કરીને વર્તમાન ક્ષણની પોતાની માન્યતા, વૃત્તિવલણને સ્ફુટકરતાં નોંધે છે : ‘વ્યતીત સમયના બધાં જ મૂલ્યો અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી, તો નવા સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓ સાથેપણ હજીય સહમત થઈ શકાતું નથી. આને કદાચ સંક્રાંતિ કહેતા હશે લોકો.દ્રિધાના દ્વીપ પર ઊભી રહી અંતિમ પ્રતીતિની નૌકા દૂરસુદૂરની ક્ષિતિજનીધીમેધીમે દ્રષ્ટિમર્યાદામાં ઊપસશે એવી આશાએ પ્રતીક્ષા લંબાતીરહે છે, પણ કોઈ પ્રતીતિ અંતિમ હોઈ શકે ખરી ?” (“સમયદ્વીપ” – પૃ. ૭)


એટલે કથાનકનો નાયક નીલકંઠ જે કંઈ મનોસંઘર્ષ અનુભવે છે ! લેખકનો પોતાનો છે. લેખકને નાનપણમાં સાંપડેલા બ્રાહ્મણ સંસ્કારો પ્રસ્તુત નવલકથામાં તીવ્રતમ રીતે પડઘાયા જ છે, એટલે પણ લેખકની કબૂલાત અને નાયકની સંઘર્ષની મનોવ્યથા એકબીજાના પૂરક બની રહે છે.


“સમયદ્વીપ”ના કથાનાયક નીલકંઠને સર્જક નવલકથાના આરંભે જ પ્રવેશ આપ્યો છે. સામાન્ય રીતે નવલકથાના નાયક રૂપગુણે કામણગારા હોય પણ આ નાયકનો પ્રવેશ સીધેસીધો અને અસ્તવ્યસ્ત અવસ્થામાં છે.


નવલકથાના આરંભમાં એ માનસિક તણાવમાં છે. તે નવ વાગ્યે ઊઠ્યો છે, ઑફિસ જવા માટે દાઢી કરવાની છે, સ્નાન કરી કપડાં બદલવાના છે, પણ દાઢી માટે ગરમ પાણી જોઈએ અને ઘરમાં ગેસ ખલાસ થઈ ગયો છે. લઘરવઘર અવસ્થામાં, દાઢી કર્યા વિના તે જેમતેમ ઘરની બહાર નીકળી જાય છે. - આ રીતે પત્ની વગરના બિચારા, વ્યથિત એકલા એવા નાયકને પ્રવેશ આપ્યો છે.


આ નાયક-નીલકંઠ જન્મ્યો, ઉછેર્યો રૂઢિચુસ્ત જૂની જીવનપદ્ધતિના રૂઢ સંસ્કારો, ધાર્મિક માન્યતાઓ ક્રિયાકાંડ વગેરેમાં શ્રદ્ધા ધરાવતી, સુરા ગામની બ્રાહ્મણોની જ રૂઢિચુસ્ત વસ્તી વચ્ચે – પિતા શિવશંકરના કુટુંબના સૈકાઓ જૂના રૂઢ, ધાર્મિક ચુસ્ત, આચારવિચાર કર્મકાંડ, શ્રદ્ધા - ભક્તિના એક વિશિષ્ટ વાતાવરણ વચ્ચે એ ઊછર્યો છે. એના પિતા બ્રાહ્મણ પરંપરાને જૂનાં મૂલ્યોને ચુસ્તપણે પાળે છે. તેઓ વિરક્તેશ્વર મહાદેવના પૂજારી છે, એ મહાદેવની પૂજાઅર્ચા કરવામાં એમણે જીવનસર્વસ્વ સમર્પિત કરી દીધું છે : ભોળા શંકર એમના ઇષ્ટદેવ છે, ને ઇષ્ટદેવની જેમ જ, શિવશંકરે પોતાના કુટુંબને ગરીબ રાખવામાં ગૌરવ અનુભવ્યું છે. નીલકંઠની બા પણ સેવાપરાયણ, પતિપરાયણ, ધર્મપરાયણ પતિને પગલે પગલે ચાલનારી, જૂના જમાનાની ગણાય એવી પતિવ્રતા નારી છે. સુરા ગામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબના બ્રાહ્મણિયા વિશિષ્ટ બ્રાહ્મણિયા સંસ્કારો, વાતાવરણ વચ્ચે ઊછરેલો નીલકંઠ નોકરી અર્થે મુંબઈ આવીને વસ્યો. ઉચ્ચ શિક્ષણ તથા મહાનગરના નિવાસને પ્રભાવે એ એક બૌદ્ધિકનું વ્યક્તિત્વ અનાયાસે વિકસાવતો જાય છે. મુંબઈના વિશિષ્ટ વાતાવરણમાં એને પોતાના બ્રાહ્મણ કુટુંબના જૂના આચાર, વિચાર, જીવનપદ્ધતિ વગેરેમાં બુદ્ધિને સ્તરે પછાતપણું,અંધશ્રદ્ધા હોવાનું ભાન થાય છે, બીજી બાજુ મહાનગરની યંત્રસંસ્કૃતિના જીવનમાં એને વંધ્યતા, વિચ્છિન્નતા રિક્તતા અને વ્યથાનો અનુભવ થાય છે. નગરસંસ્કૃતિ વચ્ચે વસતો નીલકંઠ, પોતાના સૂક્ષ્મ માનસમાં સુરા ગામના રૂઢ બ્રાહ્મણિયા સંસ્કારો સંઘરીને બેઠો છે. મુંબઈમાં શહેરી જીવન જીવતો નીલકંઠ, પોતાની ચેતનામાં રૂઢ બ્રાહ્મણિયા સંસ્કારનું વળગણ ત્યજી શકતો નથી મુંબઈના એલિટ વર્ગની અબ્રાહ્મણ યુવતી નીરા બહારથી બૌદ્ધિક, મોર્ડન લાગતા નીલકંઠના પ્રેમમાં પડે છે. બેઉ પરણે છે. નીરા અને શિવશંકર, મુંબઈ અને સુરા - બેઉ ‘દોન ધ્રુવ’ છે. એ બેઉની જીવનપદ્ધતિ આચાર, વિચાર, સંસ્કાર વચ્ચે પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. પત્ની કે પિતાની – બેમાંથી એકની જીવનપદ્ધતિ કે આચારવિચારનો સ્વીકાર કરીને બીજાનો ત્યાગ કરવાની શક્તિ નીલકંઠમાં નથી, તેથી તેના મનમાં, જીવનમાં એક તીવ્ર કટોકટી જાગે છે. આ કારણથી જ તે પોતાને “સંક્રાન્તિકાળનું સર્જન” કહે છે.


પશ્ચિમની આધુનિક, ભૌતિકવાદી, બુદ્ધિવાદી, વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી સંસ્કૃતિ - સંસ્કારમાં શ્રદ્ધા ધરાવતી નીરાનો ત્યાગ કરીને પ્રાચીન સંસ્કૃતિ સંસ્કારના છેલ્લા અવશેષ સમા પિતા શિવશંકરને એ સ્વીકારી શકતો નથી. એકનો સ્વીકાર, ને બીજાનો પરિહાર એનાથી થઈ શકતો નથી, એમાંથી જાગે છે એના જીવનમાં ને મનમાં એક અતિઘેરી કટોકટી :


બૌદ્ધિક અભિગમથી પોતાના ‘સ્વ’ને ઓળખવા મથતો નીલકંઠ એક દાયકાના મુંબઈ નિવાસ દરમ્યાન મહાનગરના ભૌતિકવાદને, ભૌતિક દંભી જીવનની ઘેલછાઓને કૃત્રિમ જીવનપદ્ધતિને નીરખ્યા કરે છે, એનું મન સતત સુરા અને મુંબઈની સરખામણી કરતું રહે છે. એમાંથી જ એ દ્વીધાના દ્વીપ ઉપર ઊભો રહીને, અંતિમ પ્રતીતિ માટેફાંફા મારતો થઈ જાય છે. નીલકંઠ મુંબઈ ન આવ્યો હોત કે સુરા ગામના સંસ્કારોને વીસરી શક્યો હોત તો આ નવલકથા રચાત નહિ. એના ભાઈ મહેશની જેમ મુંબઈમાં મુંબઈની રીત, ને સુરામાં સુરાની રીતે જીવવાનું એને માફક આવી ગયું હોત.


નીલકંઠ – નીરાના દાંપત્યજીવનના વાસ્તવ અને વિચ્છેદના મૂળમાં, સામાજિક - સાંસ્કૃતિક ભિન્નતાના જૂનાંનવાં મૂલ્યોના, આસ્થા - અનાસ્થાના પ્રશ્નોરહેલાં છે. પત્ની નીરા એને છોડી ગઈ; પછી એના મુંબઈના જીવનની નીરાવિહોણી જિંદગીની રોજિંદી ઘટનાઓ, બીજી બાજુ, આગલા વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે નીલકંઠ - નીરાએ લગ્ન પછી પહેલી વારલીધેલી સુરા ગામની મુલાકાતની ઘટના અને ત્રીજી બાજુ, આગલે વર્ષેસુરામાં થયેલો કુટુંબકલહ અને તેને પરિણામે નીલકંઠનો કુટુંબવિચ્છેદ અને નીરા સાથે ફરી એનું મુંબઈ ઓચિંતું આગમન અને એની સાથે પણ વિચ્છેદ - આટલી સીધીસાદી આછીપાતળી ઘટનાઓ પર નવલકથાકાર, નીલકંઠના મનની જીવનની ઘેરી કટોકટીનું નીરા - શિવશંકરના સંસ્કાર - સંસ્કૃતિ સંઘર્ષનું ઊંડું માર્મિક ચિત્રણ કર્યું છે.


નીરા : પશ્ચિમના આધુનિક સંસ્કારોથી રંગાયેલું નારીપાત્ર :
નીરાનું પાત્ર, સમગ્ર નવલકથાના સંસ્કૃતિસંઘર્ષનો બીજો દ્વીપ છે. નવલકથાનો નાયક નીલકંઠ – સાંસ્કૃતિક સંઘર્ષ તીવ્રપણે અનુભવે છે. તેનો એક દ્વીપ તેના પિતા શિવશંકર છે, જે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારોથી ઘડાયેલા છે, જ્યારે દ્રીધાગ્રસ્ત નીલકંઠને વ્યથિત કરતો બીજો ટાપુ તે નીરા, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સંસ્કારથી સદંતર રંગાયેલી નારી છે. નીલકંઠ, નીરા તરફ આકર્ષાઈને પ્રેમલગ્ન કરે છે. તે પછી ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારોની સામે છેડાના પાશ્ચાત્ય સંસ્કારોથી તે આકર્ષાતો નથી? નીલકંઠનું માનસ અહીં પ્રગટ થાય છે.


નાયકપ્રધાન આ નવલકથામાં નાયિકાનો પ્રવેશ કેવી રીતે થાય છે ? ત્રીજા ખંડમાં મોટા ભાઈ મહેશના સંવાદોમાં ‘નીરા’નો ઉલ્લેખ આવે છે, જે નીલકંઠને છોડીને પિયર ગઈ છે, અને પછીના પાંચેક ખંડ પછી નીલકંઠ નીરાનો ફોન પર કોન્ટેક્ટ કરે છે, પણ..... “ઝરણા જેવો સ્વર ગાલે તમાચો મારી જતા દરિયાના તોફાની મોજાનું સ્વરૂપ ધરી ઘસી આવતો લાગ્યો : “નીલ, પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી... આ મારી ખાસ વિનંતી..” નીરા સાથે વિસંવાદિતાની સ્થિતિ સર્જાયેલી હોવાની પ્રતીતિભાવકને અહીં થાય છે.


ત્યારબાદ સમગ્ર નવલકથામાં, નીરા ભારતીય સંસ્કૃતિ સાથે તાલમેલ ન સાધી શકતી, એરોગન્ટ ‘વુમન’તરીકે આલેખવામાં આવી છે. તેની આ વિસંવાદિતા નીરા-નીલકંઠના દાંપત્યજીવનની સૌથી મોટી તિરાડ બની રહે છે. નીરા શા માટે નીલકંઠના ભારતીય સંસ્કારો સાથે સંવાદ સાધી શકતી નથી ?


આ પ્રશ્નનો જવાબ પણ નીરાનું માનસ અને તેને જન્મજાત પ્રાપ્ત થયેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કારો છે. જેમ નીલકંઠ તેના મૂળભૂત બ્રાહ્મણસંસ્કારો ત્યજી શકતો નથી તેમ નીરા પણ પાશ્ચાત્ય સંસ્કારોને છોડી શકતી નથી, આમ, અહીં બંને પાત્રો સામસામેના સ્થિત્યંતરો બનીને તીવ્ર સંઘર્ષ જન્માવે છે. બંને પાત્રો real self - સાચા વ્યક્તિત્વને ઉવેખી શકતા નથી. બંને સંસ્કારમૂલ્યના સંઘર્ષના ખડક સાથે અથડાઈ, અથડાઈને તૂટતાં રહે છે, વ્યથિત, વિષાદગ્રસ્ત સ્થિતિમાં લોહલુહાણ... થતાં રહે છે.


નીરાનું સમગ્ર વ્યક્તિત્વ આધુનિક જીવનશૈલીથી ઘડાયેલું રંગાયેલું છે. તેના સમગ્ર અસ્તિત્વ વ્યક્તિત્વનું ઘડતર પણ મુંબઈ જેવા મહાનગરના પરિવેશમાં થયું છે. તેનું બાહ્ય વ્યક્તિત્વ તેના આ સંસ્કારોને પ્રગટ કરે છે :


“કપાવેલી સોનેરી વાળની ખભા સુધી ઝૂલતી લટોવાળી, હોઠ પર લિપસ્ટિકના ઘેરા શેઈડવાળી, આંખોની ચીતરેલી ભમ્મરો અને ખૂણેથી કાજળની ખેંચાયેલી લકીરવાળી, ચુસ્ત કૂર્તુ અને પગની પિંડી સાથે ચપોચપ ભિડાયેલી સલવારવાળી બેફામ હસતી, કુદ્ધ શબ્દ ઉચ્ચારતી, નીલકંઠ - પતિની – આગળને આગળ ચાલતી નીરા, નીલકંઠ માટે પણ કૂટપ્રશ્ન બની રહે છે.


જો કે, બ્રાહ્મણ નીલકંઠ અબ્રાહ્મણ નીરાના પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે... પણ વિરોધનું આકર્ષણ વધુ સમય ટકી શકતું નથી. અહીં બેમાંથી એક પણ પાત્ર પોતાના જન્મજાત મૂળ Roots ત્યજવા તૈયાર નથી. બંને પોતપોતાના સંચિત સંસ્કારોના દ્વીપ પર એકલાં પડી ગયાં છે.


નીલકંઠ અભ્યાસ - વ્યવસાય નિમિત્તે મહાનગરના પરિવેશમાં પોતાની જાતને અનુકૂળ કરી લે છે. એ પોતાના ચુસ્ત રૂઢ બ્રાહ્મણ સંસ્કારોને, આચારને થોડેઘણે અંશે ત્યજે પણ છે. એ અબ્રાહ્મણ યુવતી નીરાને પ્રેમ કરે છે, તેની સાથે લગ્ન પણ કરે છે. આધુનિક ફિલસૂફીનાં પુસ્તકોનું વાચન કરે છે, શરાબ પણ પીએ છે. તેણે જનોઈ સુધ્ધાં કાઢી નાંખી છે. મુંબઈની નીરા સાથેના નિવાસ દરમિયાન નીલકંઠને પોતાના રૂઢ, બ્રાહ્મણ સંસ્કાર નિરર્થક જણાય છે.


પરંતુ તેની જાણબહાર, સુરા ગામ, પિતા શિવશંકર, શિવમંદિરની પૂજા - અર્ચના, મંત્રોચ્ચાર વગેરે સાથેનું અનુસંધાન પણ એની ચેતનામાં એટલું જ પ્રબળ છે, અને તેથી જ તે અબ્રાહ્મણ નીરાને સુરા ગામ, એના પરિવેશમાં અનુકૂલન સાધવા સમાધાન કરવા વિનંતી કરે છે. આમ, નીલકંઠ, પિતા શિવશંકર અને પત્ની નીરાની વચ્ચે ભીડાય છે. ભીંસાય છે, વ્યથિત થાય અને અંતે એકલતાના વમળમાં ફસાઈને સતત પીડાગ્રસ્ત, મનોરુગ્ણ સ્થિતિમાં જીવ્યે જાય છે. એની આ પીડા સંસ્કારસંઘર્ષની છે; સંસ્કૃતિસંઘર્ષની છે. ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સંસ્કારોના બે દ્વીપ પર ઊભેલા નીલકંઠ તણાવગ્રસ્ત જીવન જીવે છે


જયારે એલિટ વર્ગની અત્યંત આધુનિક પાશ્ચાત્ય સંસ્કારોથી જીવન જીવવા માગતી, વ્યક્તિસ્વતંત્રતામાં જ માનનારી, નીરાનો માનસિક સંઘર્ષ વિરોધમાં વિદ્રોહમાં પ્રત્યાઘાત પામે છે. ઊંચી એડીના શૂઝ પસંદ કરતી, મોટે ભાગે કોમિક્સ વાંચ્યા કરતી નીરા પોતાની ઇચ્છાઓ, અભીપ્સાઓ અને પોતાના મૂળને - Roots ઉવેખવા માગતી નથી. સ્વ-અસ્તિત્વવ્યક્તિત્વ સાથે કોઈ સમાધાન તે કરવા માગતી નથી. તે તેવા અનુકૂલનમાં માનતી પણ નથી. સ્વ-વ્યક્તિત્વને કચડીને માત્ર નીલકંઠ ખાતર કે પ્રેમ ખાતર પણ તે સમાધાન કરવા તૈયાર નથી. આથી જ એક જ ઝાટકે, તે નીલકંઠને, તેનું ઘર, તેનું સુરા ગામ ત્યજી શકે છે. તેને કોઈ બંધનમાં, સમાધાનમાં અનુકૂલન સાધવાનું ગમતું નથી. આધુનિક વ્યક્તિગત જીવનના પ્રેમી બની પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું તે પસંદ કરે છે. નીલકંઠની જેમ સંઘર્ષમાં સડી-સડીને મરીને જીવવાનું તેના સ્વભાવમાં નથી. નવલકથાના નાયક નીલકંઠના વ્યક્તિત્વથી સામે છેડાનું વ્યક્તિત્વ નીરાનું છે.


સર્જકે નવલકથામાં પ્રારંભથી જ નીરાનું વિદ્રોહી વિરોધી માનસ આલેખ્યું છે. નીરાના પાત્રને ‘નીલકંઠનું ઘર છોડીને ચાલી ગયેલી સ્ત્રી’ તરીકે લેખકે પ્રવેશ આપ્યો છે. પછી નવલકથાના વિકાસમાં આ પાત્ર સતત સંઘર્ષ જન્માવતું, વિરોધી, વિદ્રોહી તરીકે જ પડઘાયા કરે છે.


એ રીતે નીરાનું પાત્ર, નિલકંઠના પાત્ર કરતાં ઓછો સંઘર્ષ, તણાવ કે વેદના અનુભવે છે. જો કે વિદ્રોહ કરવામાં કંઈ ઓછો સંઘર્ષ, તણાવ તે અનુભવતી નથી.. પણ તે વિરોધ કરીને, પોતાની જિંદગી પોતાની રીતે વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. તે નવેસરથી પોતાના અસ્તિત્વ વ્યક્તિત્વની રીતિથી જીવન જીવવાના સ્વપ્ના સેવે છે, તેથી નીલકંઠ સાથેના જીવનની ક્ષણો તેને માટે માત્ર એક દુઃસ્વપ્ન જ બની રહે છે. નીરા પણ એ દુઃસ્વપ્નને વીસરીને, નવી જિંદગીના સોનેરી સ્વપ્ન સાકાર કરવાના પ્રયત્નોમાં વ્યસ્ત બની જાય છે, એટલે જ નીલકંઠને ત્યજવાની વેદના એને ક્યાં છે ? તે પોતાના નિર્ણયોમાં દ્રઢ છે, તે અતીતને ભૂલીને વર્તમાન સંકોરવામાં જ ડહાપણ સમજે છે. નીરાના વિચારો, આચાર, આઘાત પ્રત્યાઘાત વગેરેમાં સાંપ્રત - આધુનિક યુવા માનસ પ્રતિબિંબિત થાય છે. નીલકંઠ અતીત અને વર્તમાનના કાળખંડમાં વહેંચાઈ ગયેલો છે, અને તેથી તે વ્યથિત છે. તે કોઈ પણ એક સ્થિત્યંતરનો – પરિસ્થિતિનો સ્વીકાર કરતો નથી, કોઈ પણ એક સંસ્કૃતિને અપનાવીને. તેને વળગી રહી જીવતાં તેને આવડતું નથી. તેની વેદનાનું મૂળ કારણ જ બે વિરોધી સ્થિતિ વચ્ચેનો સંઘર્ષ છે, બે પરસ્પર વિરોધી સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ છે. તે ‘આ પાર કે તે પાર’ કરીને એક નિર્ણય લઈ શકતો નથી. સમયના પ્રવાહમાં તે ઘસડાઈ જાય છે, તણાય છે અને અંતે તાણ અનુભવે છે; જયારે નીરાનો વર્તમાનકાળ નીલકંઠ અને તેના રૂઢિચુસ્ત, બ્રાહ્મણ સંસ્કાર અને તે મુંબઈ જેવા મહાનગરમાં જે રીતે ઊછરી છે, ઘડાઈ છે, તે પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કાર તેના અતીત અને ભવિષ્ય બંને છે; તે નીલકંઠ સાથે પ્રેમ કરીને પરણે છે; સાથે રહે છે; પરંતુ નિલકંઠ તથા તેના કુટુંબ દ્વારા તેના પર લાદવામાં આવતા બ્રાહ્મણ સંસ્કારને તે અપનાવી શકતી નથી. તે વ્યક્તિસ્વાતંત્ર્યમાં માને છે. તે નારીસ્વતંત્રતામાં શ્રદ્ધા ધરાવે છે અને પોતાની જિંદગી પોતીકી રીતિથી જીવવામાં દ્રઢપણે માને છે. વળી, તે પોતાના નિર્ણયોમાં અડગ, શીઘ્ર નિર્ણયશક્તિ ધરાવતી, વ્યક્તિ સ્વાતંત્ર્યને ચાહતી, એલિટ વર્ગની - મહાનગરની ભણેલીગણેલી નારી તરીકે પ્રગટતી રહે છે. વિરોધ અને વિદ્રોહ કરવાની હિંમત તે ધરાવે છે. નીલકંઠના સમયદ્વીપને ઊપસાવવામાં, વિકસાવવામાં, ગતિ પ્રેરવામાં નીરાનું પાત્ર અતિ મહત્વનું બની રહે છે.


“સમયદ્વીપ” નવલકથાના બે દ્વીપમાંનો એક ‘દ્વીપ’ તે નીરા છે. આદિથી અંત સુધી તેના વિભિન્ન વ્યક્તિત્વના પાસાંઓ ભાવક સામે ખુલતા રહે છે. સર્જક નીરાના પાત્રને કંઈક વધારે પડતી વિદ્રોહી કે વિરોધી ચિત્રિત કર્યાની પ્રતીતિ પણ સહૃદયી ભાવકને થાય!


નવલકથાને આરંભે જ પતિનું ઘર છોડીને પિયર ચાલી ગયેલી નીરા સાથે ભાવકનો પ્રથમ ભેટો થાય છે, પછી મિલન માટે તલસતાં નીલકંઠને ફોન પર જ સ્પષ્ટ સંભળાવી દેતી નીરા આપણને મળે છે. પછી તો નીરાના નકારાત્મક પાસાંઓની હારમાળા સર્જકે સર્જી છે : વિગતે નોંધીએ તો સુરા ગામની સાંકડી શેરીમાં, ઊંચી એડીનાં સેન્ડલથી ધૂળ ઉડાડતી, થોડી થોડી વાર નાક પર રૂમાલ ઢાંકી શ્વાસમાં પ્રવેશતી રજકણોને રોકવા મથતી નીરા, એકઝાટકે શિવરાત્રિ ની આગલી રાત્રે સૌને તરછોડીને ચાલી નીકળે છે... અને નીલકંઠ દ્વિધામાં કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતો નથી!
જ્યારે લગ્ન કર્યા ત્યારેય નીલકંઠના કુટુંબીજનોને તે ગમ્યું નહોતું, એટલે શિવરાત્રિ ની મોટી પૂજામાં સુરા ગામ જવાનું નીલકંઠ નીરા ટાળતાં હતા. પણ નીરાની જીદથી જ “લેટ અસ સી - રાધર ફેઈસ ધી સિમ્યુએશન...” બંને સુરા ગામ તો ગયાં પણ ગામમાં પ્રવેશતાં જ સંઘર્ષ શરૂ થઈ ગયો... સલવાર – કમીઝને બદલે સાડી પહેરી હોય તો સારું થાત - એવા સૂચન માત્રથી નીરા કટુતાથી છેડાઈ પડે છે : “મારે શું પહેરવું, ન પહેરવું એય આ લોકોને ખ્યાલમાં રાખીને નક્કી કરવાનું, એમ ? (પૃ.૩૨) અને પછી તો સંઘર્ષની હારમાળા... ક્યાંય નીરા અનુકૂલન સાધી શકતી નથી, નથી નીલકંઠનો પરિવાર નીરાને અપનાવી શકતો!"...


બે હાથ જોડી, (સેન્ડલ ઉતાર્યા વિના ઘરપ્રવેશ કરતી) ગૌરીબાને પગે લાગતી નીરા અવગણનાથી અપમાનિત થાય છે... પછી પિતા શિવશંકરના તીખા, કડવાં પણ દ્રઢ વચનોમાં આજ્ઞા મળે છે; તેમાં પણ નીરાની અવહેલના જ ડોકાય છે; નવલકથામાં પછીની ઘટનાઓથી, અણગમો, અકળામણ, નારાજગી અનુભવતી નીરાની મનઃસ્થિતિ કડવાશ, અવગણના અવહેલનાની દુર્ગધથી વિચિત્ર જ થતી જાય છે.


બાથરૂમ વિના નાહવાનું ટાળતી નીરા પર પસ્તાળ પડે છે. અંતે ચોકડીમાં નાહી લેતી નીરા પછીથી પણ શાંતિના શ્વાસ લઈ શકતી નથી. મંદિરનું પવિત્ર છતાં વધારે પડતું રૂઢિચુસ્ત વાતાવરણ, આસ્થા, શ્રદ્ધા, ધર્મ, સ્થૂળ રૂઢાચાર વગેરેનાં અનેક પ્રશ્નો અકળાવે છે. ગર્ભગૃહમાં માત્ર પીતાંબર પહેરીને બેઠેલા શિવશંકર, ન ઓળખાય તેવા મહેશભાઈ અને અચાનક લુપ્ત થઈ ગયેલો નીલ (નીલકંઠ) વગેરેને જોઈને ‘અંગ્રેજોની દ્રષ્ટિએ Half – naked’ માણસો તેને યાદ આવી જાય છે, અને શહેરમાં ચુસ્ત પેન્ટ, પોઈન્ટેડ શૂઝ, કાબરચીતરું બુશશર્ટ, બીટલ ટાઈપના વાળ, લાંબા થોથિયા, હાથમાં જલતી સિગારેટ, ગેલોર્ડ કે ઉજાલા કે નટરાજમાં એસ્પ્રેસો કોફી પીતો, બિરિયાની કે એગ - કરી ખાતો, સાત્ર, નિજો, કામૂ અને ફ્રોઈડની ચર્ચા કરતો, ઇટાલિયન ચેકોસ્લોવાક કે જપાનીસ ફિલ્મોની આર્ટસેન્સની સમીક્ષા કરતો નીલ જાણે મંદિરના ગર્ભાગારમાં ઓગળી ગયેલો એને લાગે છે. નીરાને સુરા ગામમાં નીલકંઠ દંભી હોવાની પ્રતીતિ થાય છે. કદાચ એટલે જ તે વિદ્રોહ કરે છે; આરતીની આશકાનો અનાદર કરીને – ! નીરાને પ્રથમ વાર પોતાનાં જીવનમૂલ્યો અને નીલકંઠનાનાં જીવનમૂલ્યો સામસામેના બે અંતિમ છેડા હોવાની પ્રતીતિ થઈ, અને તે પોતાના જીવનમૂલ્યોનો ત્યાગ કરવા સદંતર તૈયાર નથી ! આ સુરા ગામની મુલાકાત દરમિયાન જ નીરા, નીલકંઠના ભૂતકાળના સંદર્ભોમાં વિકસેલા તેના વ્યક્તિત્વના અંશોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે. બાળપણથી આરંભીને મુંબઈ મહાનગરમાં પ્રવેશ કરતાં નીલકંઠની મનઃસ્થિતિનો તાગ તે બરાબર મેળવી લે છે. નીલના ભીતરી પ્રત્યાઘાતની ક્ષણોનેય તે પામે છે. એમના દાંપત્યજીવનના લગભગ દાયકા દરમિયાન નીલકંઠે અનુભવેલા આઘાત – પ્રત્યાઘાતોનો તાગ અહીં જ મળે છે. વધુ માટે જુઓ – પૃ. ૮૬, ૮૭, ૮૮, ૮૯)


નીરા, નીલકંઠના સાચા વ્યક્તિત્વને જાણી – પ્રમાણીને પોતાના નિર્ણયો લે છે. નીરાનાં પ્રત્યાઘાત કંઈક આવા હતા : “નીરા વિસ્ફારિત આંખે નીલકંઠને તાકી રહી. એના જોરથી ચાલતા શ્વાસને કારણે એની છાતી ઊંચીનીચી થતી હતી. છેવટે નીલકંઠ લગભગ સ્વગતની જેમ બોલ્યો : “But Let me not pass a hasty judgement.... મારા રૂઢ સંસ્કારો મારી દ્રષ્ટિ ફરતે ધુમ્મસ રચી દે એ શક્ય છે.” X XX ભૂતકાળ એ બેડી છે કે ફૂલની માળા?” (પૃ. ૮૯)


અને મદદ કરવાના ઈરાદે રસોડામાં ગયેલી નીરાએ જ્યારે ભાતની તપેલી ચૂલા પરથી ઉતારી, તે ઘટનાથી તો ઘરમાં હાહાકાર મચી ગયો... ‘અબ્રાહ્મણ નીરાએ રસોઈ અભડાવી !’


અને ત્યારે પિતા તથા કુટુંબીજનોને પગે પડી માફી માગતા પતિ નીલને નીરા જીરવી શકતી નથી. પ્રેમથી પતિને સમજાવતી નીરા દ્રઢતાથી નીલકંઠને કહે છે “શા માટે - શા માટે તું આ લોકની માફી માગે છે ? એમને પગે પડે છે ? મેં કે તેં કોઈ ગુનો કર્યો નથી.”


અહીં પણ પતિનું નામ અને તે પણ એકવચનમાં ઉચ્ચારવા બદલ ઘરની સ્ત્રીવર્ગ નીરાને હડધૂત કરે છે.


નીલકંઠના આ વર્તનમાં નીરાને કાયરતા દેખાય છે, એટલે તે પતિને રૂઢિચુસ્તતામાંથી બહાર આવવા સમજાવે છે, પણ એ વ્યર્થ પુરવાર થાય છે.


પછી તરત જ ‘દૂર બેઠેલી’ નીરા સાથે તો જાણે કોઈ ગુનો કર્યો હોય એવો વર્તાવ થાય છે. અને સાથે સાથે નીલકંઠની સાથે પણ દુર્વ્યવહાર તેના સ્વજનોએ કર્યો ! આ ઘટનાને અંતે શિવશંકરનો ઘેરો અવાજ સંભળાયો : ‘અને નાના ‘નીલકંઠે ચમકીને એમની તરફ જોયું, ‘તું અને નાની વહુ આજે જ મુંબઈ ચાલ્યાં જાઓ. હા, તમારે જવાનું છે.’ - એવો હુકમ મળ્યો... અને બંને મુંબઈ પાછા તો ફર્યા પરંતુ વિખૂટા પડવા... ને નીરા ઘર છોડી ચાલી ગઈ ! બંનેના મન જુદી જુદી દિશામાં વહેતા રહ્યાં.


નવલકથાના અંતભાગમાં નીરાનું માનસ સતત કંઈક નિર્ણય લેવાના પ્રયાસ કરી રહે છે. નીલકંઠના સંબંધમાં, દ્રષ્ટિમાં, સ્પર્શમાં તેને ક્યાંય સ્નેહનો અનુભવ ન થયો. સુરા ગામથી મુંબઈ આવતા માર્ગમાં નીરાના માનસને સર્જકે અંકિત કર્યું છે. ફરીથી એ જેના કણેકણને નિકટતાથી ઓળખતી હતી એ સૃષ્ટિ તરફ જઈ રહી હતી... હવે ‘રિટ્ઝ’માં એસ્પ્રેસો ફરીથી પી શકાશે, લાંબા ગ્લાસમાં કોફીનું ફીણ ઊભરાઈ આવશે અને નીચા નમીને સ્ટ્રો વડે એ પીતી વખતે ટેબલ પર સામે બેઠેલી વ્યક્તિ સાથે આંખો ટકરાઈને હસી ઊઠશે. કોણ હશે એ વ્યક્તિ ? નીલ.. નીલ.. કે પછી ?... બર્થ કન્ટ્રોલની નિષ્ણાત લેડી ડૉક્ટર – શું નામ એનું? મિસ પારેખ, એની સાથે ઓરલ પિલ્સની સેફ્ટી ગેરન્ટી વિશે ચર્ચા કરી શકાશે... ‘ફેમિના’ના તાજા અંકમાં જોઈને સલવાર – કમીઝની નવી ડિઝાઈન નક્કી કરવી પડશે.” (પૃ. ૧૧૮)


અહીં, સર્જકે નીરાનાં પાત્રનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કરીને તેના સ્વતંત્ર જિંદગી જીવવાના દ્રઢ નિર્ણયને સ્કુટ કર્યો છે. નીરાએ નીલકંઠ સાથે પ્રેમને કારણેય અનુકૂલન સાધવાના પ્રયાસો કર્યા પણ એ તો વ્યર્થ ગયાં જ, પણ સાથે માનહાનિ અને નારીની અવહેલનાનો વિષાદ પણ ભાગે આવ્યો ! આથી જ કદાચ તે નીલકંઠનું ઘર ત્યજીને પિયર ચાલી ગઈ છે.. ત્યાં જ તે પોતાની આઈડેન્ટીટી ઓળખ પુનઃ પ્રાપ્ત કરી શકે !


નીરાનું પાત્ર આધુનિક શહેરજીવન જીવતી સ્વતંત્ર વિચાર ધરાવતી મુક્ત – નારીનું પ્રતિનિધિત્વ કરે છે. તે સુરા ગામે મોટે ભાગે અનુકૂલન સાધવાના પ્રયાસો કરે છે, પરંતુ જાણે દુર્ભાગ્યે તેનો પીછો છોડ્યો ન હોય તેમ એક પછી એક બનતી ઘટનાઓ તેને ગુનેગાર જ ઠેરવતી જાય છે. જીદ કરીને, મન કરીને શિવરાત્રિની પૂજામાં હરખથી જવા તૈયાર થયેલી નીરા ક્યારેક જાણતા ક્યારે અણજાણતાં જ રૂઢિ, પરંપરાને તે તોડે છે. આમ, માત્ર આ થોડાક જ સમયમાં નીરા, નીલકંઠના મૂળને Root - પારખે છે, અને અંતે નીલકંઠનું ઘર તે ત્યજે છે.


“સમયદ્વીપ” – નાયકપ્રધાન નવલકથામાં નીરાનાં પાત્ર સામે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે, વિવેચકોએ તેના વાણી – વર્તન - વ્યવહાર સામે પ્રશ્નચિહ્ન મૂકી વિગતે ચર્ચા કરી છે.


મહાશિવરાત્રિના ઉત્સવ નિમિત્તે લગ્ન પછી પહેલી જ વાર નીલકંઠ સજોડે સુરા જવા તૈયાર થાય છે. પોતાની સાથે ન આવવા નીરાને એ સૂચવે છે, થોડુંક ચેતવે પણ છે, પણ નીરા એનું ગામ જોવા, જાણવા માણવા અતિ ઉત્સુક છે અને એને વશ થઈને નીલકંઠ પોતાની સાથે એને લઈ જાય છે. અહીં એક પ્રશ્ન થાય છે કે, નીરાની અનુકૂલનશક્તિમાં વધારે પડતો વિશ્વાસ મૂકીને બે દિવસ પૂરતું બધું વેઠી લેવાનું નીરાને કહેતો રહેતો નીલકંઠ સુરા ગામના પોતાના આત્મીયજનોની રૂઢિચુસ્તતા અને નીરાના આધુનિકતાના “દોન ધ્રુવ”ને શું જાણતો ન હતો કે, એણે નીરાને પોતાની સાથે લઈ જવાનું દુ:સાહસ કર્યું? નીરા નીલકંઠ - બેઉ મહાનગરીય પરિવેશ અને જીવનપદ્ધતિનો ગાઢ સ્પર્શ પામેલાં બૌદ્ધિકો છે, નીલકંઠ – નીરાએ બુદ્ધિનો ઉપયોગ કરીને સુરા જવાનું દુઃસાહસ ન કર્યું હોત, તો એમની વચ્ચે વિચ્છેદની પરિસ્થિતિ ન સર્જાઈ હોત. અહીં શિવશંકર અને નીરા પોતપોતાના ધ્રુવ પર અવિચલ રહે છે, વચ્ચે નીલકંઠ રહેંસાઈ જાય છે, એ પરિસ્થિતિ કલ્પવાની બુદ્ધિ એ બેઉમાં છે જ; લેખકે, વિશેષ પ્રતીતિજનક થાય તે રીતે નિરા-નીલકંઠને સુરાના પરિવેશમાં મૂકી આપવા જોઈતાં હતા, એમ લાગે છે. નીરાનું સુરા જવાનું અનિવાર્ય બને એવા સંજોગો દર્શાવી શકાયા હોત. મહાશિવરાત્રિ ઉત્સવમાં એ બેઉને ઉપસ્થિત રહેવાનું આગ્રહભર્યું નિમંત્રણ પણ મળ્યું નથી, અને નીરાને તો ઓછો ખ્યાલ હોય પણ નીલકંઠને તો ઊભી થનારી પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. એટલે એણે નીરાને સુરા આવતી રોકવાનો મક્કમ પ્રયત્ન કરવો જોઈતો હતો, એમ લાગે છે. વળી નીરા જેવી આધુનિક શિક્ષિત, સ્વમાની યુવતી નિમંત્રણ વિના ગામ પહેલી વાર સાસરે જવા તૈયાર ભાગ્યે જ થાય.


નીરા સાથે મહાશિવરાત્રિના પરંપરાગત ઉત્સવમાં ભાગ લેવા નીલકંઠ સુરાના પોતાના ઘરને આંગણે ઊભો રહે છે, ત્યાંથી જ પરસ્પરવિરોધી જીવનપદ્ધતિનો સંઘર્ષ, કટોકટીનો આરંભ થાય છે. ગૌરીબા નીલકંઠ પર તો વહાલ વરસાવે છે. ઉમળકાથી પુત્રને આવકારે છે, પણ અબ્રાહ્મણ પુત્રવધૂ નીરાની ઉપેક્ષા કરે છે, તેની ઉપસ્થિતિની ઘરમાં ભાગ્યે જ નોંધ લેવાય છે, કોઈ એને આવકારતું નથી. તેજસ્વી સ્વતંત્ર મિજાજની આધુનિક નારીનું સ્વમાન એથી ઘવાય એ સ્વાભાવિક છે. શિવશંકર એની સાથે કઠોરતાથી વર્તે છે. માત્ર જયાભાભી એને જરા મોકળા મને બોલાવે છે. અહીં જૂની ઢબના ઘરમાં નીરાને બાથ-ટોયલેટની આધુનિક સગવડ ક્યાંથી મળે? એટલે નીરા ન નહાવાનો નિર્ણય કરે છે. સ્નાનવિધિ ન કરનારી પુત્રવધૂને ઘરનાં રૂઢિચુસ્તો માફ કરી શકતાં નથી. જયાભાભીની કડવી આકરી ટીકાથી નીરા અસ્વસ્થ બની જાય છે. અંતે એ ઓરડાના બારણાં બંધ કરી નહાય છે ખરી. આમાં પણ અનુકૂલન ન સાધવાની એની જડવૃત્તિના જ દર્શન થાય છે, અને જે ઉકેલ પાછળથી અમલમાં મુકાયો તે ઉકેલ પહેલેથી જ અમલમાં મુકાયો હોત તો આ સંઘર્ષ ટાળી શકાયો હોત. આચારદોષને બહુ મોટું પાપ સમજતા આ કુટુંબમાં પહેલેથી જ નીરાને બંધ ઓરડામાં નહાવાની સગવડ બેઉ પક્ષની સમજૂતીથી અપાઈ હોત તો? અથવા નીરાએ જ ન નહાવાના નિર્ણયને બદલે બંધ ઓરડામાં નહાવાનું સૂચન કરીને એ સગવડ મેળવી લીધી હોત તો?
બીજે દિવસે મંદિરના ઉત્સવના ક્રિયાકાંડમાં અબોટિયું પહેરી ભાગ લેતા નિલકંઠને જોઈને નીરાને એનું વર્તન વિચિત્ર, બેહૂદું અને હાસ્યાસ્પદ લાગે છે. એના મનમાં બૌદ્ધિકોના વર્તુળમાં આધુનિક જીવનરીતિ અને મૂલ્યોની ચર્ચા કરતાં અને તેને પુરસ્કારતા નીલકંઠની જે ભવ્ય Image હતી તે ભાંગીને ભુક્કો થઈ જાય છે અને અહીંથી જ બેઉના મનોવિચ્છેદનો આરંભ થાય છે. નીલકંઠના પિતા શિવશંકર અબ્રાહ્મણયુવતી સાથે પરણવા માટે નીલકંઠને પ્રાયશ્ચિત કરાવીને શિવરાત્રિ ના ઉત્સવમાં ભાગ લેવાને લાયક કર્યો અને નીલકંઠે પ્રાયશ્ચિત કરીને એ ઉત્સવમાં ભાગ લીધો તે પણ નીરાને વ્યથિત કરે એ ઉચિત છે. એ ઘટનાથી પણ નીરાના મનમાં રહેલી નીલકંઠની ભવ્ય મૂર્તિ ખંડિત થાય છે. ક્ષુબ્ધ નીરા આરતી લઈને આવેલા નીલકંઠને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. આરતીની આશકાનો અનાદર, અસ્વીકાર કરતી પુત્રવધૂ શિવશંકરને અધર્મી લાગે છે. ખરેખર તો બુદ્ધિશાળી નીરાએ આટલા અનુભવથી જ સમજી લેવું જોઈએ કે આ લોકો સાથે બે દિવસ પૂરતું અનુકૂલન સાધીને સંઘર્ષ ટાળવો હોય કે ઓછો કરવો હોય તો એ લોકોને ગમતું થોડુંક કરવું જોઈએ. તેને બદલે એ રસોડાની તૈયાર રસોઈ અભડાવી ઘરના સૌને હચમચાવી મૂકે છે. એટલું જ નહિ પણ પોતે રજસ્વલા હોવા છતાં – એ ભલે કોઈ આભડછેટ ન પાળે, પરંતુ જયાભાભીએ જાણ્યા પછી એ રૂઢિચુસ્ત કુટુંબ પર જાણે આપત્તિનો બહુ મોટો પહાડ તૂટી પડ્યો હોય તેવું વાતાવરણ સર્જવાનું નિમિત્ત એ બને છે. અહીં જાણ્યેઅજાણે નીરા રૂઢીચુસ્તોને પજવવાના, ખીજવવાના, ચોંકાવવાના, હચમચાવવાના એક પછી એક બળવાખોર મિજાજના સજગ બનાવોમાં સંડોવાતી જોવા મળે છે. લેખકે ન ઈચ્છ્યું હોય તે રીતે અહીં દેખાવ એવો થાય છે કે, બુદ્ધિશાળી હોવા છતાં સ્વભાવે દુષ્ટ, પૃષ્ટ ન હોવા છતાં પતિનું બે દિવસ બધું નભાવી લેવાનું સૂચન ઠુકરાવીને આ રૂઢિચુસ્ત જડ આચારવિચાર ધરાવતા કુટુંબને જાણે કે હચમચાવી દેવાનો નીરાએ ઠરાવ કરેલો જણાય છે. બેઉ પક્ષના સભ્યોના કશાય દેખીતા દોષ વિના પણ અનાયાસે જ બનતી ઘટનાઓના ચિત્રણ દ્વારા ધાર્યો સંઘર્ષ સર્જવામાં વધારે કલાકૌશલની જરૂર હોય છે. નીરાને પણ શિવશંકર કે ગૌરીબા જેટલી હદે જડ બતાવવાની શું અનિવાર્યતા હતી? એટલે લેખકે નીરાને નકારાત્મક અભિગમથી વર્તતી બતાવીને ઉત્તરોત્તર બનતી ઘટનાઓને પરાકાષ્ટાએ પહોંચાડીને એ દંપતીના વિચ્છેદનું જે પરિણામ સજર્યું છે તે કદાચ એટલું અસરકારક બનતું નથી. નીરાના પાત્રને પણ એ નિરૂપણથી અન્યાય થયેલો લાગે છે. શિવશંકર, જયાબા, ગૌરીબા તો સ્વાભાવિક રીતે જ અક્કડ, અણનમ, રહીને જડતાથી વિધિવિધાનોને વળગી રહે, તેઓ ચુસ્ત-રૂઢિચુસ્ત, અવ્યવહારુ, અસમાધાનશીલ જણાય, અને નીરા સાથેના અનુકૂલનના પ્રયાસની તેમની પાસે કોઈ અપેક્ષા રખાય એમ નથી. પરંતુ બુદ્ધિશાળી સમજુ નીરા પાસે અપેક્ષા રહે છે : આદિથી અંત સુધી સામા માણસોની લાગણીને કે વિષમ પરિસ્થિતિને ન સમજવાનો દેખાવ કરતી, એક પછી એક તીવ્રથી તીવ્રતમ આઘાતો એ સૌને આપતી જાય છે. તેથી નીલકંઠના પિતા - અને પુત્રવધૂ જેવાં પાત્ર પોતપોતાના ધ્રુવ ઉપર અવિચલ રહીને એવા જડ-હૃદયહીન અસમાધાનશીલ, અવ્યવહારુ અને વિના કારણની આપત્તિ આપમેળે વહોરી લેનારાં પ્રતીત થાય છે. નીલકંઠની કરુણિકાને બળવત્તર બનાવવા કે બેઉ વિરોધી પક્ષોને અવિચલ, જડ બતાવવાનું, અવ્યવહારુ બતાવવાનું કદાચ જરૂરી હોય, તો પણ એ પાત્રોનું આલેખન પૂરતું પ્રતીતિકર કે યથાર્થ જણાતું નથી.


સમાજમાં અબ્રાહ્મણ પુત્રવધૂના હાથનું ભોજન આરોગવામાં પાપ સમજતી એવી કેટલીક જુનવાણી સાસુઓ હોય છે, જે પુત્રવધૂને રસોડામાં પ્રવેશવાની બંધી ફરમાવીને પણ વર્ષો સુધી તેને તૈયાર ભાણે આઘે બેસાડીને, પણ જમાડતી હોય છે. એવી પુત્રવધૂ પણ હોય છે કે જે પોતાના સુધરેલા પિયરમાં જૂનો રજસ્વલા ધર્મ ન પાળતી હોવા છતાં સાસુ - સસરાને રાજી કરવા સાસરે તે પાળવાના કાચા પાકા પણ પ્રયાસ તો કરતી જ હોય છે. એવા કેટલાંક વડીલો પણ હોય છે, જે આધુનિક પુત્રવધૂ ઓછી વધતી આભડછેટ પાળે તો થોડાઘણાં આંખ આડા કાન કરી નભાવી લેતાં હોય છે. સંયુક્ત કુટુંબમાં રહેવું હોય તો એવું અનુકૂલન તો સ્વભાવિક રીતે સાધવું પડે. પણ અહીં તો એ બેઉ પક્ષોને વર્ષો સુધી નહિ, પણ બે જ દિવસ માટે સાથે રહેવાનું છે, ત્યારે તો બેઉએ થોડાઘણા પણ અનુકૂલનની માનસિક તૈયારી રાખવી જોઈએ, અને તે રાખ્યા છતાં અનાયાસે એ બેઉ પક્ષનો સંઘર્ષ જામે એવી ઘટનાઓ યોજીને પણ ધાર્યું પરિણામ લાવી શકાય. અહીં તો આ માટે નીલકંઠ પોતે, એની પત્ની, તેના મા-બાપ, ભાભી, બધાં જ જવાબદાર દોષિત હોય એવું નિરૂપણ થયેલું જણાય છે.


“સમયદ્વીપ”માં ૧૯૭૦ની સાલમાં જે સુરા ગામ દર્શાવાયું છે, તેના પાત્રો ગઈ સદીના અંત ભાગના આ સદીના આરંભ કાળના હોય એવું લાગ્યા કરે છે. અહીં સુરા ગામના વિરોધમાં દર્શાવાયેલો મુંબઈનો મહાનગરીય પરિવેશ અને પાત્રો આલેખાયેલાં છે. શિવશંકર, જયા, ગૌરીબા તથા સુરા ગામના લોકો સર્વ ગ્રામપરિવેશ, પૂર્વસંસ્કૃતિમાં જડપણે માનનારા છે. તેની સામે નીરા, રોમા, મિસ પિન્ટો, રૂપાલી બેનરજી, મિ. કુલકર્ણી, મેનેજર મિ. દલાલ, સમીર વગેરે મુંબઈ જેવા મહાનગરના મિજાજ ધરાવતાં પાત્રો સર્જકે આલેખ્યાં છે. આમ, ગ્રામ – જીવન અને નગરજીવનનો બે ભિન્ન ભિન્ન જીવનરીતિ, અલગ મૂલ્યોનો વિરોધ નીલકંઠના તીવ્ર સંઘર્ષનું મૂળ કારણ બને છે.


જો કે, આ સદીના ઉત્તરાર્ધમાં, પશ્ચિમની સંસ્કૃતિનો સારો - માઠો પ્રભાવ દેશના ગામડાં સુધી એટલો બધો વિસ્તર્યો છે કે, પ્રસ્તુત નવલકથામાં સ્ફુટ થતા નાયકના મનોસંઘર્ષ સામે કેટલાંક પ્રશ્નો ઉદ્દભવે છે : (પૃ. ૧૮૭)


જેમ કે, દેશના ગામડાંના બ્રાહ્મણો અને વાણિયાઓ પણ જૂની જીવનપદ્ધતિને પૂરેપૂરા અર્થમાં ભાગ્યે જ પાળી શક્યા છે. દીકરાઓ શહેરમાં રહીને ભણ્યાં હોય, નોકરી અર્થે વસ્યા હોય, શહેરી યુવતીને પરણ્યા હોય એ બધાં વરસમાં એકાદબે વાર ગામ આવતાં હોય, ત્યારે જૂની-નવી પેઢી સમજપૂર્વક એકબીજા સાથે અનુકૂલન સાધીને સ્નેહનો સેતુ અકબંધ રાખવા મથે, તે જ કદાચ આધુનિક ગ્રામનગરની સંસ્કૃતિ - સભ્યતાનો યથાર્થ છે, અને અનુકૂલન સાધવા મથતાં એમની વચ્ચેનાં પણ બધાં જ સંઘર્ષો ટાળી શકાય એવું પણ નથી. અહીં નીલકંઠ દ્વિધાગ્રસ્ત છે. નીરા તથા શિવશંકર પોતપોતાના વિરોધી ધ્રુવ ઉપર અવિચલ, જડ, નિશ્ચલ થઈને ઊભા છે. કોઈ કોઈની સાથે થોડાંઘણાં વ્યવહારુ બનીને જરા સરખી બાંધછોડ કરવા માટે પણ તૈયાર નથી, એ ચિત્રણમાં ગ્રામ-શહેરીજીવનનો યથાર્થ કેટલો ? અહીં બે વિરોધી પક્ષનાં પાત્રો આદર્શભાવનાના ઘેરા રંગથી રંગાઈને લેખકે સ્વીકારેલા જીવનના યથાર્થના દર્શન કરાવે છે. માણસના જીવનના પ્રત્યેક સંઘર્ષમાં ક્યાંક ને ક્યાંક થોડીઘણી પણ સમાધાનશીલતા દર્શાવીને પણ એ અનિવાર્ય સંઘર્ષની પરાકાષ્ટાએ સારું કે માઠું પરિણામ દર્શાવાય ત્યારે તે મનુષ્યસહજ સ્વાભાવિક લાગે. વસ્તુત: નીરા અને શિવશંકર એ બેઉ એકબીજાના વિરોધી પક્ષને સાંકળી આપનાર તત્વ એ બેઉ પક્ષનાઓનો નીલકંઠ પ્રત્યેનો પ્રેમ બની શકે તેમ છે. નીરા અને ગૌરી બેઉ નીલકંઠને તો ચાહે છે : એટલે નીલકંઠ પ્રત્યેના પ્રેમને ખાતર પણ બેઉ પક્ષ અનુકૂલન સાધવા મથે તે સાહજિક વલણ દર્શાવવું જોઈતું હતું તેમ લાગ્યા કરે છે. આ બેઉ વિરોધ પક્ષોને ઉપર દર્શાવી તેવી કોઈ રીતે થોડાંક વ્યવહારુ દર્શાવવાની સૂઝ દર્શાવીને લેખકે એ પાત્રોનું ગતિશીલ આલેખન કર્યું હોત તો કદાચ રચનાને અવનવું પરિણામ પ્રાપ્ત થયું હોત, શિવશંકર - નીરાના ભાવના - વિશ્વ અને આદર્શલોક અલગ અલગ છે. એ બેઉ વિશ્વ વચ્ચેનો અસહિષ્ણુ ટકરાવ નીલકંઠના જીવનમાં અત્યંત કારમી કરરુણિકા સર્જે છે.


ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર”માં પ્રાચીન પૂર્વ-અર્વાચીન પશ્ચિમ અને અર્વાચીન પૂર્વની સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ પ્રબોધ્યો હતો, અને સાથે સાથે ઊંડું, માર્મિક વ્યાપક સંસ્કૃતિ ચિંતન-દર્શન કર્યું હતું, એ પરંપરા ક. મા. મુનશી, ૨. વ. દેસાઈ દર્શક સુધીના નવલકથાકારોની કૃતિઓમાં જળવાઈ રહેલી જણાય છે. “સમયદ્વીપ” રચનાના કેન્દ્રમાં સાંસ્કૃતિક સંઘર્ષ છે; પરંતુ સમન્વય નથી; નિલકંઠના મનમાં પણ કેવળ સંઘર્ષ છે; સમન્વય નથી. એનો ભાઈ મહેશ પણ સુરા અને મુંબઈના સંસ્કાર વચ્ચે અનુકૂલન સાધીને શૂન્ય બની જાય છે, ત્યાં પણ સમન્વય નથી; નીરા અને શિવશંકર પોતપોતાના સાંસ્કૃતિક આપ્તવિશ્વમાં નિશ્ચલ છે. એટલે એ “દોનધ્રુવ”ના સમન્વયનો તો કોઈ સવાલ જ નથી. કેટલેક અંશે અહીં સમસ્યા છે, પણ તેનું સમાધાન અહીં નથી. જૂની-નવી જીવનપદ્ધતિનો સમન્વય અહીં ક્યાંય સધાતો નથી. એની મથામણ છે; મૂંઝવણ છે, કરુણતા નથી. ડૉ. પ્રમોદકુમાર પટેલે “સમયદ્વીપ”નું “ગુજરાતી કથાવિશ્વ”માં સવિસ્તર મૂલ્યાંકન કરતાં નોંધ લીધી છે કે “સરસ્વતીચંદ્ર” પછી આપણી બહુ થોડી નવલકથાઓએ આપણા સામાજિક સાંસ્કૃતિક પરિવેશને આટલી સઘનતાથી રજૂ કરી છે. (પૃ. ૧૪૮) એમના વિધાન સાથે સહમત થયા પછી પણ કહી શકાય છે “સરસ્વતીચંદ્ર”, “ભગવાન પરશુરામ” (મુનશી), “દીપનિર્વાણ” કે “ઝેર તો પીધાં જાણી જાણી” (દર્શક), “માનવીની ભવાઈ” (પન્નાલાલ પટેલ) વગેરેમાં માનવજીવનનું, માનવ સંસ્કૃતિનું જે વ્યાપક – વિશાળ – ઊંડું પ્રતિબિંબ કે વિકાસનો અનુભવ થાય તેવો “સમયદ્વીપ'માં થાય છે ખરો ?


નીલકંઠનો વચેટ ભાઈ છે મહેશ. એ પણ સુરા ગામના રૂઢ ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્કારોમાં ઊછરીને, નોકરી અર્થે મુંબઈ આવીને વસ્યો છે. પણ મુંબઈની ઝાકમઝાળ મૃગજળ સમી રોજિંદી જિંદગી જીવતાં એ સંવેદનશૂન્ય. જડ બની જાય છે. સુરામાં ચુસ્ત બ્રાહ્મણિયા જીવનપદ્ધતિની રીતે, ને મુંબઈમાં મહાનગરની ભૌતિકવાદી જીવનપદ્ધતિની રીતે જીવવાનું એને આવડે છે. બે પરસ્પર જીવન વિરોધી જીવનપદ્ધતિ વચ્ચે એના મનમાં કોઈ મુશ્કેલી કે કટોકટી સર્જાય એમ નથી. એના મનમાં નીલકંઠ જેવું કોઈ મંથન નથી, મૂંઝવણ નથી. મહેશની સામે છેડેના ધ્રુવ ઉપર ઊભેલો નીલકંઠ, સંવેદનપટુ છે, બુદ્ધિવાદી છે : મુંબઈની આધુનિક જીવનપદ્ધતિ જીવનમૂલ્યોનો એ સ્વીકાર કરે છે, ને પોતાના બ્રાહ્મણિયા કુટુંબના જૂના મૂળભૂત સંસ્કારો, જૂનાં મૂલ્યો, રૂઢિચુસ્ત આચાર-વિચાર, વલણ, વળગણ વગેરેનો એ ઉપહાસ કરતો થાય છે. બુદ્ધિને સ્તરે એ મુંબઈની નૂતન જીવનપદ્ધતિનો સ્વીકાર કરે છે. સંવેદનાને સ્તરે પોતાના માતાપિતાના, સુરા ગામના જૂની પદ્ધતિના આચાર, વિચાર વગેરેની એ અવગણના પણ કરી શકતો નથી. મહેશનું વિરોધી પાત્ર, કથાનાયકના વ્યક્તિત્વને ઉપસાવવામાં ઉપકારક નીવડે છે. નીલકંઠનો મોટો ભાઈ ચંદ્રકાન્ત, મંત્રતંત્ર, ક્રિયાકાંડ કરતાં પાગલ થઈ ગયો છે. શિવશંકરના કુટુંબ માટે, ને પત્ની જયા માટે એ બોજારૂપ બની ચૂક્યો છે. સુરા ગામના પ્રાણુભાઈ, ગંગાશંકર જેવા રૂઢિચુસ્ત બ્રાહ્મણો જૂની જીવનપદ્ધતિના પુરસ્કારક બનીને એ જીવનરીતિનું પ્રતિનિધિત્વ કરે છે.


બીજી બાજુ, મુંબઈની એડવર્ટાઈઝિંગ કંપનીમાં, જયાં નીલકંઠ નોકરી કરે છે, ત્યાં સત્તા અને પોતાના અધિકારથી સભાન મેનેજર મિ. કુલકર્ણી છે. શ્રીમંત થવાની લ્હાયમાં દાણચોરીમાં ફસાયેલા આસિસ્ટન્ટ મેનેજર મિ. દલાલ નીલકંઠને પણ લલચાવે છે. બનાવટી સ્મિતનું મ્હોરું પહેરી ફરતી ટાઈપિસ્ટ ગર્લ રોમા સંઘવી, શિથિલ ચારિત્ર્યની છે : તેનો બોયફ્રેન્ડ છે ફિરોઝ, કેબરે ડાન્સરની ઝાકમઝાળ જિંદગીના ખ્વાબ જોતી રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો, મોડેલ ગર્લ રૂપાલી બેનરજી અને તેનો ટેક્ષીડ્રાઇવર પતિ તથા નીલકંઠનો મિત્ર ડૉ. સમીર. - આ બધાં મુંબઈગરા પાત્રો મુંબઈના વિશિષ્ટ માહૌલને ખડો કરવામાં, નીલકંઠના સંઘર્ષને ઉત્તેજવામાં, સુરા અને, મુંબઈનો વિરોધ ઉપસાવવામાં, મહત્વનો ફાળો આપે છે. કોઈ પાત્ર આગંતુક કે બિનજરૂરી જણાતું નથી. મુંબઈનાં વિવિધ સ્થળોનાં દ્રશ્યો પણ મહાનગરનો પરિવેશ સર્જે છે.


સાંસ્કૃતિક સંઘર્ષે સર્જેલી આ કટોકટીમાં નીલકંઠ રહેંસાતો રહે છે. દ્વિધાના દ્વીપ ઉપર ઊભેલા નીલકંઠની એકલતા, વિચ્છિન્નતા આપ્ત વિશ્વથી વિખૂટાં થવાની વેદનાને વ્યક્ત કરવામાં લેખકને ધારી સફળતા મળી છે.
નીલકંઠની કણિકાના મૂળમાં સાંસ્કૃતિક સંઘર્ષે સર્જેલી આ કટોકટી છે. એ યુવાન બૌદ્ધિક એમાં રહેંસાતો રહે છે. મહાનગરના બૌદ્ધિકોના વર્તુળોમાં પ્રવેશ્યા પછી જૂના આચાર-વિચાર મૂલ્યો, આસ્થા વગેરેમાં એને સંશય જાગે છે. તેથી જ ડૉ. પ્રમોદકુમાર પટેલને અહીં આ કૃતિનું જે રીતે સંવિધાન રચવામાં આવ્યું છે તેમાં નીલકંઠની એ આંતરિક કટોકટી મનોસંઘર્ષની કથા કંઈક ગૌણ અને પ્રચ્છન્ન રહી જવા પામી હોવાનું જણાયું છે. એમને લાગે કે, કૃતિની રચનામાં રહસ્યકેન્દ્ર યોજવામાં નવલકથાકારને ક્યાંક મુશ્કેલી અનુભવવી પડી છે. “વર્તમાન ક્ષણના ટુકડાઓમાં તેની એકાકી દિશાશૂન્ય જીવનની ઘટમાળ છે. નીરાના ગૃહત્યાગ પછીની એ મનોદશા છે. જ્યારે મૂલ્યોની કટોકટીના તીવ્ર અનુભવોનું માત્ર બયાન મળે છે. ભૂતકાળની ઘટનાઓના ટુકડાઓમાં નીલકંઠની એ કટોકટી સ્વયં centre of consiousness બનતી નથી.” (“ગુજરાતી કથાવિશ્વ પૃ. ૧૪૮)


“વ્યક્ત મધ્ય”માં નવલકથાકાર નાયક પંડ્યાને એકથી બીજી પરિસ્થિતિમાં મૂકીને તેનું પ્રારંભે એવું ચિત્રણ કર્યું છે કે અંત સુધીમાં તેના મનનો સંકુલ, સૂક્ષ્મ, સ્પષ્ટ આલેખ મળી રહેશે એવી આશા પ્રગટે છે, પણ ભાવકની એ આશા ફલિત થતી લાગતી નથી. તેવી રીતે અહીં પણ નીલકંઠનું સૂક્ષ્મ, ચૈતસિક સ્તરે આલેખન થયાનો કે તેના સૂક્ષ્મ ચૈતસિક સંચલનોનો ઊંડો તાગ આપતો આલેખ મળ્યાનો સંતોષ ભાવકને ભાગ્યે જ થાય. એટલે “વ્યક્તમધ્ય”ની પ્રસ્તાવનામાં ડૉ. જયંક પાઠકે – પંડ્યાનું પાત્ર અને કથાને સંદર્ભે પરીક્ષણ કરતાં જે વિધાનો કર્યા છે તે કેટલેક અંશે “સમયદ્વીપ”માટે પણ ખરાં પ્રતીત થાય. ડૉ. પ્રમોદકુમાર પટેલનું ઉપરોક્ત વિધાન ડૉ. પાઠકના એ વિધાનને વધતે-ઓછે અંશે અનુમોદન આપતું જણાય છે. એ બહુ સ્પષ્ટ છે કે, આધુનિક વાર્તાકારના વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક અભિગમથી નીલકંઠની ચેતનામાં ઊંડે ઊતરવાનું લક્ષ્ય કદાચ લેખકે નજર સામે રાખ્યું નથી. અલબત્ત તેઓ નીલકંઠના અતીત અને સાંપ્રતના બાહ્ય - ભીતરના અનુભવોને Juxtapose કરવાની રીતિનું કુશળતાથી આયોજન કરે છે; અને એ પણ સ્પષ્ટ છે કે, એમણે નીલકંઠના બાહ્ય-ભીતરના સંઘર્ષને કે કટોકટીને નિરૂપવાનો ઉદ્દેશ નજર સામે રાખ્યો છે, પરંતુ એ એક જ ઉદ્દેશથી આ નવલકથા રચાઈ નથી. મુંબઈ અને સુરા ગામ અને તેનો પરિવેશ તથા નવી-જૂની જીવન પદ્ધતિ વગેરેનો વિરોધ પણ ઉપસાવવાનો સંનિષ્ઠ પ્રયાસ એમણે આ કૃતિમાં કર્યો છે. એમની રીતે આ બેઉ ઉદ્દેશ સિદ્ધ કરવામાં એમને એકંદરે સફળતા મળી છે પરંતુ એમ લાગે કે, એમણે માત્ર નીલકંઠની ચેતનાના ઊંડા વાસ્તવને જ તાગવાનો ઉદ્દેશ રાખ્યો હોત અને એમાંથી જ આપોઆપ ગ્રામ અને મહાનગરનો વિરોધ ઊપસવા દીધો હોત તો આ નવલકથાને અવનવું પરિમાણ સાંપડ્યું હોત. અલબત્ત, મહાનગરીય પરિવેશ સર્જીને, ગ્રામ પરિવેશના વિરોધમાં મેટ્રોપોલિટન કલ્ચરને ધબકતું કરવામાં એમને ગણનાપાત્ર સફળતા મળી છે તેની નોંધ લેવી જોઈએ.


શિવશંકર પુરોહિત :


નવલકથાનો નાયક – નીલકંઠ – પૃ. ૧૧૫ ઉપર કબૂલ કરે છે : “I am in two minds.” મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધાયે ગમે છે અને વૈજ્ઞાનિક પૃથક્કરણને સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું... હું.. હું.. સંક્રાન્તિકાળનું સર્જન છું.” – નીલકંઠ દ્વિધાના દ્વીપ ઉપર ઊભો રહી વેદના અનુભવે છે. પત્ની નીરા અને પિતા શિવશંકર - “દોન ધ્રુવ” ઉપર ત્રિશંકુની દશામાં એ જીવી રહ્યો છે.


આ નાયકના મનોસંઘર્ષનો બીજો દ્રીપ - ‘દોન યુવ’ તે શિવશંકર પુરોહિત !


નવલકથાના ઉઘાડમાં જ “આજકાલમાં સુરાથી બાપુનો પત્ર આવવો જોઈએ.” વિધાનથી આ પાત્રને લેખકે પ્રવેશ આપ્યો છે. પત્રમાં તેઓ શું લખશે તેને મનોમન નીલકંઠ કલ્પનાથી ગોઠવી વાંચે છે. એ સાથે જ શૈશવનું સ્મરણ - “શંકરના ચિત્ર વિશેનું” તેને તાજું થાય છે એમાં વાત્સલ્યમૂર્તિ પિતાની છબી પ્રગટે છે. નવલકથામાં શિવશંકરની શિવભક્તિ, રૂઢિચુસ્ત બ્રાહ્મણ સંસ્કારમાં તીવ્ર આસ્થા અને કડક, જિદ્દી સ્વભાવ અવારનવાર અન્ય પાત્ર – મહેશભાઈ, નીલકંઠ - આદિના સંવાદોમાં, ઉક્તિમાં, સ્મૃતિ - સંવેદનોમાં પ્રગટ થાય છે.


શિવશંકરનો સાચો પ્રવેશ પ્ર. ૩૩માં પાને સુરા ગામે ગયેલાં નીરા - નીલકંઠના પ્રથમ ગૃહપ્રવેશને પ્રસંગે થાય છે : સર્જકે એના નિરૂપણથી પ્રભાવશાળી, રૂઢિચુસ્ત, કર્મકાંડી, આસ્થાળુ બ્રાહ્મણનું વ્યક્તિત્વ પ્રગટાવ્યું છે : “કમ્મરે જૂનું, મેલું પીતાંબર, ખભે ‘ઓમ નમ: શિવાય’ની છાપથી ભરેલી પીળચટ્ટી પિછોડી ઊંચી પણ કમ્મરેથી વળી ગયેલી ગરવી કાયા, નબળી પડી ગયેલી તોયે ભીતર તેજથી ઝગારા મારતી આંખો, છાતીના ગાઢ વાળની વચ્ચે સ્પષ્ટ દેખાતી શ્વેત જનોઈ, પક્ષઘાતના હુમલાને કારણે જૂઠો પડી ગયેલો અને સતત ધીમે ધીમે ધ્રૂજતો ડાબો હાથ, જમણા હાથમાં પૂજાપાની થાળી - એમાં તાજાં ફૂલ, બીલીપત્રો, ફૂલ, ધૂપસળી, અબીલ - ગુલાલનો લાકડાનો ડબ્બો, સોપારી, ચોખા, જનોઈનો જોટો, મોટું કપાળ, માથે આછા સફેદ વાળ, ધોળી મૂછોનો એક જથ્થો કપાળ પર ભસ્મની અર્ચા અને વચ્ચે ચંદનનું પીત, ફેલાયેલું ટપકું, ફફડતાં હોઠમાંથી આવતી મંત્રલહરી : “सारुप्यंतवपुत्रने” પૃ. ૩૩) :” શિવશંકરનું સમગ્ર વ્યક્તિત્વ અહીં ખૂલે છે. એના બાહ્ય - આંતર વ્યક્તિત્વથી ભાવક પ્રભાવિત થાય છે. આ વર્ણનથી તો તેમનું બાહ્ય રૂપ - પહેરવેશ વગેરેનો પરિચય થાય છે પણ પછી તરત જ નીલકંઠ – નીરાના આગમનને આવકારતા શિવશંકરનાં માત્ર બેચાર વિધાનોમાં જ તેમનું દઢ મનોબળ, તીક્ષ્ણ – ત્વરિત નિર્ણયશક્તિ, જૂની જીવનશૈલીમાં દ્રઢ શ્રદ્ધા અને જડ રૂઢિચુસ્તતાનો પરિચય ભાવકને થાય છે


કોણ નાનો ? નીલકંઠ ? તું ક્યારે આવ્યો ?” X XX એમની ક્ષીણ નજર ચારે તરફ ઘૂમી વળી, નીરા ઉપર જરાક વાર માટે સ્થિર થઈ ને વળી તેમણે ગૌરીબા પ્રત્યે જોતાં કહ્યું : “એ અબ્રાહ્મણ છે ને? XX “એની સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરજો” – શિવશંકરના સ્વરમાં દ્રઢતા તરી આવી” (પૃ. ૩૪) અને પછી દલીલ કરવા ગયેલા નીલકંઠને પણ અડધેથી અટકાવીને પોતાનો અફર નિર્ણય જણાવે છે, દેહશુદ્ધિનો અને શાસ્ત્રજ્ઞા મુજબ વર્તવાનો હુકમ નાનાને સંભળાવી દે છે. વળી, “આજે મેં તને અને તારી વહુને આ ઘરમાં પગ મૂકવા દીધો છે એ અમારી નિર્બળતા છે” - એમ સ્પષ્ટ વિધાનમાં પોતાની વેદનાય ઠાલવે છે. નીરાને અને ભાવકનેય શિવશંકરને આ પ્રથમ સાક્ષાત્ - પ્રત્યક્ષ પરિચય !


પછી જ્યારે જ્યારે શિવશંકરનો પ્રત્યક્ષ પ્રવેશ થાય છે ત્યારે મંત્રોચ્ચાર કે શ્ર્લોકરટણાથી જ થાય છે, જે તેમની શંકરભગવાન પ્રત્યેની નિષ્ઠા, આસ્થા સૂચવે છે. વળી, એમનો બુલંદ કંઠ, શુદ્ધ ઉચ્ચારો અને ભક્તિભાવભર્યા સ્વરમાં એમની નિર્લેપ નિર્વ્યાજ શ્રદ્ધા ચમકી ઊઠે છે.


સમગ્ર નવલકથામાં આ વ્યક્તિત્વ માત્ર બે વાર પ્રત્યક્ષ સંવાદ સાધતા આલેખાયેલું છે : ઉપર દર્શાવ્યું તેમ નીરા - નીલકંઠના પ્રથમ ગૃહપ્રવેશ સમયે અને બીજી વાર નવલકથાના અંત ભાગમાં નીરાને કારણે ઘરમાં બ્રાહ્મણ સંસ્કારથી સભર પવિત્ર વાતાવરણમાં વિક્ષેપ પડે છે ત્યારે એ જ દ્રઢતા, ત્વરિત અને તીક્ષ્ણ નિર્ણયશક્તિથી હુકમ કરે છે :


“ત્યાં જ શિવશંકરનો ઘેરો અવાજ સંભળાયો, ‘અને નાના !’ નીલકંઠે ચમકીને એમની તરફ જોયું – તું અને નાની વહુ આજે જ મુંબઈ ચાલ્યા જાઓ – હા, તમારે જવાનું છે.” (પૃ. ૧૧૧) ગૌરીબા કંઈ બોલવા જાય છે તેમનેય અટકાવીને પોતાનો અફર નિર્ણય સંભળાવે છે.


આ પછી પૃ. ૧૧૬ પર શાસ્ત્રીજી સાથે શાસ્ત્રચર્ચા કરતાં માત્ર જોવા મળે છે. કશું જ બોલતા નથી, અને નવલકથાને અંતે તેમના મૃત્યુના સમાચાર !


આમ, સમગ્ર નવલકથામાં સૌથી ઓછામાં ઓછા સંવાદ સાધતું આ પાત્ર છે, પણ આ પાત્રનું મહાત્મયનીરાનાં પાત્ર જેટલું જ છે ! ઓછાબોલા પણ દ્રઢ મનોબળ, તીક્ષ્ણ, ત્વરિત નિર્ણયશક્તિ ધરાવતા, શિવશંકર અહીં બ્રાહ્મણ સંસ્કૃતિનું ભારતીય સંસ્કારનું જૂની-પ્રાચીન જીવનશૈલીનું - આસ્થા - શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરે છે. તે પૂર્વની સંસ્કૃતિની જીવતીજાગતી પ્રતિમા છે, પ્રતીક છે.


નાયક નીલકંઠને માટે પિતા શિવશંકરે સિંચેલા સંસ્કારો, રૂઢ – જડ બ્રાહ્મણ વગેરે પરંપરા વ્યથાકારક બને છે. તેના આ મૂળભૂત સંસ્કારો તેને મહાનગરમાં અનુકૂલન સાધવા દેતાં નથી અને તેના માટે દ્વિધાનો એક દ્વીપ રચાઈ જાય છે. જે નીરાના - પશ્ચિમ સંસ્કૃતિ - સંસ્કાર - આધુનિક જીવનરીતિના બીજા દ્વીપની સામે સંઘર્ષ સર્જાવે છે અને ‘સમયદ્વીપ’- પ્રાચીન અને આધુનિકતાની સરહદ ઉપર ઊભેલો નીલકંઠ વેદનાગ્રસ્ત વ્યથાગ્રસ્ત થતો જાય છે.


શિવશંકરના સમગ્ર વ્યક્તિત્વના આલેખનમાં સર્જકની આગવી પાત્રાલેખનકલા મ્હોરી ઊઠી છે. ઉપર દર્શાવ્યા મુજબ આદિ અને અંતમાં પ્રત્યક્ષરૂપે અને નવલકથાના અન્ય પ્રસંગોમાં શિવશંકરનું પાત્ર – કથનરૂપે, ક્યારેક નીલકંઠની સ્મૃતિઓમાં, ક્યારેક અન્ય ગૌણ પાત્રોના સંવાદોમાં, ક્યારેક શિવની પૂજા - અર્ચના – આરતીમાં પ્રગટ થતું રહે છે.


શિવશંકરના ત્રણ દીકરા, તેમની સ્થિતિ, નીલકંઠના પ્રેમલગ્નના સમાચાર ટાણે તેમની મનઃસ્થિતિ, ગામમાં તેમની માન-પ્રતિષ્ઠા, સ્થાન, તેમના પિતા – સ્વજનોની લાક્ષણિકતા, નિષ્ઠા – આસ્થાપૂર્વક પૂજા - અર્ચના કરતા પૂજારી તરીકેની અધિકારીની પ્રતિભા, વગેરેની માહિતી અન્ય પાત્રોની ઉક્તિ, સંવાદો, કથન, વર્ણન દ્વારા ભાવકને પ્રાપ્ત થાય છે.


“સમયદ્વીપ” નવલકથાનું આ પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતું વિચક્ષણ વિશિષ્ટ પાત્ર છે. જે નિષ્કામ ભક્તિ કરતાં બ્રાહ્મણ પરંપરાના જૂનાં મૂલ્યોને સમર્પિત છે અને સતત રહ્યા છે.


મનોવૈજ્ઞાનિક અભિગમ :


આધુનિક લઘુનવલ, નવલકથાનું એક વિશિષ્ટ લક્ષણ છે, મનોવૈજ્ઞાનિક રીતિએ પાત્રોનું આલેખન : સ્થૂળ ઘટનાને બદલે પાત્રના આંતરમનના વિવિધ ભાવસંચલનોને દ્રશ્યમાન કરીને, એ પાત્રના માનસને તાગવાનો ઉપક્રમ એમાં સેવાય છે. બાહ્ય સ્થૂળ બનાવો, ઘટનાઓનું નહિવત્ આલેખન કરી માત્ર માનવમનના સૂક્ષ્માતિસૂક્ષ્મ સંવેદનોને જાણવા પ્રમાણવાનો પ્રયાસ મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવીને નવલકથાકારો કરતા હોય છે. આધુનિક કથાસાહિત્યમાં ઘટનાહ્રાસના લક્ષણની સાથે જન્મેલું જે પરિમાણ છે તે મનોવૈજ્ઞાનિક આલેખનનું છે.


“સમયદ્વીપ” નવલકથામાં કથાનાયક નીલકંઠના માનસને અતીત - વર્તમાનના જુદાં જુદાં સમયખંડમાં સર્જકે પ્રગટ કર્યું છે. એક બાજુ સુરા ગામ અને બીજી બાજુ મહાનગર મુંબઈ – બંનેના વિભિન્ન પરિવશમાં મનોમંથન અનુભવતો નીલકંઠ, બાળપણથી વારસામાં મળેલા ભારતીય સંસ્કારોની સામેના પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે તુમુલ સંઘર્ષ અનુભૂતિ કરતો નીલકંઠ તથા અલિટ વર્ગની મૉર્ડન પત્ની નીરા અને બ્રાહ્મણ સંસ્કારોને રૂઢપણે – જડપણે વળગી રહેલા પિતા શિવશંકર વચ્ચે ત્રિશંકુની દશાથી વ્યથિત નાયક નીલકંઠના મનોવિશ્વને અહીં વ્યંજિત કરવામાં સર્જક સફળ રહ્યા છે.


સુરા ગામનો ગ્રામપરિવેશ અને મુંબઈ મહાનગરના પરિવેશના બે પરસ્પરવિરોધી દ્વીપ; વારસામાં મળેલાં બ્રાહ્મણ સંસ્કારોના એક દ્વીપની સામે અબ્રાહ્મણ - આધુનિક સંસ્કારોનો બીજો ટાપુ; તેમ આધુનિક, પાશ્ચાત્ય ઢબે જીવવા ટેવાયેલી શહેરી પત્ની નીરાની સામે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને જડપણે વળગી રહેલા, તે જ પ્રમાણે જીવવા ટેવાયેલા પિતા શિવશંકર - આ દોન ધ્રુવના ઉપર ઊભેલો એકાકી, વેદનાગ્રસ્ત, વ્યથિત નીલકંઠ, નવલકથાનું કેન્દ્ર સ્થાન છે. અતીત અને સાંપ્રતના બે દ્વીપની વચ્ચે અટવાતા, અકળાતા નાયકની માનસિક ગતિસ્થિતિ તીવ્ર સંઘર્ષ અનુભવે છે. સર્જકે આ નવલકથામાં નીલકંઠ - નીરાના મનના વિવિધ ભાવસંચલનોને સ્કુટ કર્યા છે. આ માનસિક સંઘર્ષ સર્જવા માટે અતીત સાંપ્રતના - સમયખંડમાં નવલકથાને વિભાજિત કરી છે.


વર્તમાનના ખંડકમાં મુંબઈ જેવા મહાનગરની દોડધામવાળી, અતિપ્રવૃત્તિશીલ જિંદગી સર્જકે આલેખી છે. નીલકંઠનો ફ્લેટ, ઑફિસ વગેરેના બાહ્ય આલેખનની પછી તે તેના મનોવિશ્વને તાદ્રશ કરવામાં આવ્યું છે. મહાનગરની ભીડ, ભીંસની વચ્ચે એકાકી, વ્યથિત નીલકંઠની વિષાદગ્રસ્ત ભાવસ્થિતિનું આસ્વાદ્ય નિરૂપણથયું છે : જેમ કે –
“ખીલતી વસંતની એ સવારે તેણે ઉકળાટ અનુભવ્યો આસપાસ ઘૂઘવતાં વાહનો અને પસાર થતાં માનવીઓથી સાવ છેદાઈ જઈને તે યંત્રની જેમ ફૂટપાથ પર ચાલી રહ્યો હતો. તેની ખુલ્લી આંખો આગળ સતત એક આકૃતિ આવ્યા કરતી હતી. XXX...એ આકૃતિ નીરાની હતી. નીલકંઠને લાગ્યું કે એની સાથે, ના, આગળ ને આગળ દોડતી હતી, એ હાથ લંબાવવા જતો હતો અને દૂર ચાલી જતી હતી. વળી નજીક આવી તેની તરફ લોભામણાં સંકેત કરતી હતી અને ફરીથી એ નીરા હતી... કે... કે... મરીચિકા ? અને પોતે મુંબઈના આસ્ફાલ્ટ માર્ગ પર અપાર માણસોથી વીંટળાઈને ચાલી રહ્યો હતો કે કોક વિજન રણની બળબળતી રેતીમાં ?... (પૃ. ૨૭)


એ જ રીતે પૃ. ૬૦, ૬૧, પર ઑફિસમાં સ્વપ્નાભાસ અનુભવતો નીલકંઠ ઑફિસના એ રંગીલા, ભડક વાતાવરણમાં તીવ્ર તાણ અનુભવે છે : એને થાય છે : “તે બુલંદ સ્વરે ગર્જી ઊઠે : “શટ, અપ યોર ડર્ટી માઉથ, યૂ નેસ્ટી ક્રીસર્ચ !” - અહીં પણ નાયકના માનસિક આઘાત – પ્રત્યાઘાત નિરૂપાયેલા છે તેવી જ રીતે, સુરા ગામે ગયેલો નીલકંઠ બાળપણની સ્મૃતિમાં સરી પડે છે. પૃષ્ઠ – ૭૨, ૭૩, ૭૪, ૭૫ ની સામે કોમિક્સ વાંચવાનો વિચિત્ર શોખ ધરાવતી નીરાનો ખંડ આલેખીને સર્જકે બંનેના માનસઘડતરના વિરોધને વ્યંજિત કર્યો છે એ જ રીતે સુરા ગામની પરિચિત વાવમાં સ્વપ્નમાં જઈ ચઢેલા નીલકંઠના મનોવિશ્વનું નિરૂપણ લેખકે સુગ્રથિત – સુદ્રઢ વસ્તુવિન્યાસ સાથે કર્યું છે (જુઓ પાના નં. ૧૨૩, ૧૨૪, ૧૨૫)


તો મુંબઈના ફ્લેટમાં એકલો પડી ગયેલો હતાશા, નિરાશાની ગર્તામાં ડૂબી ગયેલો નીલકંઠ હાર્કનેસ રોડના દરિયાકિનારે પહોંચી જાય છે અને અહીં તેના સ્મરણપટ પર અતીતનો જુવાળ... ઊપસી આવે છે. નીરા સાથે વર્ષો પહેલાં વીતાવેલી સુખદ, રોમાન્સની ક્ષણો તે માણે છે. અને પછી એકાએક વર્તમાનમાં જાગી જતાં, અર્થહીન જિંદગીનો, વેદનાની પરાકાષ્ટાએ મૃત્યુનો અનુભવ – (આદર્શો, સ્વમાન, અસ્તિત્વના મૃત્યુનો વિષાદ) તે આકાશમાં રોજ અવસાન પામતાં એક સૂર્યની જેમ કરે છે. “મારી સૂર્યમાળાના કરોડો ગ્રહો પળે પળે આથમતા રહે છે, અને ફરી કદી ઊગતા નથી.”


આવાં અનેક ગદ્યખંડો નાયકના જીવનના અતીત - સાંપ્રતના સમયખંડને પ્રગટ કરનારા નિરૂપાયા છે, જે નવલકથાને વધુ રસપ્રદ અને કલાત્મક ઘાટ આપનારાં બની રહે છે.


આમ, સર્જકે પ્રસ્તુત નવલકથામાં નાયક – નીલકંઠ શિવશંકરની દ્વિધાગ્રસ્ત મનઃસ્થિતિનું નિરૂપણ કર્યું છે.


નવલકથાના અંતભાગમાં નીલકંઠના ત્રણ સ્વપ્નમાં પણ તેની મનઃસ્થિતિનું જ પ્રતિબિંબ પડે છે. આમ, લેખકે એકાકી, હતાશ, નિરાશ, છિન્નભિન્ન નીલકંઠને અને તેના મનોમંથન, મનોભાવને મનોવૈજ્ઞાનિક અભિગમથી તાદ્રશ કરી આપ્યાં છે. જો કે, ત્રણ સ્વપ્નાનું આલેખન પ્રમોદકુમાર પટેલ જેવા સંનિષ્ઠ વિવેચકને કૃત્રિમ પણ પ્રતીત થાય.


સમગ્ર નવલકથામાં નીલકંઠના માનસનું પ્રધાનપણે આલેખન થયું છે, તેની સાથે સાથે સમાંતરે નીરા તથા મહેશભાઈ, પિતા શિવશંકર વગેરેનું મનોજગત પણ આપોઆપ સ્ફુટ થાય છે. સર્જક, સમયના દ્વીપ પર ઊભેલા નાયકની મનોવ્યથાને અભિવ્યક્ત કરતાં, નવલકથાના સ્વરૂપનો એક સુગ્રથિત કલાકાર સિદ્ધ કરી શક્યા છે. બે સમયખંડ બે સંસ્કૃતિ – સંસ્કાર અને બે અલગ વ્યક્તિત્વો વચ્ચેનો તીવ્ર સંઘર્ષ અભિવ્યંજિત કરી શકાયો છે, તે જ તેમને સત્વશીલ નવલકથાકાર તરીકે સિદ્ધ કરી આપે છે. મનોવૈજ્ઞાનિક અભિગમનો સપ્રમાણ સુયોગ્ય વિનિયોગ કૃતિને વિશેષ કલાત્મકતા બક્ષે છે.


પ્રતીક, કલ્પનનો વિનિયોગ :


આધુનિક કથાસાહિત્યમાં જેમ મનોવૈજ્ઞાનિક અભિગમનું પ્રધાન લક્ષણ જોવા મળે છે, તેમ પ્રતીક, કલ્પન, પુરાકલ્પન - વગેરે પ્રયુક્તિઓનો (Devices) વિશિષ્ટ વિનિયોગ પણ સર્જકો મુખ્યત્વે કરતા થાય છે તે પણ એક અનોખું લક્ષણ ખરું.


આધુનિક અને પરંપરાગત બંને કથાસાહિત્યના કેટલાંક લક્ષણ અપનાવનારા મધ્યમમાર્ગી સર્જક ભવતીકુમાર શર્મા પ્રતીક, કલ્પનનો વિનિયોગ પણ મધ્યમ રીતે જ કરે છે. ‘સમયદ્વીપ’માં પ્રતીક, કલ્પનનો વધારે પડતો વિનિયોગ એમણે કર્યો નથી, પણ ખપપૂરતો, મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક વિનિયોગ કર્યો છે. ડૉ. પ્રમોદકુમાર પટેલ નોંધે છે તેમ : ગામડાના અને શહેરના પરિવેશની નાની મોટી એકે-એક માર્મિક વિગત તેની ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિ અને તેની સ્પર્શક્ષમતા સાથે તેઓ પકડી શકે છે, એવી કેટલીક વિગતો અને વસ્તુસંદર્ભો તેમણે પ્રતીકની કોટિએ ઊંચક્યાં છે. નાનકડું સુરા ગામ પણ વાસ્તવિક છતાં પ્રતીકાત્મક વિશ્વ બની રહેતું લાગશે. નીલકંઠની એડવર્ટાઈઝિંગ કંપનીની ઑફિસ પણ આધુનિક શહેરી જીવનને પ્રતીકાત્મક રૂપમાં મૂકી આપે છે. વિરક્તેશ્વરનું મંદિર અને બીલીવૃક્ષ – બંને શિવશંકર અને તેના કુટુંબની શ્રદ્ધાના જીવંત પ્રતીકો છે.” (પૃ. ૧૪૩)


આરતીના દીવાનો ત્રણ-ચાર વાર સંદર્ભ પ્રતીકાત્મક છે.
નીલકંઠની ઑફિસમાં જાહેરાતના ‘મેઈડ ફોર ઇચ અધર’અને ‘સ્પોટ ધ બોલ’જેવા સંદર્ભો નીલકંઠ નીરાના વિચ્છિન્ન દાંપત્યજીવનને સૂચવે છે.


નીલકંઠના સ્મૃતિ – સંવેદનોમાં બોરસલીનું સુકાઈને ઠૂંઠૂં થઈ ગયેલું વૃક્ષ પણ એકાકી નાયકની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે.


નવલકથાના આરંભે જ કૅલેન્ડરની વિગતો સમયના દ્વીપને પ્રતીકાત્મક રીતિએ પ્રગટ કરે છે.


નીલકંઠના મનોસંઘર્ષની વેદનાની ક્ષણોને અતીત સાંપ્રતના ખંડો દ્વારા Juxtapose - કરીને વ્યંજિત કર્યા છે.


એ જ રીતે મિસ પિન્ટો, રોમા સંઘવી, જૉસેફ અને મિ. દલાલ સાહેબ વગેરે પાત્રોના વાણી-વર્તનના વ્યવહારની ચમકદમક મિથ્યા - આભાસી શહેરી જીવનની પોકળતા અને દંભને સૂચવે છે. આધુનિક મહાનગરની વિભીષિકા અને બીભત્સ જીવનને એ પ્રગટ કરે છે.
જયારે ગૌરીબા, જયાબા, શિવશંકર, પ્રાણુભાઈ, ગંગાશંકર - વગેરે પાત્રો જૂની વિચારસરણી, જૂનાં મૂલ્યો અને આચારવિચારને પ્રતિબિંબિત કરે છે. એમાં વળી, મહેશભાઈ જેવા ‘ડાહ્યા’ - મધ્યમમાર્ગ અપનાવી સુખી થવાના મિથ્યા પ્રયાસો કરતા રહે તેવાં પાત્ર પણ છે. મુંબઈમાં મહાનગરને અને સુરા ગામે, ત્યાંના પરિવેશને અનુકૂળ થઈને જીવતાં આ પાત્રો નીલકંઠની જેમ વ્યથિત થતાં નથી ! એટલે આ બધાં પાત્રો ક્યારેક પ્રતીકાત્મક બનીને અભિવ્યક્ત થયાં છે, તે સર્જકની વિશેષતા છે.
વળી, કાનખજૂરો, ગીધ, ખોટકાઈ પડેલો ઊંચી સીલિંગ પર લટકતો પંખો, ફ્લડ લાઈટ્સ, ઘુવડની આંખનું અંધારું, પથ્થરના પોઠિયા પર બણબણતી માખી, બીલીવૃક્ષના કરમાયેલાં પાંદડા પરની કીડીની હાર, જીર્ણ મંદિરનો અંધકાર સભર ગર્ભાગાર, પિત્તળનો જડ ઘંટ, ધૂપસળીની અસ્તવ્યસ્ત ધ્રૂમસેરો, કોમિક્સની કલ્પનાતીત સૃષ્ટિ - બોન્ડ, ટારઝન, સુપરમેન, ફેન્ટમ વગેરે તથા મૃત્યુંજય મંત્રનાં આવર્તનો – વગેરેનું આલેખન પ્રતીકાત્મક પણ આ પ્રતીક, કલ્પનો ઉપકારક નીવડે છે. વળી, આ પ્રતીકાત્મક, કાલ્પનિક દ્રશ્યોનું આલેખન એબ્સર્ડ બનતું નથી. સર્જકની અહીં કાળજી અને સભાનતા ઉલ્લેખનીય છે. આધુનિક કથાવિશ્વમાં પ્રતીક, કલ્પન, પુરાકલ્પનનો અતિ વિનિયોગ કે વધારે માત્રામાં થતા પ્રયોગ કૃતિને‘એબ્સર્ડ’ બનાવે છે, તે મર્યાદા સર્જક અતિક્રમી શક્યા છે. સર્જકની આ વિશેષતાનું મુખ્ય કારણ પેલા‘મધ્યમમાર્ગી’ વલણમાં જ જોઈ શકાય.
જીવનદર્શન :
“ટી.એસ. એલિયટે” “What is classic? માં જણાવ્યું છે તેમ - "A Classic can only occur when a civilization is mature when a language and literature is mature, and it must be the work of mature mind.”
“સંસ્કૃતિ, ભાષાસાહિત્ય અને પ્રતિભાની પરિપક્વતા શિષ્ટ કૃતિને પ્રગટાવવાની ભૂમિકા રચે છે. આવી કૃતિઓમાં ચિરંતન સૌન્દર્યતત્વ રહેલુંછે, અને તેથી જ યુગે યુગે સાહિત્યરસિકોને એ આકર્ષતી રહેતીહોયછે,તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે.” - “સમયદ્વીપ”ના પ્રારંભે મુકાયેલાં આ વિધાનો આ નવલકથાનું સાંસ્કૃતિક મૂલ્ય નિર્દેશે છે.
પ્રસ્તુત નવલકથા સંસ્કૃતિ - સંઘર્ષની વ્યથાકથા બની રહે છે. પંડિતયુગના ગોવર્ધનરામ ત્રિપાઠીએ‘સરસ્વતીચંદ્ર’માં પ્રાચીન પૂર્વ - અર્વાચીન પશ્ચિમ અને અર્વાચીન પૂર્વની સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ પ્રબોધ્યો. ‘સમયદ્વીપ’માં ભગવતીકુમાર શર્માએ સાંસ્કૃતિક સંઘર્ષ તો આલેખ્યો પણ સમન્વય આલેખ્યો નથી. અહીં નવલકથાને અંતે ભારતીય સંસ્કૃતિ - સંસ્કારને મનોમન - સાચા અંતઃકરણથી સ્વીકારતો નીલકંઠ શું પામે છે?મનોસંઘર્ષની વ્યથા?એકલતા?હતાશા - છિન્નભિન્ન જિન્દગી?કે સ્વપ્નતંદ્રામાં અથડાતી મનોરુણ અવસ્થા?
સર્જકનું ધ્યેય અહીં માત્ર સમસ્યા, સંઘર્ષ, મૂંઝવણ, મથામણ, કરુણતા આલેખવાનું છે. કોઈ સમાધાન, સમન્વયનું જીવનદર્શન દર્શાવવાનું નથી જ. ડૉ. પ્રમોદકુમાર પટેલે યોગ્ય સૂચવ્યું છે : “સરસ્વતીચંદ્ર’ પછી આપણી બહુ થોડી નવલકથાઓએ આપણા સામાજિક સાંસ્કૃતિક પરિવેશને આટલી સઘનતાથી રજૂ કરી છે.” (‘ગુજરાતી કથાવિશ્વ’–પૃ.૧૪૮)
જો કે ભગવતીકુમાર શર્મા પણ નવલકથાના પ્રાક્કથનને અંતે કેફિયતરૂપે કહે છે : “ઘરમાંથી બહાર નીકળતી વખતે હજી ઇષ્ટદેવની છબી તરફ લગભગ અચૂક આંખ મંડાઈ જાય છે. મૂંઝવણ - અશાંતિને પ્રસંગે તેનું સ્મરણ પણ થાય છે, પણ મંદિરમાં જવાનું ભાગ્યે જ બને છે અને ગયા પછી મનને ઝાઝું સમાધાન મળતું નથી.”
રેશમી-ઊની વસ્ત્રો અને પિત્તળ – પાષાણની ઝાંખી મૂર્તિઓ, સંધ્યા - પૂજા, મંત્રોચ્ચાર અને તુલસી દુર્વા - બીલીપત્રમાં વસતો મનાતો ધર્મ ઘસાતો જતો હોય એમ લાગે છે, અને તે સાથે જ શ્રદ્ધાઓ, મૂલ્યો, નિષ્ઠાઓ તથા વિશ્વાસોનો એક પ્રલંબ સમયખંડ પણ ભારેસલ્લ શિલાની જેમ બ્રહ્માંડના અસ્તિત્વના જલધિને તળિયે બેસતો જતો હોય એવો અનુભવ થઈ રહ્યો છે. વ્યતીત સમયના બધાં જ મૂલ્યોને અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી, તો નવા સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓ સાથે પણ હજીસહમત થઈ શકાતું નથી, આને જ કદાચ સંક્રાંતિ કહેતા હશે લોકો. દ્વિધાના દ્વીપ ઉપર ઊભા રહી અંતિમ પ્રતીતિની નૌકા દૂર-સુદૂરની ક્ષિતિજેથી ધીમે ધીમે દ્રષ્ટિમર્યાદામાં ઊપસશે એવી આશાએ પ્રતીક્ષા લંબાતી રહે છે. પણ કોઈ પ્રતીતિ અંતિમ હોઈ શકે ખરી ?”
“આવી બધી પ્રશ્નમાલાઓમાંથી ‘સમયદ્વીપ’ સરજાઈ છે.” (પૃ. ૪ અને ૫)
આ નવલકથાના નાયક નીલકંઠની દ્વિધાઓ, આંતરવેદનાઓ એ સર્જકની પણ છે. સંસ્કૃતિ - સંઘર્ષની આ નવલકથામાં નાયક નીલકંઠને ભારતીય સંસ્કૃતિના બ્રાહ્મણ સંસ્કારો ગળથૂથીમાં મળ્યાં છે. પિતા શિવશંકર પુરોહિત સુરા નામના નાનકડા ગામમાં વિરક્તેશ્વર મહાદેવના મંદિરના પૂજારી છે. સુરા ગામ પણ જૂના વિચારો – કર્મકાંડ અને રૂઢિમાં જકડાયેલું છે, ત્યાં નીલકંઠે પોતાના બાળપણ અને કિશોરાવસ્થા વિતાવ્યાં છે. માતા ગૌરીબાએ પણ પોતે પતિપરાયણ, ધર્મપરાયણ અને સેવાપરાયણ હોઈ, બાળક નીલકંઠમાં બ્રાહ્મણ સંસ્કાર સંચિત કરવામાં કોઈ કચાશ રાખી નથી. આમ, મૂળભૂત બ્રાહ્મણ સંસ્કારોથી ઘડાયેલું નીલકંઠનું માનસ જ્યારે તે ભણીને નોકરી અર્થે મુંબઈમાં વસે છે ત્યારે બૌદ્ધિકતા તેનામાં પ્રશ્નો સર્જેછે. જેના કોઈ સમાધાન, ઉકેલ તેની પાસે નથી. એની બૌદ્ધિકતા તેના મૂળ સંસ્કારોને પ્રશ્નો કરે છે.
મહાનગરમાં આવી સ્થાયી થયેલા નીલકંઠનો અતીત બ્રાહ્મણ સંસ્કાર, માતા-પિતા કુટુંબ - સુરા ગામની રૂઢિચુસ્તતા, ધાર્મિક પરંપરાઓથી અભિભૂત છે. શ્રદ્ધા, આસ્થા, પૂજા - અર્ચના – આરતી - આશકા – મંત્રોચ્ચાર, ક્રિયા - કર્મકાંડ, વિરક્તેશ્વર મહાદેવનું પ્રાંગણ, ગર્ભાગાર, બીલીવૃક્ષ વગેરે નીલકંઠના મનોજગતમાં રૂઢ સંસ્કારોરૂપે સંચિત છે.
અને તે મહાનગર - મુંબઈના મેટ્રોપોલિટન કલ્ચરમાં નોકરી માટે આવે છે અને સુરા ગામથી બિલકુલ વિરુદ્ધ પરિવેશમાં અનુકૂળ થવાનો તે પ્રયત્નકરે છે. ભણતર - અભ્યાસે તેને બૌદ્ધિક બનાવ્યો. હવે તેને પોતાના મૂળ સંસ્કારો માટે પ્રશ્ન થાય છે. તેની શ્રદ્ધા - આસ્થા માટે હવે તેને સમસ્યા જન્મે છે. મુંબઈની ચમકદમક, ભૌતિકવાદ, ધન-સુખ-સંપત્તિની લાલસાની પાછળ આંધળી દોટમાં તે પણ જોડાય છે. એલિટ વર્ગની, અત્યંત મૉડર્ન, સ્વાતંત્ર્યવાદી, નારીવાદી નારીમુક્તિની ચાહક એવી નારી - નીરાના એપ્રેમમાં પડે છે. બંનેનો પ્રેમ પરિણયમાં પરિણમે છે. મુંબઈની ભૌતિકવાદી રંગીન, ઝાકઝમાળ, બૌદ્ધિક આચાર-વિચાર ધરાવતી સૃષ્ટિમાં બનેલા અનુકૂલન સાધી લે છે. એમ ને એમ દશેક વર્ષ વીતી જાય છે, પરંતુ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સર્જાયેલો કૌટુમ્બિક સંઘર્ષ, બંનેની જિંદગી બદલી નાંખે છે. આ તો સર્જકેનીલકંઠના વર્તમાનના માત્ર બાર-ચૌદ કલાક જ આલેખ્યાં છે. પણ તેમાં દ્વિધાના દ્વીપ પર ઊભેલો એકલો, શૂન્યાવકાશની ગર્તામાં ધકેલાઈ ગયેલો વેદના-વ્યથાગ્રસ્ત નીલકંઠ તીવ્ર મનોસંઘર્ષ અનુભવે છે. જેનું સર્જક વર્તમાન – અતીતના સમયખંડકના પરસ્પર વિરોધમાં નિરૂપણ કર્યું છે.
સર્જકને અહીં મનોસંઘર્ષ આલેખવો છે. પ્રાક્કથનમાં આગળ નોંધ્યું છે તેમ, સર્જકની જેમ નીલકંઠ પણ “દ્વિધાના દ્વીપ” પર ઊભો છે. નવી જૂની જીવનરીતિ અને શ્રદ્ધા - અશ્રદ્ધા વચ્ચે તે ઝોલા ખાય છે... આ આંતરિક સંઘર્ષની વ્યથાકથા સર્જકે આલેખી છે. એટલે જ અહીં સમસ્યા છે, સમાધાન નથી, સંસ્કૃતિ - સંઘર્ષ છે, સમન્વય નથી.
નવલકથાના અંત ભાગમાં દ્વિઘાના દ્વીપ ઉપર ઊભેલો નીલકંઠ પોતાની જાતને પોતાના મૂળભૂત સ્થાયી સંસ્કારોને ઓળખે છે, તે નીરાને પોતાની આંતરિક સંવેદનાઓ વિશે કહે છે. બાળપણથી જ જૂની જીવનરીતિનું વાતાવરણ નિલકંઠની આસપાસ વીંટળાયેલું રહેતું. પછી એ એકરૂપતા ઘટતા જતાં, અનેક પ્રશ્નો, શંકાઓ ઊભાં થતાં થયાં. “X XX સવારથી ઊઠીને, રાત્રે સૂતાં સુધીનાં પ્રત્યેક કાર્યમાં ધર્મનો પ્રવેશ અનિવાર્ય હતો – આ ન ખવાય.આ ન પીવાય.આને ન અડકી શકાય. સુતરાઉ કપડા પહેરીને જ જમાય. ચોટલી રાખવી જ પડે, લોટમાં પાણી પડે એટલે એ એંઠો થઈ જાય... આખો દિવસ હાથ ધોયા કરવાના અને સ્નાન કરવાનું, જડતાનું એક ચક્ર મારી આસપાસ દિવસ-રાત ઘૂમે છે એમ મને લાગતું.” (પૃ. ૮૭)
નીલકંઠના ચિત્તને સુરા ગામના જીવનની ઘણી વ્યર્થતાઓ અને માણસને થીજાવી દે એવી જડતા ચકરાવે ચઢાવે છે, તો તેનું અસંપ્રજ્ઞાત ચિત્ત આ ‘જૂના’ સંસ્કારોની કેટલીક સચ્ચાઈઓ વિશે પણ ઢંઢોળે છે. સભાન કરે છે.
“મારા બાપુનું જીવન મારી નજર સામે ઘણી વાર તરવરી ઊઠે છે. એમણે આખી જિંદગી આ જર્જરિત મંદિર પાછળ વિતાવી દીધી–કશા જદુન્યવી સ્વાર્થ વગર ! આવી નિઃસ્વાર્થતા, આવું નિરપેક્ષ સમર્પણ.. હું કરી શકું ખરો?” (પૃ. ૮૮) નીલકંઠને પિતાની આ સિન્સિયારિટી વ્યર્થ લાગે છે, પણ જ્યારે તેને નીરા - સાથેની જિંદગીની અર્થશૂન્યતાનો ખ્યાલ આવે છે ત્યારે પિતાની સિન્સિયારિટી અર્થપૂર્ણ જણાય છે. એને સુરા ગામના જીવનની સ્થગિતતામાં પણ નિરપેક્ષતા વર્તાય છે, સંતોષની સ્વસ્થતા તે અનુભવે છે, જ્યારે શહેરીજીવનની ઝાંઝવા પાછળની દોડ, શૂન્યતાથી સભર અનેક અપેક્ષાઓથી એને પ્રેરાયેલી લાગે છે. નિલકંઠને પાગલ પતિની પાછળ ખુંવાર થતી જયાભાભી જેવી સ્ત્રીની જિંદગીમાં સાચા જીવનનો અર્થ સમજાય છે.
નીલકંઠના મનોજગતનો આલેખ અહીં અનુભવાય છે. પહેલાં નીલકંઠના બ્રાહ્મણ સંસ્કારોનું સિંચન, પછી શહેરીજીવન જીવતા નીલકંઠને મૂળ સંસ્કાર માટે ઊભા થતાં પ્રશ્નો અને પછી દંભી મહાનગરના જીવનની વ્યર્થતા, નિરર્થકતાને અનુભૂત કર્યા પછી નીલકંઠના મનોવિશ્વમાં સર્જાયેલો તુમુલ સંઘર્ષ...આમ, બ્રાહ્મણ સંસ્કારઘડતર પછી બૌદ્ધિકતાને કારણે પાશ્ચાત્ય સંસ્કૃતિ સંસ્કારોને પ્રભાવે સર્જાયેલા પ્રશ્નો અને અંતે વળી ભારતીય સંસ્કૃતિસંસ્કારનું મહાત્મય! – આમ નીલકંઠના મનોજગતનો આલેખ આલેખાયેલો છે.
વળી નીલકંઠ પોતાના આ સંઘર્ષની વ્યથા મિત્ર ડૉ. સમીર આગળ પણ વ્યક્ત કરે છે : “બે જીવનપદ્ધતિઓ વચ્ચેનો આ સંઘર્ષ છે. હું એ બેની વચ્ચે છું. - ત્રિશંકુની જેમ. મેં પથ્થરની જડ મૂર્તિ પર નિરપેક્ષ ભાવે ન્યોછાવર કરાતી જિંદગી પણ જોઈ છે અને સેટર્નપના ધક્કાથી ચન્દ્રની ધરતી પર પગ મૂકતાં માણસ વિશે પણ હું ઘણું જાણું છું. હું બેમાંથી એકેય તરફથી મોઢુંફેરવી લઈ શકું તેમ નથી. મને તો સમર્પણ સુધી પહોંચતી શ્રદ્ધાયે ગમે છે અને વૈજ્ઞાનિક પૃથ્થકરણને જ સ્વીકારતી અશ્રદ્ધાને પણ હું માન્ય રાખું છું. XXX હું... હું સંક્રાંતિકાળનું સર્જન છું, સમીર !આઈ... આઈ... જસ્ટ કાન્ટ ડિસાઈડ વોટ ટુ ડુ..” (પૃ. ૧૦૮)
એ નીરાને પણ પોતાની વ્યથા કહે છે : “એ જ તો મુશ્કેલી છે. હું બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગયો છું. નીરા ! એક તરફે શ્રદ્ધાનું આકાશ,બીજી તરફ અશ્રદ્ધાનું પાતાળ !” (પૃ. ૯૬)


આમ, સમગ્ર નવલકથામાં સંસ્કૃતિ સંઘર્ષ, નાયકની વ્યથા વેદનાનેપરાકાષ્ઠાએ પહોંચાડે છે અને નવલકથાને અંતે કોઈ સમાધાન, ઉકેલ નીલકંઠને પ્રાપ્ત થતો નથી. માત્ર ભારતીય સંસ્કારોના મૂલ્યમાં થોડુંક આશ્વાસન પ્રાપ્ત થાય છે. કૃતિને અંતે ત્રણ સ્વપ્નો જોતાં નીલકંઠનું અસંપ્રજ્ઞાત ચિત્ત તીવ્ર સંઘર્ષ - વ્યથા અનુભવે છે. પિતાના મૃત્યુના સમાચાર - પ્રગાઢ નિઃસ્તબ્ધતા સર્જેછે, અને એ નિઃસ્તબ્ધતા ધીમે ધીમે વિક્ષિપ્ત થઈ રહી હતી કે શું? X XX શૈશવકાળથી એ શબ્દ એને પરિચિત હતા ! . XXX એ મૃત્યુંજય મંત્રના આવર્તનોથી નિલકંઠનું બહિરંતર ઘેરાઈ ગયું. હજારો સ્ત્રી-પુરુષોના કંઠ એના રોમરોમમાં સમાઈ ગયા હતા. એનું અસ્તિત્વ જ એક અનાહત નાદમાં પરિવર્તન પામ્યું હતું.” (પૃ. ૧૨૬)
આમ, “સમયદ્વીપ” - જૂની નવી જીવનશૈલી, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિ - સંઘર્ષની કથાની પરાકાષ્ઠાએ નીરા - નીલકંઠનું દાંપત્યજીવન ભાંગી પડે છે. નીલકંઠનું જીવન શીર્ણવિશીર્ણ અને વિષાદગ્રસ્ત બની જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં દ્વિધાના દ્વીપ ઉપર ઊભેલા નાયકને તેના સ્વ-અસ્તિત્વમાં પ્રગટતા મૃત્યુંજય મંત્રના આવર્તનો અને એનો આનાહત નાદ જ કંઈ સાંત્વના આપી શકે છે.
કથન, વર્ણન, સંવાદની રચનારીતિ :
નીલકંઠના આંતરિક સૂક્ષ્મ મનોભાવોને વ્યક્ત કરતી ‘સમયદ્વીપ’ નવલકથા ડૉ. પ્રમોદકુમાર પટેલે નોંધ લીધી છે તેમ, “કથન-વર્ણનના સ્તરેથી નાની મોટી અસંખ્ય વિગતો કલ્પન, પ્રતીકની સમૃદ્ધિ અને સામર્થ્ય પ્રગટ કરે છે.” (પૃ. ૧૪૩)
નીલકંઠના દિવસભરના અનુભવોના ચિત્રાત્મક આલેખનમાં સર્જકની દ્રશ્યાત્મક નિરૂપણરીતિની કલા પ્રતીત થાય છે. અતીત - સાંપ્રતના સમયખંડનું વિભાજન પણ નીલકંઠના મનોસંઘર્ષને કલાત્મક અભિવ્યક્તિ આપે છે.


જ્યાં જ્યાં નીલકંઠનો માનસિક સંઘર્ષ આલેખાયેલો છે, ત્યાં વર્ણનોમાંય ક્યાંક વિરોધની સ્થિતિ તો ક્યાંક સ્થિતિનેJuxtaposeકરીને સર્જકે વિશિષ્ટ રીતિએ નાયકના મનોવ્યાપારની અભિવ્યક્તિ સાધી છે. જેમ કે - એકાકી, નિરાશ નીલકંઠ ઈરાની હોટલમાં ચા પીવા જાય છે ત્યારે માર્ગ પર મનોમન નીરાને અનુભવતા નીલકંઠનું વર્ણન (પૃ. ૨૭) આસ્વાદ્ય બને છે.


તેવી રીતે નીલકંઠની ઑફિસના વાતાવરણનું અને એડવર્ટાઈઝિંગના ગોઠવાયેલા સેટ્સ, સ્પોટલાઈટ્સ વગેરેનું વર્ણન મહાનગરીની આભાસીચમકદમક અને મિથ્યા પોકળ જીવનપદ્ધતિના સૂચક બને છે.


સુરા ગામમાં, નીલકંઠની સ્વગોક્તિના કથન વર્ણનમાં નાયકનાં મૂળભૂત બ્રાહ્મણ સંસ્કાર સ્ફુટથાય છે અને તેની સામે નીરા તેના આ સંસ્કાર જોતાં અનુભવતાં તીવ્રતમ ગતિએ નીલકંઠથી વિમુખ થતી રહે છે, સર્જકે અહીં એ સમગ્ર માનસિક ગતિ-વિધિને પ્રત્યક્ષ કરી છે.


મુંબઈમાં, નીરા સાથેના વિચ્છેદથી વિષાદગ્રસ્ત નીલકંઠની - હાર્કનેસ રોડના દરિયાકિનારાની મુલાકાતના વર્ણનમાં પ્રગટતો નાયકનો અતીત અને નીરા સાથેના સાંનિધ્યની સુખદ ક્ષણોના વર્ણનમાં નાયકની વિખૂટાં પડવાની વ્યથા વિરોધમાં તાદ્રશ થાય છે.
સુરા ગામની અવાવરુ વાવનાં વર્ણનની સ્વાભાવોક્તિની ચમત્કૃતિ હૃદયસ્પર્શી બની રહે છે. “રિક્ત વાવની ચારે બાજુએ તેણે એક નજર ફેરવી લીધી – સુકાઈ ગયેલો જળપ્રવાહ, નાળિયેરનાં ખાલી કાચલાં, તૂટી ગયેલાં માટીનાં કોડિયાં, કંકુના ઓઘરાળા, કરોળિયાનાં ઘટ્ટ જાળાં, કીડીઓનાં દર, ખરી પડેલી દીવાલોના પોપડા, ખંડિત પગથિયાં, માળામાં પાંખો ફફડાવતી ચકલીઓ, છાણાંના પોદળા, હવામાં ઘોળાતી દુર્ગધ, માથા પરથી પસાર થઈ જતાં ચામાચીડિયાં, શબ્દોના ચાળા પાડતા પ્રતિધ્વનિઓ, દીવાલો પર છાણાં થાપી પેટિયું રળતી કોક ખેડૂત સ્ત્રીના અડવા હાથની જાડી કળા, પાણીને અભાવે કૂંડાળાને બદલે કર્કશ ધ્વનિ સર્જતો પથ્થરનો પછડાટ, આંબલી કપાઈ ગઈ હતી..!” (પૃ. ૪૪)
સુરા ગામમાં પુરાતન વાવનો નીરાને પરિચય કરાવતો નીલકંઠ બાળપણનેય સાંભરે છે. આધુનિક વિચાર ધરાવતી નીરા ભલે તેને “નોસ્ટેલ્જિક કેફ” કહી ઉતારી પાડે પણ આ જ મૂળ સંસ્કારો નીલકંઠના છે... એના અસંપ્રજ્ઞાત ચિત્તને ઘેરી વળેલી એ‘અવાવરું વાવ’નીલકંઠના સ્વપ્નમાં પણ આવે છે : “સુરા ગામની પેલી ચિરપરિચિત વાવમાં એ જઈ ચઢ્યો હતો. સાવ એકલો જ. સાંજ ઢળી ગઈ હતી. વાવમાં તો નિબિડ અંધારું હતું. તૂટેલા પગથિયાં ઊતરતાં તે વારંવાર સમતુલા ગુમાવતો હતો. એના બંને પગ છાણથી ખરડાઈ ચૂક્યાં હતા. અચાનક એના માથા સાથે કશુંક ભટકાયું. એ ચમકી ગયો. એ પછી પાંખોનો ફફડાટ કાને પડ્યો. એને સમજાયું - એ કોઈક ભૂલું પડેલું ચામાચીડિયું હતું...' (પૃ. ૧૨૩)


આ‘અવાવરું વાવ’ના બંને વર્ણનો એક વાસ્તવિક અને બીજુંસ્વપ્નતંદ્રામાં – એકસાથે તપાસીએ તો નીલકંઠના અસંપ્રજ્ઞાત મનની સાથે તેની વિષાદગ્રસ્ત મન:સ્થિતિનો સ્પષ્ટ ચિતાર સાંપડે છે. બંને વર્ણનોના વિભિન્ન રીતે થયેલાં વિનિયોગથી એ માત્ર વર્ણન ન બની રહેતા નવલકથાનો કલાત્મક અંશ બની રહે છે.
આવું જ મનહર, મનભર વર્ણન પૂ. પ૭ પર પણ આસ્વાદવા મળે... નીલકંઠનું ઘર અને મંદિરના વર્ણનમાં બ્રાહ્મણિયા સંસ્કારની વકરી ગયેલી નકરી વાસ્તવિકતા ઊપસી આવે છે. ભારતીય સંસ્કારનાં જૂનાં મૂલ્યોનો નગ્ન વાસ્તવ અહીં પ્રત્યક્ષ થાય છે. “ઘર અને મંદિર વચ્ચે માત્ર એક વાડાનું જ અંતર હતું. વાડામાં એક તરફ રસોડાનાં ધુમાડાથી કાળી પડી ગયેલી, ભાંગેલી ઇંટોવાળી દીવાલ પડતી હતી, જેની ધારે ધારે આડાઅવળા ઊગી નીકળેલા થોડાંક છોડનાં પાંદડાં ધૂળથી મેલાં પડી ગયાં હતાં. એની આસપાસ મચ્છરો બણબણતા હતાં... XXX વાડો પૂરો થતાં જ મંદિરનું પ્રાંગણ શરૂ થઈ જતું આરસનો ઠેકઠેકાણેથી તૂટી ગયેલો ચોક, ... X X X દ્વારપાળની ઘાટ વિનાની પ્રતિમા, જમણી તરફ હનુમાનના ગોખલા .... XX X એક ખૂણામાં જૂનું, કાળું પડી ગયેલું, ફાટેલું નગારું, અંદર ગર્ભદ્વાર અને એમાં ઘેરા અંધકારમાં એક કૂડી જેવું. એમાં વિરક્તેશ્વર મહાદેવનું કાળું મધ્યમ કદનું લિંગ” (પૃ. ૫૭, ૫૮)
નીરાને, આ મંદિરમાં નીલકંઠ કેવો લાગતો હતો?બે પરસ્પર ભિન્ન વર્ણનની ચમત્કૃતિ જોઈએ : “ચુસ્ત પેન્ટ, પોઈન્ટેડ શૂઝ, કાબરચીતરું બુશશર્ટ, બીટલ ટાઇપના વાળ, લાંબા થોભિયા, હાથમાં જલતી સિગારેટ, ગેલોર્ડ કે ઉજાલા નટરાજમાં એસ્પ્રેસો કોફી પીતો, બીરયાની કે એગ – કરી ખાતો, સાર્ત્ર,નિજો, કામૂ અને ફ્રોઈડની ચર્ચા કરતો, ઇટાલિયન ચેકોસ્લોવાક કે જાપાનીઝ ફિલ્મોની આર્ટસેન્સની સમીક્ષા કરતો, નીલ આ ધૂળિયા ગામડાના જીર્ણ મંદિરના અંધકારસભર ગર્ભાગારમાં ઓગળી ગયો હતો, પેલા બીલીવૃક્ષના મ્લાન પાંદડાઓમાં કીડીની હારમાં જોડાઈને, હરતો ફરતો હતો, પથ્થરના પોઠિયા પર માખી બની બણબણતો હતો, પિત્તળનો જડ ઘંટ બની રણક્યા કરતો હતો, જળાધારીમાંથી બુંદુબુંદે ટપકતો હતો, ધૂપસળીની અસ્તવ્યસ્ત ધૂમસેરોમાં ગૂંચવાઈ જતો હતો.” (પૃ. ૫૯ - ૬૦)
આ વર્ણનમાં શહેરી નીલકંઠ અને સુરા ગામમાં તેના બ્રાહ્મણ સંસ્કારો વચ્ચેના વિરોધનું તાદ્રશ ચિત્રણ મળે છે. આવાં અનેક સ-રસ, વ્યંજનાસભર, ચમત્કૃતિપૂર્ણ કથન – વર્ણનોથી‘સમયદ્વીપ’નવલકથા કલાકીય આકારધારણ કરે છે અને એમાં સર્જકની સર્જકતાનું મહાત્મયછે.
‘સમયદ્વીપ’નવલકથાના સંવાદો કથાવસ્તુને સુગ્રથિત કરનારા, પાત્રોચિત, પ્રસંગોચિત જણાય છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો પણ યથાયોગ્ય વિનિયોગ સર્જકે કર્યો છે.
નવલકથા સંસ્કૃતિ-સંઘર્ષની કથા છે, તેથી જ્યાં તીવ્ર સંઘર્ષ કે પરાકાષ્ઠાનો સંઘર્ષ આલેખાયો છે, ત્યાં સંવાદો પણ તેવા જ અસરકારક યોજાયા છે; આવા સંવાદો પાત્રના બાહ્ય - આંતરિક વ્યક્તિત્વને પ્રગટ કરનારા બની રહે છે. અને જેવાં પાત્રના મનોસંઘર્ષનું નિરૂપણ છે, ત્યાં પણ કથન, વર્ણનને સ્થાને નાનકડા પણ ચોટદાર સંવાદથી સર્જક ધારેલું નિશાન તાકે છે :
નવલકથાના આરંભના જ બીજા ખંડકમાં સર્જકે સંવાદ યોજ્યો છે : જેને રાધેશ્યામ શર્મા સમગ્ર નવલકથાના સબળ પ્રભાવક પ્રતીક તરીકેઓળખાવે છે.


“ઠાકોરજીનો દીવો આમ ફૂંક મારીને ન ઓલવાય હો દીકરા !”
‘કેમ બા?’
‘પાપ લાગે.’
‘તો પછી દીવો ઓલવવો શી રીતે?’
‘હાથની હળવી ઝાપટ મારીને.’
‘તો પાપ ન લાગે?’
‘ના’.
‘ફૂંક મારવામાં શું પાપ?’
‘આપણો અજીઠો શ્વાસ કાંઈ ભગવાનના દીવાને અડકાડાય?અતીતના આ ખંડકમાં નીલકંઠના બાળપણની સ્મૃતિ સર્જકે આલેખી છે પણ આ ફૂંક, મારવાની ક્રિયા-પ્રક્રિયા સમગ્ર નવલકથામાં ત્રણ વાર આવે છે. અને એ અત્યંત સૂચક બને છે. સંવાદ‘પ્રતીક’ પણ બની શકે તેનું અહીં દ્રષ્ટાંત પ્રાપ્ત થાય.


નીરા-નીલકંઠના સંવાદોમાં નીરાના અત્યંત આધુનિક વિચારો પ્રગટ થાય છે. તે પાશ્ચાત્ય સંસ્કૃતિને ચાહનારી, સ્વતંત્ર વિચાર ધરાવતી સ્ત્રી હોવાનું તેના સંવાદોમાંથી સ્ફુટથાય છે.


‘કયો ધર્મ?આ મેલાં અબોટિયાં અને જડ મૂર્તિઓમાં પુરાઈ રહેલો?’
‘ના, એ અબોટિયાં અને મૂર્તિઓ તો પ્રતીક છે.’
‘શેના પ્રતીક?’
‘સંયમભર્યા, સાદા, નિષ્ઠાપૂર્ણ જીવનના.’
‘ભલે, પણ તેથી આપણે આપણાconvictions બદલવાની સગવડપૂર્વક એમને ગૌણ બનાવવાની શી જરૂર?વૈજ્ઞાનિક પૃથક્કરણની દ્રઢ થયેલી મારી બુદ્ધિનું માર્ગદર્શન જ હું સ્વીકારીશ.” (પૃ. ૯૫)


જ્યાં જ્યાં સંઘર્ષમય ઘટનાઓ નવલકથામાં નિરૂપાઈ છે, ત્યાં જે સંવાદો યોજાયા છે તેમાં નીલકંઠની ભારતીય સંસ્કૃતિ સંસ્કાર પ્રત્યેની પ્રીતિ, અને નીરાના વિદ્રોહની તથા પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રત્યેની તેની પ્રીતિ આપોઆપ પ્રગટ થાય છે.
એ જ રીતે નીલકંઠના મનોસંઘર્ષનો બીજા ધ્રુવ - દ્વીપ જેવા શિવશંકર સાથેના સંવાદોમાં દ્રઢતા, બ્રાહ્મણ હોવાનું અભિમાન અને ગુરુગ્રંથિ સ્ફુટ થાય છે : પહેલી વાર નીરા - નીલકંઠ ગૃહપ્રવેશ કરે છે ત્યારના સંવાદ જોઈએ “કોણ નાનો?નીલકંઠ?તું ક્યારે આવ્યો?”
‘હમણાં જ બાપુ!’
‘ઠીક’
X XX
‘એ અબ્રાહ્મણ છે ને?’
X XX
‘એની સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરજો.’શિવશંકરના સ્વરમાં દ્રઢતા તરી આવી.
‘પણ બાપુ’ - નીલકંઠ કશીક દલીલ કરવા ગયો.
‘અને નાના, તારે દેહશુદ્ધિ કરવી પડશે : તે પછી જ તું અમારી પંક્તિમાં બેસીને જમી શકશે. તેં ગોત્ર બહાર તો ઠીક, જાતિ બહાર લગ્ન કર્યું છે આજે મેં તને અને તારી વહુને આ ઘરમાં પગ મૂકવાદીધો છે એઅમારી નિર્બળતા છે.” (પૃ. ૩૪)


શિવશંકરના ઘણાં ઓછા પણ યથાયોગ્ય અસરકારક સંવાદો આલેખવામાં લેખકની તટસ્થતા, સંયમ નોંધપાત્ર બને છે. નવલકથાનાઅંતમાં નીરાથી રસોઈ અડકાઈ જાય છે ત્યારે?માત્ર થોડાક જ શબ્દોમાં અફર નિર્ણય તેઓ જાહેર કરે છે : “અને નાના!”નીલકંઠે ચમકીને એમની તરફ જોયું, ‘તું અને નાની વહુ આજે જ મુંબઈ ચાલ્યાં જાઓ - હા, તમારે જવાનું છે, ‘પણ-’ગૌરીબા વચમાં બોલવા ગયાં.


‘મેં કહ્યું તે સાંભળ્યું ને?’શિવશંકરનો અવાજ સ્હેજ ઊંચકાયો અને તેઓ ઊભા થઈ ગયા.” (પૃ. ૧૧૧)


આવા તો અનેક સંવાદો પાત્રને, કથાને ગતિ આપનારા, તેમને વિકસાવનારા તથા સંઘર્ષને પરાકાષ્ઠાએ લઈ જનારા બની રહે છે : અને તે આસ્વાદનો વિષય બને છે.


“સમયદ્વીપ”નો પરિવેશ:


‘સમયદ્વીપ’નવલકથા સંસ્કૃતિ - સંઘર્ષની વ્યથા-કથા છે. નવા - જૂનાં જીવનમૂલ્યોનો તીવ્ર સંઘર્ષ નવલકથાનો પ્રધાન – વિષય છે. સુરાનું ગ્રામજીવન અને મુંબઈ - મહાનગરનું આધુનિક જીવન – એ બે ભિન્ન ભિન્ન જીવનશૈલીના બે સમયખંડ અહીં સર્જકે આલેખ્યાં છે. નાયક નીલકંઠના અતીત અને વર્તમાનના ખંડકોમાં સંઘર્ષકથા વિકસે છે. એટલે સ્વાભાવિક રીતે સમગ્ર નવલકથાનો પરિવેશ પણ બે ભિન્ન ભિન્ન - પરસ્પરવિરોધી સ્થિતિઓમાં જ સર્જાતો રહે !
“સમયદ્વીપ” નવલકથાના વર્તમાન સમયના જે ખંડકો છે, તેમાં મહાનગર મુંબઈનું આધુનિક જીવનશૈલીનું વાતાવરણ સર્જાય છે. મુંબઈની ભાગદોડ, હાંફતાં – દોડતાં વાહનો, એકલતા, હતાશ – નિરાશ લોકોની દંભી, પોકળ જિંદગીની ચમકદમક; પાશ્ચાત્ય જીવનશૈલીથી વકરેલી જાતીય વૃત્તિથી પીડાતાં શહેરીજનો... વગેરેનું આલેખન સર્જકે નીલકંઠના પાત્રની આસપાસ કર્યું છે. નીલકંઠના સાંપ્રત સાથે જોડાયેલાં પાત્રો પણ વાંવા જ છે શહેરીજનો ! મહાનગરની વિભીષિકાથી ગ્રસ્ત ચહેરા વિનાના માનવીઓ ! નીલકંઠ જ્યાં નોકરી કરે છે તે ઑફિસ એડવર્ટાઈઝિંગ કંપનીની છે. આ જાહેરાત બનાવતી કંપની પણ એક પ્રતીક બની રહે છે, જ્યાં સત્ય કરતાં મિથ્યા જીવનને જ લાઈટ્સ, સેઈડ્સ વગેરેથી સજાવીને રજૂ કરવામાં આવે છે. લોકોને આકર્ષવા‘જે નથી’ તેનો આભાસ સર્જવામાં આવે છે. શહેરીજીવનની વાસ્તવિકતા પણ એવી જ છે ને?આ કંપનીની અજબરંગી દુનિયા, અને તેનું વાતાવરણ મહાનગરનું કલ્ચર – ‘મેટ્રોપોલિટન કલ્ચર’-નું પ્રતિનિધિત્વ કરે છે.


મૅનેજર મિ. કુલકર્ણી, આસિસ્ટન્ટ મૅનેજર મિ. દલાલ, ટાઈપિસ્ટ ગર્લ રોમા સંઘવી, રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો, મૉડેલ ગર્લ રૂપાલી બેનરજી અને નીલકંઠનો મિત્ર ડૉ. સમીર - વગેરે પાત્રો અલગ - અલગ માનસ ધરાવતાં. પોતાની રીતે મહાનગરમાં અનૂકૂલન સાધીને જીવન જીવનારાં છે. નીલકંઠની આસપાસ આ પાત્રો મેટ્રોપોલિટન કલ્ચરના વાતાવરણનું વર્તુળ રચે છે, જેમાંથી ઉદ્દભવેછે - આધુનિક પાશ્ચાત્ય જીવનનો એક દ્વીપ ! નીરાનું પાત્ર સૌથી વધુ આ મહાનગરીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે નીલકંઠના મનોસંઘર્ષનું પ્રધાન કારણ પણ બની રહે છે.
આમ, મુંબઈમાં નીલકંઠનો ફલેટ, તેની આજુબાજુનો વિસ્તાર, નીલકંઠની ઑફિસ. તેની આસપાસના નગરનો વિસ્તાર, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, ગેટ-વે ઑફ ઇન્ડિયા, વર્લી વિસ્તારનો દરિયો. આ તમામ સ્થળવિશેષો મેટ્રોપોલિટન મહાનગરના વાતાવરણના દ્યોતક બને છે.
આ મેટ્રોપોલિટન કલ્ચરના પરિવેશની સાથે જ જન્મે છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સંસ્કારની સામે નાયકના મૂળભૂત ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનો સંઘર્ષ, નીલકંઠની ચેતનામાં સાંસ્કૃતિ કટોકટીનો સંઘર્ષ. કારણ ભણેલો નીલકંઠ વ્યવસાય અને ઉચ્ચતર શિક્ષણ માટે સુરા ગામને છોડીને મુંબઈમાં સ્થાયી થાય છે, વળી, નીરા સાથે પ્રેમ થતાં તેની સાથે લગ્ન કરી કાયમી વસવાટ કરવાની તૈયારી પણ તેની છે. એટલે તેણે જીવવું પડે છે આ જ મેટ્રોપોલિટન કલ્ચરમાં, મહાનગરની ભીડ અને ભીંસમાં તે પણ શહેરી જીવ થવા, અનુકૂલન સાધવા પ્રયાસ કરે છે. તેના મૂળભૂત બ્રાહ્મણ સંસ્કારને તે ત્યજે પણ છે. જેમ કે, જનોઈ ઉતારી નાંખે છે, એગ-કરી, આમલેટ ખાતો થાય છે, ઇરાની હોટલમાં ચા-નાસ્તો કરવા જાય છે, મહાનગરની ફેશન તે અપનાવે છે, - પોઈન્ટેડ બૂટ, ચૂસ્ત પેન્ટ, કાબરચીતરું બુશ શર્ટ, બીટલ ટાઈપના વાળ, લાંબા થોભિયા, હાથમાં જલતી સિગારેટ, ગેલોર્ડ કે ઉજાલા કે નટરાજમાં એસ્પ્રેસો કોફી પીવામાં એને ક્યાંય ખચકાટ થતો નથી. આ સમગ્ર પરિવેશને નીલકંઠની બુદ્ધિ સહજ સ્વીકારી લે છે. તેણે ફ્રેઈડ, સાર્ત્ર, નિજો, કામૂને પચાવ્યાં છે તેથી તેની બૌદ્ધિકતા આ સર્વનો સ્વીકાર તેની પાસે કરાવડાવે છે. આ જ બુદ્ધિ તેને જૂનાં મૂલ્યો અને ભારતીય સંસ્કારોમાં સંશય પણ જન્માવે છે, તેમ દાવાદલીલો પણ કરાવે છે... અને એમાંથીજ જન્મે છે, સાંસ્કૃતિક સંઘર્ષની કટોકટી ! જેનાથી તે વિષાદગ્રસ્ત અને એકલતાની ગર્તામાં ધકેલાઈ જાય છે.
નવલકથાની મૂળભૂત સમસ્યા - સંઘર્ષને ઉપકારક આ મહાનગરીય પરિવેશ સર્જવામાં સર્જક પૂરેપૂરા સફળ થયા છે. નાયકના વર્તમાન સમયખંડમાં આ મેટ્રોપોલિટન કલ્ચર વિકસે છે. વિલસે છે અને નવલકથાના રસને પ્રેરક, પ્રોત્સાહક બની રહે છે.
આ મહાનગરીય પરિવેશના વિરોધમાં, ગ્રામ-સંસ્કૃતિ - જીવનશૈલીનું આલેખન થયું છે. સુરા ગામ, ત્યાંના વિસ્તારો, તે સ્થળો સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓ, ગામના લોકો, તેમની જૂની જીવનપ્રણાલીઓ, રૂઢ રીતિરિવાજો, જડબંધનો માન્યતાઓ વગેરેના આલેખનથી નવલકથામાં પરિવેશ - સંઘર્ષ ઉદ્દભવેછે, જે નાયકના સાંસ્કૃતિક મનોસંઘર્ષનો બીજો મહત્વનો દ્વીપ બની રહે છે.
નવલકથામાં નાયક નીલકંઠના અતીતના સમયખંડ સાથે સંકળાયેલો આ ગ્રામ-પરિવેશ મહત્વની ભૂમિકા ભજવે છે. નાયકના વ્યક્તિત્વના મૂળભૂત સંસ્કારો આ ગ્રામ પરિવેશના છે.
નીલકંઠ, શિવશંકરનો પુત્ર છે, જે સુરા ગામના શિવાલયના પૂજારી છે. રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબના બ્રાહ્મણિયા સંસ્કારો નીલકંઠના લોહીમાં બાળપણથી વહે છે. ભારતીય સંસ્કૃતિની જૂની જીવનપ્રણાલીઓ, રૂઢ માન્યતાઓથી નીલકંઠનું માનસ ઘડાયું છે. તે ગમે એટલો ભણે, અભ્યાસ કરે, બૌદ્ધિક બને પણ આ પાયાના રૂઢ સંસ્કારોથી તે મુક્ત થઈ શકતો નથી અને થવાનો પણ નથી. નાયકના આ મનોસંઘર્ષના આલેખનને વધુ પ્રભાવક બનાવે છે સુરા ગામનો સમગ્ર પરિવેશ. નીલકંઠના મૂળભૂત સંસ્કારો ગ્રામજીવનના જૂના જીવનમૂલ્યોને આલેખીને સર્જકે સાંસ્કૃતિક કટોકટીની સમસ્યાને વધુ પ્રભાવક અને તીવ્રતર કરી છે.
સુરા ગામ, શિવશંકર, મહાદેવનું મંદિર, વારસામાં મળેલી પૂજા - અર્ચના, બ્રાહ્મણ પરિવાર, બ્રાહ્મણ સંસ્કારો, જૂની - પ્રાચીન પરંપરાના રીતરિવાજો, માન્યતાઓ, બંધનો, પિતા શિવશંકર અને માતા ગૌરીબાનું બ્રાહ્મણ સંસ્કાર સિંચિત વ્યક્તિત્વ. એટલું જ નહિ, ભાઈ-ભાભી, બાળકો જ માત્ર નહિ સમગ્ર સુરા ગામ આ બ્રાહ્મણ સંસ્કારોનું આગ્રહી છે. નીલકંઠનું સમગ્ર કુટુંબ સદીઓ જૂના આચારવિચાર, કર્મકાંડ અને શિવભક્તિમાં આસ્થાધરાવે છે. તેના પિતા જેનું નામ પણ શિવશંકર – બ્રાહ્મણ પરંપરાના જૂના રીત-રિવાજો મૂલ્યોને ચુસ્તપણે પાળે છે અને અન્યને તેનું પાલન કરવાનો હુકમ પણ કરે છે.
વિરક્તેશ્વર મહાદેવની પૂજા - અર્ચનામાં તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. માતા ગૌરીબા પણ પતિપરાયણ, સેવાપરાયણ, ધર્મપરાયણ બ્રાહ્મણ નારી છે. નીલકંઠને આ માતા-પિતાના સંસ્કારો વારસામાં મળ્યા છે. કુટુંબની વ્યવહારજડતા, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા અને પછાતપણું - નીલકંઠના વ્યક્તિત્વના સબળ પાસાં બને છે.
ગ્રામજીવન અને તેનો પરિવેશ સર્જવામાં આ ગામના પાત્રો ઉપકારક નીવડે છે. અહીં મંત્ર-તંત્રના અતિરેકમાં અર્ધપાગલ એવા નિલકંઠના સૌથી મોટા ભાઈ ચંદ્રકાન્ત છે, તેમની પત્ની જયાબહેન છે, શાસ્ત્રવિદ્ ગંગાશંકર છે, તો ભક્તિધન પ્રાણુભાઈ પણ છે જેઓ સનાતન ધર્મમાં આસ્થા રાખનારાં છે. આમ, લગભગ સમગ્ર સુરા ગામ બ્રાહ્મણ સંસ્કાર, જૂના જીવનમૂલ્યો અને પ્રાચીન જીવનપરંપરાનું પ્રતિનિધિત્વ કરીને, નવલકથામાં ગ્રામ - સંસ્કૃતિનો પરિવેશ સર્જે છે.
આમ, સમગ્ર નવલકથામાં નાયકના સાંપ્રત સમયખંડમાં મુંબઈ - મહાનગરનો અને અતીત સમયખંડમાં સુરા ગામ – ગ્રામજીવનનો પરિવેશ સર્જાયો છે. આ બે પરસ્પર વિરોધી વાતાવરણ પણ નીલકંઠના મનોસંઘર્ષનુંદ્યોતકબની રહે છે, વળી નાયકના ચિત્તમાં સર્જાયેલા સંસ્કૃતિ - સંસ્કારના સંઘર્ષને ગતિપ્રેરક, ઉપકારક બનીને વિષાદકથા જન્માવે છે. સર્જકે આ બંને પરિવેશનાં વર્ણનો પણ આકર્ષક ચમત્કૃતિપૂર્ણ અને નવલકથાકલાને સહાયક નીવડે તેવા આલેખ્યાં છે:ક્યારેક આ વર્ણનો ભાવકના ચિત્તમાં ચિત્ર સર્જે છે, ક્યારેક અદ્દભુતચમત્કૃતિ સાધી આનંદિત કરે છે, પણ નવલકથાકલાને ઉપકારક યથાયોગ્ય વર્ણનો નવલકથાના વાતાવરણને અનુકૂળ બની રહ્યાં છે, તેમાં સર્જકની સત્વશીલ કથાલેખનની વિશેષતા પ્રતીત થાય.
આમ, સમગ્ર સંઘર્ષપ્રધાન નવલકથાનું વાતાવરણ નીલકંઠના મનોસંઘર્ષને ગતિ આપનાર અને ઉપકારક બને છે. અહીં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી પ્રભાવક પરિવેશ સર્જાય છે, તો મહાનગર – મુંબઈના પાશ્ચાત્ય સંસ્કૃતિ - સંસ્કારોથી પ્રભાવક વાતાવરણ પણ ખડું થાય છે. આ બંને પરસ્પર વિરોધી વાતાવરણમાં સર્જાય છે સંસ્કૃતિ – સંઘર્ષની વ્યથાકથા; જૂની-નવીજીવનશૈલીના સંઘર્ષની કથા; ગ્રામ અને શહેરની ભિન્ન ભિન્ન જીવનરીતિના સંઘર્ષની કથા; જેનો વિષાદગ્રસ્ત, વેદનાગ્રસ્ત નાયક છે નીલકંઠ સુરા ગામમાં નીલકંઠના ઘર અને મંદિરનું વર્ણન, ગામને છેડેની અવાવરું વાવનું વર્ણન, શિવજીના મંદિરમાં ગર્ભાગારમાં થતી પૂજા-આરતીનું વર્ણન, શ્ર્લોકો-મંત્રોના ધ્વનિ-પ્રતિધ્વનિઓ, નીલકંઠની બાળપણની સ્મૃતિઓનાં વર્ણનો – વગેરે નવલકથામાં નીલકંઠને સંસ્કાર મળેલાં વાતાવરણને સ્ફુટકરનારાં બની રહે છે. અતીત - સાંપ્રતના ખંડકોમાં વિભાજિત, પરસ્પરવિરોધી આ પરિવેશ નાયકની જેમ ભાવકના ચિત્તમાં પણ સંઘર્ષ જન્માવે છે. સંસ્કૃતિ – સંસ્કારની મનોવ્યથા નાયકની સાથે તે પણ અનુભૂત કરે છે, એટલે જ નવલકથાને અંતે પરમ આનંદની અનુભૂતિ ભાવકને થાય છે, જે આ કૃતિનું સૌથી પ્રબળ જમાપાસું છે.
શ્રી નટવરસિંહ પરમારે‘પ્રસ્તાવના’માં નવલકથામાં પરિણમતા તણાવનું કારણ નોંધ્યું છે, તેમાં પણ નવલકથાના આ પરિવેશનો સ્વીકાર કરાયો છે. “આ એકhuman situation છે એનું‘સમયદ્વીપ’માં સાચું કલારૂપ પામેલું આકલન, Probing એ કૃતિનેmetapysical પરિમાણ અર્પી રહે છે. અનાગતનો તનાવ અનુભવતા નીલકંઠથી ઉદ્દભવીને વિકસતાhappeningના લયમાં ઊપસી રહેતાં સીન, એસોસિયેશન્સ, ડાયલોગ, ઇમેજ, અતીત બનેલા સ્થૂળ પ્રસંગો, મનઃસ્થિતિ વગેરેમાં નીલકંઠ, નીરા, નીલકંઠના માતા, પિતા, ભાઈ, મિત્ર, એની સંનિધિમાં આવતી વસ્તી વગેરેનાreactions ની એક પેટર્ન રચાય છે. એ પેટર્નમાં જ નીલકંઠ, નીરા વગેરેનાં‘ચરિત્રો’ઊપસી જાય છે.” (પૃ. ૧૪)


વિશિષ્ટ ભાષાકર્મ :
“ચરિત્ર’ને પરિમાણ અર્પવામાં, happeningનાં ભિન્ન ભિન્ન સ્થળકાળમાં વિસ્તરી રહેતા લયનો સંઘાત રચવામાં લેખકનું ગદ્ય પણ એક મોટું કાર્યસાધક બની રહ્યું છે. પ્રસંગ, પરિસ્થિતિ, મનઃસ્થિતિ, ઇમેજ વગેરેને આપણેfeelકરી શકીએ એ રીતે આકાર આપતું એ ગદ્ય બળકટ કાઠું કાઢી રહે છે.” (પૃ. ૧૪)


શ્રી ભગવતીકુમાર શર્માને નવલકથાસર્જનક્ષેત્રે જે સંસિદ્ધિ હાંસલ થઈ છે તેનું શ્રેય નટવરસિંહ પરમાર સર્જકના ગદ્યસામર્થ્યને આપે છે. વ્યવસાયી નવલકથાકારોનીman made products જેવી લોકપ્રિયનવલકથા નહિ, પણ “ધરતીના પોપડાને ઉખેડીને ફૂટી નીકળતાં, ફૂટીને વિકસી રહેલાં વૃક્ષના જેવી એક‘natural’ રૂપનિર્મિતિ છે; productનહીં, પણ સર્જન બની રહે છે.” (પૃ. ૧૫)
સર્જકની ભાષાશૈલી કેવું અનોખું કામ કરી જાય છે તે‘સમયદ્વીપ’માં જોવા મળે છે. પ્રસંગોચિત, પાત્રોચિત, પરિવેશ, સંઘર્ષને ઉચિત ભાષાનો વિનિયોગ સર્જકે અહીં કર્યો છે. નીરા, નીલકંઠ, સમીર, મિસ પિન્ટો, રોમા સંઘવી, મિ. દલાલ આદિ મહાનગરના શહેરી સંસ્કૃતિ ધરાવતાં ભણેલાં ગણેલાં, બૌદ્ધિક પાત્રોની ભાષામાં અંગ્રેજી શબ્દો અને વાક્યો, અને શુદ્ધ શિષ્ટ ગુજરાતી ભાષાનો વિનિયોગ કર્યો છે. જેમ કે - મૃ. ૩૪ પર તો આખો નાનકડો ખંડ જ અંગ્રેજીમાં મુકાયેલો છે, જે નીલકંઠના મનોસંઘર્ષના સંદર્ભમાં સમયનું મહત્વ સૂચવે છે.
“The noise that time makes in passing by is very slight but sometimes you can hear it, Having not necessarily to be near it. Needing only the slightest effort to try” (પૃ. ૩૪) આ જ રીતે નીલકંઠ નીરાના પરસ્પરના અથવા તેમના ડૉ. સમીર સાથેના પાત્રોચિત સંવાદો, ચર્ચામાં અંગ્રેજી વાક્યોનો વિનિયોગ સહજ પરિવેશ ખડો કરી આપે છે. - (પૃ. ૪૬, ૪૭) તેમ મિ. દલાલ સાથેની નીલકંઠની વાતચીતમાં પણ અંગ્રેજી ભાષા-વિનિયોગ સાર્થક પુરવાર થાય છે. સુરા ગામમાં નીરા અને નીલકંઠની ઉગ્ર ચર્ચા મોટે ભાગે અંગ્રેજીમાં યોજાઈ છે. જેનાથી સંઘર્ષની પરાકાષ્ઠા ધ્વનિત થાય છે અને પાત્રોની મનોવ્યથા પણ સઘનતાથી વ્યંજિત થાય છે.
એની બરાબર સામે છેડે વિરોધમાં સંસ્કૃત શ્ર્લોકો, મંત્રોનો વિનિયોગ, સંસ્કૃતિ - સંઘર્ષને તીવ્ર બનાવે છે. આમ પણ આ નવલકથા સંસ્કૃતિ - સંઘર્ષની વ્યથાકથા છે. એટલે અંગ્રેજી ભાષાની સામે સંસ્કૃત ભાષાનો વિનિયોગ સર્જકે વિશિષ્ટ અને અનોખી રીતે કર્યો છે. એ જ આ નવલકથાકારની વિશિષ્ટતા છે ને ?


નવલકથાના આરંભે જ કૅલેન્ડરમાં તિથિ જોતા નીલકંઠને સંસ્કૃતમાં “मासोत्तमे मासे माध मासे कृष्ण पक्षे तिथि...” શબ્દો યાદ આવી જાય છે.
સુરા ગામ, શિવાલયની સાથે અને શિવશંકરના પાત્રને અનોખો પ્રવેશ કરાવતી વખતે“सारुप्यं तव पूजने...” આખો શ્ર્લોક ‘મંત્રલહરી’નો પ્રયોજાયો છે. જેને કારણે શિવશંકરનું પ્રભાવશાળી, બ્રાહ્મણ વ્યક્તિત્વ સુપેરેપ્રગટ થાય છે. નીલકંઠની સ્મૃતિમાં ઝબકી જતા – “ગંગા સિન્ધુ, સરસ્વતી”...શ્ર્લોકો તેના બાળપણના સંસ્કારોના મૂળને સ્કુટ કરે છે.


સંસ્કૃત શ્ર્લોકનો વિનિયોગ સર્જકે શિવશંકરના વ્યક્તિત્વને પ્રગટ કરવા કર્યો છે, જે સાર્થક અને ચમત્કૃતિપૂર્ણ છે. (પૃ. ૯૯, ૧૧૮, ૧૨૪ અને ૧૨૫) નવલકથાને અંતે મૃત્યુંજય મંત્રનો ઉલ્લેખ નીલકંઠના મનોસંઘર્ષના સમાધાનરૂપે સર્જકે કર્યો છે.
આમ, અંગ્રેજી - સંસ્કૃત ભાષાનો વિનિયોગ સર્જકના ભાષાસામર્થ્યની સાથે કલાત્મક રજૂઆતકૌશલ સૂચવે છે. આ ગદ્યસમૃદ્ધિને કારણે જ નવલકથા કલાઘાટ પામે છે.
નવલકથાના કથન - વર્ણન - સંવાદોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, સ્વાભાવોક્તિ, દ્રષ્ટાંત વગેરે અલંકારો સાહજિકતાથી ગદ્યશૈલી સાથે જમ્યા છે. આથી જ આ અલંકારો ચમત્કૃતિજન્ય અને રોચક પ્રતીત થાય છે. કેટલીક વાર અલંકારો તો પ્રતીક બની આકર્ષક ચમત્કાર પ્રગટાવે છે. અવાવરું વાવના બે વારનાં વર્ણનોમાં એક બાળપણની સ્મૃતિમાં અને બીજી વાર સ્વપ્નમાં સ્વાભાવોક્તિ અલંકાર છે, પણ ડૉ. પ્રમોદકુમાર પટેલ ધ્યાન દોરે છે તેમ એ “સ્વાભાવોક્તિની ચમત્કૃતિ ભાવકને સ્પર્શે છે.” (પૃ. ૧૪૪, ૧૪૫)
અલંકાર પણ પ્રતીક - કલ્પન - પુરાકલ્પનની જેમ જ એક પ્રયુક્તિ છે, જે સર્જકની સર્જનપ્રક્રિયાની સાથે જ અવતરે છે. અહીં પણ સહજ, સ્વાભાવિક રીતે અલંકારો સ્ફુર્યાછે. કોઈ ઉપરથી લદાયેલા – Imposed - થયેલા નથી. આથી જ અલંકારો પ્રતીકની કક્ષાએ પહોંચે છે. અલંકાર વૈવિધ્યની વિશેષતાની સાથે ચમત્કૃતિજન્ય અને વ્યંજનાસભર સાહજિક અલંકારોનાં સર્જનની સિદ્ધિ પણ અહીં પ્રશંસનીય બની રહે છે. સમગ્ર નવલકથાની પ્રતીકાત્મકતા અભ્યાસવા માટે શ્રી રાધેશ્યામ શર્માનો અભ્યાસલેખ (પૃ. ૧૪૭ થી ૧૫૨) જોવો. તેમણે પણ વિભિન્ન પ્રતીકરચનાની વિશેષતા મર્યાદા ચર્ચા છે. જો કે, લેખકે ક્યાંક તો પ્રતીકો બોલકાં નિર્દેશ્યાં છે. મૂર્તિ કે અબોટિયા, અભિમાનનું પ્રતીક કૂતરો – એમ સ્પષ્ટ ઉલ્લેખ શા માટે?ક્યાંક કવેતાઈ લાલિત્ય નિરર્થક અને આગંતુક પ્રતીત થાય. દા.ત., ત્રણ સ્વપ્નો.
વળી, સર્જકે યોજેલા પાત્રોચિત લય, લહેકાઓ પણ ઉલ્લેખનીય છે- જેમ કે, જયાભાભી, ગૌરીબા, શાસ્ત્રવિદ્ ગંગાશંકર વગેરેના સંવાદોમાં લય-લહેકાઓ સાહજિક રીતે પ્રવેશ્યાં છે. દા.ત., જયાભાભીએ તીરછી નજરે સૂતેલી નીરાને જોઈને તરત જ પૂછ્યું : “ક્યારની?” “ગઈ કાલની” નીરાએ સરળ ભાવે જવાબ આપ્યો.
“હાય, હાય બા!” જયાભાભીના મુખમાંથી ચિત્કાર નીકળી પડ્યો. X X X
હાંફતા શબ્દોમાં કહ્યું : “બા... બા !... “X XX ગૌરીબાએ પૂછ્યું : “શું છે અલી વહુ?”... (પૃ. ૧૦૧)
અહીં રૂઢિચુસ્ત જડ વિચાર ધરાવતા અતિ સામાન્ય બૈરાની જેમ જયાભાભીને બોલતાં દર્શાવાયા છે, તેમાં તેમની માનસિક પુર્ણતાના અભાવનેય તાદ્રશ કરવામાં આવ્યો છે.
તેવી રીતે ગૌરીબાની પણ માનસિકતા તેમના લયલહેકામાં પ્રગટ થાય છે : “તે પૂછ આ, તારી મડમડીને ! ઘર બોળવા બેઠી છે તે...” X XX “પહેલાં હું પૂછું એનો જવાબ દે !તારે અમારું કુળ બોળવું છે?ગામ આખામાં અમારો ફજેતો કરાવવો છે ?અમારું નાક કપાવવું છે ?” X X X “આ વેણીશંકર પુરોહિતની પેઢીનું ખોરડું છે. અહીં આવા ભખળેલવેડા ન ચાલે. તું ભલે રહી મુંબઈની મડમડી; અમને શા સારું પાપમાં નાંખવા અહીં આવી છે?” – ગૌરીબાનાં આ આગઝરતાં વિધાનોમાં રૂઢિચુસ્ત સામાન્ય બ્રાહ્મણ સ્ત્રી પ્રત્યક્ષ થાય છે.


નવલકથામાં - રૂઢિપ્રયોગો - કહેવતો - “જીવતેજીવત ગરદન મારવાં”, “કુળ બોળવું”, “ફજેતો”, “ભખળેલી”, જેવા સુરતી લહેકાના શબ્દપ્રયોગો સંઘર્ષને ઉચિત પરિવેશ પણ સર્જે છે.


“સાત પેઢીની આબરૂ પર પાણી ફરવું”, “જીવતેજીવત ગરદન મારવાં”, “ફજેતો કરાવવો”, “કુળ બોળવું”, “પેટનાં પેટ જોઈને”, “કરમ ફૂટવાં”, “તબિયતને ઝાટકા આવવા” જેવા પ્રયોગો રૂઢિચુસ્ત ગામડાનાં ગુજરાતી બ્રાહ્મણ કુટુંબના પરિવેશને યોગ્ય છે.
સમગ્ર નવલકથામાં ગ્રામજીવન અને મહાનગર - જીવન સામસામે સંઘર્ષમાં મુકાયેલા હોવાને કારણે પાત્રો પણ સુરા ગામના અને મુંબઈના એમ બે વિરોધી છેડે વિકસે છે, તેમ તેમની ભાષા પણ પરસ્પર વિરોધમાં ભિન્ન ભિન્ન સીમાઓઓમાં વિસ્તરી રહે છે. સર્જકની ભાષા સમૃદ્ધિ નવલકથાનેઉપકારક ગતિપ્રેરક અને સાહજિક પ્રગટ થઈ હોવાથી પ્રશંસનીય બની રહેછે.
આધુનિક અને પરંપરા બંને નવલકથાનાં લક્ષણો ધરાવતી આ નવલકથામાં પ્રતીક, કલ્પના પણ ચમત્કૃતિ સર્જે તેવાં છે તેમ પાત્રનાં માનસિક સંચલનોને પરાકાષ્ઠાએ પ્રતીકાત્મક રીતિએ વ્યંજિત કર્યા છે. તો સુરતી લોકબોલીના લય, લહેકાઓ, સ્ત્રીસહજ વાકછટાઓ, પાત્રના ભાવને અનુરૂપ ભાષા – સંવાદો નવલકથાને વિશિષ્ટ અને આગવું વાતાવરણ બક્ષે છે. એટલે સર્જકે કોઈ પણ પ્રકારનો છોછ રાખ્યા વિના, આધુનિક અને પરંપરાનો સુમેળ સાધીને નવલકથાકલાને ઉપકારક એવાં ભાષાપ્રયોગો કર્યા છે. સર્જકની નજર સામે અનુભૂતિને અભિવ્યક્તિ આપવાનું ધ્યેય પ્રથમ છે. તેથી સુસ્પષ્ટ, સુદ્રઢ, સુગ્રથિત સંયોજનકલાથી પોતાનાં ભાવ-સંચલનો પરાકાષ્ઠાએ અભિવ્યંજિત કર્યા છે. સર્જક નવલકથાનું સુગ્રથિત, સુવિકસિત, સુદ્રઢ, કલાસ્વરૂપ ભાવક સમક્ષ રજૂ કર્યું છે. સફળ નવલકથાકાર તરીકે ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થયા છે તે નવલત્રયીને કારણે - “સમયદ્વીપ”, “ઊર્ધ્વમૂલ” અને “અસૂર્યલોક” – તેમાં તન્વીશ્યામા “સમયદ્વીપ”નું સૌન્દર્ય અનુપમ અને વિશેષ આનંદદાયક પ્રતીત થાય.
***



0 comments


Leave comment