6 - સમયનો લય / સમયદ્વીપ / પ્રસ્તાવના / નટવરસિંહ પરમાર


   સમયના વર્તમાન બિંદુએથી દીવાલ પર લટકતા કેલેન્ડરમાં ત્રણ-ચાર દિવસ પછી આવનારી મહાશિવરાત્રિનો નિર્દેશ કરતી તિથિના આંકડા પર દષ્ટિ સ્થિર થતાં નીલકંઠને ચિત્તમાં ઊપસી જતા અદમ્ય તનાવથી સમયદ્વીપના happeningનો લય આરંભ પામેલો છે. આરંભ પામેલો એ લય, નીલકંઠના અનાગતને સહેજ-સહજ રીતે સ્પર્શી, વર્તમાનની ધરી પર નીલકંઠના phenomenological universeમાં ગતિ કરતો, એ ગતિની ધારથી એના ચિત્તમાં થીજી ગયેલા અતીતના વિવિધ સ્તરોને ખોતરી ખોતરીને ઓગાળતો, એનાં ત્રણ સ્વપ્નો અને તેની પડછે એના પિતાના અવસાનના તારસંદેશથી સ્તબ્ધ થતો, એના સ્મૃતિગત પેલા મૃત્યુંજય મંત્રના એના ચિત્તમાં સળવળી ઊઠતાં આવર્તનોમાં વિરામ પામી જાય છે.

   સમયના બાહ્ય પરિમાણમાં વિકસતો એ લય સમયનાં આંતરપરિમાણોના વિવિધ સ્તરોને આલોકિત કરી, સમયનાં એ આંતરબાહ્ય પરિમાણોને સમાંતર રાખતો, દોઢવતો, ભિન્ન-વિભિન્ન ગતિ ધારણ કરતો રહે છે એ સમગ્ર પ્રક્રિયામાં ‘સમયદ્વીપ’નું structure ઊપસવા પામે છે. સમયના એક બિંદુએ નીલકંઠનું થીજી ગયેલું real self છે. સમયના એ બિંદુએથી વિકસતા વર્તમાનની ધરી પર નીલકંઠનું phenomenological universe ઊભું છે. એમાં છે નીરા વિનાનું ધબકાર ખોઈ બેઠેલું ઘર, નીલકંઠના મહેશભાઈ– પગારવધારો અને કેઝયુઅલ લીવની વાતો કરતા, રોજ સવારે ૪૫ મિનિટ સુધી સંધ્યા કરતા, દર સોમવારે એકટાણું કરતા, શ્રાવણ મહિનામાં રોજ સાંજે ભુલેશ્વર જઈ બીલીપત્ર ચડાવી આવવાનો નિયમ રાખતા, પોતાનાં જુદાં જુદાં સંતાનોના નામે લોટરીની ટિકિટો ખરીદી તેના ડ્રો થવાના દિવસોએ ભારે ઉશ્કેરાટમાં રહેતા મુંબઈવાસી મહેશભાઈ, હૉટેલનો ઈરાની, એડવર્ટાઇઝિંગ એજન્સીની ઑફિસ, મૅનેજર કુલકર્ણી, કેબ્રેડાન્સની કારકિર્દી અપનાવવાને મહિના પછી ઑફિસ છોડવાનો નિર્ણય કરતી રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિન્ટો, સાંજે સાડાચાર વાગ્યા સુધી આંખમાં વફાદારી ઉમટાવતી, કશીક સમસ્યાના ઑઠે દિવસમાં ત્રણચાર વાર નીલકંઠ પાસે આવી જતી, સાડા-ચાર પછી આંખમાંથી વફાદારી ઓગાળી નાખી, ચહેરો સજાવી ફોન પર જતી અને પછી નીકળીને ફિરોઝ નિકમ સાથે રેસ્ટોરાંમાં ઘૂમતી નીલકંઠની મદદનીશ મિસિસ રોમા સંઘવી, સ્મગલિંગના બિઝનેસમાં કેરિયર તરીકે કામ રળાવી આપવાને નીલકંઠને પ્રલોભતા આસિસ્ટંટ મેનેજર દલાલ, જાહેરાતોના લેઆઉટ્સ, ઝડપી જિંદગી જીવી નાખવા મથતો એનો મિત્ર સમીર. આ વ્યકિતઓ ‘સમયદ્વીપ’નાં ‘ચરિત્રો’ નથી, એ સર્વ ‘ચરિત્ર'ની કોટિ પામે એવો નવલકથાકારનો આશય પણ નથી. એ સર્વ સ્થળકાળનાં ભિન્ન ભિન્ન બાહ્ય બિંદુએ નીલકંઠની આસપાસ ઊપસતી વસ્તી છે, presentation selvesની વસ્તી છે, personalities નહીં. એ વસ્તુદ્રવમાં જ ‘સમયદ્વીપ' નું local રચાયું છે. એ local માં નીલકંઠનું પણ presentation self જ શ્વસે છે, શ્વસે છે માત્ર નીલકંઠના real self નો એની સાથેનો યોગ ઊખડી ગયો છે. અલબત્ત, આ local સામેના પ્રતિભાવોમાં નીલકંઠના self નાં અગોચર દલદલ પરિસ્ફુટ થતાં રહે છે. એ અંશોમાં જ નીલકંઠનું ‘ચરિત્ર' નિર્માણ પામતું રહે છે.

   સમયના બીજા બિંદુએ છે નીલકંઠનો અતીત, એના વર્તમાનમાં પડઘાયા કરતો અતીત. એ અતીતને ઉલેચતો happeningનો લય આંતરસમયમાં ગતિ કરતો રહે છે. એ લય પર ઊપસવા પામે છે નીરા–બ્રાહ્મણ નીલકંઠની અબ્રાહ્મણ પત્ની નીરા, કપાવેલા સોનેરી વાળની ખભા સુધી ઝૂલતી લટોવાળી, હોઠ પર લિપસ્ટિકના ઘેરા શેઈડવાળી, આંખોની ચીતરેલી ભમ્મરો અને ખૂણેથી કાજળની ખેંચાયેલી લકીરવાળી, ચુસ્ત કુર્તું અને પગની પિંડી સાથે ચપોચપ ભિડાયેલી સલ્વારવાળી, બેફામ હસતી, ક્રુદ્ધ શબ્દો ઉચ્ચારતી નીલકંઠથી આગળ ને આગળ ચાલતી નીરા, નીલકંઠને માટે કૂટપ્રશ્ન બની રહેતી નીરા, નીલકંઠનું વતન સુરા ગામ, ગામની સાંકડી શેરીની ધૂળ, વાવ, મંદિર, રૂઢ બ્રાહ્મણ સંસ્કારોમાં દૃઢ નિષ્ઠાવાળાં નીલકંઠનાં માતાપિતા, પાગલ ભાઈની ચીસો, એને સાચવતી ભાભી, પિતાના કંઠમાં ઘોષાતા મંત્રોચ્ચારો, પ્રાણુડોસા અને તેના ત્રણેક શાગિર્દો, ભજનો, શંકરના અવતાર જેવા ગણાતા નીલકંઠના પિતા, લગ્ન પછી ત્રણેક વર્ષે પણ પહેલી વાર વતન આવતાં નીરા- નીલકંઠ, નીલકંઠના બ્રાહ્મણ ઘરમાં સ્વીકાર નહીં પામેલી નીરા, એ સંસ્કારી ઘરમાં પોતાનો સંયોગ નહીં સાધી શકેલી વિદ્રોહી નીરા, પરિણામે ઊભો થતો સંસ્કારમૂલ્યનો સંઘર્ષ, સંઘર્ષ નિવારવાના નીલકંઠના વિફળ પ્રયત્નો અને સુરા છોડીને ચાલી નીકળતાં નીરા-નીલકંઠ, અને happeningનો લય સમયના એ બાહ્ય પરિમાણમાં નીલકંઠના વર્તમાનમાંથી નીરા ખોવાઈ ગઈ છે, પિતા અવસાન પામી ગયા છે, એ ઘટના પ્રતિ કશોય પ્રતિભાવ દાખવવા જેટલું એનું સંવેદનતંત્ર સજીવ રહ્યું નથી. ભાવાત્મક અપર્યાપ્તતા અને એક પ્રકારના unconcern નું ગ્રહણ એના અસ્તિત્વને વળગી ગયું છે. એની કોઈ ‘આજ' રહી નથી, કોઈ ‘કાલ’ રહી નથી, એની ‘આજ’ અને ‘કાલ' omnipresent time માં વિલય પામી ગઈ છે, એક સ્થિતિ બની ગઈ છે. એ સ્થિતિનો - સ્થિતિ બની ગયેલા સમયનો એક દ્વીપ બનીને ઊપસી ઊઠે છે. એ દ્વિપ પર સમયના omnipresence ના નાદનાં આવર્તનો ઊડ્યા કરે છે– ઊઠ્યા કરશે. નીલકંઠની હસ્તી પણ એ નાદનું એક આવર્તન માત્ર હતું.

   નીલકંઠ-નીરાનો સંયોગ તૂટી ગયો સંસ્કારમૂલ્યના સંઘર્ષના ખડક સાથે અથડાઈને. પરંતુ એ સંઘર્ષ ‘સમયદ્વીપ'ના happening ને ટકાવતી સ્થૂલ ઊભણી માત્ર છે. નવલકથાકારની creative eye નું focus એ સ્થૂલ ઊભણી પર મંડાયેલું નથી, એ મંડાયું છે એના metaphysical પરિપ્રેક્ષ્ય પર : નીલકંઠ એક સમયની product છે. એના મનોમય કોષનાં મૂળ એક tradition-બ્રાહ્મણ સંસ્કારની દૃઢ tradition માં ઊગવા પામ્યાં છે. એનું self એ traditionનું પરિમાણ છે. એ tradition સાથે એ અભિસંધાનિત-conditioned છે. ઠાકોરજીના દીવાને ફૂંક મારીને ન ઓલવાય, એમ કરીએ તો પાપ લાગે, અજીઠો શ્વાસ ભગવાનના દીવાને ન અડકાવાય (પૃ.૨૦), નવરાત્રિના દિવસોમાં માતાજીની સ્થાપના નજીક અખંડ બાળવો પડતો દીવો ઓલવાઈ ગયો તો એની બા ઢળી પડી, ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય એવું આક્રંદ કરી મૂક્યું (પૃ. ૨૫), હૉટેલમાં ચા પિવાય? (પૃ. ૨૬) વગેરે નીલકંઠના ચિત્તમાં દઢપણે વળગીને ઝળુંબતી વિગતો પેલા બ્રાહ્મણ સંસ્કારના રૂઢ આચાર સાથેના એના અભિસંધાનને છતું કરી રહે છે. પરંતુ, આ conditioned self નીલકંઠના સમગ્ર self નું એક પરિમાણ છે. એનો અભ્યાસ, અભ્યાસ-વ્યવસાય નિમિત્તે એણે સ્વીકારેલા મુંબઈવાસના પરિવેશમાં એના selfનું બીજું પરિમાણ નિર્માણ પામ્યું છે. મુંબઈના પરિવેશમાં આ ચુસ્ત બ્રાહ્મણ પેલા રૂઢ આચારને ત્યજી દે છે, અબ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરે છે. અદ્યતન ફિલસૂફીનાં પુસ્તકો વાંચે છે, શરાબ પીએ છે, જનોઈ કાઢી નાંખ્યું છે. મુંબઈના આ નિવાસ દરમ્યાન પેલા બ્રાહ્મણ-સંસ્કારના રૂઢાચારનાં મૂલ્યો એને નિરર્થક લાગે છે. પરંતુ મૂલ્યોની એને લાગેલી વ્યર્થતા intellectual સ્તરની જ રહે છે. પેલું સુરા ગામ, ગામની વાવ, મંદિરમાં શંકરની પૂજા કરતા રૂઢાચારદૃઢ પિતાના કંઠમાં ઘોષ કરતાં મંત્રોચ્ચારણો વગેરે સાથેનું એનું અભિસંધાન તૂટ્યું નથી. એ તૂટ્યા વિનાની મૂલ્યોની એને લાગતી વ્યર્થતા એક reaction બની રહે છે. પિતાના ઘરની આચારરૂઢિમાં નીરાને સમાધાન કરી લેવાનો એનો અનુરોધ, દેશશુદ્ધિનું એનું વર્તન એ reactions છે, self contradiction અને પિતા પ્રત્યેના attachment માંથી એ reactions સંભવે છે. નીલકંઠના પિતાના ઘરના રૂઢાચાર સાથે સમાધાન નહીં કરી શકતી નીરાનું વર્તન પણ reaction છે, બ્રાહ્મણસંસ્કારનાં મૂલ્યોનું એનું denial પણ reaction બની રહે છે, નીરા આધુનિક traditionનું પરિણામ છે. એનું અભિસંધાન જુદી ભોંયમાં થયું છે એટલું જ, બાકી એના denialમાં પણ એનું ભિન્ન રીતે નિર્માણ પામેલું conditoned self પ્રગટ થાય છે. નીલકંઠના પિતા પ્રતિ નીરાને હજી attachment સંભવ્યું નથી અને પોતાની individuality ના attachment માંથી એ મુકત નથી, પોતાની individuality ના વર્તુળમાં જ એ closed છે, પરિણામે denial, પતિના અનુરોધનો પણ પ્રતિકાર અને એટલે જ reaction બની રહે છે. બૌદ્ધિક સ્તરે રૂઢાચારની વ્યર્થતા જોતાં નીલકંઠને પિતા પ્રતિ attachment છે, પિતાના રૂઢાચારી સંસ્કારથી એ અભિસંધાનિત છે, તો નીરા પ્રતિ પણ એને attachment છે. એ રીતે એનું વર્તન પરિસ્થિતિના સમ્યક્ અવબોધમાંથી નહીં, પણ પોતાના selfનાં ભિન્ન ભિન્ન પરિમાણોના આંતરવિરોધમાંથી પ્રગટતું reaction બની રહે છે. એનાં માતાપિતાનો નીરાનો અસ્વીકાર પણ એક reaction છે, એમના રૂઢાચારી સંસ્કારની conformity માંથી સંભવતું reaction. આ રીતે નીલકંઠ, એના પિતા અને નીરા કોઈને કોઈ conformity ના framework માં થસે છે. પોતપોતાની conformity ને અતિક્રમી જવાની ગુંજાઈશનો અભાવ એમનામાં પોતાની જાત સાથે અને અન્ય સાથે સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત રીતે contradiction સર્જે છે. એ contradiction એ જ નીલકંઠ, નીરા અને એના પિતા વચ્ચેના સંયોગને disconnect કરી દીધો, નીલકંઠને સતત બોજ બની રહેતા એક તીક્ષ્ણ તનાવની સ્થિતિમાં મૂકી act કે react કરવાને અપર્યાપ્ત બનાવી દીધો. એનું અંતમાં પ્રગટ થતું unconcern આ તનાવનું પરિણામ છે. એ એક એવું પરિણામ છે કે તનાવને feel કરવાની એની પર્યાપ્તતાને પણ ઊતરડી નાંખે છે. આ એક human situation છે, actionમાં નહીં; reactionમાં રચાતું human situation છે. એનું ‘સમયદ્વીપ’માં સાચું કલારૂપ પામેલું આકલન, Probing એ કૃતિને metaphysical પરિમાણ અર્પી રહે છે. અનાગતનો તનાવ અનુભવતા નીલકંઠથી ઉદ્ભવીને વિકસતા happening ના લયમાં ઊપસી રહેતાં સીન, ઍસોસિયેશન્સ, ડાયલૉગ, ઇમેજ, અતીત બનેલા સ્થૂલ પ્રસંગો, મનઃસ્થિતિ વગેરેમાં નીલકંઠ, નીલકંઠનાં માતા, પિતા, ભાઈ, મિત્ર, એની સંનિધિમાં આવતી વસ્તી વગેરેનાં reactions ની એક પૅટર્ન રચાય છે. એ પેટર્નમાં જ નીલકંઠ, નીરા વગેરેનાં ‘ચરિત્રો' ઊપસી જાય છે. એમની નિર્મિતિમાં લેખકનો સ્વર લગભગ સર્વથા અનુપસ્થિત રહે છે. ઉપસ્થિતિ છે તે સ્વિચ ઓન કરી આપવા જેટલી જ. એઓ સ્વિચ ઑન કરે છે અને એક સીન, એક ઍસોસિયેશન, એક ઇમેજ ઉઘાડ પામતાં રહે છે, આલોકિત થતાં રહે છે. એ દ્યોતન જ નીલકંઠ, નીરા વગેરેને એક being અર્પે છે. અને એટલે જ એ નીલકંઠ, નીરા manmade products બની રહેવાને બદલે પ્રાકૃતિક વિશ્વમાં વિલસી રહેતાં objectsનું પરિમાણ ધારણ કરી રહે છે.

   ‘ચરિત્ર’ને એ પરિમાણ અર્પવામાં, happening ના ભિન્ન ભિન્ન સ્થળ-કાળમાં વિસ્તરી રહેતા લયનો સંઘાત રચવામાં લેખકનું ગદ્ય પણ એક મોટું કાર્યસાધક બળ બની રહ્યું છે. પ્રસંગ, પરિસ્થિતિ, મનઃસ્થિતિ, ઈમેજ વગેરેને આપણે feel કરી શકીએ એ રીતે આકાર આપતું એ ગદ્ય બળકટ કાઠું કાઢી રહે છે. નીલકંઠ-નીરા, નીલકંઠ-રોમા વગેરેનાં contradictions પ્રગટાવતું ગદ્ય ઉચિત રીતે એક પ્રકારની harshness ધારણ કરી લે છે, તો સુરા ગામ, એ ગામની વાવનાં, માતા-પિતાનાં, અતીત બનીને નીલકંઠના ચિત્તનો એક ભાગ બની રહેલાં ઍસોસિયેશન્સનાં વર્ણનકથનમાં એ ગદ્ય એક હૃદયસ્પર્શ ભાવાત્મક પરિમાણ ધારણ કરી લે છે, ગદ્યના તંગ લય પર જ નીલકંઠનો તનાવ સઘન બની ઊઠ્યો છે. લક્ષ્યને સિદ્ધ કરતા એ lucid, emotive, harsh ગદ્યનો મોટો ગુણ છે એની પર્યાપ્તતા. અને બીજી મહત્ત્વની હકીકત એ છે કે, લેખકની આ પહેલાંની કેટલીક અન્ય નવલકથાઓમાં નિરૂપાયેલા ગદ્યમાં જે મોં ભાંગી નાખે એવા કવિતાશાઈ આભાસી લાલિત્યની મર્યાદાને લેખકનું આ ગદ્ય અતિક્રમી ગયું છે. કલાકાર તરીકેની એ એક મોટી સિદ્ધિ ગણાય.

   એ સર્વના પરિણામે ‘સમયદ્વીપ', વ્યવસાયી નવલકથાકારોની manmade products જેવી popular નવલકથા નહીં, પણ ધરતીના પોપડાને ઉખેડીને ફૂટી નીકળતા, ફૂટીને વિકસી રહેતા વૃક્ષના જેવી એક natural રૂપનિર્મિતિ છે; product નહીં, સર્જન બની રહે છે. એ રૂપ-સર્જન એના લેખકની સર્ગશકિતનાં પરિપકવ કૌશલ તથા સર્જનાત્મક મૌલિકતાની પ્રતીતિ કરાવે છે. ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો' સુધીના આલેખમાં સમાવિષ્ટ નવલકથાઓનો વિચાર કરવાનું હવે જ્યારે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એમાં ‘સમયદ્વીપ’ની ગણના કરવાનું અનિવાર્ય બનશે.
* * * *


0 comments


Leave comment